કૉલમ : પુષ્પોનું પાણી કરી શકે તમારા મનનો ઇલાજ?

04 April, 2019 11:25 AM IST  |  | રુચિતા શાહ

કૉલમ : પુષ્પોનું પાણી કરી શકે તમારા મનનો ઇલાજ?

પ્રતીકાત્મક તસવીર

બૅચ ફ્લાવર રેમેડી નામની થેરપીના નિષ્ણાતો આવો દાવો કરતા રહ્યા છે. મેડિકલ સાયન્સના મતે આજે ઘણા બધા રોગો પાછળ સાઇકો સોમેટિક એટલે કે માનસિક અસ્વસ્થતાની શરીર પર થતી અસર કારણભૂત ગણાય છે ત્યારે આઠ દાયકા જૂની થેરપીમાં સ્પેસિફિક ફૂલોના પાણી દ્વારા વ્યક્તિમાં જુદી-જુદી પરિસ્થિતિમાં જન્મતી અસુરક્ષિતતા, ડર, ઈર્ષ્યા અને હતાશા જેવી લાગણીઓને દૂર કરવાના પ્રયત્ન થાય છે

પ્રેમનું પ્રતીક, શાંતિનું પ્રતીક, લાગણીનું પ્રતીક, આનંદનું પ્રતીક, સુગંધનું પ્રતીક, સુંદરતાનું પ્રતીક, દિવ્યતાનું પ્રતીક એમ નાજુક-નમણાં ફૂલોને અઢળક ઠેકાણે આપણે સ્થાન આપ્યું છે. ભગવાનનાં ચરણોમાં ફૂલ ધરીને તેમની પૂજા કરી લઈએ છીએ તો માથામાં ગજરો લગાડીને સુંદરતામાં ઉમેરો કરી લઈએ છીએ. કેટલાંક ફૂલોનો અર્ક અરોમા થેરપીના માધ્યમે વ્યક્તિને માનસિક શાંતિ અને ચિંતા દૂર કરવામાં હેલ્પ કરે છે એવું હૉલિસ્ટિક હિલિંગના નિષ્ણાતો કહેતા આવ્યા છે. જોકે આ થેરપીમાં સુગંધની વાત છે, પરંતુ ફૂલોવાળું પાણી પીવાથી માનસિક રીતે શાંત થવાય, ચિંતા દૂર થાય અને કોઈ પણ જાતના ભય ટળે એવું ‘બૅચ ફ્લાવર રેમેડી’ના બ્રિટિશ ફાઉન્ડર ડૉ. એડવર્ડ બૅચનું કહેવું છે. વર્ષો સુધી મેડિકલ પ્રૅક્ટિશનર અને બૅક્ટેરિયોલૉજિસ્ટ તરીકે કામ કરનારા આ ડૉક્ટર પોતાની પ્રૅક્ટિસમાં સતત કંઈક ખૂટી રહ્યું હોય એવું અનુભવતા હતા. એમાં તેમને ફૂલોમાં સત્વ દેખાયું અને ફૂલોમાં રહેલી વિશિષ્ટ પ્રકારની એનર્જી આપણા મનમાં રહેલી નકારાત્મકતાને દૂર કરે છે. અત્યારે મુંબઈમાં લગભગ પચાસેક થેરપિસ્ટ છે, જે બૅચ ફ્લાવર રેમેડીનો ઉપયોગ કરે છે. શું છે આ થેરપી અને એ કયા સિદ્ધાંત મુજબ કામ કરે છે એ વિશે વાત કરીએ.

મુખ્ય સિદ્ધાંત શુ?

ઇમ્યુનોલોજી અને હોમિયોપથીમાં ઊંડાણપૂર્વક અભ્યાસ કરનારા ડૉ. બૅચ કોઈક એવી ઑલ્ટરનેટિવ સારવાર પદ્ધતિની શોધમાં હતા જે નૅચરલ હોય, જેની કોઈ આડઅસર ન હોય અને જેની આદત ન પડે. એમાંથી જ ફ્લાવર રેમેડીનો કન્સેપ્ટ અસ્તિત્વમાં આવ્યો. લંડનના બૅચ ફાઉન્ડેશનના રજિસ્ટર્ડ પ્રૅક્ટિશનર અને લેવલ વન ટીચર વીરેન્દ્ર સોનાસારિયા આ વિશે કહે છે, ‘આ એક પ્રકારની એનર્જી મેડિસિન અથવા વાઇબ્રેશનલ મેડિસિન સિસ્ટમ છે. તમારા માઇન્ડ અને સોલ વચ્ચે વિસંવાદિતા હોય અને તમે માનસિક રીતે અપસેટ હો તો તમારી ફિઝિકલ હેલ્થ પર પણ તેની અસર પડવાની છે, પરંતુ જો માઇન્ડ અને સોલ વચ્ચે સંવાદિતા હોય, તમે હકારાત્મક હો તો સ્ટ્રેસ, ઍન્ગ્ઝાઈટી, ડિપ્રેશન, બ્રેથલેસનેસ જેવા ઘણા પ્રૉબ્લેમ્સમાંથી તમને છુટકારો મળી શકે છે. મનનાં નેગેટિવ ઇમોશન્સને બહાર કાઢો એટલે ઑટોમૅટિકલી તમે પૉઝિટિવ અને હૅપી થઈ જવાના. બસ આટલી જ વાત છે. જ્યારે તમારું મન અપસેટ અથવા નેગેટિવ સ્ટેટમાંથી પસાર થતું હોય ત્યારે કેટલાંક તત્વોની ખામી હોય છે. અમારી ફ્લાવર થેરપી દ્વારા ફૂલોમાં રહેલાં કેટલાંક વિશેષ તત્વો વ્યક્તિને આપવામાં આવે જે આ કમીને પૂરી કરી દે એટલે વ્યક્તિ સ્વસ્થ બનતી જાય.’

કામ કેવી રીતે કરે?

હોમિયોપથી સાથે આ થેરપી થોડાક અંશે મળતી આવે છે. બૅચ થેરપીનો પાયાનો સિદ્ધાંત છે કે વ્યક્તિનાં ઇમોશનલ સ્ટેટને ટ્રીટ કરો, જેથી તેના જીવનમાં જે પણ કંઈ ચાલે છે એને હૅન્ડલ કરવાની ક્ષમતા એ પોતે જ કેળવી શકે. વીરેન્દ્ર સોનાસરિયા કહે છે, ‘હાર્મની એટલે કે સંવાદિતા આ થેરપીનો મુખ્ય સિદ્ધાંત છે. મનનું સંતુલન હશે તો બધું કામ બરાબર થશે. ડૉ. બેચે શોધી કાઢ્યું કે દરેક ફૂલની એક સ્પેસિફિક એનર્જી છે, વાઇબ્રેશન, પરંતુ પછી વધુ માત્રામાં એ જ પરિણામ મળતું હોવાથી ઉકાળવાની અને તડકામાં રાખવાની અન્ય પદ્ધતિ અસ્તિત્વમાં આવી.’

આપણા શરીરને જે પ્રકારની એનર્જીની જરૂરિયાત છે એ કુદરતે આપણને તેના વિવિધ સ્રોતોમાં પૂરી પાડી જ છે. યોગ્ય સમયે યોગ્ય તત્વમાંથી એ એનર્જી મેળવવાની કળા એટલે આ થેરપી. સાદી ભાષામાં જે તમારામાં ખૂટે છે એ જે-તે ફૂલ પાસે છે. આ ફૂલના અર્કને જો તમે આપી દો તો એ જરૂરિયાત પૂરી થઈ જાય. આ થેરપીમાં વ્યક્તિના માત્ર મેન્ટલ અને ઇમોશનલ સ્ટેટને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તમારા મગજમાં અને તમારી લાગણીઓમાં આવતા પૉઝિટિવ ફેરફારો જ એનો પુરાવો છે કે થેરપી કામ કરી રહી છે. વીરેન્દ્રભાઈ કહે છે, ‘દરેક વ્યક્તિની લાગણીઓ અને ઇમોશન્સ જુદાં છે. ધારો કે ડર નામનું જ નેગેટિવ ઇમોશન અમે ટ્રીટ કરી રહ્યા હોઈએ તો પણ એ ડરના પણ ઘણા પ્રકાર છે. વ્યક્તિના સ્વભાવ જુદા છે, તેમની પરિસ્થિતિ જુદી છે એટલે તેમની અંદર રહેલી નકારાત્મક લાગણીઓનાં કારણો પણ જુદાં જુદાં હોઈ જ શકે છે. એટલે અહીં દવાઓ વ્યક્તિગત હોય છે. કોઈ જનરલાઇઝ ઇલાજ આ થેરપીમાં નથી.’

કેવી સમસ્યામાં અક્સીર

દુનિયાના લગભગ પચાસથી વધારે દેશોમાં આ થેરપીના નિષ્ણાતો છે. વીરેન્દ્રભાઈ કહે છે, ‘એક સામાન્ય વ્યક્તિમાં જેટલા પ્રકારનાં નેગેટિવ ઇમોશન અને ટ્રોમેટિક નૅચર છે એ દરેકને ટૅકલ કરવા માટેની રેમેડી અને તેની કૉમ્બિનેશન રેમેડી ઉપલબ્ધ છે. કેટલાક સાઇકો-સોમેટિક પ્રૉબ્લેમને પણ આ થેરપીથી ટ્રીટ કરી શકાય છે. હતાશા, ડિપ્રેશન, ડર, ઍન્ગ્ઝાઇટી ડિસઑર્ડર, ફૂડ ડિસઑર્ડર, શોક, ગિલ્ટ, શરમ, શૉક, ઑબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઑર્ડર, ઍડિક્શન, પૅનિક અટૅક, ઇમોશનલ ડિપેન્ડન્સી, રિલેશનશિપ ઇશ્યુમાંથી જન્મેલા ટ્રોમા, એક્સપ્રેશન ઈશ્યુ, બદલાની ભાવના, એકલતા, ગુસ્સો, મહિલાઓમાં અનિયમિત માસિક સ્ત્રાવ, સેક્સ્યુઅલ ડિસફંક્શન, હાઈ બ્લડપ્રેશર, પાચનની સમસ્યા જેવા ઘણા બધા રોગો માટે બૅચ ફ્લાવર રેમેડી પાસે ઇલાજ છે.’

આ પણ વાંચો : અમારાં બાળકોને દયા નથી જોઈતી માત્ર તેમને ખુલ્લા દિલે સ્વીકારી લો

ઘરે આટલું ટ્રાય કરી શકો

આજકાલ ઘણા રેસ્ટોરાંવાળા ફ્રૂટ્સ અને વેજિટેબલ્સ ઇન્ફ્યુઝ્ડ પાણી રાખતા થઈ ગયા છે. કાચના પાણીના જગમાં કાકડીનો ટુકડો અથવા ફુદીનાનાં પાન નાખેલાં હોય એ પાણી પીઓ ત્યારે અને ધીમે ધીમે એની લાઇટ ફ્લેવર પાણીમાં ભળેલી હોય એવો સ્વાદ આવે. આ જ મૅથડથી તમે ફ્લાવર ઇન્ફ્યુઝ્ડ વૉટર પણ બનાવી શકો છો. તમારે માત્ર એટલું જ કરવાનું કે તમારા ઘરમાં પાણીનો જગ હોય એમાં તમારા ઘરમાં ઊગેલા મોગરા, ગુલાબ અથવા તુલસીનાં ફૂલોને બરાબર ચોખ્ખા પાણીથી સાફ કરીને જગમાં રાખી દેવાં. પછી દિવસ દરમ્યાન આ પાણી પી શકાય. યાદ રહે ફૂલો ઘરે તમારા કૂંડામાં ઑર્ગેનિક પદ્ધતિથી ઊગેલાં હોવાં જોઈએ અને સ્વચ્છ પાણીથી ધોયેલાં પણ હોવાં જોઈએ. બીજુ થોડાક કલાકો પછી એ ફૂલ કાઢી લેવા પણ જરૂરી છે.

columnists