એંસીના દશકમાં વિષયોની દૃષ્ટિએ બોલ્ડ નાટકો બહુ બનતાં

26 March, 2019 12:45 PM IST  |  | સંજય ગોરાડિયા

એંસીના દશકમાં વિષયોની દૃષ્ટિએ બોલ્ડ નાટકો બહુ બનતાં

'રાફડા'ના ડિરેક્ટર દિનકાર જાની, જેમણે પછીથી 'શક્તિમાન' સિરીયલ ડિરેક્ટ કરી હતી

એક બાજુએ ગુજરાતી અને હિન્દી નાટકો જોવાનાં અને વચ્ચે-વચ્ચે એકાદું મરાઠી નાટક પણ જોઈ પાડવાનું. આ મારો એંસીના દશકના આરંભનો સિનારિયો હતો. નાટકો, નાટકો ને બસ, નાટકો. ‘છેલ અને છબો’માં ઍક્ટિંગ કરવાની અને સ્ટ્રીટપ્લે ‘ચોર ચોર પકડો પકડો’ના પણ શો કરતાં જવાના. આ રીતે મારી સફર આગળ વધી રહી હતી. આ દરમ્યાન જ લતેશ શાહે એક નાટક પ્રોડ્યુસ કયુર્ં, નાટકનું નામ હતું ‘રાફડા’. આ નાટકનું દિગ્દર્શન કયુર્ં હતું દિનકર જાનીએ. એ મૂળ અંગ્રેજી નાટક ‘વેરોનિકા’ઝ રૂમ’ પર આધારિત હતું.

‘રાફડા’માં મુખ્ય ચાર કળાકારો. ગિરેશ દેસાઈ, દેવયાની મહેતા, તીરથ વિદ્યાર્થી અને સુજાતા મહેતાં. લેખક હતા ઉત્તમ ગડા. આ નાટક હું તેજપાલ ઑડિટોરિયમમાં જોવા ગયો હતો. બે નવા નર્મિાતાઓએ પ્રોડ્યુસ કયુંર્ હતું. તેમનાં નામ પણ હજુ મને યાદ છે. કિરીટ મહેતા અને બિપિન મહેતા. આ નાટકના પ્રસ્તુતકર્તા લતેશ શાહ હતા. લતેશભાઈનું નાટક હોય એટલે આપણે ત્યાં જોવા પહોંચી જઈએ. સાચું કહું તો મને એ નાટક બહુ સમજાયું નહોતું. વિષય થોડો વિકૃત હતો. નાટકમાં ભાઈબહેનના સંબંધોની વાત હતી. જો હું ભૂલતો ન હોઉં તો સગાં ભાઈબહેન વચ્ચેના આડા સંબંધોની વાત એમાં કરવામાં આવી હતી. એ સમયે આ પ્રકારના વિષયો બહુ આવતા હતા, જેમાં ભાઈબહેનના સંબંધ, સાસુ-જમાઈના સંબંધ, સસરા-પુત્રવધૂના આડા સંબંધોની વાત કરવામાં આવતી હોય. સુરેશ રાજડા દિગ્દર્શિત ‘છિન્ન’માં સાસુ અને જમાઈના આડા સંબંધોની વાતો હતી. એ નાટકના મુખ્ય કલાકારોમાં સિદ્ધાર્થ રાંદેરિયા, તરલા મહેતા, નિકિતા શાહ અને જયંત શાહ હતાં. આજે તમે આવા વિષયો લઈને મેઇન સ્ટ્રીમના ઍક્ટરો પાસે જાવ તો એ નાટક કરવાની જ ના પાડી દે, પણ એ સમયે એવી કોઈ છોછ હતી નહીં અને લોકો પણ રસપૂર્વક આવાં નાટકો જોતાં. એ વખતે હિન્દી ફિલ્મો પિટ-ક્લાસ માટે બનતી, જે રિક્ષાવાળા, ટૅક્સીવાળા, પાટીવાળા લોકો જોવા જોતા, કારણ કે થિયેટરમાં એસી બરાબર ચાલતાં ન હોય, બાથરૂમ ગંદાં હોય, દુર્ગંધથી ફાટફાટ થતાં હોય, સીટ તૂટેલીફૂટેલી હોય. આને કારણે વાઇટ કૉલરના લોકો મૂવી જોવાનું ટાળતા. એ સમય હતો ઍક્શન ફિલ્મોનો એટલે એલિટ ક્લાસના ઑડિયન્સ બહુ પસંદ કરતાં નહીં. બીજી બાજુ શ્યામ બેનેગલ પૅરૅરલ સિનેમા બનાવતા, જે જોવા માટે વાઇટ કૉલર ક્લાસ પહોંચી જતો. ‘રીગલ’ અને ‘ઇરોઝ’માં સ્વચ્છતા અકબંધ હતી. બાથરૂમ પણ સાફ અને ચોખ્ખાં હતાં, પણ ત્યાં માત્ર ઇંગ્લિશ ફિલ્મો જ ચાલતી એટલે જે લોકોને ઇંગ્લિશ ફિલ્મો ન જોવી હોય એ આખો વર્ગ નાટક તરફ વળ્યો હતો. આવું થવાનું એક બીજું કારણ પણ હતું, કે નાટકોનું કથાવસ્તુ બહુ રસપ્રદ રીતે કહેવાતું અને એલિટ ક્લાસના વર્ગના મગજને ખોરાક મળી રહે એવી વાતો એમાં આવતી. આ ઉપરાંતનો બીજો ફાયદો એ હતો કે બધાં થિયેટર પ્રૉપર મેઇન્ટેઇન્ડ હતાં. ઍરકન્ડિશન બરાબર ચાલતું હોય, બાથરૂમ સ્વચ્છ હોય. જો એસીમાં કંઈ ગડબડ હોય તો ચાલુ નાટકે શો બંધ કરાવી શકતા હતા, કારણ કે લાઇવ-મીડિયમ હતું, પણ સિનેમામાં તો મૅનેજર જ હાજર હોય નહીં એટલે ફરિયાદ કોને કરવી.

તમને હું એ સમયની ટિકિટના ભાવ પણ કહું. એ સમયે સિનેમાની ટિકિટના ભાવ એક રૂપિયો પાંચ પૈસા, એક રૂપિયો પાંસઠ પૈસા, બે રૂપિયા વીસ પૈસા. હકીકતમાં ટિકિટના ભાવ હતા, એક-દોઢ અને બે રૂપિયા અને એની ઉપરના જે પૈસા હતા એ હતા બંગલાદેશ વૉરનો કર. આ બધા ભાવ પ્લેહાઉસ વિસ્તારના સિનેમાના જ્યાં મોટા ભાગે રી-રનની ફિલ્મો ચાલતી. રેગ્યુલર સિનેમા એટલે કે ‘નૉવેલ્ટી’, ‘અપ્સરા’, ‘મિનરવા’ જેવા સિનેમામાં ૨.૨૦ પૈસા, ૩.૩૦ પૈસા અને ૪.૪૦ પૈસા ટિકિટનો ભાવ હતો અને જો ખૂબ સારું પિક્ચર હોય તો ૫.૫૦ પૈસા સુધી ટિકિટનો ભાવ રહેતો. એની સામે નાટકની ટિકિટના ભાવની વાત કરુ તો નાટકમાં પાંચ પ્રકારની ટિકિટો હતી. ૩, ૬, ૯, ૧૨ અને ૧પ રૂપિયા. લોકોને સુવિધા મળતી અને કન્ટેન્ટ સારું મળતું એટલે તેમને નાટકની આ મોંઘી ટિકિટના પૈસા ખર્ચવામાં કોઈ વાંધો નહોતો. એ વખતે નાટક જોવાની ફૅશન હતી. લોકો નાટક જોયા બાદ પાર્ટીમાં કે કોઈ પ્રસંગમાં ગર્વભેર એ નાટકના કથાવસ્તુની ચર્ચા કરતા.

આ પણ વાંચોઃ વાત છેલ અને છબોના શો કરવાની તેમ જ કૅન્ટીન ચલાવવાની

એ વખતે સ્વતંત્ર નર્મિાતાઓ બહુ ઓછા હતા. મોટા ભાગે સંસ્થાઓ હતી. એક હતી ઇન્ડિયન નૅશનલ થિયેટર જેને આપણે આઇએનટીના નામે જાણીએ છીએ. આઇએનટીના સર્વેસર્વા હતા દામુ ઝવેરી. બીજી સંસ્થા હતી, નાટuસંપદા, જેના માલિક હતા કાન્તિ મડિયા. ત્રીજી હતી, બહુરૂપી, જેના માલિક હતા લાલુ શાહ. એ સિવાય જગદીશ શાહ, નવનીત શાહ, શિરીષ પટેલ જેવા નર્મિાતાઓ પણ હતા. આ બધામાં આઇએનટી એકમાત્ર ગવર્નમેન્ટ રેકગ્નાઇઝ સંસ્થા હતી, જેને ગવર્નમેન્ટ તરફથી ગ્રાન્ટ પણ મળતી. આઇએનટીના નેજા હેઠળ ગુજરાતી નાટકો ઉપરાંત નાટu શિક્ષણ, ગુજરાતી-મરાઠીમાં એકાંકી સ્પર્ધા, મરાઠીમાં નાટu નર્મિાણ અને એક પારસી વિંગ પણ હતી, જેમાં પારસી નાટકો થતાં. મિત્રો, એ વખતે પારસી નાટકો ધૂમ ચાલતાં. એ પારસી વિંગમાં મુખ્યત્વે દિન્યાર કૉન્ટ્રૉક્ટર, બરજોર પટેલ, રૂબી પટેલ, દાદી સરકારી, દોરાબ મહેતા વગેરે હતાં. એ પારસી વિંગમાંથી પ્રવીણ જોશીએ ઘણાંબધાં નાટકો ડિરેક્ટ કરેલાં. એમાંનું એક હતું ‘ઉગી ડહાપણની દાઢ’, જે ઓરિજિનલ ઇંગ્લિશ પ્લે ‘કેક્ટસ્ ફ્લાવર’ પર આધારિત હતું. મિત્રો, એ વખતે પારસી કોમ ખૂબ સધ્ધર હતી. પારસીઓ નાટકોના ખૂબ શોખીન. આજે તો આખી કોમ ઘસાઈ ગઈ છે. છતાં આજેય પતેતી અને નવરોઝના દિવસે ત્રણથી ચાર પારસી નાટકો અચૂક ભજવાય, જેમાં બધા જ પારસીઓ હોંશે-હોંશે નાટક જોવા આવે, પણ એ વખતે રેગ્યુલર પારસી નાટકો થતાં. એટલે સુધી કે પારસી કૉમ્યુનિટીની એકાંકી નાટuસ્પર્ધા પણ યોજાય. મેં એ સ્પર્ધા જોઈ છે, જેમાં એક નાટક હતું, દિનકર જાનીએ લખેલું ‘હું વલ્લભ નથી’, જે પારસી એકાંકીમાં ‘હું કાવસ નથી’ના નામે ભજવાયું હતું, જેના દિગ્દર્શક હતા હોમી વાડિયા. આ બધામાં પ્રવીણ જોશીએ એક પારસી નાટક કયુર્ં, જેનો કિસ્સો ગુજરાતી રંગભૂમિ પર ન ભૂતો, ન ભવિષ્યતિ જેવો છે, જેની વાત આવતા અંકે.


જોકસમ્રાટ

એક દારૂડિયો ઇવીએમની સામે ઘણા સમય સુધી મત આપ્યા વિના ઊભો હતો.
પોલિંગ ઑફિસર દારૂડિયા પાસે આવ્યો.
પોલિંગ ઓફિસર: ભાઈ, શું વિચારો છો? ઇવીએમનું બટન કેમ નથી દબાવતા?
દારુડિયો : હું કન્ફ્યુઝ છું, સાલ્લું રાત્રે દારૂ કઈ પાર્ટીએ પીવરાવ્યો એ યાદ નથી આવતું.

ફૂડ-ટિપ્સ

દેહરાદૂનમાં ગરમાગરમ મોમોઝ ખાધા અને એની ત્રણ પ્રકારની તીખીતમતમતી ચટણી અને સૂપની વાત લાસ્ટ વીકમાં આપણે કરી. એ મોમોઝ, ચટણી અને સૂપ પછી મારા માથામાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતા. એ તીખાશને ભાંગવા કંઈક ગળ્યું ખાવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. હું કેસી સૂપબારમાંથી બહાર નીકળીને સીધો પહોંચ્યો કુમાર સ્વીટ્સમાં. દેહરાદૂનના રાજપુર રોડ પર આવેલા ઘંટાઘરની એકદમ સામે કુમાર સ્વીટ્સ છે, જેની સ્વીટ્સ અને ખાસ તો ચૉકલેટ બરફી ખૂબ વખણાય છે. આમ તો જેમ રાજકોટના પેંડા અને આપણો મુંબઈનો હલવો ફેમસ છે એવી જ રીતે ઉત્તરાખંડની ચૉકલેટ બરફી ખૂબ ફેમસ છે, પણ એ બધામાં જેમ પેંડા ભગતના અને હલવો માહિમના બુઢ્ઢા કાકાનો એવું જ દેહરાદૂનમાં પણ છે. ચૉકલેટ બરફી કુમારની. મિત્રો, આ ચૉકલેટ બરફીની એક ખાસ વાત એ છે કે એ માત્ર ને માત્ર દૂધ અને ચૉકલેટમાંથી જ બને છે, એમાં કોઈ જાતનું અનાજ ભેળવવામાં નથી આવતું.

આ પણ વાંચોઃ કૉલમ : સમય ૧૯૮૧-૮૨નાં નાટકોની દુનિયામાં લટાર મારવાનો

તમે બરફી મોઢામાં મૂકો એટલે જાણે કે કૅડબરીઝની ચૉકલેટ ખાતાં હો એ રીતે ધીમેધીમે એ ઓગળી જાય અને જીભના એકેક કણમાં ચૉકલેટ અને દૂધનું આ કૉમ્બિનેશન ઊતરી જાય. ચૉકલેટ બરફી આમ તો મને એક જ પીસ ખાવી હતી, પણ ખોટું શું કામ કહું, દેહરાદૂન ફરી ક્યારે આવવાનું બનશે એવું ધારીને હું ત્રણ પીસ ખાઈ ગયો અને પછી એ ચૉકલેટ બરફી અને દેહરાદૂનની મીઠી યાદોંને વાગોળતો ઍરર્પોટ જવા માટે નીકળી ગયો.

Sanjay Goradia columnists