શફીભાઈ નથી રહ્યા

01 December, 2020 03:58 PM IST  |  Mumbai | Sanjay Goradia

શફીભાઈ નથી રહ્યા

શફી ઇનામદાર

‘એક્કો રાજા રાણી’ ચાલુ હતું એ દરમ્યાન જ અમદાવાદમાં હરિન ઠાકર મળ્યા અને ‘દેરાણી જેઠાણી’ના પાયા નખાયા. આ ટાઇટલ કાન્તિ મડિયાને બિલકુલ નહોતું ગમ્યું અને તેઓ મારા પર ગુસ્સે પણ થયા હતા.
‘એક્કો રાજા રાણી’ દરમ્યાન એક ઘટના એવી ઘટી જેણે મને બહુ મોટો શૉક આપ્યો. શફી ઈનામદારનું હાર્ટ-અટૅકથી અવસાન થયું. હું અને શફીભાઈ છૂટા પડ્યા એ પછી પણ શફીભાઈ સાથેના મારા સંબંધો સારા જ રહ્યા હતા. અમારા બન્ને વચ્ચે જે થયું એ વાતનો રંજ મને એ સમયે પણ નહોતો અને આજે પણ નથી. મેં તેમને હંમેશાં આદર આપ્યો છે અને આજે પણ એ માણસ મારા માટે એટલા જ આદરણીય છે. હું અને શફીભાઈ છૂટા પડ્યા પછી અમે બન્ને પોતપોતાની દિશામાં ખાસ્સા આગળ નીકળી ગયા હતા. તેમને ફિલ્મ ડિરેક્ટ કરવી હતી તો મારે નાટકો બનાવવાં હતાં. હું નાટકો બનાવતો રહ્યો અને શફીભાઈએ નાના પાટેકર અને રિશી કપૂર સ્ટારર ફિલ્મ ‘હમ દોનો’ ડિરેક્ટ કરી. ‘હમ દોનો’નો આખો પ્રોજેક્ટ મારી સામે જ બન્યો હતો. એ સમયની તમને થોડી વાત કહું.
અમારા નાટક ‘બા રિટાયર થાય છે’ પછી પણ મેં શફીભાઈના સેક્રેટરી તરીકે કામ ચાલુ જ રાખ્યું હતું, અલબત્ત, પૈસા લીધા વગર. એક વાર શફીભાઈ અને રિશી કપૂર સાથે શૂટિંગ કરતા હતા ત્યારે રિશી કપૂરે તેના જૂના ભાઈબંધ રવિ મલ્હોત્રાને સેટ પર બોલાવ્યો. રવિ મલ્હોત્રા એટલે જેણે રિશી કપૂર સાથે ‘ખેલ ખેલ મેં’ અને ‘ફૂલ ખિલે ગુલશન ગુલશન’ જેવી ફિલ્મો બનાવી હતી. રવિ મલ્હોત્રા જ્યારે સેટ પર આવ્યા ત્યારે હું પણ ત્યાં હાજર હતો. રવિજી મળવા આવ્યા એ પહેલાં રિશી કપૂર અને શફીભાઈ વચ્ચે વાત થઈ ગઈ હતી અને રિશીજીએ કહ્યું કે શફી તું આ ફિલ્મ ડિરેક્ટ કર, પણ મને ફિલ્મમાંથી બાકાત રાખજે. રવિજી અને શફીભાઈ વચ્ચે મીટિંગ થઈ અને એ મીટિંગમાં શફીભાઈએ એક વાર્તા ફાઇનલ કરી. એ જ વાર્તા જેના પરથી વર્ષો પહેલાં અમે નાટક બનાવવાનું નક્કી કર્યું હતું અને મેં તમને એ બધી વાત કહી પણ હતી.
ઓરિજિનલી અંગ્રેજી ફિલ્મ ‘રેઇન મૅન.’ આ ફિલ્મમાં ડસ્ટિન હૉફમૅન હીરો હતો. ‘રેઇન મૅન’ પરથી નાટક બનાવવાનું નક્કી કરીને અમે એ નાટક સંજય છેલને લખવા માટે આપ્યું હતું, પણ પછી એ નાટક બન્યું નહીં અને એની જગ્યાએ ‘બા રિટાયર થાય છે’ બન્યું અને પછી તો રેસ્ટ ઇઝ હિસ્ટરી. રવિ મલ્હોત્રા અને શફીભાઈની મીટિંગ પછી શફીભાઈએ નાટકની વાર્તા માળિયા પરથી ઉતારી અને નક્કી કર્યું કે બે હીરો સાથે આ ફિલ્મ બનાવવી.
નાના પાટેકરને શફીભાઈ થિયેટરને કારણે ઓળખતા જ હતા એટલે એક હીરો તરીકે નાના પાટેકરને લેવામાં આવ્યો અને પ્રોડ્યુસર રવિ મલ્હોત્રાએ બીજા હીરોના રોલમાં રિશી કપૂરને મનાવી લીધો અને આમ ‘હમ દોનો’ શરૂ થઈ. ફિલ્મમાં શફીભાઈ સાથે ખૂબ ખરાબ વર્તન થયું, નિર્માતાથી લઈને ટીમના બધાએ કર્યું. શફીભાઈએ પોતે મને કહ્યું હતું કે ‘હમ દોનો’ માટે મને માત્ર ૧૧,૦૦૦ રૂપિયા મળ્યા છે, વધારે એક રૂપિયો નથી મળ્યો અને એ પછી પણ એ લોકોએ તેમની બીજી ફિલ્મ માટે ડિરેક્ટર અનિલ મટ્ટુને સાઇન કરી લીધો. શફીભાઈ પૈસા ભૂલી જવા રાજી હતા, પણ અનિલ મટ્ટુ સાઇન થઈ ગયો એટલે શફીભાઈ અંદરખાને બહુ અપસેટ હતા. આવા વર્તનની સાથોસાથ સેટ પર પણ વાંધાવચકા ચાલ્યા કરે અને શફીભાઈ અપમાનિત થયે રાખે. કહેવાય છે કે એક દિવસ નાના પાટેકરે આખા યુનિટની વચ્ચે શફીભાઈને લાફો મારી દીધો હતો. બહુ અપમાનજનક વાત હતી આ શફીભાઈ જેવી વ્યક્તિ માટે. હું તો કહીશ કે આવું વર્તન સામાન્ય વ્યક્તિ સાથે પણ ન થવું જોઈએ અને એની સામે શફીભાઈ તો દિગ્ગજ હતા, ધુરંધર હતા. તેઓ કઈ રીતે આ વર્તન પચાવી શકે!
અંદરથી ભારોભાર અપસેટ એવા શફીભાઈ આ પિરિયડમાં ખૂબ દારૂ અને સિગારેટ પીવા લાગ્યા હતા. તેમને ઑલરેડી એક હાર્ટ-અટૅક આવી ગયો હતો અને ડાયાબિટીઝ-હાઇપર ટેન્શન પણ તેમને હતાં. સિગારેટ અને દારૂ પીવાની તેમને મનાઈ હતી, પણ શફીભાઈ કોઈનું માનતા નહોતા અને એક દિવસ અચાનક સમાચાર આવ્યા, ‘શફીભાઈ નથી રહ્યા.’ મારા માટે આ બહુ શૉકિંગ ઘટના હતી, પણ વાસ્તવિકતાને ક્યારેય ટાળી નથી શકાતી. શફીભાઈના મૃત્યુના દિવસની વાત કરું તો એ રાતે હું ઘરે જ હતો અને મારા ઘરનો કોર્ડલેસ ફોન હૅન્ડલ પર મૂકવાને બદલે સોફા પર જ મૂકી દીધો અને હું સૂવા જતો રહ્યો. શફીભાઈનો દેહાંત થયો હશે રાતે અંદાજે ૧૧ વાગ્યે, પણ મને એની જાણ થઈ સવારે પાંચ વાગ્યે. જાણ પણ મને અનાયાસ જ થઈ.
વહેલી સવારે પાંચ વાગ્યે હું પાણી પીવા માટે કિચનમાં ગયો ત્યારે મારું ધ્યાન ફોન પર ગયું. ફોન સોફા પર હતો એટલે એ
ઊંચકીને એના સ્ટૅન્ડ પર મૂક્યો કે તરત
જ રિંગ વાગી. મેં ફોન ઉપાડ્યો. પરેશ રાવલનો ફોન હતો. તેણે કહ્યું કે શફીભાઈ ગુજરી ગયા. બસ, આટલું કહીને તેણે ફોન મૂકી દીધો.
હું હતપ્રભ થઈ ગયો. શું કરવું કંઈ સૂઝે નહીં. ફોન મૂકીને મેં મારી વાઇફને જાણ કરીને કહ્યું કે મારે નીકળવું પડશે. નીકળતાં પહેલાં એક-બે જણને ફોન કર્યા તો ખબર પડી કે શફીભાઈનું શબ હજી નાણાવટી હૉસ્પિટલમાં જ છે એટલે હું મારતે સ્કૂટરે નાણાવટી હૉસ્પિટલ ગયો. ત્યાં ચંદ્રકાન્ત કુલકર્ણી અને ભક્તિ બર્વે હતાં. હું ભક્તિબહેન પાસે રડી પડ્યો. એ પછી સવારે ૯-૧૦ વાગ્યાની આસપાસ શફીભાઈ સુપુર્દ-એ-ખાક થયા અને ગુજરાતી રંગભૂમિના એક યુગનો અંત આવ્યો. મિત્રો, મેં તો એક એવી વ્યક્તિ ગુમાવી હતી જેણે મને સફળતાનો આસ્વાદ કરાવ્યો હતો તો સાથોસાથ મારી લાઇફમાં સ્ટૅબિલિટી લાવવાનું કામ પણ તેમણે કર્યું હતું. શફીભાઈ મારા મેન્ટર હતા એ વાત હું ગર્વ સાથે કહીશ. અનેક નાના-મોટા પ્રસંગો અમારી વચ્ચે એવા બન્યા હતા જેમાં મારા મનમાં ખટાશ આવી હોય, પણ એ ખટાશ મેં ક્યારેય લાંબા સમય સુધી રાખી નહોતી. શફીભાઈની હાજરી મને હંમેશાં માનસિક હિંમત આપનારી રહી છે એવું કહેતાં હું જરા પણ ખચકાટ નહીં અનુભવું.
જીવન ક્યારેય અટકતું નથી અને ખરું કહું તો અટકવું પણ ન જોઈએ. શફીભાઈના અવસાન પછી મારી લાઇફ કઈ રીતે આગળ વધી અને એ પછી હું કેવી રીતે ‘દેરાણી જેઠાણી’ના કામમાં લાગ્યો એની વાતો કરીશું આપણે આવતા મંગળવારે. ત્યાં સુધી, વગર કારણે ઘરની બહાર નીકળવાનું ટાળો અને કોરોનાથી બચતા રહો.

ફૂડ ટિપ્સ

મુંબઈમાં રાજસ્થાન ભેળનો આસ્વાદ
મિત્રો, ગયા અઠવાડિયે તમને વડગાદીની કચોરી-ભેળનો આસ્વાદ કરાવ્યો, પણ પછી થયું કે આ અઠવાડિયે પણ હું ભેળનો સ્વાદ જ તમારા સુધી લઈ આવીશ. આજે આપણે જેની વાત કરવાના છીએ એ ફૂડ-ટિપ વિશે મેં અગાઉ લૉકડાઉનમાં જ નક્કી કરી લીધું હતું કે આ ભેળનો રસાસ્વાદ તમને કરાવીશ, કારણ કે હું વર્ષોથી અહીં ભેળ ખાતો આવ્યો છું અને વર્ષો દરમ્યાન મેં એના સ્વાદમાં, ક્વૉલિટીમાં કોઈ ચેન્જ જોયો નથી.
વિલે પાર્લે-વેસ્ટમાં પવનહંસની સામે જે રસ્તો જાય છે ત્યાં ઈશ્વરલાલ પાર્કની પાછળ જ આ રાજસ્થાન ભેળપૂરી હાઉસવાળો તેની રેંકડી લઈને ઊભો હોય છે. એમ. પી. શાહ સ્કૂલથી બહાર નીકળો અને સીધા જાઓ તો જમણી બાજુએ આ જગ્યા આવે. ૧૫ વર્ષથી હું ભેળપૂરી અને સેવપૂરી ખાઉં છું. અદ્ભુત બનાવે છે. આ બન્ને આઇટમ મારી ફેવરિટ પણ છે એટલે મિત્રો ક્યારેક એ બાજુએથી પસાર થવાનું થાય તો આ રાજસ્થાન ભેળવાળાની ભેળપૂરી કે સેવપૂરી ખાવાનું ચૂકતા નહીં.

Sanjay Goradia columnists