13 June, 2025 07:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાં વાંચેલા એક લેખનું શીર્ષક હતું : એજિંગ ઑન યૉર ટર્મ્સ. અલબત્ત, એમાં તો વધતી વય સાથે તંદુરસ્ત અને ખુશહાલ જીવન જીવવા માટે જરૂરી પાયાની કસરતો અને ખાનપાનની આદતો તેમ જ સામાજિક સંબંધો ઇત્યાદિ વિશે ઉપયોગી માહિતી હતી પરંતુ હમણાં એ મથાળું કંઈક જુદા જ સંદર્ભે યાદ આવ્યું.
ઘર નજીકના ગાર્ડનમાં ચાલવા જવાનું નક્કી કર્યું તો જોયું કે કેટલીબધી મહિલાઓ આ લીલાછમ બગીચાની તાજી સુગંધિત હવાને શ્વાસમાં ભરતાં-ભરતાં એના સ્વચ્છ વૉકવે પર ચાલતી દેખાય છે. મોટા ભાગની ત્યાં રાખેલાં કસરત માટેનાં સાધનોનો પૂરો ઉપયોગ પણ કરે છે. અઢાર-વીસ વર્ષની કિશોરીથી લઈને એંસી વર્ષની વયોવૃદ્ધ મહિલાઓ આ બગીચામાં નિયમિત આવે છે. એમાં પચાસ-સાઠથી મોટી વયની મહિલાઓની હાજરી ખાસ ધ્યાન આકર્ષે છે. આ ઉંમરની સ્ત્રીઓમાં પોતાના સ્વાસ્થ્ય માટે આટલી જાગરૂકતા જોઈને સહજ આનંદ અને આશ્ચર્ય થાય. એક દિવસ વૉક કર્યા બાદ એ મંડળી બેઠી હતી ત્યારે આ વિશે સહજ વાત નીકળી તો જાણ્યું કે તેમનામાંની કેટલી બધી રોજ એ બગીચાનાં સાત-આઠ ચક્કર (૮-૯ હજાર પગલાં) ચાલે છે! ઉપરાંત સવારે યોગ કરે છે. ‘આટલોબધો સમય મળે છે?’ એના જવાબમાં જે જાણવા મળ્યું એ વધુ આનંદાશ્ચર્ય આપનાર હતું.
નિવૃત્તિની આ અવસ્થામાં તેમણે (પતિ-પત્ની બન્નેએ અને જે એકલી હતી એ સ્ત્રીઓએ) સ્વતંત્ર રહેવાનું સ્વીકાર્યું હતું એટલે તેમને શિરે પરિવારની જવાબદારી કે કામનો જથ્થો નહોતો! પોતાના વડીલોની કાળજી કરવાની તેમ જ સંતાનોના ઉછેરની સંપૂર્ણ જવાબદારીઓ બજાવી લીધા બાદ ઉંમરના આ પડાવે પહોંચીને તેમણે પોતાની શરતે જીવવાનો પડકાર સ્વીકાર્યો છે. જેમને દીકરા-વહુ અને પોતરા-પોતરી છે તેઓ પણ તેમની સાથે નહીં રહેતાં એકલાં પોતાની રીતે અને રુચિ અનુસાર લહેરથી જીવે છે. નાટકો કે કાર્યક્રમોમાં જાય છે, ભજનમંડળી કે મંદિરના પૂજાપાઠમાં ભાગ લે છે, મનગમતાં પુસ્તકો વાંચે છે અને લહેરથી જીવે છે. દીકરા નથી તેમને દીકરીઓ પોતાની સાથે રહેવા બોલાવે છે. પરંતુ તેઓ પણ પોતાની આવી સરસ મજાની સ્વતંત્રતાનું સુવિધા અને સગવડો સાથે સાટુ કરતાં પહેલાં સો વાર વિચાર કરે છે. ‘તેમના વયજૂથની સ્ત્રીઓની માનસિકતામાં આવેલા આ બદલાવનું મુખ્ય કારણ?’ એવા મારા સવાલના જવાબમાં સાઠ પ્લસની એક સ્ત્રી કહે છે : ‘પોતાની સ્પેસ માટેનો લગાવ અને સમાજના ડરનો અભાવ. અને હા, આ માટે જરૂરી એવી આત્મનિર્ભરતા તો ખરી જ.’ આ જવાબ સાંભળીને પોતાની શરતે જીવતી આ વય-વૃદ્ધ મહિલાઓ માટે થયું ‘વાહ! શું સ્પિરિટ છે!
- તરુ મેઘાણી કજારિયા