મહારાજનું એ પાત્ર અને અક્ટિંગ ફીલ્ડમાં મારી રી-એન્ટ્રી

04 June, 2019 12:38 PM IST  |  મુંબઈ | જે જીવ્યુ એ લખ્યું - સંજય ગોરડિયા

મહારાજનું એ પાત્ર અને અક્ટિંગ ફીલ્ડમાં મારી રી-એન્ટ્રી

સંજય ગોરડિયા

‘ચિત્કાર’ની પહેલી જાહેરખબર અમારી શાગો એડ્સ દ્વારા રિલીઝ કરવામાં આવી. એ જાહેરખબર જે દિવસ છપાઈ એ દિવસે મેં ઓછામાં ઓછી સો વખત એ જોઈ હશે. જેટલી વખત હું જાહેરખબર જોતો એટલી વખત મને શેર લોહી ચડતું અને મારા ચહેરા પર સ્માઇલ આવી જતું, પણ વાત આ સ્માઇલ સાથે પૂરી નહોતી થતી. આ તો હજી શરૂઆત હતી અને દુનિયાને અમે એ જાહેરખબરથી જાણ કરી હતી કે અમે ‘ચિત્કાર’ નામનું નાટક લઈને આવી રહ્યા છીએ. નાટક હજી ઓપન પણ કરવાનું હતું અને અહીં જ મોટું કમઠાણ હતું.

‘ચિત્કાર’ની પહેલી જાહેરખબર આવી ગઈ, પણ નાટક રિલીઝ ક્યારે કરવું એની તારીખ નક્કી નહોતી થઈ શકતી. આનાં બે કારણ હતાં. એક તો નાટક હજી પૂરું તૈયાર નહોતું થયું અને બીજું, થિયેટરની ડેટ્સ માટે હું દિવસ-રાત દોડાદોડી કરતો હતો પણ એમાં સફળતા નહોતી મળતી. આ બે કારણોસર નાટક ઓપન કરવાની થિયેટરની ડેટ્સ નક્કી નહોતી થતી. મિત્રો, મારે અહીં એક વાત કહેવી છે. નાટક ઓપન કરવા માટે એક કે બે ડેટ્સ હોય એનાથી કશું વળતું નથી. તમારી પાસે લાઇનસર ડેટ્સ હોવી જોઈએ. ચાર અને પાંચ જાહેર પ્રયોગ પછી લોકો સુધી નાટકનો સાચો રિવ્યુ પહોંચતો હોય છે. એ સમયે સંસ્થાના શો પર નાટકનો બહુ આધાર રહેતો નહીં, રવિથી રવિ શો થતા પણ એની માટે પણ તમારી પાસે લાઇનસર ડેટ્સ હોય તો ફરક પડે.

બીજું કારણ, નાટક હજી પૂરેપૂરું તૈયાર નહોતું થયું. લતેશ શાહ ત્રીજા અંક પર કામ કરતા હતા અને ત્રીજા અંકનો પહેલો સીન તેમણે લખીને રેડી કરી નાખ્યો હતો. એ સીન સેટ કરવાનો પણ શરૂ થઈ ગયો હતો. આ સીનમાં તેમને ઘરમાં ધમાલ જોઈતી હતી. સીન એવો હતો કે ગાંડી રત્ના સોલંકીની સારવાર જે ડૉક્ટરે કરી હતી એ જ ડૉક્ટર તેની સાથે લગ્ન કરીને તેને ઘરમાં લઈ આવી રહ્યા છે. ઘરમાં કોઈને ખબર નથી કે આ છોકરી પહેલાં મેન્ટલ હૉસ્પિટલમાં પેશન્ટ હતી અને જ્યારે તેને ગાંડપણ ઊપડતું ત્યારે તે હિંસક બનતી. ડૉક્ટરે પણ આ વાત ઘરના બધાથી છુપાવી હતી. માબાપનો એટલો હરખ હતો કે અમારો દીકરો લગ્ન કરીને પહેલી વાર વહુને ઘરે લાવી રહ્યો છે. વહુ હવે ઘરમાં શુકનવંતાં પગલાં પાડશે. ઘરમાં આ જ બધી ધમાલ ચાલે છે. ટિપિકલ સાસુનો જેવો હરખ હોય એવો હરખ સાસુ બનતી ખ્યાતિ દેસાઈ દેખાડતી હતી. સાસુ અને ઘરના બધા નોકરો વચ્ચેનો આ સીન હતો. સાસુ બધાને એક પછી એક સૂચનાઓ આપતી જાય છે અને બીજી બાજુ તેના મનમાં ઉચાટ છે કે વરઘોડિયાં ક્યાંક આવી ન જાય. સીનના કમ્પોઝિશન વખતે અચાનક નાટકના ડિરેક્ટર લતેશ શાહે મને કહ્યું કે તું ઘરનો રસોઇયો છે, અહીં ઊભો રહી જા.

મેં ના પાડી. તેમને કહ્યું કે મારે એક્ટ‌િંગ નથી કરવી. પ્રોડક્શનનાં ઘણાં કામ બાકી છે, મારે એના પર ધ્યાન આપવું છે. લતેશભાઈ માનવા રાજી નહોતા એટલે મેં તેમને કહ્યું કે બાકીનાં કામો પણ મહત્ત્વનાં છે, મારાથી એમાં નહીં પહોંચી વળાય પણ લતેશભાઈએ વચ્ચેનો રસ્તો કાઢતાં કહ્યું કે અત્યારે તો તું ફ્રી છો તો આ કરી લે પછી તારી જગ્યાએ બીજા કોઈને સેટ કરી દઈશું. વધારે દલીલ કરવાને બદલે હું ઊભો રહી ગયો.

એ રોલ ઘરના મહારાજનો હતો. મેં ઘણી વાર એ નોંધ્યું હતું કે રસોઇયાઓનો પનારો આખો દિવસ ઘરનાં બૈરાંઓ સાથે પડતો હોય છે એટલે તે થોડા સ્ત્રૈણ બની જ‌તા હોય છે, જેને લીધે તેમની ઊઠવા-બેસવાની, બોલવા-ચાલવાની ઢબછબમાં પણ બૈરાપણું નીતરતું હોય છે. સીન સેટ કરતાં-કરતાં જ એક જગ્યાએ લતેશભાઈએ મને કહ્યું કે તું અહીંથી હવે ત્યાં આગળ જા. હું તો ટિપિકલ મહારાજની જેમ સ્ત્રૈણ ચાલે ચાલીને આગળ ગયો અને રિહર્સલમાં હાજર રહેલા સૌ ખડખડાટ હસી પડ્યા.

આ પણ વાંચો : કૉલમ : જાહેરખબરની દુનિયા અને નાટકની દુનિયાની જાહેરખબરો

બસ, પછી જોઈએ શું?

લતેશભાઈ જેનું નામ. તેમણે આ વાતની નોંધ લઈને મારો આખો રોલ ડેવલપ કરી નાખ્યો અને માત્ર ત્રીજા અંકના પહેલા સીનને બદલે આખા ત્રીજા અંકમાં લતેશભાઈ મહારાજને લઈ આવ્યા. હવે મારા રિપ્લેસમેન્ટનો તો કોઈ સવાલ જ નહોતો આવતો, કારણ કે એ રોલ તો મને ફિટ થાય એમ જ ડેવલપ થયો હતો એટલે હવે એ મારે જ કરવાનો હતો. મિત્રો, એ રોલ એટલોબધો સરસ ઊપસી આવેલો કે એ રોલમાં હું ફક્ત બે કે ત્રણ શબ્દો જ બોલતો હોઈશ, પણ માત્ર મારા હાવભાવ અને ચાલવાની ઢબછબને કારણે હું ખૂબબધી તાળીઓ અને લાફ્ટર લઈ જતો હતો. જેણે નાટક જોયું હશે તેમને આજે પણ એ મહારાજનો રોલ યાદ હશે. આમ મેં મારા એક્ટર બનવાના વિચારને જે બીજી વાર તિલાંજલિ આપી હતી એ જ કિસ્મત મને બીજી વાર એક્ટર બનવા તરફ આગળ લઈ ગઈ. પહેલી વાર ‘છેલ અને છબો’ નાટકનું નિર્માણ કરતો હતો ત્યારે બે કલાકારોએ ના પાડ્યા બાદ લતેશભાઈએ મને છબોની ભૂમિકા આપી હતી અને આ વખતે ફરી પાછું હું જ્યારે પ્રોડક્શન પર ધ્યાન આપવા માંડ્યો હતો, એક્ટર બનવાનું સપનુ છોડીને આગળ નીકળી ગયો હતો ત્યારે ‘ચિત્કાર’ની મહારાજની ભૂમિકા આવી પડી. આ યોગાનુયોગ પણ છેલ્લી વાર નહોતો બન્યો, આગળ પણ આવું થવાનું છે કે જ્યારે મેં એક્ટિંગને ફરી વાર તિલાંજલિ આપી દીધી હોય અને ફરી પાછા એવા સંજોગો ઊભા થયા હોય અને મારે એક્ટિંગ તરફ વધવું પડ્યું હોય. જે સંજય ગોરડિયાની એક્ટર તરીકેની ઓળખ બની છે, લોકો જેને એક્ટર તરીકે વધારે અને પ્રોડ્યુસર તરીકે ઓછો જાણે છે એ સંજય ગોરડિયાની કરીઅરની આવી જ રોમાંચક વાતોની આગળ આપણે ચર્ચા કરીશું; પણ એ પહેલાં આપણે ‘ચિત્કાર’ની સર્જનયાત્રા આવતા અંકમાં આગળ વધારીશું.

sangofeedback@gmail.com

ફૂટ ટિપ્સ

મિત્રો, આજે આપણે વાત કરવાની છે કેન્યાની ફૂડટિપ્સની. આપણી વચ્ચે નક્કી થયું છે કે હું જે જગ્યાએ જાઉં એ જગ્યાના લોકલ ફૂડ વિશે તમને વાત કરીશ અને ત્યાંના બેસ્ટ ફૂડની ભલામણ તમને કરીશ, પણ આજે જરા અવળી વાત કરવાની છે. અત્યાર સુધી હું તમને જે-તે જગ્યાએ જઈને ત્યાંનું શું-શું ખાવું એની ભલામણ કરતો હતો, પણ આજે પહેલી વાર હું તમને કેન્યા જઈને શું ન ખાવું એની વાત કરીશ.

અમેરિકાથી માત્ર આઠ કલાક માટે ઇન્ડિયા આવી અમે સીધા ઈસ્ટ આફ્રિકા જવા નીકળ્યા. કેન્યામાં નાઇરોબી અને મોમ્બાસા મોટાં શહેરો છે. અમારો પહેલો શો નાઇરોબીમાં હતો એટલે હું તો આવીને તરત જ આપણી ફૂડટિપ્સ લેવા માટે નીકળી પડ્યો. મેં લોકલ વેજ ફૂડની તપાસ કરી તો ખબર પડી કે અહીંની સ્વાહિલી પ્રજા સુકુમા બહુ ખાય છે. મેં તો મગાવી લીધું આ સુકુમા. સ્વાહિલી પ્રજા મકાઈના લોટને બાફીને આપણે ત્યાં બનાવે છે એવું ખીચું બનાવે, પણ આપણે ખીચામાં આખું જીરું, મીઠું, આદુંમરચાં નાખીએ. ઉપરથી તેલ, સંભારો પણ ભભરાવીએ. પણ આ સુકુમામાં એવું કંઈ ન હોય. મીઠું સુધ્ધાં ન હોય. મકાઈના લોટને બાફીને એને ઊગાલી સાથે ખાય. આ ઊગાલી એટલે શું એ સમજી લો હવે.

પાલકની ભાજી અને ઝીણા સમારેલા કાંદાને જરા અમસ્તા તેલમાં નાખી ગરમ કરી ઉપરથી થોડું પાણી નાખી એને હલાવી નાખે. આમાં પણ મીઠું નહીંવત્ જ હોય. ‌મિત્રો, આ સ્વાહિલી પ્રજા મીઠું બહુ ઓછું ખાય. સુકુમા-ઊગાલી સ્વાદમાં ખૂબ જ બેસ્વાદ લાગતાં હતાં. આવી એ લોકોની બીજી એક આઇટમ છે જિધેરી.

જિધેરીમાં મકાઈના દાણા હોય, રાજમા હોય, બટેટા અને વટાણા હોય. આ બધાને બાફી એને કાંદા-ટમેટામાં વઘારી નાખે અને પછી ઉપરથી સહેજ મીઠું ભભરાવે. બસ, તૈયાર થઈ ગયું જિધેરી. આવી જ હજી એક આઇટમ છે ઇરિયો.

આ પણ વાંચોઃ શાગો ઍડ્સની પહેલી ઍડ અને એ જાહેરખબર જોયાનો આનંદ

ઇરિયોમાં મકાઈના દાણા, રાજમા અને બટેટાને બાફીને અેને સ્મૅશ કરી નાખવાના અને પછી ઉપરથી બટર નાખી એમાં સહેજ મીઠું, જીરું, લસણ અને લીલાં મરચાં નાખે અને પછી મોગો ચિપ્સ સાથે ખાય. આ મોગો ચિપ્સ શું છે એ પણ જાણવા જેવું છે. આ એક પ્રકારનું બટેટા જેવું કંદમૂળ છે. સ્વાદમાં એ સહેજ તૂરું હોય. અહીંના લોકો આ મોગોની ચિપ્સ બનાવીને ખાય. તેમને એ બહુ ભાવે. પેટ ભરીને ખાય. બીજી એક વાત કહું તમને. આ સ્વાહિલી લોકો સવારે ઊઠીને ચા નથી પીતા, ઉઝી પીએ છે. લાલ મકાઈના લોટમાં પાણી અને સાકર નાખીને એની રાબ જેવું દ્રાવણ બનાવે એને ઉઝી કહેવામાં આવે. બસ, અહીં આગળ સ્વાહિલી લોકોનું ખાવાનું પતી જાય. એ લોકો કંટાળ્યા વગર માત્ર આ ને આ જ ખાય. એટલે નાઇરોબી જાઓ તો આ બધી વાનગીઓ નહીં ખાતા.

Sanjay Goradia columnists