પ્રાપ્તિ માટે સાધના અનિવાર્ય છે,જરૂરી નથી એ સાધનાનું સ્વરૂપ એકસરખું હોય

02 February, 2021 02:54 PM IST  |  Mumbai | Taru Kajaria

પ્રાપ્તિ માટે સાધના અનિવાર્ય છે,જરૂરી નથી એ સાધનાનું સ્વરૂપ એકસરખું હોય

મા કા પ્યારઃ લ્યુસિયાના રેબેલો નામની કૅન્સર પેશન્ટે તાજેતરમાં ફેસબુક પર વિડિયો શૅર કર્યો હતો જેમાં કૅન્સરની સારવાર પહેલાં તેનું માથું શેવ કરતી વખતે તેની મમ્મીએ પણ જાતે વાત ઊતરાવી લીધા હતા. આ વિડિયોએ ભલભલાની આંખો ભીંજવી દીધી હતી.

એક ફ્રેન્ડના પતિનું થોડાં વર્ષો પહેલાં અવસાન થયું. સુંદર અને સભર દામ્પત્ય હતું તેમનું. હમણાં ઘણા સમય પછી તેમની સાથે વાત થઈ. કોવિડનાં બંધનો અને અસલામતી દૂર થાય કે આપણે મળીશું એવું મેં સૂચન કર્યું. જવાબમાં તેમણે તેમના વ્યસ્ત રૂટીનની જાણકારી આપી અને ખબર પડી કે હવે તેઓ એક ચોક્કસ ધાર્મિક-આધ્યાત્મિક પંથ સાથે સંકળાયેલા છે અને એના નીતિ-નિયમોને ચુસ્તપણે અનુસરે છે. ગયા વર્ષથી તો તેમનાં સેશન્સ વગેરે ઑનલાઇન થઈ ગયાં છે એટલે ઘરે જ હોય, પરંતુ એ બધામાં તેમની વ્યસ્તતા વધી ગઈ છે. તેમણે એક સરસ વાત કરી કે આ પંથમાં પલોટાયા પછી મનની ક્લૅરિટી વધી ગઈ છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એનું સ્ટ્રેસ નથી થતું. કામ આયોજનપૂર્વક અને પદ્ધતિસર થાય છે અને પહેલાં જે તાણ અનુભવાતી એ નથી અનુભવાતી.
તેમની આ સ્ટ્રેસમુક્ત થયાની વાત મને ગમી ગઈ, પરંતુ મેં તેમને કહ્યું કે જિંદગીનાં રૂટીન કામો હોય કે કોઈ સ્પેશ્યલ અસાઇનમેન્ટ યા અણધારી જવાબદારી; મેં આવી ક્લૅરિટી લગભગ બધા જ સંજોગોમાં અનુભવી છે. હા, સ્ટ્રેસ અનુભવ્યું છે, પણ એ જુદાં કારણોસર. હવે જે વસ્તુ અથવા તો શક્તિ કેળવવા માટે તમે કોઈ પંથમાં જોડાઓ, કોઈ કડક શિસ્તભરી દિનચર્યાનું પાલન કરો કે દિવસો સુધી તપ કરો એ કોઈ વ્યક્તિ માટે આમાંનું કશું જ કર્યા વિના ઉપલબ્ધ હોઈ શકે? આનો જવાબ હા અને ના બન્ને હોઈ શકે. શક્ય છે કે ઉપરની કોઈ જ પ્રવૃત્તિઓ કર્યા વગર જ એના પરિણામે પ્રાપ્ત થતી પેલી ઉપલબ્ધિઓ કોઈ વ્યક્તિને સહજ રીતે પ્રાપ્ય હોય. પણ એનો અર્થ એ નથી કે તેણે એ પામવા માટે કોઈ મહેનત કે પરિશ્રમ નથી કર્યા. દુનિયામાં કે જિંદગીમાં કોઈ પણ ચીજ અકારણ કે એમનેમ મળતી નથી એ આપણે સ્વીકારતાં હોઈએ તો પછી આ વિશે પણ સવાલ કે શંકાને સ્થાન નથી રહેતું. એવું બની શકે કે તે વ્યક્તિની સાધના, મહેનત કે પરિશ્રમ દુનિયાના અન્ય લોકો કરે છે એ સ્વરૂપના ન હોય. પેલી ગણિકા અને ધર્મિષ્ઠ શેઠની વાર્તા યાદ છેને? રોજ દિવસમાં કેટલીયે વાર ભગવાનને નમતાં, તેમની પૂજા કરતાં અને માળા ફેરવતાં શેઠને તેના ઘરની બાજુમાં રહેતી ગણિકાને જોઈને થતું : ‘અરરર.... આ કેવી પાપની જિંદગી જીવે છે!’ શેઠને પાકી ખાતરી હતી કે પોતે તો આટલુંબધું પુણ્ય કર્યું છે એટલે સ્વર્ગમાં જ જશે અને પેલી ગણિકાએ તો નકરાં પાપનાં પોટલાં બાંધ્યાં છે એટલે તેનું તો નરકમાં જ સ્થાન હોયને! કયામતનો દિવસ આવ્યો ત્યારે વિમાન તો આવ્યું પણ એણે શેઠને નરકમાં ઉતાર્યા અને ગણિકાને સ્વર્ગમાં! શેઠને થયું કે વિમાનચાલકની કોઈ ભૂલ થઈ છે એટલે તેનું ધ્યાન દોર્યું તો જવાબ મળ્યો કે ના-ના, કોઈ ભૂલ નથી. અમે આદેશ અનુસાર જ બન્નેને ઉતાર્યાં છે. તમે સાધના તો ઘણી કરી, પણ તમારા મનમાં સતત પેલી ગણિકા અને તેનાં પાપકર્મો રમતાં હતાં, જ્યારે એ ગણિકા પોતાના ગ્રાહકો પાસેથી નાણાં લઈને સેવા આપવાનું કામ કરતી હતી ત્યારે કોઈ દિલચોરી વગર પોતાનું કર્મ સો ટકા પ્રામાણિકતાથી કરતી હતી. એ નિષ્ઠા અને પ્રામાણિકતા પ્રાર્થનાની કક્ષાનાં હતાં અને એટલે જ તેને સ્વર્ગમાં સ્થાન મળ્યું છે. આ વાર્તાનું ઉદાહરણ માત્ર એ દર્શાવવા પૂરતું આપું છું કે પ્રાર્થના માત્ર મોઢેથી ગાઈને જ થતી હોય એ નથી, પ્રેમ કે આદરનું પણ આવું જ હોય છે. આ લખી રહી છું ત્યારે હમણાં જ જોયેલી એક મા-દીકરીની વિડિયો ક્લિપ યાદ આવે છે. પરદેશની એ વિડિયો ક્લિપ વાઇરલ થઈ છે અને જે જુએ છે તેના હૃદયને ભીંજાવ્યા વગર રહેતી નથી. કૅન્સરની દરદી એવી એક યુવાન સ્ત્રી પોતાનું માથું બોડાવી રહી છે. તેની નાની દીકરીઓ પણ મમ્મીના માથામાં અસ્ત્રો ફેરવીને વાળ ઉતારતી દેખાય છે. પણ પછી યુવતીની મા દીકરીના માથા પર અસ્તરો ફેરવતાં-ફેરવતાં અચાનક પોતાના માથાના બધા જ વાળ ઉતારી નાખતી દેખાય છે. દીકરી માના આ પગલાથી ગદ્ગદ થઈ જાય છે અને ભાંગી પડે છે, પણ માના ચહેરા પર માત્ર મક્કમતા છે અને પછી એક પરમ સંતોષનું સ્મિત! દીકરીની સ્થિતિ પ્રત્યેની આ સહ-અનુભૂતિ, તેની પીડા વહેંચી લેવાની આ તીવ્રતા જોનારના દિલમાં જે સ્પંદનો જગવે છે એ કોઈ સાચા હૃદયની પ્રાર્થના સાંભળતાં અનુભવાય એનાથી જુદાં નહોતાં. ભૂતકાળમાં પણ પોતાના પ્રિયજનની પીડામાં આ રીતે શરીક થતા પરિવારજનોને જોતાં આ જ ભાવ અનુભવ્યો હતો.
એક યુવતીની વાત યાદ આવે છે. નાની વયે જ અત્યંત સફળ વ્યાવસાયિક બનેલી એ યુવતી સહજપણે જ પોતાની કાબેલિયત અને સિદ્ધિઓ વિશે ગર્વની લાગણી અનુભવે એ સહજ હતું. પોતે ટોળાથી અલગ છે, આગવી છે એવો સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ પણ કહી શકાય. તે એક સદ્ગુરુના સંપર્કમાં આવી. તેમના જ્ઞાન, તેમનાં સદ્કાર્યો, તેમની સામાજિક ઉત્થાનની પ્રવૃત્તિ અને તેમની સમસ્ત ચેતનાથી પ્રભાવિત થઈ તે તેમની અનુયાયી બની. સદ્ગુરુએ પણ યુવતીની પાત્રતાને પારખી અને તેને જુદી-જુદી જવાબદારી સોંપતા ગયા; પરંતુ યુવતીએ જ્યારે સદ્ગુરુના અન્ય ભક્તો અને સાધકોને જોયા, તેમની ભક્તિ અને નિષ્ઠાને જોયાં ત્યારે પોતે તો એ દિશામાં કેટલી ઊણી ઊતરે છે એવી લાગણી તેનામાં જન્મી. તેને મનમાં-મનમાં ખૂબ જ અસંતોષ રહેવા લાગ્યો કે હું ગુરુના કામમાં રહેવાને પાત્ર નથી અને લાયકાત વગર હું જવાબદારી મેળવતી જાઉં છું. એક દિવસ ગુરુએ તેના ચહેરા પરથી તેના મનમાં ચાલતા ઉલ્કાપાતને ઓળખી લીધો. યુવતીએ પોતાના મનની દ્વિધા સદ્ગુરુને કહી, પરંતુ સદ્ગુરુએ કહ્યું, તમે જોડાયેલા છો, આ કાર્ય સાથે તમે જોડાઈ ચૂક્યા છો. બીજાઓ કરે છે એ તમે નથી કરતા એનાથી કોઈ જ ફરક નથી પડતો.
આવા પ્રસંગો જાણીને દેખીતી આધ્યાત્મિક કે ધાર્મિક પ્રવૃત્તિઓ નહીં કરવા છતાં એનાં ફળ ભોગવનારાઓ બાબતનું આશ્ચર્ય થોડું ઓછું થાય છે. (આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

taru kajaria columnists