સૅલ્યુટ સર

05 November, 2020 04:14 PM IST  |  Mumbai | Latesh Shah

સૅલ્યુટ સર

પ્રબોધ જોષી,મહાવીર શાહ

રીકૅપ
ગયા ગુરુવારે તમે વાંચ્યું હશે કે રાજેશ ખન્નાના ગુરુ પ્રબોધ જોષી, જેમને મળવા હું બિરલા માતુશ્રી સભાગૃહમાં ગયો. બિરલા માતુશ્રીની કૅન્ટીનમાં હું બેઠો. તેમનો ઘેરો અવાજ ‘અને હવે...’ બોલવાનો તેમનો અંદાજ માશાલ્લાહ. એ ઘેઘુર અવાજમાં માલિક પ્રબોધ જોષી હમણાં આવશેની આશા સાથે હું બેઠો. મળવા આવેલો પ્રબોધ જોશીને અને મને જોવા મળી ગયા કાંતિ મડિયા, ગિરેશ દેસાઈ, લાલુ શાહ, વિજય દત્ત, વિષ્ણુકુમાર વ્યાસ. બધા કૅન્ટીનમાં ચા-કૉફી પીતા હતા. સાથે થોડો પણ નાસ્તો નહોતા કરતા. કાંતિભાઈ ચા પીને પાઇપ પીવા લાગ્યા અને ગિરેશભાઈએ સિગારેટ સળગાવ્યા વગર પકડી રાખી હતી. લાલુ શાહ બિરલા કૅન્ટીનમાં પ્રવેશીને બધાને હાય-હેલો કરીને બિરલાના મૅનેજર બરજોર પાવરીની ઑફિસમાં ઘૂસ્યા. એ જમાનામાં બરજોરનું જોર બહુ હતું. બધા નિર્માતાઓ બરજોરને સલામ મારવા જાય. એ વખતે બિરલા માતુશ્રી સભાગૃહ બહુ જ પૉપ્યુલર થિયેટર હતું. બિરલા કૅન્ટીન ગુજરાતી રંગભૂમિના કલાકારોની ફેવરિટ જગ્યા. મને પણ સુંદર દિવાસ્વપ્ન દેખાવા લાગ્યાં. ભવિષ્યમાં હું પણ રંગભૂમિના રણવીરો સાથે મસ્ત રીતે બિરલા કૅન્ટીનમાં જલસા કરતો દેખાવા લાગ્યો. ગુજરાતી રંગભૂમિના કલાકારો સાથે બેસવાનો મને સુવર્ણ અવસર મળ્યો. એ જમાનાના સુપરસ્ટાર બધા બિરલા માતુશ્રીની કૅન્ટીનમાં વાતો કરતાં-કરતાં ચા પીતા અને જલસા કરતા નજરે ચડ્યા. મને થયું કે એક દિવસ હું પણ ગુજરાતી રંગભૂમિનો સિતારો બનીશ અને અહીં બેઠેલા સિતારાઓ સાથે બેસીને નાટકોની ચર્ચા કરીશ. આવું વિચારતો હતો ત્યાં જ પ્રબોધ જોષી પધાર્યા. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. જોકે મેં રિહર્સલ કર્યું હતું કે હું પ્રબોધ જોષી સામે શું બોલીશ. જોષી સામે આવતાં નર્વસ થઈ ગયો. અત્યાર સુધી ન થયેલો પસીનો થવા લાગ્યો. પ્રબોધ જોષી બધાને ગ્રીટ કરતાં પોતાની જગ્યાએ બેઠા. હાથમાં ચારમિનાર સિગારેટ હતી, ફિલ્ટર વગરની. એ જમાનાની સૌથી કડક સિગારેટ હતી ચારમિનાર. દિવસની ૭૦-૮૦ સિગારેટ તો આરામથી પી જતા. મને નવાઈ લાગી નાટકના બધા કલાકારો, સિગારેટ પીતા હતા એટલે કલાકાર થયા કે કલાકાર થઈને સિગારેટ પીતા થયા. કલાકાર થવું હોય તો સિગારેટ પીવી પડે. એવો કોઈ નિયમ હતો કે કલાકાર છે એટલે સિગારેટ પીવી જોઈએ. મને કાંઈ સમજ ન પડી. પ્રબોધ જોષી જે સીટ પર બેઠા હતા એ તેમની સ્પેશ્યલ સીટ હતી. હું ગડમથલમાં હતો, હું તેમને મળવા જાઉં કે ન જાઉં? પ્રબોધ જોષી એક મોટા ગજાના લેખક, જેમનું એક નાટક ‘પત્તાંની જોડ’ તો વર્ષોથી ચાલતું હતું અને એ જમાનામાં એક જ એવા લેખક જેમનાં નાટકો માર-માર ચાલતાં. એકાંકી અને ફુલ લેંગ્થ નાટકોમાં તેમનો ડંકો વાગતો. એ લેજન્ડ સમા જીવતાજાગતા પ્રબોધ જોષી પોતે જાતે મારી સામે બેઠા હતા.મ ને તેમની પાસે લઈ જવા મારા પગ નહોતા ઊપડતા.
એ સમયે એક હૅન્ડસમ દેખાતો છોકરો મારી પાસે આવ્યો. ભૂરી આંખો, સરસ ઊંચાઈવાળો, સ્ટેજ અને ફિલ્મનો ઍક્ટર લાગતો હતો. મને લાગ્યું કે આ કોઈ ને કોઈ નાટકમાં મેઇન રોલ કરતો હશે. મને એક્સક્યુઝ મી કહ્યું એટલે મેં ઉપર જોયું. મને કહે, હું અહીં બેસી શકું? એટલે મેં હસીને ઊભા થઈને તેને જગ્યા આપી. તેણે મને અંદર બેસવાનું કહ્યું, જેથી તે બહાર બેસી શકે. મેં કહ્યું, મારે જવું પડશે, તો તે કહે, જાઓ.
મારે જેમને મળવું છે તેમને મળીને જઈશ એમ મેં કહ્યું. મને કહે, તારે કોને મળવું છે? મેં કહ્યું, મારે પ્રબોધ જોષીને મળવું છે.
મને કહે, મળ, બેઠો છે શું કામ? તેણે બૂમ પાડી, પ્રબોધભાઈ, આ, તારું નામ શું? મેં કહ્યું, લતેસ સાહ. એટલે તેણે પ્રબોધભાઈને કહ્યું કે લતેસ સાહ તમને મળવા માગે છે. પ્રબોધભાઈએ ચારમિનાર સિગારેટનો કસ મારતાં કહ્યું, બોલાવું થોડી વારમાં. તેઓ બે મોભાદાર લાગતી વ્યક્તિ સાથે વાત કરતા હતા. લાગ્યું કે જરૂર કોઈ નિર્માતા કે દિગ્દર્શક હશે. મારા ચાળા પાડી, લતેસ સાહ બોલી, મહાવીર સાહ વ્યંગમાં હસ્યો એટલે મને ચાટી ગઈ. મેં તેને તેનું નામ પૂછ્યું. તેણે કહ્યું, ‘મહાવીર સાહ.’ તે ફરીથી હસ્યો. એ ઉંમરે અને સમયે મને સ, શ, ષની સમજ જ નહોતી. શાળામાં કોઈએ શીખવાડ્યું નહીં અને ઘરમાં તો બધા સાહજિક રીતે બધા ‘સ’માં ‘સ’ જ બોલતા. હું સમજી ગયો કે મહાવીર મારી મસ્તી કરી રહ્યો છે. મને પૂછવા લાગ્યો હું ક્યાંથી આવ્યો છું એટલે કઈ કૉલેજમાંથી નાટ્યસ્પર્ધામાં ભાગ લેવાનો છું. હું બોલ્યો, ‘કે.સી. કૉલેજમાંથી ભાગ લેવાનો છું. એટલે તે બોલ્યો, ‘કે.સી. એટલે કૅશમાં કંગાળ કૉલેજ. ફરીથી મહાવીર હસ્યો. ત્યાં જ મહાવીરના ત્રણ-ચાર નાટકવાળા મિત્રો આવ્યા. આઇ થિન્ક, આઇ ઍમ નૉટ શ્યૉર, એમાંથી એક ઉત્કર્ષ મઝુમદાર પણ હતો. મહાવીરે મને કહ્યું, ‘લતેસ સાહ, સામેની ચૅર પર બેસ.’ મારાથી બોલી પડાયું, ‘તું બેસ.’ મહાવીરની ભ્રમર ઉપર ચડી ગઈ. તેણે મને ધક્કો માર્યો. અણધાર્યો ધક્કો, મુક્કા જેવો લાગ્યો. હું ગડથોલિયું ખાઈને પડતાં રહી ગયો. મહાવીર અને તેના બે લબરમૂછિયા મિત્રો હસ્યા. હું ખુરસી પરથી ઊભો થયો. સામેની ખુરસી પર બેસવા આગળ વધ્યો; પણ એ પહેલાં જયંત વ્યાસ, કિશોર ભટ્ટ અને બીજા બે આર્ટિસ્ટો ગોઠવાઈ ગયા.
એટલે હું પાછો ફર્યો. મેં મહાવીર શાહના મિત્રોને રિક્વેસ્ટ કરી અંદરથી બેસવાની. એ લોકોએ સાંભળ્યું ન સાંભળ્યું કર્યું એટલે મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો. મેં મહાવીરના મિત્રને ધક્કો મારીને અંદર ખસેડ્યો. હું ખુરસી જેવી બેન્ચમાં જગ્યા કરીને ગોઠવાઈ ગયો. મહાવીરનો પિત્તો ગયો અને તે મને મારવા ઊભો થયો. હું પણ ઊભો થયો. તે મને મારે એ પહેલાં જ મેં તેને એક મુક્કો મારી દીધો. બાકીના બીકણ મિત્રો હટી ગયા અને હું અને મહાવીર સામસામા થઈ ગયા. કૅન્ટીનમાં બેઠેલા બધા લોકો અમારો ખેલ જોવા ભેગા થઈ ગયા. અમે બાખડી પડીએ એ પહેલાં બે મજબૂત હાથોએ અમને બન્નેને બાહોંથી ઝાલીને છૂટા પાડ્યા. એ પ્રબોધ જોષી હતા. પ્રબોધભાઈ મને સાઇડમાં લઈ ગયા. સામે મહાવીરને ભાઉસાહેબ એટલે ગિરેશ દેસાઈએ શાંત કરીને બેસાડ્યો.
પ્રબોધભાઈએ મને ચા પીવડાવી, મારા મનની વાત પૂછી. મેં કહ્યું કે મારે એકાંકી નાટ્યસ્પર્ધામાં નાટક કરવું છે. મને આપની પાસે ડૉક્ટર વકીલસાહેબે મોકલાવ્યો છે. પ્રબોધભાઈના ચહેરા પર ઓળખાણનું સ્મિત ઊતરી આવ્યું. પ્રબોધભાઈએ પોતાનાં નાટકોની કિતાબ મને આપીને કહ્યું, ‘આ બધાં એકાંકીઓ વાંચી જા. જે ગમે એ એકાંકી કરવાની તને છૂટ છે. આમાંથી નાટક નહીં ગમે તો નવું નાટક લખી આપીશ.’ પછી મને મહાવીર પાસે લઈ ગયા અને બન્નેને હાથ મેળવવા માટે મજબૂર કર્યા. અમે બન્નેએ હાથ મિલાવ્યા. ભાઉસાહેબે બન્નેને ગળે મળવાનું કહ્યું. મળ્યા ગળે, પણ ભાઉસાહેબના કહેવાથી, મનથી નહીં. દિલથી તો જરાય નહીં. હળવે-હળવે મન અને દિલ પણ મળ્યાં. પછી તો મેં અને મહાવીરે ‘પરણવા’ નાટક કે.સી.માંથી કર્યું. એ સુરેન્દ્ર જોષીએ ડાયરેક્ટ કર્યું. મારી અને મહાવીર વચ્ચે થયેલી મારામારીએ મને એ સમયના કલાકારો અને મહારથીઓમાં પૉપ્યુલર કરી દીધો.
પ્રબોધ જોષીનાં મેં ઘણાં નાટકો કર્યાં. ‘તીન બંદર’ અને ‘ઈશ્વર અલ્લાહ તેરો નામ’ એમાં મુખ્ય હતાં. પ્રબોધભાઈએ ત્રણ નવાં નાટકો પણ મને લખી આપ્યાં. મેટ્રો પાસે એક ઈરાની કૅફેમાં પ્રબોધભાઈ બેસે. તેઓ ઑપેરાહાઉસ, પંચરત્ન બિલ્ડિંગ, ડાયમન્ડ અસોસિએશનના સેક્રેટરી તરીકે જૉબ કરતા. જરા પણ અહમ્ નહીં. સાંજે ઈરાનીમાં બેસીને બસની ટિકિટના પાછલા ભાગમાં નાટકના સંવાદો લખી આપતા.
મને બહુ જ નવાઈ લાગતી. આટલી મોટી હસ્તી, કોઈ મોટા મોજશોખ નહીં. તેઓ ધારત તો ગાડી લઈ શક્યા હોત, પણ તેઓ બસ અને ટ્રેનમાં જ જવાનુ પસંદ કરતા. તેમણે જ મને કહેલું કે બસમાં અને ટ્રેનમાં જવાનો ફાયદો એ છે કે કંઈકેટલાય લોકોને નીરખવાનો લહાવો મળે. આમાંના મનપસંદ લોકોના પાત્રાલેખનનો લાભ હું જે નાટકો લખું એ નાટકોને મળે. મને મારાં નાટકોનાં લોકપ્રિય પાત્રો બસ અને ટ્રેનમાંથી જ મોટે ભાગે મળ્યાં છે. કારમાં કે ટૅક્સીમાં બેઠેલા લોકો આસપાસ ઓછું જોતા કે સાંભળતા હોય છે.
પ્રબોધ જોષી જેવો માણસ અને લેખક થવો અને મળવો મુશ્કેલ છે. તેમણે વગર અપેક્ષાએ થિયેટરના લોકોને નિઃસ્વાર્થ ભાવે પુષ્કળ સપોર્ટ કર્યો છે. એ સમયે નાટક કે ફિલ્મમાં પ્રવેશતા દરેક કલાકારે પ્રબોધ જોષીનું એક કે બીજું નાટક કર્યું જ હોય. તેમના નાટકના ડાયલૉગ તફડાવીને બીજાં નાટકો કે ફિલ્મોમાં સો કોલ્ડ લેખક, દિગ્દર્શક, નિર્માતા, પોતાના બાપનો માલ સમજીને ઉઠાંતરી કરતાં જરાય શરમાતા નહીં. પ્રબોધ જોષીને જાણ હોય તોય માફ કરી દે. તેમનું કહેવું હતું કે ‘મનેય સર્જનશક્તિ ઉપરવાળાએ આપી છે. કમસે કમ ચોરી કરનારે ઉપરવાળાનો ઉપકાર માનવો જોઈએ’ એમ કહીને તેઓ ચોરોને છોડીને દે. ખરા અર્થમાં મુઠ્ઠીઊંચેરો માણસ એટલે પ્રબોધ જોષી. સૅલ્યુટ ટુ યુ સર! તેમનાં મેં ઘણાં એકાંકી કર્યાં, પણ પ્રોડ્યુસર્સ ગીલ્ડની નાટ્યસ્પર્ધામાં તેમનું નાટક ભજવી શકાય એમ નહોતું. તેમનાં લગભગ નાટકો કોઈ ને કોઈ સ્પર્ધામાં ભજવાઈ ચૂક્યાં હતાં. તેઓ સ્પર્ધાના મુખ્ય ઑર્ગેનાઇઝર હતા એટલે પોતાનું નાટક આપવા નહોતા માગતા. તેમણે એક એકાંકી દિગ્દર્શકનું નામ સજેસ્ટ કર્યું, પ્રફુલ આભાણી. આ માસ્ટર માઇન્ડ કોણ હતો એ જાણીએ આવતા ગુરુવારે.

માણો અને મોજ કરો, જાણો અને જલસા કરો
આસપાસ આકાશમાં અનંતનાં દર્શન થાય. જ્યાં જુઓ ત્યાં આકાશ એટલે અવકાશ એટલે ખાલી થવું અને હોવું. તમે થોડા પણ વાતો, વિચારો, વિકારોથી ભરેલા હો તો વાદળ બનીને લિમિટેડ થઈ જાઓ. અનંત થવા માટે અવકાશ થવું પડે. રમત નથિંગ અને સમથિંગ વચ્ચે છે. નથિંગ થાઓ તો એવરીથિંગ થવાની શક્યતા ખૂલે. સમથિંગ થાઓ તો સમથિંગ જ થવાય. ચૉઇસ ઇઝ યૉર્સ. ચૉઇસને માણો અને મોજ કરો.

latesh shah columnists