એલા ગાંડા, પૂછવાનું હોય તારે, તને નાટક પંદરસોમાં આપ્યું, જા

09 July, 2019 11:01 AM IST  |  મુંબઈ ડેસ્ક | સંજય ગોરડિયા - જે જીવ્યું એ લખ્યું

એલા ગાંડા, પૂછવાનું હોય તારે, તને નાટક પંદરસોમાં આપ્યું, જા

દે તાલી : નાટકના એક દ્રશ્યમાં સુજાતા મહેતા, પણ એક હકીકત એ પણ છે કે આવો જ આનંદ અમને પણ આવ્યો હતો, જ્યારે નાટક ચલાવવા માટે મળી ગયું હતું.

જે જીવ્યું એ લખ્યું

‘હા, લઈ આવ જા એ લોકોને.’

‘ચિત્કાર’ના પાંચ શો પૂરા થઈ ગયા અને નાટક સત્તાવાર રીતે સુપરહિટ પુરવાર થઈ ગયું હતું, પણ એ પછીના શો થાય એ પહેલાં જ નાટકના રાઇટર-ડિરેક્ટર લતેશ શાહને નયન પંડ્યાએ ફોન કરીને ઑફર આપી કે ‘ચિત્કાર’ના ૨૫ શો અમે વેચાતા લઈ લઈએ. શો લેવાની સાથોસાથ એવું પણ કહ્યું કે ખર્ચો બધો તેમનો અને એ પ્રોડ્યુસરને શોદીઠ ૨૦૦૦ રૂપિયા પ્રૉફિટ આપી દે. ‘ચિત્કાર’ પર મારો ખૂબ માલિકીભાવ હતો. લોહીપાણી એક કર્યાં હતાં નાટક માટે. મેં તો લતેશભાઈને ઘસીને ના પાડી દીધી, પણ લતેશભાઈએ કહ્યું કે આપણે પ્રોડ્યુસર બિપિન મહેતાને વાત કરવી પડે, તેમનું મન જાણવું પડે. હું તો ગયો બિપિનભાઈ પાસે અને મેં તેમને વાત કરી. બિપિનભાઈએ વાત સાંભળીને ઉપર કહ્યો એ જ જવાબ આપ્યો : ‘હા, લઈ આવ એ લોકોને.’

મારા પગ નીચેથી ધરતી ત્યારે સરકી ગઈ જ્યારે બિપિનભાઈએ વાત આગળ વધારતાં કહ્યું કે એ લોકોને લઈ આવતાં પહેલાં આપણી શરત પણ કહી દેજે કે ૨૫ શો પેટે ૨૫,૦૦૦ રૂપિયા અત્યારે તેમણે આપવા પડશે અને પછી શોદીઠ એકેક હજાર આપતા જાય. સાહેબ, હું તો સાચે જ હેબતાઈ ગયો. મારા મનમાં એમ કે બિપિનભાઈ હમણાં ના પાડી દેશે, કહી દેશે કે નાટક આપણે ચલાવીશું અને આવા જવાબની હું અપેક્ષા રાખું એમાં કશું ખોટું પણ નહોતું. નાટક નીવડી ગયું હતું, લોકો એનાં વખાણ કરતા હતા અને બધા શો હાઉસફુલ ગયા હતા. હવે તો બિપિનભાઈએ શાંતિથી ઘરે બેસીને નફો ગણવાનો હતો અને એ પછી પણ એ આમ નાટક બીજા કોઈને આપી દેવા તૈયાર થઈ ગયા હતા. બિપિનભાઈ સાથે દલીલો કરવાની બહુ ઇચ્છા થઈ મને પણ એટલી હિંમત નહોતી ચાલી મારી એટલે હું વીલા મોઢે ત્યાંથી નીકળી ગયો અને પાછો આવ્યો લતેશભાઈ પાસે.

આવીને મેં લતેશભાઈને વાત કરી કે બિપિનભાઈ તો હા પાડે છે, પણ મારી જરાય ઇચ્છા નથી. હવે લતેશભાઈએ સોગઠી ફેંકી. તેમણે મને કહ્યું કે હવે તું બિપિનભાઈને જઈને પાછો મળ અને તેમને કહે કે ‘આ નાટક તને જોઈએ છે, તને આપશે કે નહીં?’ વાત મને સમજાઈ નહીં એટલે મેં લતેશભાઈને કહ્યું, બિપિનભાઈ શો પહેલાં ૨૫,૦૦૦ માગે છે, મારી પાસે એ છે નહીં તો હું આપીશ કેવી રીતે?

લતેશભાઈએ મને કહ્યું, ‘તું પૈસાની ચિંતા નહીં કર, એ હું આપીશ, પણ તું જઈને વાત કર.’ મને કોઈ વાંધો નહોતો પણ લતેશભાઈએ મને ચોખવટ સાથે કહ્યું કે તને નાટક જોઈએ છે એમ કહેજે, મને એટલે કે લતેશ શાહને નહીં.

આવું કહેવાનું કારણ એ કે લતેશભાઈ અને બિપિનભાઈના સંબંધ સાવ બગડી ગયા હતા. બન્ને વાત પણ નહોતા કરતા. આવામાં જો લતેશભાઈનું નામ આવે તો બિપિનભાઈ કદાચ ના પાડી દે, પણ જો મારું નામ આવે તો વાંધો ન આવે, કારણ એ કે મારા સબંધો બિપિનભાઈ સાથે બહુ સારા હતા. તેમને મારા પ્રત્યે ખૂબ અનુરાગ હતો. મને એ ખૂબ જ પ્રેમ કરતા અને મને સાચવતા પણ ખરા.

હું તો ગયો ફરીથી બિપિનભાઈ પાસે અને જઈને મેં કહ્યું કે ધારો કે આ નાટક મને જોઈતું હોય તો?

બિપિનભાઈએ જવાબ આપ્યો : ‘અરે ગાંડા, પૂછવાનું હોય તારે. તું બધાની પહેલાં. તારે નાટક જોઈતું હોય તો તને નાટક શોદીઠ પંદરસોમાં આપ્યું, જા...’

‘પણ ઍડ્વાંન્સના ૨૫,૦૦૦ મારી પાસે નથી.’

બિપિનભાઈએ પણ હાથ ઊંચા કરતાં કહી દીધું, ‘એનું તો તારે કંઈક કરવું પડશે. તું કહેશે તો હું હમણાં પેલી ઑફરને અટકાવી દઉં, પણ ઍડ્વાઑન્સ તો તારે આપવા પડશે.’

આમ એટલું નક્કી થઈ ગયું કે બિપિનભાઈને મને નાટક આપવામાં કોઈ વાંધો નહોતો અને મારે એ સમયે એટલું જ કામ કરવાનું હતું, જે મેં કરી લીધું હતું. હું નીકળી ગયો સીધો લતેશભાઈ પાસે. મેં લતેશભાઈને બધી વાત કરી એટલે લતેશભાઈએ તેમના ભાઈ હસુભાઈ પાસેથી ૨૫,૦૦૦ રૂપિયા લીધા અને મને આપ્યા, જે મેં બિપિનભાઈને આપી દીધા અને આમ અમે ‘ચિત્કાર’ના એ પછીના ૨૫ શો બિપિનભાઈ પાસેથી ખરીદી લીધા. નાટક ચલાવવાનો અધિકાર હવે અમારો હતો અને સાચું કહું તો નાટક રીતસર ભાગતું હતું. બધાને બહુ ગમતું અને માઉથ-ટુ-માઉથ પબ્લિસિટી એવી તે જોરદાર થતી કે શો પહેલાં જ ઑડિટોરિયમ હાઉસફુલ થઈ જતું.

‘ચિત્કાર’ મારમાર ચાલતું હતું એ વખતે નાટકનું પહેલું રિપ્લેસમેન્ટ આવ્યું. આ રિપ્લેસમેન્ટ હતું મેટ્રનનો રોલ કરતી નાયર હૉસ્પિટલની સાચી નર્સનું. તેને આમ પણ કંઈ ઍક્ટિંગમાં રસ નહોતો, તે તો માત્ર શોખ ખાતર નાટક કરતી હતી. નાટક ખૂબ જ ચાલવા માંડ્યું એટલે તેને માટે તેની નોકરી અને નાટક કન્ટિન્યુ કરવાનું શક્ય નહોતું. આ મેટ્રનની જગ્યાએ બીજી છોકરી આવી. એ પછી બીજું રિપ્લેસમેન્ટ આવ્યું બેબી રુચિતાનું. તેનાં મમ્પી-પપ્પાનું કહેવું હતું કે રુચિતા રવિવારે શો પતાવીને રાતે ઘરે આવે ત્યારે થાકી જાય છે, એને લીધે સોમવારે તેની સ્કૂલ બગડે છે. બેબી રુચિતાને રિપ્લેસ કરવામાં આવી અને તેપી જગ્યાએ ધનવંત શાહની દીકરીને લેવામાં આવી. આ ધનવંત શાહ અત્યારે હયાત નથી, પણ તેમણે અઢળક સંશોધન કરીને કલાપીના જીવનકવન પર નાટક લખ્યું હતું. ખૂબ સારા અને સાલસ માણસ. નાટક સાથે સંકળાયેલા હતા એટલે તેમને એની મર્યાદા અને સમયની પાબંદીઓ વિશે ખબર હતી. બીજા રિપ્લેસમેન્ટ પછી આવ્યું, ત્રીજું રિપ્લેસમેન્ટ ખ્યાતિ દેસાઈનું. ખ્યાતિ દેસાઈ કાયમ માટે અમેરિકા જતાં હતાં એટલે સાસુના પાત્ર માટે લેવામાં આવ્યાં તરલા જોષીને અને પછી આવ્યું ભૈરવી વૈદ્યનું રિપ્લેસમેન્ટ. ભૈરવીના સ્થાને આવી કેતકી દવે.

હા, એ જ ‘અરરર...’વાળી કેતકી દવે.

ફૂડ ટિપ્સ

મિત્રો, અમદાવાદથી આવ્યા પછી અમારે શો માટે નાશિક જવાનું હતું. મેં નક્કી કર્યું કે હવે નાશિકથી તમારે માટે સારી ફૂડ-ટિપ લઈ આવવી અને ત્યાંની ફેમસ વરાઇટીનો તમને રસાસ્વાદ કરાવવો. ખૂબબધી તપાસ કર્યા પછી ખ્યાલ આવ્યો કે નાશિકનું મિસળ બહુ ફેમસ છે, પણ તમને છેલ્લાં બે અઠવાડિયાંથી મિસળનો સ્વાદ પહોંચાડું છું એટલે દ્વિધા જન્મી કે વધુ એક વાર મિસળ? જવાબ આવ્યો કે ના, મિસળ નહીં. કંઈક બીજું, કંઈક નોખું. પણ હા, એમ છતાં એક લાઇનમાં તમને કહી દઉં કે નાશિક જવાનું બને ત્યારે પ્રાચીનું મિસળ જરૂર ટેસ્ટ કરજો, બહુ સરસ છે. મજા પડી જશે. મિસળની વાત પૂરી, હવે વાત કરીએ કોંડાજી ચેવડાની. નાશિકનો કોંડાજી ચેવડો બહુ ફેમસ છે. નાશિકમાં એન્ટર થાઓ કે તરત જ તમને ઠેર-ઠેર એનાં બોર્ડ દેખાવા લાગે. મોટા ભાગની દુકાને તમને કોંડાજી ચેવડાની મળે જ મળે, પણ મને એ રેડીમેડ પૅકિંગમાં રસ નહોતો, મારે તો એની મેઇન બ્રાન્ચ પર જવું હતું. તપાસ કરી તો ખબર પડી કે ભદ્રકાળી શાક માર્કેટમાં એની મેઇન દુકાન છે. અહીં મોટો ટોપલો ભરીને એક માણસ છૂટો ચેવડો વેચતો બેઠો હોય. એકદમ તાજો બનાવેલો ચેવડો. આ કોંડાજી ચેવડાની ઉપર કાંદા, મરચાં, કોથમરી મિક્સ કરી એના પર મસાલો નાખીને તમને ખાવા આપે. જલસો પડી જાય. હું તો કોંડાજી ચેવડાની એ દુકાનના માલિક સુરેન્દ્રભાઈને પણ મળ્યો. આ તેમની ચોથી પેઢી છે. તેમની સાથે વાત કરતાં ખબર પડી કે આ ચેવડાની શોધને અને તેમની આ ભદ્રકાળી માર્કેટની દુકાનને આવતા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થાય છે. મિત્રો, એક ખાસ વાત કહું તમને. આ કોંડાજી ચેવડો દેખીતી રીતે તો આપણા નૉર્મલ ચેવડા જેવો જ હોય, પણ મજા એમાં આવતા પૌંવાની છે. એ પૌંવા આપણા પૌંવા કરતાં થોડા અલગ અને મોટા હોય છે. એનો સ્વાદ પણ આપણા પૌંવા કરતાં જુદો છે.

આ પણ વાંચો : મારો લગાવ જોઈને રાખીએ ઉપરવટ જઈને મને ચિત્કારની ડેટ કરી આપી

આ ઉપરાંત ચેવડામાં આવતા સૂકા કોપરાને કારણે પણ આ ચેવડાનો સ્વાદ અલગ તરી આવે છે.

Sanjay Goradia columnists