જેમાં નુકસાની કરવાના હતા એ સિરિયલના ૪૨મા એપિસોડમાં અમે સરભર થઈ ગયા

13 March, 2023 06:20 PM IST  |  Mumbai | Sanjay Goradia

જો એ સમયે મીના ઘીવાલા અને જેડી મજીઠિયાએ મને હેલ્પ ન કરી હોત તો હું સિરિયલ પ્રોડક્શનનું ગણિત સમજી ન શક્યો હોત અને જો એ સમજાયું ન હોત તો ખરેખર મારે ઘર વેચવાનો વારો આવ્યો હોત

અમે ‘બા રિટાયર થાય છે’ નાટક ફરી ઓપન કર્યું ત્યારે અમે એ જ ઍડ વાપરી હતી જે પહેલી વાર નાટક કર્યું હતું એ સમયે વાપરી હતી.

એ દોડધામ અને ભાગમભાગીથી જેકંઈ શીખવા મળ્યું એના પરિણામસ્વરૂપે અમે ઇન્વેસ્ટ કરેલા પૈસા ‘મધુ ઇથે ચંદ્ર તિથે’ના માત્ર ૪૨ એપિસોડમાં રિકવર કરી લીધા, પણ અમારાં કમનસીબ, ચૅનલે ૪૪મા એપિસોડે સિરિયલ બંધ કરી દીધી!

અમારા પ્રોડક્શન-હાઉસ હાઉસફુલ એન્ટરટેઇનમેન્ટની સિરિયલ ‘મધુ ઇથે ચંદ્ર તિથે’નું શૂટિંગ શરૂ થયું અને ધીમે-ધીમે હું સેટ પર જવા માંડ્યો અને ત્યાં જઈને પ્રોડક્શનનાં કામ સમજવા લાગ્યો અને એ દરમ્યાન મને સ્પષ્ટ રીતે સમજાવા માંડ્યું કે અમે આ સિરિયલમાં કોઈ કમાણી નહીં કરીએ, અમે લૉસની દિશામાં ફુલ સ્પીડમાં આગળ વધી રહ્યા હતા. 

મારી હાલત બરાબરની કફોડી થઈ હતી. વિનયે સ્પષ્ટતા સાથે કહી દીધું હતું કે તે નુકસાનીમાં ક્યાંય ભાગીદાર નહીં રહે અને મેં તેને પ્રૉમિસ કરી દીધું હતું કે જો નુકસાની જાય તો એ બધી હું ભોગવીશ. મારું બ્લડપ્રેશર વધતું જતું હતું. હું જ્યાંથી પ્રોજેક્ટ જોતો હતો એમાં મને નુકસાની સિવાય હવે બીજું કંઈ દેખાતું નહોતું. કમનસીબે મને ટીવી-સિરિયલ પ્રોડક્શનનો એવો કોઈ અનુભવ હતો નહીં. અગાઉ મેં સિરિયલ અને ફિલ્મ પ્રોડક્શન કર્યું હતું, પણ એ વાતને ત્રણ-સાડાત્રણ દસકા વીતી ગયા હતા અને હવેનું કામ સાવ જુદી રીતે ચાલતું હતું. મને થયું કે મારે આ બાબતમાં જાતને તૈયાર કરવાની જરૂર છે અને એને માટે હું મીના ઘીવાલાને જઈને મળ્યો. 

મીના ઘીવાલાને મોટા ભાગના ગુજરાતીઓ ઓળખે છે છતાં તમને તેની ઓળખાણ આપી દઉં. ગુજરાતી ટીવી-સિરિયલ બનવાની શરૂ થઈ ત્યારથી મીના ઘીવાલા પ્રોડક્શનમાં છે. ‘સપનાનાં વાવેતર’ જેવી જબરદસ્ત હિટ થયેલી સિરિયલની ત્રણ પૈકીની એક પ્રોડ્યુસર તો એ પછી, પણ તેણે કલર્સ ગુજરાતી જ્યારે ઈટીવી હતું એ સમયે ‘છૂટાછેડા’ જેવી સુપરહિટ સિરિયલ બનાવી હતી.

મીનાને મળીને મેં તેની પાસેથી ઘણી વાતો જાણવા-સમજવાનો પ્રયત્ન કર્યો અને સાથોસાથ મેં તેની પાસેથી અમુક બજેટ્સ લીધાં. મીનાએ મને ખુલ્લા દિલે બધું શીખવ્યું. એ સમયે પણ મેં મીનાને કહ્યું હતું અને આજે, આ જાહેર પ્લૅટફૉર્મ પરથી પણ હું તેને થૅન્ક્સ કહેવા માગું છું. મીનાને મળતાં પહેલાં હું બીજા એક-બે જણને મળ્યો. મારે તેમનાં નામ નથી આપવાં, પણ એ લોકોએ બધી વાતો ગોળ-ગોળ કરી અને એ પછી મારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું, પણ મીનાએ એવું ક્યારેય કર્યું નહીં અને જ્યારે મને જરૂર પડી ત્યારે તેણે મને સહકાર આપ્યો અને પૂરા ખંતથી મને હેલ્પ કરવાની કોશિશ કરી.

પ્રોડક્શન વિશે બધું જાણવા-સમજવા માટે મેં જેડી મજીઠિયા સાથે પણ વાત કરી. જેડીને તમે ઓળખો જ છો એટલે તેની ઓળખ આપવાની મને જરૂર નથી લાગતી. જેડીએ પણ મને થોડીઘણી મદદ કરી અને જ્યાં સલાહની જરૂર હતી ત્યાં મને સલાહ આપવાની સાથોસાથ સાચી દિશા પણ દેખાડી. હા, જેડી બહુ વ્યસ્ત વ્યક્તિ. એ દિવસોમાં પણ જેડીની બેથી ત્રણ સિરિયલ ચાલતી હતી એટલે એ બધામાં પણ તેણે ધ્યાન આપવાનું હોય. પોતાના બિઝી શેડ્યુલ વચ્ચે પણ જેડી મજીઠિયાએ જરૂર પડી ત્યારે સાચું ગાઇડન્સ આપ્યું તો એ સિવાય એકાદ-બે પ્રોડક્શન મૅનેજરને પણ મળ્યો, તેમની સાથે પણ ઘણું ડિસ્કશન કર્યું અને આમ ધીમે-ધીમે હું ટીવી-સિરિયલની લાઇન વિશે શીખવા માંડ્યો.

એ દોડધામ અને ભાગમભાગીથી જેકંઈ શીખવા મળ્યું એના પરિણામસ્વરૂપે અમે ઇન્વેસ્ટ કરેલા પૈસા માત્ર ૪૨ એપિસોડમાં રિકવર કરી લીધા, પણ અમારાં નસીબ જુઓ તમે, ચૅનલે ૪૪મા એપિસોડે સિરિયલ બંધ કરી દીધી! જરા વિચારો કે જો એ સમયે મને ભવિષ્ય ભાખતાં ન ફાવ્યું હોત, હિસાબમાં થયેલા ગોટાળા કે ભૂલને જો પારખી ન શક્યો હોત તો અમારી હાલત શું થઈ હોત. અમે એવી નુકસાનીમાં અટવાયા હોત કે મારે મારાં ઘરબાર વેચવાનો વારો આવી ગયો હોત, પણ અમે બચી ગયા અને પ્રૉફિટના રસ્તે અમે ચડી ગયા, પણ સિરિયલ બંધ થઈ ગઈ એ અમારાં નસીબ. જો સિરિયલ લાંબી ચાલી હોત તો ચોક્કસપણે અમે સારા પૈસા કમાયા હોત, પણ સિરિયલ વહેલી બંધ થવાને કારણે અમે નો-લૉસ, નો-પ્રૉફિટ પર આવીને ઊભા રહ્યા. અલબત્ત, ઝી મરાઠીએ અમને પ્રૉમિસ આપ્યું કે અમે તમને ડેઇલી સોપ આપીશું અને મને થયું કે ચાલો હવે નવો ડેઇલી શો આપે જ છે તો ઠીક છે, આપણે એમાંથી પૈસા કમાઈ લઈશું.
બીજી વાત, મારી માનસિક તૈયારી પણ હતી કે ટીવી-સિરિયલના બિઝનેસમાં કંઈ હું રાતોરાત કે પછી ઇમિડિયેટલી ઇન્કમ કરવા માંડીશ એવું નથી. મારે તો આ લાઇનમાં કામ શીખતાં જવું હતું. મારી પાસે ઇન્કમનો મેઇન સોર્સ તો હતો જ, નાટક.

આપણે હવે જરા કૅલેન્ડરને જોઈએ.

૨૦૧૧ના વર્ષમાં અમે ૨૪જુલાઈએ ‘એક સાંવરિયો બીજો બાવરિયો’ રિલીઝ કર્યું અને એ પછી તરત જ હું સિરિયલમાં લાગી ગયો અને એ પછી અમારું સીધું નાટક ૨૩મી ઑક્ટોબરે રિલીઝ થયું, જે હતું ‘બા રિટાયર થાય છે’. વચ્ચેના ત્રણ મહિના એટલે કે ઑગસ્ટ, સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં કોઈ નાટક બન્યું જ નહીં, જ્યારે મારા માટે નાટક કરવું બહુ જરૂરી હતું. મેં તમને કહ્યું એમ, નાટક મારી આજીવિકા હતી, મારી રોજીરોટી હતી, પણ મિત્રો, આ ત્રણ મહિના દરમ્યાન મારી પાસે મારો ડિરેક્ટર વિપુલ મહેતા હાજર નહોતો. એ દિવસોમાં વિપુલ બીજું કોઈ નાટક કરતો હતો.

બન્યું એમાં એવું કે એક દિવસ આવીને વિપુલે મને કહ્યું કે પ્રોડ્યુસર ભરત નારાયણદાસ ઠક્કરે મને એક નાટક ઑફર કર્યું છે અને મારી ઇચ્છા છે કે હું એક બહારનું નાટક કરું. મેં કહ્યું કે તારી મરજી, પણ મારે તો નવું નાટક મૂકવાનું જ હતું એટલે મેં એના પર કામ ચાલુ કરી દીધું. વાત ખોટી પણ નહોતી. કોઈ એકને લીધે કંઈ પ્રોડક્શન અટકે કે બંધ થાય એવું તો બને નહીં. 
વિપુલની ગેરહાજરીમાં મારા મનમાં એક નાટક ઘૂમરાતું હતું, જે ગુજરાતી રંગભૂમિ પર બ્લૅન્ક ચેક સમાન હતું. એ નાટક એટલે ‘બા રિટાયર થાય છે’. મેં જઈને મારા એ સમયના પાર્ટનર-કમ-પ્રેઝન્ટર એવા કૌસ્તુભ ત્રિવેદીને વાત કરી.

‘આપણે ‘બા રિટાયર થાય છે’ રિવાઇવ કરીએ તો કેવું?’

મારે સ્વીકારવું રહ્યું કે ‘બા રિટાયર થાય છે’એ અમને હંમેશાં પૈસા કમાઈ આપ્યા છે. કૌસ્તુભ પણ તરત જ તૈયાર થઈ ગયો અને અમે નક્કી કર્યું કે દિવાળી પછી એ નાટક ઓપન કરીએ. આ નાટકનું સૂચન કરવા પાછળનું એક કારણ તમને મેં કહ્યું, એ નાટક બૉક્સ-ઑફિસ પર બ્લૅન્ક ચેક જેવું હતું તો બીજું અગત્યનું કારણ એ કે અગાઉ નાટકનું લીડ કૅરૅક્ટર કરનારાં પદ્‍મારાણી ત્યારે અવેલેબલ હતાં. પદ્‍માબહેનની લાઇફમાં પણ તેમનાં સૌથી ફેવરિટ નાટકોમાં જો કોઈ આવતું હોય તો ‘બા રિટાયર થાય છે’, મેં પદ્‍માબહેનને પૂછ્યું અને તેમણે તરત જ કહ્યું કે ‘જો સંજય, તું એ નાટક કરતો હોય તો મારે બીજું કોઈ નાટક નથી લેવું અને આમ કાસ્ટિંગમાં પદ્‍માબહેન મળ્યાં એટલે ‘બા રિટાયર થાય છે’ નાટક રીઓપન કરવાનો મારો મૂડ બની ગયો.
અમારા આ નાટકમાં બીજું કાસ્ટિંગ શું થયું અને એ પછી મેં ટીવી-સિરિયલ પ્રોડક્શનમાં નવું શું કર્યું એની વાતો હવે આપણે કરીશું આવતા સોમવારે.

જોક સમ્રાટ

આપણી ઇન્ટેલિજન્સ એજન્સી રૉમાં મહિલાઓનો સમાવેશ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને ઇન્ટરવ્યુ લેવાયા. જેમાં ફાઇનલી એક ગુજરાતી અને એક પંજાબી મહિલા વચ્ચે પસંદગી કરવાની વાત આવી.
અધિકારીએ પંજાબી મહિલાને પહેલાં બોલાવી અને તેના હાથમાં રિવૉલ્વર મૂકીને કહ્યું.
અધિકારી  : અંદર રૂમમાં તમારો હસબન્ડ છે, જાઓ જઈને તેને મારી નાખો.
પંજાબી મહિલા ધ્રૂજી ગઈ. તેણે ના પાડી દીધી અને તે રિજેક્ટ થઈ ગઈ.
હવે વારો આવ્યો ગુજરાતી મહિલાનો. અધિકારીએ ગુજરાતી મહિલાના હાથમાં રિવૉલ્વર મૂકી અને તેને એ જ કહ્યું જે પંજાબી મહિલાને કહ્યું હતું.
મહિલા રૂમમાં ગઈ અને જતાવેંત જ ફાયરિંગનો અવાજ આવ્યો અને એની બેચાર મિનિટ પછી અતિશય મારામારીનો અવાજ આવ્યો. 
પાંચ મિનિટ પછી પરસેવે રેબઝેબ મહિલા રૂમમાંથી બહાર આવી ગઈ.
મહિલા : પહેલાં કહેવાયને, રિવૉલ્વરમાં નકલી ગોળી છે. માથે રિવૉલ્વરનો કૂંદો મારી-મારીને હસબન્ડનું મર્ડર કરવામાં હું તો થાકી ગઈ...

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

Sanjay Goradia columnists