દિવાળી, મંદી અને નવું વર્ષ : આ વર્ષે સજ્જ નાગરિક બનીએ

26 October, 2019 02:56 PM IST  |  મુંબઈ | સંજયદૃષ્ટિ - સંજય રાવલ

દિવાળી, મંદી અને નવું વર્ષ : આ વર્ષે સજ્જ નાગરિક બનીએ

દિવાળી

વિશ યુ વેરી હૅપી દિવાલી અને ઍડ્વાન્સમાં નૂતન વર્ષાભિનંદન. 

વિક્રમ સંવતના આ વર્ષના અંત ભાગમાં મારે તમને ઘણું કહેવાનું છે અને ઘણું તમારી સાથે શૅર કરવાનું છે, પણ એ પહેલાં મનમાં વિચાર આવે છે કે એ વિષય પર વાત શરૂ કરીએ એ પહેલાં આ દિવાળીએ દેશની પણ થોડી સાફસફાઈ કરી લેવી જોઈએ. એની શરૂઆત તો થઈ જ ચૂકી છે અને એ આપણે બધા જોઈએ છીએ. દેશના પાયાના થોડા પ્રશ્નો છે એના વિશે આપણે અગાઉ વાત કરી છે, પણ આજે એ જ વિષય પર મારે વિગત સાથે થોડી વાત કરવી છે. આપણા દેશના પાયાના ત્રણ પ્રશ્નો છે; એજ્યુકેશન, કરપ્શન અને ટેરરિઝમ. આ ત્રણ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એટલે સ્વાભાવિક રીતે એ આપણે વિશ્વના વિકસિત દેશોમાં સામેલ થઈ જઈશું પણ મુદ્દો એ છે કે એની શરૂઆત કરવી અને એ શરૂઆત આપણે જ કરવાની છે. નવા વિક્રમ સંવતમાં આપણે ત્રણ જ વાતનો સિદ્ધાંત બનાવીને રાખવાનો છે. એક, એજ્યુકેશનના ક્ષેત્રમાં બાંધછોડ કરવી નથી અને આજુબાજુમાં જેકોઈ છે તેમને પણ એ બાંધછોડ કરવા દેવી નથી. બીજા નંબર પર છે કરપ્શન. કરવું નથી, કરવા દેવું અને અગત્યની વાત, થતું હોય તો ચૂપ રહેવું નથી. આ જે છેલ્લો પૉઇન્ટ છે એ આજે મોટા ભાગના દેશવાસીઓને નડી રહ્યો છે. એ કરપ્શન માટે રાજી નથી અને કરવા પણ તૈયાર નથી, પણ જ્યાં થાય છે ત્યાં ચૂપ રહીને દેશને નુકસાન પહોંચાડી રહ્યા છે એ હકીકત છે. ચૂપ રહેવું જોઈએ, પણ ચૂપ રહેવાનું સ્થળ કયું હોવું જોઈએ એની સમજણ પણ હોવી જોઈએ. જો ખોટી જગ્યાએ ચૂપ રહેશો તો તકલીફ વધશે, પરિસ્થિતિ વધુ બગડશે. જો ખોટી જગ્યાએ મૂંગા રહેવાનું પસંદ કરશો તો જે મુશ્કેલી આજે તમારી નથી એ જ મુશ્કેલી આવતી કાલે તમારી બનશે. એવું ન થવા દેવું હોય તો ચૂપ રહેવાનું છોડી દો. કરપ્શન જ્યાં પણ થતું હોય, જે કોઈ જગ્યાએ ખોટું કામ થતું હોય એની સામે અવાજ મોટો કરો. સહન નહીં કરો. સહન કરવા માટે તમે નથી આવ્યા. ખાસ તો ખોટી વાતને સહન કરવા માટે તમે નથી આવ્યા. તમારે કરવું પણ ન જોઈએ એટલે નવા વિક્રમ સંવતમાં આ વાતને ખાસ યાદ રાખજો અને એને ફૉલો કરજો.

ત્રીજી અગત્યની વાત. આતંકવાદ.

આતંકવાદ સાથે સામાન્ય નાગરિક ક્યાંય જોડાયેલો નથી એ સૌકોઈ જાણે છે અને એમ છતાં એની સીધી અસર જો કોઈને થતી હોય તો એમાં સામાન્ય નાગરિક જ આવે છે. તમે ક્યારેય સાંભળ્યું ખરું કે આતંકવાદી હુમલામાં કોઈ ઉદ્યોગપતિ ગુજરી ગયો હોય. ક્યારેય સાંભળ્યું ખરું કે આતંકવાદી હુમલામાં ફિલ્મસ્ટાર કે ક્રિકેટરનો જીવ ગયો હોય. જવો પણ ન જોઈએ. એ ભારત રત્નો છે, એનાથી દેશનું નામ રોશન થયું છે. તેમને કશું ન થવું જોઈએ, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે પણ આતંકવાદી હુમલા થયા છે ત્યારે સામાન્ય નાગરિકના જ ભોગ લેવાયા છે એટલે એની સામે લડવાની સતર્કતા પણ સામાન્ય નાગરિકોએ જ લાવવાની જરૂર છે. જો નાગરિક જાગ્રત થશે તો આતંકવાદી હુમલામાં ખરેખર ઘટાડા પણ થશે. માન્યું કે હમણાં છેલ્લા થોડા સમયથી એવી કોઈ ઍક્ટિવિટી નથી થઈ રહી, પણ એમ છતાં જાગૃતિથી ઉત્તમ બીજું કશું હોતું નથી. જાગૃતિ હોવી જોઈશે. જો જાગૃતિ નહીં હોય તો આતંકવાદને તમે ક્યારેય નાથી નથી શકવાના.

આ ત્રણ બાબતો પર ધ્યાન આપવા સિવાયની વાત કહું તો દેશ માટે આ દિવાળી સ્પેશ્યલ રહેવાની છે. સારો સમય અત્યારે આપણા દેશ માટે જઈ રહ્યો છે. કેટલાક સુધારા આપણે વર્ષોથી કરવા માગતા હતા, પણ એ થઈ નહોતા શકતા, પરંતુ એ સુધારા આ વર્ષ દરમ્યાન આવ્યા. જઈ રહેલા વિક્રમ સંવતે કાશ્મીર-પ્રશ્નનું નિરાકરણ લાવવાનું કામ કર્યું છે. કાશ્મીર માટે હવે વિકાસ ખુલ્લા મને થઈ શકશે અને ફરી એક વાર કાશ્મીરને સ્વર્ગ બનાવીને દુનિયાને બતાવી શકીશું. આ કામ દેખાય છે એટલું સરળ નથી, પણ અશક્ય નથી રહ્યું એ દિશામાં આપણે ગોઠવાઈ ગયા છીએ.

મોંઘવારી છે, માર્કેટમાં મંદી છે એવું અનેકના મોઢે આપણે સાંભળીએ છીએ. ધંધો નથી, ઉઘરાણી આવતી નથી, નવા ઑર્ડર મળતા નથી અને ઉપરથી ભારેખમ ટૅક્સ-સ્લૅબ, આમાં બિઝનેસમૅન કેવી રીતે વેપાર-ધંધા કરે? કેમ ન કરે, ભાઈ. આજ સુધી પ્લૅટફૉર્મ સરકારે પૂરું પાડ્યું છે. હવે દેશના વિકાસ માટે સરકારે પ્લૅટફૉર્મ થોડું બદલ્યું તો એમાં વાંધો શું હોઈ શકે? જે ટૅક્સ-કલેક્શન થાય છે એ દેશના વિકાસ માટે, ભવિષ્ય માટે જ વપરાવાનો છે તો પછી દેશ થોડો સમય ખરાબ સમય ભોગવી કેમ ન શકે? કેમ આપણે થોડો વખત અમુક પ્રકારની ઇચ્છાઓનો ભોગ ન આપી શકીએ?

સમય છે ખોટા ખર્ચ પર કાપ મૂકવાની અને જરૂર છે ખોટી સવલતો ભોગવવાની. આપણા દેશને જો કોઈ એક વાતમાં સુધારો કરવાની જરૂર હોય તો એ જ કે આપણે બધા આપણી મુનસફી પર બહુ જીવીએ છીએ. ઘરમાં એક કે બે નહીં, ત્રણ અને ચાર વેહિકલ હોવાં એ બહુ સામાન્ય વાત છે. હસબન્ડનું એક ટૂ-વ્હીલર, વાઇફનું એક ટૂ-વ્હીલર, ફૅમિલી માટે એક ગાડી. આ તો સીધો હિસાબ થઈ ગયો છે હવે. પબ્લિક ટ્રાન્સપોર્ટ સાથે આપણને કંઈ લેવાદેવા નથી. મુંબઈમાં પણ આ જ હાલત છે અને ગુજરાતમાં તો એનાથી પણ ખરાબ પરિસ્થિતિ છે. મંદીને રડવાને બદલે, મંદીના નામે દેકારા કરવાને બદલે આપણે એની સામે લડી લેવાનું છે. અલ્ટિમેટલી ગુજરાતી વેપારી પ્રજા છે, ધારીએ એ કરી શકીએ.

ધૂળમાંથી મહેલ ઊભા કરી દીધાના દાખલા પણ ઇતિહાસમાં છે. આ તો સહેજ નબળો સમય આવ્યો છે, બસ એટલું જ છે. નવા વર્ષે નક્કી કરો કે હવે મંદી વિશે વાતો નથી કરવી. ગુજરાતીઓના જેટલી હકારાત્મકતા કોઈનામાં નથી. બંધ કરી દો મંદીના નામની કાગારોળ, આપોઆપ તમારી આજુબાજુવાળા પણ મંદી શબ્દ બોલવાનું ભૂલી જશે. ઇકૉનૉમિક્સનો એક સીધો સિદ્ધાંત સમજવા જેવો છે. મંદી હોય ત્યારે મોંઘવારી નથી હોતી અને મોંઘવારી હોય ત્યાં મંદી નથી હોતી. જો મંદી હોય તો વેપારધંધા ન હોય અને જો વેપારધંધા ન હોય તો નાછૂટકે ભાવમાં ઘટાડો દેખાવાનો શરૂ થાય અને એને લીધે સોંઘવારી આવે, પણ એવું પણ નથી અત્યારે. રૂપિયો માર્કેટમાં ફરતો થયો છે અને સારી અને સાચી દિશામાં ફરતો થયો છે, એને ગતિ મળતાં સહેજ વાર લાગશે જે રીતે આપણે અત્યારે સુધારા કરી રહ્યા છીએ, જે રીતે આપણે આગળ વધી રહ્યા છીએ એ જોતાં કહેવું પડે કે આપણી આવતી કાલ આજ કરતાં વધારે બ્રાઇટ છે. સાચા અર્થમાં જોવા જઈએ તો આ મંદી છે જ નહીં, આ સ્લો-ડાઉન છે. જેણે ઇકૉનૉમિક્સ અને માર્કેટિંગનો અભ્યાસ કર્યો હશે તેને ખબર હશે કે સ્લો-ડાઉન કોને કહેવાય અને એ કેવા સંજોગોમાં આવે. સ્લો-ડાઉન અને મંદી બિલકુલ સરખા નથી, જરા પણ નહીં.

સ્લો-ડાઉનની આ પ્રોસેસ જાન્યુઆરીથી ગતિ પકડે એવી સંભાવના અત્યારે મારા ઘણા અર્થશાસ્ત્રી મિત્રોએ કરી છે. તેમનું કહેવું છે કે સ્લો-ડાઉનની પ્રોસેસ ક્યારેય લાંબી નથી ચાલતી. એ પ્રોસેસ જાતે જ ટ્રૅક પર આવે છે. બીજી પણ એક વાત કહું તમને. મંદી આવે ઝડપથી અને મંદી જાય બહુ ધીમે-ધીમે. મંદીને કારણે મનમાં એક ડર પેસી જતો હોય છે, જેને લીધે મંદી ગયા પછી પણ લોકોનો હાથ છૂટો નથી થતો અને એટલે મંદી નીકળી ગઈ હોય તો પણ એ હંમેશાં બેચાર મહિના સુધી દેખાતી નથી.

દોસ્તો, મૂળ વાત કરીએ, દિવાળી. આ દિવાળીએ બધું ભૂલીને દેશને આગળ વધારવા માટે જેટલો ભોગ આપી શકાય એ આપજો. દેશથી વિશેષ કશું નથી અને દેશ છે તો આપણે છીએ. વિકાસની જે રૂપરેખા બની રહી છે એ આપણા માટે જ છે. એ વિકાસ જો જોઈતો હોય, સુવિધાઓ જોઈતી હોય અને આવતી તમામ દિવાળીઓ સારી રીતે ઊજવવી હોય તો થોડી સફાઈ કરવામાં આપણે પણ ભાગ લેવો જોઈએ અને થોડો ભોગ આપવો જોઈએ.

Sanjay Raval columnists