શાગો ઍડ્સની પહેલી ઍડ અને એ જાહેરખબર જોયાનો આનંદ

28 May, 2019 11:08 AM IST  |  | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

શાગો ઍડ્સની પહેલી ઍડ અને એ જાહેરખબર જોયાનો આનંદ

પહલા પહલા પ્યાર હૈ: અમારા નાટકની પહેલી ઍડ છપાઈ એની આગલી રાત હું સૂઈ નહોતો શક્યો અને બીજા દિવસે પણ મોટા ભાગનો સમય મેં ઍડ જોવામાં પસાર કર્યો હતો. એ દિવસે જેટલી વાર ઍડ જોઇ એટલી વાર મને શેર લોહી ચડ્યું હતું.

જે જીવ્યું એ લખ્યું 

આજે સાંપ્રત ગુજરાતી રંગભૂમિ ઉપર દીપક સૌમૈયાનું નામ ખૂબ જ મોટું છે, પણ આ નામ રાતોરાત નથી બન્યું. આ તેમની મહેનત અને લગનનું પરિણામ છે. તમે માર્ક કરજો નાટકોની જેટલી પણ જાહેરખબર હશે એમાંથી મોટા ભાગની જાહેરખબરમાં તમને દીપક સોમૈયાનું નામ વાંચવા મળશે. આ ઉપરાંત વ્રજલાલ વસાણીના દીકરાઓ દીપક અને રાજેશ વસાણીએ પણ પારસ પબ્લિસિટીને એક અલગ લેવલ પર પહોંચાડી છે. આજે તમને સિનેમાની મોટા ભાગની જાહેરખબરની નીચે પારસ પબ્લિસિટીનું નામ દેખાશે. સંઘર્ષનું પોતાનું મૂલ્ય છે અને એ મૂલ્ય જ સંઘર્ષશીલ માણસનો સુવર્ણ યુગ લાવે છે. આ જ કારણોસર હ્યુમન સ્ટોરી વાંચવી મને વધારે ગમે. આત્મકથાઓ કે સત્યઘટનાઓ પર આધારિત નૉવેલ પણ આ જ કારણે મને વાંચવી વધુ ગમે. ‘મિડ-ડે’માં ધારાવાહિક સ્વરૂપે છપાયેલી જાદુગર કે. લાલની બાયોગ્રાફી પણ મને ખૂબ ગમી હતી. એમાં મહેનત, લગન, સંઘર્ષ, પ્રેમ અને સાથોસાથ સિદ્ધાંત અને આદર્શ પણ રીતસર ઝળકતાં હતાં. જીવનમાં ઘણા માણસોએ આ જ રીતે તેમનું ફૉર્ચ્યુન બનાવ્યું છે, શૂન્યમાંથી સર્જન કર્યું છે.

મૂળ વાત પર આવીએ. ‘ચિત્કાર’ના શુભારંભ પહેલાં મારી અને લતેશ શાહની ઍડ એજન્સીનો આરંભ થયો. આ ઍડ એજન્સીનું નામ હતું ‘શાગો ઍડ્સ’. લતેશ શાહના લાસ્ટ નેમ એટલે કે શાહમાંથી ‘શા’ લેવામાં આવ્યો અને સંજય ગોરડિયાના ગોરડિયામાંથી ‘ગો’ લેવામાં આવ્યું અને આમ અમારી ઍડ એજન્સીનું નામ ‘શાગો ઍડ્સ’ પડ્યું. લતેશભાઈ પોતે જાહેરખબર બનાવે, પણ એમાં ફૉન્ટ કેવી રીતે બેસે એ તેમને આવડે નહીં એટલે હું એ લઈને ‘મુંબઈ સમાચાર’માં જાઉં. એ સમયે હજી ‘ગુજરાત સમાચાર’ આવ્યું નહોતું અને રવિવારે ‘જન્મભૂમિ પ્રવાસી’ આવતું હતું. ‘મુંબઈ સમાચાર’માં વીણાબહેન નામનાં અેક બહેન હતાં જે પબ્લિસિટી ડિપાર્ટમેન્ટનાં હેડ હતાં. તેમને મળીને હું અમારા નાટકની ડિઝાઇન સમજાવું એટલે તે મને ઍડમાં જરૂરી ગણાય એવા ફૉન્ટ સાઇઝની જાણકારી આપે અને સમજાવે કે કયા ચોવીસના અને કયા અઢારના ફૉન્ટ કહેવાય. હું તેમની પાસેથી સમજતો જાઉં અને આ બધું શીખતો જાઉં. શરૂઆતની એક-બે ઍડ તો આ વીણાબહેને જ અમને બનાવી આપી હતી.

પેપરમાં હજી અમારું અકાઉન્ટ શરૂ નહોતું થયું એટલે અમને ઍડમાં ડિસ્કાઉન્ટ તો જ મળે જો અમે કૅશ પેમેન્ટ કરીએ, પણ ઘણી વાર એવું બને કે ફાઇનૅન્સરને ત્યાંથી પૈસા આવ્યા ન હોય ત્યારે ઉધારીમાં પણ વીણાબહેને અમારી ઍડ છાપી અને ડિસ્કાઉન્ટ આપ્યું. જે દિવસે અમારી પહેલી ઍડ આવવાની હતી એ આખી રાત હું સૂતો નહોતો. પહેલી ઍડ જે અમે પોતે બનાવી હતી અને બીજી વાત; મારું પોતાનું નાટક, પહેલું કમર્શિયલ નાટક. પહેલી ઍડ આવી એ દિવસે સવારના પહોરમાં હું છાપું લઈને બેસી ગયો. લગભગ અડધો કલાક સુધી એ પાનું ખુલ્લું રાખીને હું એને જોતો રહ્યો. એ દિવસે ઓછામાં ઓછી સો વાર મેં ઍડ જોઈ હશે, જેટલી વાર ઍડ જોઈ એટલી વાર મને શેર લોહી ચડ્યું હતું.

મિત્રો, શરૂઆતમાં જ્યારે હું નાટક ઇન્ડસ્ટ્રીમાં ફાંફાં મારતો હતો ત્યારે દર અઠવાડિયે ‘જન્મભૂમિ પ્રવાસી’માં કમર્શિયલ નાટકોની ઍડ્સ આવતી, એમાં કયા નાટકનો શો ક્યારે અને ક્યાં છે એની પણ ઍડ્સ હોય અને આગામી નાટકોના અનાઉન્સમેન્ટની પણ ઍડ્સ હોય. એ બધી ઍડ્સ હું મારી સામે રાખીને કલાકો સુધી જોયા કરું, વાંચ્યા કરું. કહો કે એ ઍડ હું પોસ્ટમૉર્ટમ જ કરી નાખું. ડિરેક્ટર, રાઇટર, ઍક્ટર આ બધું વાંચવાની સાથોસાથ હું એ પણ સ્ટડી કરતો કે કોના નામો સૌથી વધારે નાટકમાં જોવા મળે છે. આવું કરવાનો મને બહુ મોટો ફાયદો થયો.

એ જમાનામાં ત્રણ નામો દરેક જાહેરખબરમાં હોય. કલા છેલ-પરેશ, સંગીત અજિત મર્ચન્ટ અને પ્રકાશ આયોજન ભૌતેશ વ્યાસ. જાહેરખબર કોઈ પણ નાટકની હોય, કોઈના પણ નાટકની હોય; આ ત્રણ નામો હોય, હોય ને હોય જ. કહેવાની જરૂર નથી કે લતેશભાઈએ અજિત મર્ચન્ટ સિવાય બાકીનાં બન્ને નામો એટલે કે કલા છેલ-પરેશ અને પ્રકાશ આયોજન ભૌતેશ વ્યાસને નહોતા લીધા. બે અઠવાડિયાં પહેલાં મેં તમને કહ્યું હતું કે સ્થાપિત નામોથી લતેશભાઈ દૂર રહેતા. અમારા નાટકમાં મ્યુઝિક અજિત મર્ચન્ટનું હતું, પણ કલા એટલે કે સેટ ડિઝાઇન વિજય કાપડિયાએ કરી હતી અને પ્રકાશ આયોજન આનંદ મથાઈનું હતું. બન્ને પોતપોતાના કામમાં અવ્વલ દરજ્જા પર હતા એ વાતમાં કોઈ મીનમેખ નથી.

હું જે ‘જન્મભૂમિ પ્રવાસી’ વીકલી જોયા કરતો એ વાત મને જાહેરખબર બનાવતી વખતે ખૂબ કામ લાગી. મને સમજાઈ ગયું હતું કે આ શો-બિઝનેસ છે, તમે શું પ્રોજેક્ટ કરો છો એ મહત્ત્નું છે. તમારી પ્રોડક્ટ સારી હોય એ જરૂરી છે જ છે; પણ સાથોસાથ તમારું પૅકેજિંગ એટલે કે તમારી જાહેરખબર પણ સારી, આકર્ષક અને રસપ્રદ હોવી જોઈએ. એ જોઈને જ લોકોને નાટક જોવા આવવાનું મન થઈ આવવું જોઈએ. મને હજી યાદ છે કે જ્યારે ‘ચિત્કાર’ની પહેલી ઍડની ડિઝાઇન લતેશભાઈએ જ બનાવી હતી એ સમયે લોકોને ‘ચિત્કાર’ને બદલે ‘મિત્કાર’ વંચાતું હતું. ઘણા લોકોએ મારું આ બાબતમાં ધ્યાન દોર્યું ત્યારે મેં લતેશભાઈને જાણ કરી હતી, પણ લતેશભાઈએ જે જવાબ આપ્યો હતો એ મને આજે પણ અક્ષરશઃ યાદ છે. લતેશભાઈએ કહ્યું હતું, ‘હમણાં ટાઇમ નથી, જેમ છે એમ જ રહેવા દે.’

જેમ જ છે એમ લગભગ સો પ્રયોગ સુધી ચાલતું રહ્યું અને પછી ‘ચિત્કાર’નો નવો લોગો અમે ઇન્ટ્રોડ્યુસ કર્યો જે આજ સુધી એમ ને એમ રહ્યો. એટલે સુધી કે ગયા વર્ષે ‘ચિત્કાર’ ફિલ્મમાં પણ એ જ ટાઇટલ ડિઝાઇન રાખવામાં આવી હતી.

ફૂડ ટિપ્સ

સૅનફાન્સિસ્કોના શો પછી અમે જમવા ગયા. અમારાં પ્રમોટર જાગૃતિબહેને જમવા માટે જે જગ્યા નક્કી કરી હતી એ જગ્યાનું નામ જ બહુ સૂચક હતું. ‘બૉમ્બે ટુ ગોવા’. આ રેસ્ટોરન્ટ એક મહારાષ્ટ્રિયન ભાઈ ચલાવતા હતા. મિત્રો, મેં અમેરિકામાં ગુજરાતી રેસ્ટોરન્ટ અઢળક જોઈ છે, પણ હા, મહારાષ્ટ્રિયન રેસ્ટોરન્ટ ચલાવતો હોય અને ત્યાં બધી મહારાષ્ટ્રિયન વાનગીઓ મળતી હોય એવું ભાગ્યે જ જોવા મળ્યું છે.

આમચી મુંબઈઃ તમે અમેરિકામાં હો અને તમને અમેરિકામાં ઝુણકા-ભાકર ખાવા મળી જાય તો મનમાં સ્વર્ગ સાંપડ્યાનો જે આનંદ આવે એ આનંદ તમને મારા ચહેરા પર દેખાય 

‘બૉમ્બે ટુ ગોવા’નું નામ સાંભળીને હું તો બહુ એક્સાઇટ થઈ ગયો. મારું આ એક્સાઇટમેન્ટ બમણું ત્યારે થઈ ગયું જ્યારે મેં ત્યાંના મેનુમાં અનેક મહારાષ્ટ્રિયન વાનગીઓ જોઈ. ખાસ તો આપણાં બધાનાં ફેવરિટ વડાપાંઉ. મુંબઈથી દૂર હોવાનો પહેલો અનુભવ આ વડાપાંઉ વાંચીને થયો. મોઢામાં પાણી આવી ગયું અને મેં તો પહેલાં એનો જ ઑર્ડર આપી દીધો. આપણે ત્યાં હોય છે એવાં જ પાંઉ અને હું તો કહીશ એ પાંઉ કરતાં પણ વધારે સારાં, મોટાં અને એકદમ સૉફ્ટ પાંઉ અને સાથે આપણી સૂકી લાલ ચટણી પણ. ભાઈને તો ગોળનું ગાડું મળી ગયું. વડાપાંઉને ન્યાય આપ્યા પછી મારો કૉન્ફિડન્સ બમણો થઈ ગયો હતો એટલે મેં મંગાવ્યું મિસળપાંઉ, જે અમારાં પ્રમોટર જાગૃતિબહેન અને તેમના હસબન્ડ નીલેશભાઈને બહુ તીખું લાગ્યું, પણ અમે બધાએ ખૂબ સ્વાદથી એ મિસળપાંઉનો આનંદ માણ્યો. જોકે સૌથી મોટું આશ્ચર્ય તો મને ત્યારે થયું જ્યારે મારી નજર પડી ઝુણકા-ભાકર પર. તમને યાદ હશે કે શિવસેનાએ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર ઝુણકા-ભાકર કેન્દ્ર શરૂ કર્યાં હતાં જ્યાં હવે ઝુણકા-ભાકર સિવાયની બધી જ આઇટમ મળે છે. અમુક ગુજરાતીઓ એવા હશે કે જેને આજે પણ ઝુણકા-ભાખર વિશે વધારે નહીં ખબર હોય. આવા વાચકમિત્રોને ઝુણકા ભાખર વિશે થોડું કહી દઉં.

આ પણ વાંચો : કૉલમ : જાહેરખબરની દુનિયા અને નાટકની દુનિયાની જાહેરખબરો

ઝુણકા-ભાખરમાં જે ભાકર છે એ ભાકર એટલે ભાખરી. જુવારના લોટની ભાખરી બનાવવાની અને ઉપર ઘી લગાડવાનું. આ થયું ભાકર, હવે વાત આવી ઝુણકાની. ઝુણકા એટલે આપણી ગુજરાતી સાદી ભાષામાં ચણાના લોટનું પીઠલું. મધ્ય ગુજરાતમાં એને બેસન પણ કહે છે અને કાઠિયાવાડમાં એને લોટિયું કહેવામાં આવે છે. આ ઝુણકા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તો છે, એની બનાવવાની રીત પણ સાવ સહેલી છે. આછી એવી ખાટી હોય એવી છાશમાં ચણાનો લોટ નાખવાનો અને એની અંદર લીલા મરચાં, આદું, લસણ નાખીને એનું ખીરું તૈયાર કરી લેવાનું. ત્યાર બાદ કઢાઈમાં તેલ મૂકી રાઈ અને જીરું તતડાવી ઉપર કાંદા સાંતળીને આ ખીરું નાખી દેવાનું અને પછી એને હલાવી ઉપરથી થોડું મીઠું અને હળદર નાખવાનાં. થોડી વાર એ ખીરાને હલાવતા રહેવાનું એટલે એ લૂગદી જેવું થઈ જશે. બસ, તૈયાર છે તમારું ઝુણકા. આપણે તો મરાઠી માણૂસ. મંગાવી લીધું ઝુણકા-ભાકર. આવ્યું ગરમાગરમ અને પછી તો જે જલસો પડ્યો છે! વાત જ મૂકી દો. મિત્રો, હું કહીશ કે અમેરિકા આવવાનું બને અને અમેરિકામાં સૅનફ્રાન્સિકો આવવાનું બને અને એમાં પણ જો મિલ પિતાઝ ટાઉન આવવાનું થાય તો આ ‘બૉમ્બે ટુ ગોવા’ની મુલાકાત લેવાનું ભૂલથી પણ ચૂકતા નહીં. વતનની અને મુંબઈની યાદ તાજી કરાવી દેશે.

મિત્રો, આ મારી અમેરિકાથી છેલ્લી ફૂડ ટિપ હતી. અમેરિકાથી નીકળીને હું અઢાર કલાક માટે ઇન્ડિયા આવીને પછી સીધો આિફ્રકા જાઉં છું. આવતા વીકે વાંચીશું આફ્રિકાના નાઇરોબી શહેરની ફૂડ ટિપ્સ.

Sanjay Goradia columnists