જન્મસ્થાન જે હોય એ, તેમના ઉપદેશને યાદ રાખીએ તોય ઘણું

26 January, 2020 04:38 PM IST  |  Mumbai Desk | sanjay pandya

જન્મસ્થાન જે હોય એ, તેમના ઉપદેશને યાદ રાખીએ તોય ઘણું

બાબા જીવતા ત્યારથી જે સમયે આરતી થતી એ પ્રથા આજેય જળવાઈ રહી છે. વહેલી સવારે ૪.૩૦ વાગ્યે કાકડ આરતી, બપોરે ૧૨ વાગ્યે મધ્યાહ્‍ન આરતી, સાંજે ૬.૩૦ ધૂપ આરતી અને રાત્રે ૧૦.૩૦ સેજ આરતી. પ્રસાદાલયમાં ભક્તોને નિ:શુલ્ક પ્રસાદ પીરસાય છે

હિન્દુત્વ એ વિચારધારા છે, જીવનશૈલી છે એવું બહુ ઓછા લોકો સમજે છે. ગીતામાં શ્રીકૃષ્ણએ અર્જુનને જે ધર્મનો બોધ આપ્યો એને તો આપણે કોરાણે મૂકી દીધો. સૂર્ય, ચંદ્ર, તારા, નદીઓ, પહાડો, વૃક્ષો એવાં પ્રકૃતિનાં તત્ત્વોને પૂજતી પ્રજા સંપ્રદાયોમાં વહેંચાઈ ગઈ. આજે આપણે ધર્મની વાત કરીએ ત્યારે જોવા જઈએ તો ધર્મની નહીં, પણ સંપ્રદાયની વાત કરતા હોઈએ છીએ. ધર્મસ્થાનકની ચાર દીવાલો, વિવિધ રંગનાં ટીલાં-ટપકાં, વિવિધ પાઘડી, ખેસ અને ધવલ કે ભગવાં વસ્ત્રો વચ્ચે ધર્મનું હાર્દ કે લોકોની એકતા ખોવાઈ ગઈ છે. મૂળ તો વેદોમાં કહેવાયેલી વાતોને સમયાંતરે પોતાની રીતે મૂકી ધર્મગુરુઓએ પોતાના નોખા ચોકા કર્યા અને પ્રજા એ ચોકાને જ ધર્મ સમજી બેઠી. વેદમાં કહેવાયેલી વાત સામાન્યજન સુધી ન પહોંચતી એટલે કબીર, તુલસીદાસ, જ્ઞાનદેવથી માંડીને આપણા સંત સાહિત્યસર્જકોએ માનવધર્મની વાત બોલચાલની ભાષામાં મૂકી. આ સંતોની વાત લોકો સુધી પહોંચી પણ ખરી, છતાં છેલ્લાં ૧૦૦ વર્ષમાં એવા ધર્મગુરુઓનો પ્રભાવ રહ્યો કે બહેતર માનવ બનાવવાની ધર્મની વિભાવના બાજુ પર રહી અને વાડાબંધી વધી ગઈ. ધર્મના આવા માહોલમાં જ્યારે રાજકારણ પ્રવેશે ત્યારે આખી વાત ડખાનું સ્વરૂપ ધારણ કરે છે. 

જ્યાં ડાહ્યા પગ મૂકતાં અચકાય ત્યાં મૂર્ખ ધસી જાય એવા પ્રસંગો, સો કોલ્ડ ધર્મ કે સંપ્રદાય બાબતે જોવા મળે છે. નવા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ઊંબાડિયું હાથમાં ઝાલ્યું છે. મહારાષ્ટ્રમાં અને સમગ્ર વિશ્વમાં ખૂબ જ ભક્તિભાવથી પૂજાતા સંત સાંઈબાબાના જન્મસ્થળનો વિવાદ હાલમાં ચાલી રહ્યો છે. પાથરી ગામે સાંઈબાબા જન્મ્યા હતા એવો દાવો ત્યાંના ગામવાસીઓએ કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ અતિઉત્સાહમાં પાથરી ગામને ૧૦૦ કરોડ જેવું અનુદાન પણ જાહેર કરી દીધું જેથી સાંઈબાબાના જન્મસ્થળનો વિકાસ થઈ શકે. આથી શિર્ડીના સ્થાનિકોના પેટમાં તેલ રેડાયું અને તેમણે સરકાર સામે વિરોધ-પ્રદર્શન કરીને શિર્ડી બંધ કરાવવાની જાહેરાત કરી. ઉદ્ધવ ઠાકરેને ભાન થયું કે કંઈક કાચું કપાયું છે એટલે તેમણે પોતાના શબ્દો પાછા ખેંચ્યા. આ તરફ પાથરીના લોકો લડવાના મૂડમાં છે અને પાથરી ટ્રસ્ટ આખો મામલો હાઈ કોર્ટમાં લઈ જવા માગે છે. 
 ‘શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાંઈનાથ મહારાજ કી જય’ના ઘોષ શિર્ડીમાં સાંઈબાબાની મૂર્તિ સન્મુખ ઊભા હોય ત્યારે આપણને ઘેરી વળે. સમાધિમંદિરમાં મૂર્તિ સામે ઊભા હોઈએ ત્યારે તેમનાં નયનોની કરુણા આપણા પર ઠલવાતી હોય એવી અનુભૂતિ આપણને થાય. ‘શ્રદ્ધા અને સબૂરી’ તથા ‘સબકા માલિક એક’ એ બે મંત્ર સાંઈબાબાએ આપ્યા અને માનવકલ્યાણની દિશા ચીંધી. સાંઈબાબા હોય, જલારામબાપા હોય કે બજરંગદાસબાપુ હોય એ બધા જ સંતો સાદાઈથી રહ્યા છે અને તેમના જીવતાં તેમણે માનવધર્મનાં ગુણગાન ગાયાં છે. સાંઈબાબાએ પોતાની જાતને ઓળખવાની અને ભૌતિક ચીજોથી દૂર રહેવાની વાત કરી. આત્મસંતોષ રાખવો, બીજાને મદદ કરવાની ભાવના રાખવી, ક્ષમાભાવ રાખવો, હૃદયમાં શાંતિ સદાય રહે એ જોવું તથા ઈશ્વર અને ગુરુમાં શ્રદ્ધા રાખવી જેવા ગુણો પર તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. તેઓ પોતે હિન્દુ હતા કે મુસ્લિમ એ તેમણે ક્યારેય જણાવ્યું નહીં. તેમની શીખમાં જોકે હિન્દુત્વ તથા ઇસ્લામના સારા પાસાનો સમાવેશ હતો. તેઓનો પહેરવેશ ફકીર જેવો હતો અને મિજાજ પણ. તેઓ જે મસ્જિદમાં રહેતા એને તેમણે નામ આપ્યું હતું દ્વારકામાયી. સાંઈબાબાના જન્મસ્થળ અને સમયને લગતી કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી. તેમના અનુયાયીઓ અને ભક્તો દ્વારા જે માહિતી મળી એનું સંકલન શ્રી સાંઈ સચ્ચરિત્ર નામે ૧૯૨૨માં પ્રગટ થયું, જેના લેખક હતા અણ્ણાસાહેબ દાભોલકર. અણ્ણાસાહેબ પોતે પણ ૧૯૧૦થી લઈને સાંઈબાબાએ ૧૯૧૮માં સમાધિ લીધી ત્યાં સુધી તેમની નિકટ હતા. સાંઈબાબા સ્વયં તેમના જન્મસ્થળ તથા માતાપિતા વિશે વાત ન કરતા અને પ્રશ્નો ઉડાડી દેતા. તેઓ બાળપણમાં ફકીર અને પછીથી ગુરુ સાથે રહ્યા હોવાના દાવા વિવિધ લોકો કરતા રહે છે. 
અહમદનગર જિલ્લાના શિર્ડી ગામે તેઓ પ્રથમ વાર દેખાયા ત્યારે સોળેક વર્ષની ઉંમર હશે. ત્રણેક વર્ષે ત્યાં રહીને તેઓ એક વર્ષ માટે બીજે કશે જતા રહ્યા અને ૧૮૫૭ના બળવા પછીના સમયખંડમાં ૧૮૫૮માં શિર્ડી ફરી આવીને સ્થાયી થયા. તેઓ સાત્ત્વિક જીવન જીવતા. ત્યાંના લીમડાના વૃક્ષ નીચે આસન જમાવીને ધ્યાનસ્થ મુદ્રામાં બેસતા. સાંઈચરિત્ર  લોકોના પ્રતિભાવ નોંધે  છે - આ વ્યક્તિ આટલી નાની ઉંમરે કઈ રીતે સાધના તરફ વળ્યા હશે? દિવસના તેઓ કોઈની સાથે ભળતા નથી અને રાતે તેમને કોઈનો ભય નથી.
અધ્યાત્મને સમજનારા શિર્ડીના કેટલાક સ્થાનિક લોકો તેમની પાસે આવીને બેસતા તો કેટલાંક બાળકો તેમને ગાંડા ગણીને તેમની તરફ પથ્થર ફેંકતા. ૧૮૫૮માં તેઓ શિર્ડી પાછા ફર્યા ત્યારે શિર્ડીના ખંડોબા મંદિરના પૂજારી મ્હાળસાપતિએ તેમને ‘આવો સાંઈ’ કહીને આવકાર્યા હતા ત્યારથી તેમને ‘સાંઈ’ નામ મળ્યું. સાંઈબાબા મ્હાળસાપતિને ‘ભગત’ નામથી બોલાવતા. મ્હાળસાપતિ ઉપરાંત તાત્યા કોટે પાટીલ સાંઈબાબાની બહુ નિકટ હતા. તાત્યાની માતા બાયજાબાઈ માટે સાંઈબાબા કહેતા કે આ સાત જન્મથી મારી બહેન છે. બાયજાબાઈને પણ સાંઈબાબા માટે અપાર સ્નેહ. બાબા એ વખતે ખેતરમાં ફરતા રહેતા ત્યારે બાયજાબાઈ તેમને શોધીને ભોજન કરાવતી. નાનો તાત્યા સાંઈને મામા કહેતો અને બન્ને ઘણી ધિંગામસ્તી કરતા. તાત્યા યુવાન થયો ત્યારે સાંઈબાબાની વધુ નિકટ હતો. જે મસ્જિદમાં સાંઈબાબા સૂતા ત્યાં અન્યને રાતે રોકાવા ન મળતું. ફક્ત મ્હાળસાપતિ અને તાત્યા તેમની સાથે રાતે ત્યાં રોકાણ કરતા. આ ત્રણેય ત્રણ અલગ દિશામાં માથું રાખીને મધ્યમાં પગ રાખતા અને કલાકો વાતો કરતા. બાબાની સહજતા અને પ્રેમ એવાં હતાં કે ક્યારેક એ દિવસભરના ખેતીકાર્યથી થાકેલા તાત્યાના હાથ-પગ દબાવી દેતા હતા. તાત્યાને એ ગમતું નહીં એટલે એક વાર તેમણે મસ્જિદ તરફ આવવાનું જ બંધ કરી દીધું. જોકે એકબે ભક્તોના કહેવાથી તાત્યાએ પાછું બાબા પાસે આવવાનું શરૂ કર્યું, પણ બાબા પોતાની સેવા કરે એ યોગ્ય નહીં એવી નારાજગી તેમણે સ્પષ્ટ જણાવી હતી. સાંઈબાબા પર નારાજ થઈ શકે એવી તેમની નિકટતા હતી. સાંઈબાબા ભિક્ષા માટે અલગ-અલગ ઘરે જતા ત્યારે બાયજાબાઈ પાટીલના ઘરેથી ભિક્ષા અવશ્ય લેતાં. બાયજાબાઈના અવસાન બાદ તેમની શ્રદ્ધા, ભક્તિ અને સ્નેહને ધ્યાનમાં રાખીને આ ફકીર તાત્યા પર સ્નેહ વરસાવતા રહ્યા.
મ્હાળસાપતિ તથા તાત્યા ઉપરાંત ઉપાસની બાબા, બાપુસાહેબ બુટી, દાસ ગનુ મહારાજ બાબાના ખૂબ નિકટ તેવા ભક્તો હતા. દાસ ગનુનું સાચું નામ હતું ગણપતરાવ સહસસ્રબુદ્ધે અને તેઓ પોલીસ ડિપાર્ટમેન્ટમાં હતા. બાબાએ નોકરી છોડીને પોતાની પાસે આવી જવા તેમને અનેક વાર કહ્યું, પણ ગણપતરાવ માન્યા નહીં. બાબાએ તેમને કેટલાક અનુભવો પણ કરાવ્યા, પણ ગણપતરાવ બાબા પાસે આવવા બહુ ઇચ્છુક નહોતા. બાબા તેમને અધ્યાત્મ તરફ વાળવા માગતા હતા. જોકે કેટલાક સમય પછી ગણપતરાવ નોકરી છોડીને પત્ની સાથે સાંઈબાબા પાસે આવી ગયા હતા. દાસ ગનુ મહારાજ કીર્તન સારું ગાતા. તેમને સાંભળવા સેંકડોની સંખ્યામાં લોકો ઊમટતા. તુકારામ, જ્ઞાનેશ્વર કે નામદેવનાં કીર્તન ગાતી વખતે પણ દાસ ગનુ સાંઈબાબાનો ફોટો પોતાની બાજુમાં રાખતા. સાંઈબાબાનાં દર્શન સર્વ દુઃખોનો ઉપાય છે એવું તેઓ જાહેરમાં જણાવતા. તેમનાં કીર્તનોના માધ્યમ દ્વારા બાબા વિશે સેંકડો લોકો જાણતા થયા. આને કારણે બાબાનાં દર્શને શિર્ડી આવનારા ભાવિકો વધવા માંડ્યા. સુખ, સંપત્તિ, સ્વાસ્થ્યઇચ્છુક ભક્તોને બાબા વિષ્ણુસહસ્ર નામનો પાઠ કરવા કહેતા, શ્રીરામ જય રામ જય જય રામનો જાપ મનોમન ચાલુ રાખવા જણાવતા. મુસ્લિમ ભક્તને કુરાન વાંચવાનું કહેતા. 
દાસ ગનુ મહારાજે કેટલાંક પુસ્તકો મરાઠીમાં લખ્યાં એમાંથી અમૃત અનુભવ, ઉપનિષદ (મરાઠી અનુવાદ), શાંતકથામૃત, લીલામૃત જેવાં પુસ્તક જાણીતાં થયાં.
માધવરાવ નામના એક સજ્જન પણ બાબાની નિકટ હતા, જેને બાબા ‘શમા’ નામથી સંબોધતા. બાબા સુધી પહોંચાડવાની વાત ભક્તો શમા દ્વારા પહોંચાડતા.
બાબાની નિકટના અન્ય એક ભક્ત એટલે મુંબઈના સૉલિસિટર શ્રી સીતારામ દીક્ષિત. બાબાની સમાધિ બાદ સાંઈ સંસ્થાન ઊભું કરવામાં તેમનું મોટું યોગદાન હતું. શિર્ડી સંસ્થાનના ઓનરરી સેક્રેટરી તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમણે સેવા આપી હતી. બાબા દીક્ષિતજીની સાથે વાતોમાં અધ્યાત્મનો સાર આપતા, ‘ઈશ્વર મારામાં છે, ઈશ્વર તારામાં છે અને ઈશ્વર એના બનાવેલા દરેક સર્જનમાં છે. એથી માનવને કોઈ જંતુ કે પ્રાણીને મારી નાખવાનો અધિકાર નથી.’
સાંઈબાબાનાં દર્શને હિન્દુ અને મુસ્લિમ ભક્તો આવતા. મસ્જિદમાં તેમણે ધૂણી રાખી હતી જેમાંથી ઉદી (પવિત્ર રાખ) લઈ તેઓ ભક્તોને આપતા. ૧૯૧૦ પછી તેમની સાથે જોડાયેલા ચમત્કારોની વાતો બીજાં શહેરો સુધી પહોંચી અને અનેક લોકો તેમનાં દર્શને આવતા. ઑગસ્ટ ૧૯૧૮માં સાંઈબાબાએ તેમના કેટલાક ભક્તોને જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેઓ આ નશ્વરદેહ ત્યાગશે. સપ્ટેમ્બરમાં તેમની તબિયત લથડી અને ૧૯૧૮ની ૧૫ ઑક્ટોબરે વિજયાદશમીના દિવસે તેમણે મહાસમાધિ લીધી. તેમની સમાધિ બાદ સંસ્થાને લોકોપયોગી કાર્યો ચાલુ રાખ્યાં છે. વિવિધ શહેરોનાં સાંઈમંદિરો દ્વારા પણ સેવાકાર્ય થાય છે. મુંબઈમાં બોરીવલીનું સાંઈમંદિર તો સાહિત્યના કાર્યક્રમો ‘ઝરૂખો’ નામ હેઠળ વર્ષોથી યોજે છે. હિન્દુ ધર્મના ત્રણેય આધ્યાત્મિક માર્ગ સાંઈબાબાએ ભક્તોને સૂચવ્યા છે; ભક્તિયોગ, જ્ઞાનયોગ અને કર્મયોગ. શિર્ડીમાં આજે દરરોજ ૫૦,૦૦૦ જેટલા ભક્તો દર્શને આવે છે અને કોઈક ખાસ પ્રસંગે આંકડો એક લાખ સુધી પહોંચે છે. શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શિર્ડીના મંદિરમાં બાબાની પ્રતિમા અને સમાધિ ઇટાલિયન માર્બલથી બનાવ્યા છે. બાબાની મૂર્તિને ઉત્તમ વસ્ત્રથી સજાવાય છે, માથે સુવર્ણ મુગટ છે અને ગળામાં તાજાં ફૂલના હાર શોભે છે. જીવનઆખું જેમણે ફકીરીમાં, લોકોને પીડામુક્ત કરવામાં ગાળ્યું એવા બાબા આજના ભક્તોની ઇચ્છાને કારણે સુવર્ણ મુગટ ધારણ કરે છે.
પરમતત્ત્વ એક જ છે,  પ્રેમ અને કરુણા દરેક તરફ રાખો, ભૌતિક સુખોથી દૂર રહી આત્માને ઓળખવાની ટેવ પાડો, કોઈકને મદદરૂપ થાઓ, દરેક સાથે તમે ઋણાનુબંધથી જોડાયા છો એટલે કોઈનું અપમાન ન કરો, કોઈની પીડા ઓછી થાય એવું કરો. આવાં સનાતન મૂલ્યો શીખવનાર, આવો માનવધર્મ શીખવનારને આપણે આરસ વચ્ચે બેસાડીને સગવડતાપૂર્વક મૂલ્યો ભૂલી જઈએ છીએ. પછી બાકી રહે છે બાહ્ય પ્રચાર, આડંબર અને કહેવાતા સંપ્રદાયનાં નવાં સેન્ટર ખોલવાની ઘેલછા. બધા જ સંપ્રદાયના કહેવાતા ટ્રસ્ટીઓને સાથે બેસાડીને પૂછવું જોઈએ કે તમે તમારી શિખા, તમારી લાડુડી, તમારા તિલક કે તમારા માર્ગની રેખા લાંબી કરી, પણ માનવધર્મનું શું? તો કદાચ જવાબ મળશે ‘માનવધર્મ? એ વળી શું?’

ત્રીજા નંબરનું ધનાઢ્ય મંદિર
શિર્ડીના સાંઈબાબા મંદિરની આવક ભારતનાં મંદિરોમાં ત્રીજા નંબરની આવક છે, જેનો ઉપયોગ દેવસ્થાન અને શિર્ડી ગામના વિકાસ માટે થાય છે. સંસ્થાન કન્યા વિદ્યામંદિર, હૉસ્પિટલ, બ્લડ બૅન્ક તથા સ્કૂલ ચલાવે છે અને અન્ય ચૅરિટી ટ્રસ્ટને પણ મદદ કરે છે. વૉટર વર્ક્સના પ્રોજેક્ટ, શિર્ડી ઍરપોર્ટ તથા મુખ્ય પ્રધાનના રાહત ફન્ડમાં પણ સંસ્થાન પોતાની આવકમાંથી અનુદાન આપે છે. આવા ધનાઢ્ય મંદિરના ટ્રસ્ટીઓને લાગે છે કે જ્યારે સાંઈબાબા જીવતા હતા ત્યારે પોતાના જન્મસ્થળનો કે ધર્મનો ઉલ્લેખ નહોતો કર્યો તો અત્યારે એવો વિવાદ ઊભો કરવાનો અર્થ નથી.

sanjay pandya columnists weekend guide