અતિ માત્રામાં થયેલી કાળજી પણ છોડને બાળી નાખે છે

28 September, 2019 03:47 PM IST  |  મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

અતિ માત્રામાં થયેલી કાળજી પણ છોડને બાળી નાખે છે

પ્રતીકાત્મક તસવીર

સંજયદ્રષ્ટિ

એક વડીલ મિત્ર છે. નિયમિત રીતે મારા કાર્યક્રમમાં આવે, નિયમિત રીતે સંપર્કમાં પણ રહે અને પ્રયાસ પણ કરે કે અમે સાથે બેસીને વાત કરી શકીએ. એ વડીલ મિત્રને જીવનમાં કોઈ ફરિયાદ નથી. ઈશ્વરની મહેરબાનીથી એક નિશ્ચિત આવક છે, શાંતિથી તેના પર ઘર ચાલે છે. ઘરનાં ઘર છે અને જો હું ભૂલતો ન હોઉં તો કદાચ બે ગાડી પણ છે, પરંતુ એમ છતાં તેમની એક ફરિયાદ છે.
‘મારો દીકરો મારા કહ્યામાં નથી.’
આ એક વાત તે વારંવાર કહે અને એ પછી ઉમેરે પણ ખરા કે ‘ખબર નહીં કઈ વાતનો તોર લઈને ફરે છે અને તોરમાં ને તોરમાં ક્યારેક તો મારું પણ અપમાન કરી નાખે છે. આના કરતાં તો ભગવાને મને દીકરો ન આપ્યો હોત તો સારું હોત.’
આવી ફરિયાદ બધાની હાજરીમાં મેં તેમની પાસે ઘણી વાર સાંભળી છે અને તેમને પોતાનું હૈયું ખાલી કરતા જોયા છે. તેમની પાસે જ્યારે આ ફરિયાદ સાંભળું ત્યારે ખરેખર થોડી વાર માટે મન થઈ આવે કે અત્યારે જ એ વડીલને લઈને તેમની ઘરે જાઉં અને તેમની હાજરીમાં તેમના દીકરાને એક થપ્પડ મારી લઉં અને પછી તેમને કહું કે ‘લ્યો, જે તમારી ઇચ્છા હતી એ પૂરી કરી દીધી.’
જોકે એ પછી તરત જ મને બીજી તરફનો વિચાર પણ આવે કે તેના દીકરાના પક્ષની તો ખબર જ નથી અને જ્યારે વાત એકપક્ષી તમે સાંભળેલી હોય ત્યારે કોઈ એક નિર્ણય પર પહોંચવું એ ખોટી વાત કહેવાય. એ વડીલની ફરિયાદ અટકવાનું નામ નહોતી લેતી એટલે એક વખત મને પોતાને વિચાર આવ્યો કે જરા તપાસ કરાવું તો કંઈક આગળ ખબર પડે. નિયમિત સંપર્કમાં રહેતા એક મિત્ર પાસે મેં તપાસ કરાવી એટલે ખબર પડી કે વડીલ આર્થિક રીતે સુખી છે. સારો કારોબાર છે અને બધી રીતે શાંતિનું જીવન જીવે છે. તકલીફ અહીં છે કે વડીલે દીકરો નાનો હતો ત્યારથી તેને ખૂબ લાડકોડથી ઉછેર્યો છે. ક્યારેય તેને સારા કે ખરાબનો, ઊંચ-નીચ કે સાચા-ખોટાનો ભેદભાવ સમજાવ્યો નહીં. દીકરો છે, સુખ ભોગવવા આવ્યો છે એવી દલીલ કરે અને એ દલીલ સાથે જ દીકરાને લાડ લડાવ્યા કરે. દીકરો માગે એ આપે અને દીકરો કહે એમ કરે. દીકરો નાનો હતો ત્યારે સ્કૂલમાં કોઈ ખોટું કામ કરીને આવ્યો હોય તો પણ વાતને હસી કાઢે. જો ભૂલથી ટીચર એ દીકરાને બીક દેખાડે કે ટપલી મારે તો બીજા દિવસે જઈને સ્કૂલ આખી માથે લે. સોસાયટીમાં પણ એવું જ કરે. દીકરાની મા પણ તેને કંઈ કહેવા કે ટકોર કરવા જાય તો પણ વડીલ તરત જ વચ્ચે પડે અને વાઇફની બોલતી બંધ કરી દે.
લાંબા સમય સુધી આ બધું ચાલ્યું અને પછી દીકરો ઑફિસ સંભાળતો થયો. એવો તબક્કો આવ્યો કે વડીલને સમજાઈ ગયું કે તેમની પાસે હવે દેવદર્શન અને મંદિરોમાં ફરવા સિવાય કરવા માટે કશું રહ્યું નથી એટલે તેમણે દીકરાની ચોકીદારી ચાલુ કરી દીધી. જે સમયે દીકરાની ભૂલ તેમણે શોધવાની હતી અને સુધારવાની હતી એ સમયે તેમણે એ કામ કર્યું નહીં અને હવે તે જતી જિંદગીએ એ કામ પર લાગ્યા. દીકરો ભૂલ કરે એટલે બાપા ટોકે અને બાપા ટોકે એટલે દીકરાની કમાન છટકે. બસ, આ બાબતને કારણે બાપ-દીકરા વચ્ચે ઝઘડો થવા લાગ્યો અને જે દીકરાને ભરપેટ છૂટ મળી હતી એ જ દીકરાએ બાપાને ચોપડવાનું શરૂ કરી દીધું. આ આખી વાત અને આ આખો પ્રશ્ન.
આ કે પછી આવા પ્રશ્નો દરેકના ઘરમાં રહેવાના જ છે અને રહેતા પણ હશે, પરંતુ મેં ઘણા પરિવાર એવા પણ જોયા છે કે જ્યાં આજે પણ ઘરના વડીલ સૌથી પહેલાં હોય છે. તેમની હયાતી હોય ત્યાં સુધી એ જ અગ્રીમ સ્થાન પર રહે અને એ આખા પરિવારનો વણલખ્યો નિયમ બનેલો હોય છે. આજે પણ એવા પરિવાર છે જે પરિવારમાં પરમિશન લેવાનું કામ દાદા પાસે જ થતું હોય અને દાદાની ના હોય એટલે બાકીના કોઈ સભ્યો એક શબ્દ પણ બોલી ન શકે, પરંતુ એ વાત આવે છે ઉછેરની. જો ઉછેરમાં તમે કોઈ જગ્યાએ થાપ ખાઈ ગયા તો તમારે એનાં જમા-ઉધાર પાસાં ભોગવવાં જ પડે.
વાત કરીએ પેલા વડીલની.
દરેક વડીલની જેમ જ એ વડીલના મનમાં પણ એ વિચાર હતો જ હતો કે મેં શું ભૂલ કરી મારા બાળકને ઉછેરવામાં કે મારે આજે આ દિવસ જોવો પડે છે?
આ સવાલનો જવાબ જાણવા અને જીવનમાં ઉતારવા જેવો છે. ક્યારેક આપણે જ આપણા સંતાનને એટલોબધો પ્રેમ આપીને તેમને એ સ્તર પર પહોંચાડી દઈએ છીએ જાણે એ આદાનપ્રદાનનો નિયમ હોય. મેં આપ્યો છે એટલે પ્રેમ હવે તું મને પાછો આપ. આવું અજાણતાં આપણા મનમાં આવી જતું હોય છે. જે ન મળે એટલે દુઃખ થાય અને ધીમે-ધીમે એ દુખ ફરિયાદમાં ફેરવાઈ જવા માંડે. પહેલાં તો એ સમજી લો કે તમે આપેલો પ્રેમ એ કોઈ મૂડી નથી કે સામેવાળાએ પાછી આપવી પડે અને ખાસ કરીને એ સંતાનોની વાત હોય. તેમણે પ્રેમ માગ્યો જ નહોતો, તેમણે લાડકોડ માગ્યા જ નહોતા. વધારાનો પ્રેમ, વધારાનો લાડ અને વધારાની માવજત તમે આપી છે અને એ માવજતના બદલામાં તેણે એવું જ કરવું પડે એ તેને નહીં સમજાય, કારણ કે હવે તમે ફરિયાદના સૂરમાં આવી ગયા છો. ફરિયાદ કરવાને બદલે આજે પણ સંતાનો સાથે એ જ લાગણી અને પ્રેમથી રહેશો તો તેને ચોક્કસ બદલો ચૂકવવાનું સૂઝવાનું શરૂ થઈ જશે અને ધારો કે એ ન પણ થાય તો પ્રેમ એ આદાનપ્રદાનનો વ્યવહાર છે જ નહીં અને ધારો કે એવું નથી કરતા તો તેમના ઉછેરમાં પહેલેથી જ સાવેચત રહો. અતિ માત્રાની માવજત ઝાડના રોપાને પણ બગાડી નાખે છે. આ પ્રકૃતિનો નિયમ છે અને આ જ પ્રકૃતિનો નિયમ માણસ ભૂલી ગયો છે. જો માત્રામાં રહેશો તો માત્રામાં જ સંબંધોની મીઠાશ પર અસર થશે.
માબાપ સંતાનોની બધી સગવડ સાચવે છે, પણ એની કિંમત શું છે એ તેમને ક્યારેય સમજાવતાં નથી. કહેવાનો અર્થ એ નથી કે તમારાં સંતાનોની દરેક સગવડને પ્રાઇઝ-ટૅગ જણાવીને પૂરી કરો. ના, પણ તેમને ખ્યાલ તો હોવો જ જોઈએ કે આજે તેમને માટે જે આઇફોન આવ્યો છે એ લેવા માટે તેના બાપે કેટલી મહેનત કરી છે. ડાઇનિંગ ટેબલ પર તેને માટે જે પૂરણપોળી આવી છે એને માટે મા સવારથી તૈયારી કરતી હતી એની પણ તેને ખબર હોવી જોઈએ. ગુલાબી પિક્ચર દેખાડવાની લાયમાં આપણે સંતાનોને રિયલિટીથી દૂર કરી દઈએ છીએ અને વાસ્તવિકતા હંમેશાં વરવી હોય છે, પણ આ વાસ્તવિકતા સંતાનને દેખાડવી પણ જરૂરી છે. આ માટેનો એક રસ્તો દેખાડું તમને. જો સંતાનોને સમજાવવાં હોય તો એવું કરી શકાય કે તેમની દરેક ત્રીજી જરૂરિયાત પૂરી કરો, જરૂરિયાત. તેમની જરૂરિયાત પૂરી કરો, પણ એનું પણ સાથે ધ્યાન રાખો કે જે તેમની જરૂરિયાત નથી એ તેમને પહેલી વાર માગવાથી ન જ મળવું જોઈએ.
જીવનનો એક સરળ નિયમ છે. જેને માટે મેં મહેનત નહીં કરી હોય એનું મૂલ્ય મને ક્યારેય સમજાવાનું નથી. ખાસ ધ્યાન રાખવું કે તમે જો ૧૫,૦૦૦ રૂપિયાવાળો સેલફોન વાપરતા હો તો તમારા સંતાન પાસે આઇફોન ન હોવો જોઈએ અને જો ખરેખર તેની જરૂરિયાત આઇફોનની હોય તો તેને એ આઇફોનની વૅલ્યુ સમજાતી હોવી જોઈએ.
મુદ્દો આઇફોન કે એની કિંમતનો નથી, મુદ્દો પૈસાનું મહત્ત્વ સમજવાનું છે. બાળકોને જો પૈસાનું મહત્ત્વ નહીં સમજાવો તો એક દિવસ એવો આવી જશે કે બાળકમાં પૈસાને લઈને સુપીરિયારિટી કૉમ્પ્લેક્સ આવી જશે. આ સુપીરિયારિટી કૉમ્પ્લેક્સ શરૂઆતમાં તમને પણ ગમશે અને તમે પણ એનાથી રાજી થવા માંડશો, પણ એની આડઅસર તમને ભવિષ્યમાં ત્યારે દેખાશે જ્યારે તમારે કોઈ વાતમાં ના પાડવાની આવશે.
દરેક વાતનો એક સમય હોય છે. દરેક ઘટના એના એક અર્થ સાથે આવે છે અને દરેક પરિસ્થિતિની એક સમજ હોય છે જે સંતાનોને આપવી ખૂબ જરૂરી છે. આજે આપણે એ સમજ નહીં આપીએ, તેમની બ્લૅક સ્લેટમાં એકડો નહીં ઘૂંટીએ તો આવનારા સમયમાં એનાથી થયેલા લીંટોડિયા સાફ કરવાની પ્રક્રિયા તેને પણ અઘરી લાગશે અને તમને પણ એ તકલીફ આપનારી બની જશે. એવું ન થાય, એવું ન બને એ માટે પણ બાળકોને પૈસાનું મૂલ્ય અને સાચા-ખોટાની સમજણ આપવાનું શરૂ કરી દો.

Sanjay Raval columnists weekend guide