અમારી દુનિયા, તમારી દુનિયા : સમજાવવાની નહીં, સમજવાની જરૂર

21 September, 2019 01:22 PM IST  |  મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

અમારી દુનિયા, તમારી દુનિયા : સમજાવવાની નહીં, સમજવાની જરૂર

ફાઈલ ફોટો

આપણે હંમેશાં વાતો સાંભળતા રહ્યા છીએ કે જનરેશન ગૅપ છે. બે પેઢીઓની વચ્ચે-વચ્ચે જે અંતર છે એને લીધે વારંવાર બન્ને પેઢીઓ વચ્ચે તનાવ રહે છે અને તનાવને કારણે ઝઘડા થાય છે, જે ઝઘડા મતભેદ ઊભા કરે છે. કયા પ્રશ્નો એવા છે કે મતભેદ ઊભા થાય છે અને કયાં કારણ એવાં છે કે આ મતભેદોની ખાઈ મોટી થઈ રહી છે. આજનો યુવાન સમજતો નથી કે પછી પાછલી પેઢીના આપણા વડીલોને સમજવાની જરૂર છે કે તમારા સંબંધોની ખાઈ મોટી ન થાય એનું ધ્યાન રાખો. વાંક કોનો છે? આજનો યુવાન એમ જ માને છે કે તેને બધી સ્વતંત્રતા હોવી જોઈએ અને સાથોસાથે એ પણ માને છે કે તેની પાસે જે નૉલેજ છે, જ્ઞાનનો જે ભંડાર છે એ તેની અગાઉની પેઢી પાસે નથી. સામા પક્ષે આગલી પેઢી એટલે કે વડીલો એમ માને છે કે તેમની પાસે જે અનુભવ છે, તેમણે જે દુનિયા જોઈ છે અને જોયેલી દુનિયા પાસેથી તેણે જે સમજદારી કેળવી છે એ આ આજની પેઢીને દેખાતી નથી. બન્ને સાચા પણ છે અને જો બન્ને સાચા હોય તો પછી વાંક ખરેખર કોનો ગણવાનો? કોણે સમજવાની જરૂર છે અને કોને સમજાવવાની જરૂર છે?

હકીકત એ છે કે બન્નેમાંથી કોઈનો વાંક નથી અને કોઈને સમજાવવાની જરૂર નથી, પણ બન્નેએ સમજવાની જરૂર છે. આજની યુવા પેઢીની વાત કરીએ તો તેમની પાસે આજે એટલુંબધું નૉલેજ છે જેની કોઈ સીમા નથી. એ ધારે ત્યાંથી નૉલેજ ભેગું કરી શકે છે. યુવાનો, તમારા હાથમાં મોબાઇલ નામનું જે પોર્ટેબલ ડિવાઇસ છે એ એક નવી જ દુનિયા તમારી સામે ઊભી કરી દે છે અને એને લીધે વિશ્વઆખું નાનકડા મોબાઇલમાં આવી ગયું છે એમ કહીએ તો ચાલે. આ ડિવાઇસને લીધે કમ્યુનિકેશન બહુ ઝડપી બન્યું છે અને બહુ દૂર-દૂર સુધી ફેલાયું પણ છે. પહેલાં વિદેશ રહેતા તમારા કાકા કે મામા સાથે જવલ્લે જ વાતો કરી શકતા, જે હવે મોબાઇલ-ઍપને લીધે ઈઝી થઈ ગયું છે અને અને વિડિયો-કૉલ કરીને તમે તેને રૂબરૂ મળ્યાનો આનંદ પણ લઈ શકો છો, જેનો સીધો ફાયદો એ કે કોઈ હવે તમને દૂર નથી લાગતું. સોશ્યલ મીડિયા અને ટેક્નૉલૉજીને લીધે દરેક ન્યુઝ બહુ ઝડપથી તમારા સુધી પહોંચી જાય છે. આજે દુનિયાના કયા ખૂણામાં શું થઈ રહ્યું છે અને શું બની ગયું એની તમને ખબર છે. કયા દેશમાં શું બન્યું એની પણ તમને ખબર છે. ટીવી પર ન્યુઝ આવે એ પહેલાં તમારા હાથમાં રહેલા મોબાઇલને કારણે તમને સરળતાથી ખબર પડી જાય છે કે ઍમેઝૉનનાં જંગલોમાં વિકરાળ આગ લાગી છે અને નરેન્દ્ર મોદી તેમનાં બા (હીરાબા) સાથે બેસીને પૂરણપોળી ખાય છે પણ અહીં મને એક વાત કહેવી છે.

નવી પેઢી પાસે જે નૉલેજ છે એ ઉછીનું લીધેલું નૉલેજ છે. જે વાત તમે સાંભળો છો, જુઓ છો એના પરથી તમે એ નૉલેજ મેળવો છો. એ સફર તમે ખેડી નથી. કહેવાનો અર્થ એવો નથી કે દરેક વાતનું જ્ઞાન મેળવવા માટે તમારે એ સફર જાતે ખેડવી પડે, પણ ઉછીનું લીધેલું, ઉધાર લીધેલું બધું સાચું નથી હોતું. એમાં એવું પણ હોય છે જે સામેવાળાને દેખાડવાની ભાવના છે. જીવનમાં આ પ્રકારે ઉધાર લીધેલું બધું સારું હોય એ જરૂરી નથી અને એ બધું હેલ્પફુલ હોય એ પણ જરૂરી નથી. દેશવિદેશના બધા સમાચારોની તમને ખબર હોય, જગતઆખાનું જ્ઞાન તમારી પાસે હોય, પણ તમારા જિલ્લામાં કે તમારા શહેરમાં, અરે, તમારા ઘરમાં શું થાય છે એની જો તમને ખબર નથી તો એ જ્ઞાન શું કામનું? ચૂલામાં નાખવું જોઈએ એ જ્ઞાન.

‘કૌન બનેગા કરોડપતિ’માં જવા માટે તમે બધી તૈયારી કરો, ભાતભાતની બુક્સ વાંચીને મોઢે કરી લો અને પછી તમે કેબીસીના ઑડિશનમાં જ ન જાઓ તો શું ફાયદો છે આ બધી મહેનત કરીને જ્ઞાનનો ભંડાર જાતની અંદર ભરવાનો. વડીલોએ જે એકત્રિત કર્યું છે એ સ્વબળે અને સ્વાનુભવે મેળવેલું છે. તેમને ખબર છે કે ૨૦ ફુટ ઊંચા ધોધ પરથી નીચે પાણીમાં ઠેકડો મારો તો પાણી શરીર પર કેવો પ્રહાર કરે. જેમ તેમને આની ખબર છે એવી જ રીતે તેમને એ પણ ખબર છે કે કયાં પગલાં ખોટાં પડે તો શું થાય અને જો દાવ ઊંધો પડે તો કેવી કફોડી હાલત થઈ જાય? તેમને જાણ છે, કારણ કેતેમણે તડકામાં વાળનો રંગ નથી ઉડાડ્યો, તેમણે અનુભવ લીધો છે અને અનુભવને લીધે તેઓ એવું ઇચ્છે છે કે કોઈ જાતનો વાંધો, કોઈ જાતની તકલીફ કે કોઈ જાતની મુશ્કેલી તેમની આગામી પેઢીને ન આવવાં જોઈએ.  યુવાનોએ ધ્યાન એ જ રાખવાનું છે કે જે સજેશન તેમને મળે છે એ બધાં ફાલતુ અને ખોટાં છે એવું ધારવું નહીં. એવું કરવાને બદલે વડીલોની વાત ધ્યાનથી સાંભળીને તેમની સલાહમાં આજના સમયનું જ્ઞાન ઉમેરીને આગળ વધવું. આ હિતાવહ પગલું છે. આપણે ત્યાં કહેવત છે કે ઘરડા વિના પ્રસંગ નહીં ને ગાંડા વિના ગામ નહીં.

બહુ સાચી અને સમજવા જેવી આ વાત છે તો સાથોસાથ એ પણ વાત સમજવા જેવી છે કે આપણી જ ગુજરાતી ભાષા પાસે વધુ એક કહેવત છે કે ‘જે પાણીએ ચોખા ચડે એ પાણીએ ચોખા ચડાવાય.’ વડીલોએ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે નવી પેઢી બહુ ઝડપી છે, તમે લાખ કોશિશ કરશો તો પણ એ ઝડપે તમે તેમની સાથે ભાગી શકવાના નથી. બીજું એ કે આ નવી પેઢીને ભાગતાં રોકી શકવાના પણ નથી. તમારે માત્ર તેમની ઝડપને એક દિશા અને નિયંત્રણ આપવાનું છે. જરૂરી નથી કે દરેક વાતને અનુભવથી જ તમે મૂલવો અને જો એવું હોત તો કદાચ તમને પણ એ બધા અનુભવો ન થયા હોત જે તમારા વડીલોની ના પછી પણ તમે મેળવ્યા છે. જો તમારી પાસે તમારા અનુભવો છે તો તમારાં બાળકોને પણ એના અનુભવ લેવાની પૂરી તક આપવી જોઈએ અને એ જ્યાં પડે, પછડાટ ખાય ત્યાં તેમને સહારો આપવા અને તેમને સાચો રસ્તો બતાવવા તમારે તૈયાર રહેવું જોઈએ.

આજના સમયમાં તમે અપેક્ષા રાખો કે તમારું બાળક જામનગરમાં જ ભણીને ત્યાં જ નોકરી કરતું થઈ જાય તો એ ખોટી અપેક્ષા છે. એવી ખોટી અપેક્ષા રાખવાને બદલે તમારા બાળક પાસે જે નૉલેજ છે એને અને તમારી પાસે જે અનુભવ છે એને, આમ આ બન્નેને ભેગાં કરીને એક નવું અને ઉત્કૃષ્ટ પિક્ચર શું કામ ઊભું ન કરી શકાય. આ બાબતને ઘર્ષણમાં લાવવાને બદલે બન્ને પક્ષે એ સમજવાની જરૂર છે કે સારું શું છે અને એનો ફાયદો કેટલો મોટા પાયે છે.

જો એ વાત બન્ને પક્ષે સમજાઈ જાય તો ક્યારેય કોઈ મતભેદ થાય જ નહીં. યુવાનો પોતાનું નૉલેજ ત્રીસ ટકા વડીલો સાથે શૅર કરે અને વડીલો પોતાનો ૧૦૦ ટકા અનુભવ યુવાનોને આપે. વડીલોને એક બીજી પણ વાત કહેવાની કે પોતે સાચા જ છે એ માનવું થોડું ઓછું કરશો તો પણ પારિવારિક ઘર્ષણમાં ઘણો ફરક પડી જશે. યુવાનો, તમે પણ એક વાત યાદ રાખજો કે જેમને ખબર નથી તેમને કહીને, સમજાવીને પણ એ ખબર પાડવી પડે કે આ વિશ્વ આજે ક્યાં છે અને કઈ ઝડપે ભાગે છે. આ ઝડપનો અંદાજ જો તમારા વડીલોને આવશે તો જ તેમને સમજાશે કે હવે ગોકળગાયની ગતિ નથી ચાલવાની, પણ એ જ્યાં બ્રેક મારવાનું સૂચન કરે ત્યાં બ્રેક પણ મારવી જોઈશે, કારણ કે અકસ્માતનો ભય ઝડપમાં જ હોય એવું જરૂરી નથી. બાજુવાળાની ભૂલથી પણ તમારો ઍક્સિડન્ટ થઈ શકે છે. આવું ન બને એની તકેદારી કેવી રીતે રાખવી એ તમને તમારા વડીલોના અનુભવ પરથી શીખવા મળશે.

આ પણ વાંચો : ઇતિહાસ અમર રહે : હા, એ પણ યાદ રાખવાની જરૂર છે કે એને મારી-મચકોડીને રજૂ કરવાની જરૂર નથી

વડીલો અને યંગસ્ટર્સ જો એકબીજા સાથે ઘર્ષણ ઓછું કરશે (એ કાયમ માટે દૂર થાય એવી શક્યતા તો નહીંવત્ છે, જનરેશન ગૅપ રહેતો જ હોય છે) તો એનો લાભ બન્ને પક્ષને ભરપૂર મળશે. ઘર્ષણને કારણે ન તો વડીલને સંતોષ થતો હોય છે કે ન તો નવી પેઢી પોતાની આગળ વધવાની ખ્વાહિશનો આનંદ લઈ શકે છે. કારણ એ જ છે કે બન્ને એકબીજાને ખોટા પાડવાની હોડમાં જ હોય છે. સાચા પુરવાર થવાને બદલે એકબીજાને સાચા સાબિત કરી દેશો તો જીવનની બધી માથાકૂટ નીકળી જશે અને એની જવાબદારી હું લઉં છું. બસ બન્ને પક્ષ વચ્ચે થોડીઘણી સમજણફેર છે એને દૂર કરવાની છે અને એ દૂર કરવાનું કામ અત્યારથી, આ ઘડીથી જે આર્ટિકલ પહેલો વાંચે તે શરૂ કરી દે એમાં જ બન્નેની ભલાઈ છે.

Sanjay Raval columnists