શિવોહમ શિવોહમ

10 August, 2019 12:06 PM IST  |  મુંબઈ ડેસ્ક | રુચિતા શાહ

શિવોહમ શિવોહમ

કૈલાશ

તમારા શરીર પર તમારે સો-બસો, પાંચસો નહીં પણ ૧૧ હજાર રુદ્રાક્ષ ધારણ કરવાના છે એવું કોઈ કહે તો તમે કરી શકો? શિવશંભુને નામ પોતાનું જીવન કરી દેનારા ૮૧ વર્ષના દાદાએ આવું કર્યું છે. સતત ૧૪ વર્ષ સુધી ૐ નમઃ શિવાયનો કરોડો વખત જાપ કરેલા ૧૧ હજાર રુદ્રાક્ષ તેમણે પોતાના અંગ પર ધારણ કર્યા હતા. નિવૃત્તિ પછી લગભગ પંદરેક વર્ષ પહેલાં ચારધામની યાત્રા કરવા નીકળ્યા ત્યારે બદરીનાથ અને કેદારનાથમાં શિવજીની ઉપાસના દરમ્યાન કંઈક એવી ચમત્કૃતિ થઈ કે તેમણે શિવને સમર્પિત થઈ જવાનું નક્કી કર્યું. દેવી ભાગવત વાંચતાં તેમને રુદ્રાક્ષના મહત્ત્વ વિશે ખબર પડી. શિવજીની આંખમાંથી ટપકેલાં આંસુમાંથી રુદ્રાક્ષ પ્રગટ થયા છે. એ સમયે અન્ય તો કોઈ બહુ શાસ્ત્રોનો પાઠ આવડતો નહોતો એટલે તેમણે ઓમ નમઃ શિવાય સાથે શિવજીની આરાધના શરૂ કરી અને રુદ્રાક્ષની માળા પર ઓમ નમઃ શિવાયનો જાપ શરૂ કર્યો. તેમના શરીર પર રુદ્રાક્ષની માળાનું પહેરણ જોઈને આજે પણ બોરીવલી (વેસ્ટ)માં જામલી ગલી વિસ્તારમાં તેઓ માળાવાળા મહારાજ તરીકે જાણીતા છે. આજે પણ લગભગ ૫૦૦થી વધુ રુદ્રાક્ષ તેમના અંગ પર છે અને સૂતાં-બેસતાં તેમના પ્રત્યેક શ્વાસમાં ૐ નમઃ શિવાયનું સ્મરણ ચાલુ હોય છે. તેમનો ભક્તિ-ભાવ અને જપ-તપ અનેક લોકોની સમસ્યા નિવારવામાં નિમિત્ત બની રહ્યા છે. જગતમાં શિવ સિવાય તેમને કોઈ દેખાતું જ નથી. શિવભક્તિમાં ડૂબેલા આ દાદા જોકે

પોતાનું નામ અખબારમાં આવે એ વાત સાથે સહમત નથી. એટલે નામ અને ઓળખ છુપાવવાની તેમની ઇચ્છાને માન આપીને પણ તેમના વિશે વાચકવર્ગને માહિતગાર કરવાથી અમે અમારી જાતને રોકી નથી શક્યા. વાતને આગળ વધારીએ અને આવા અનેક શિવભક્તોની અનોખી દુનિયામાં ડોકિયું કરીએ.

કે.ઈ.એમ હૉસ્પિટલમાં ફૉરેન્સિક વિભાગના વડા આ ડૉક્ટરનો શિવ પ્રત્યેનો પ્રેમ તમને અચંબામાં મૂકી દેશે
વિજ્ઞાન અને ધર્મ એ બે જુદા ધ્રુવો છે અને બન્નેના પ્રમોટરો વચ્ચે ભાગ્યે જ સંવાદ જોવા મળશે. મેડિકલ સાયન્સમાં ઊંડી ઊતરેલી વ્યક્તિ માટે ઈશ્વર એક દંતકથાથી વિશેષ નહીં હોય એવું માનતા હો તો કે.ઈ.એમ. હૉસ્પિટલના ફૉરેન્સિક વિભાગના વડા ડૉ. હરીશ પાઠકને મળી લેવું. શંકાસ્પદ મર્ડર કેસ હોય એ સમયે મૃત્યુનું કારણ શું હોઈ શકે એ શોધવાની અને મરનારના શરીરનું પોસ્ટમૉર્ટમની જવાબદારી ડૉ. હરીશના શિરે છે. સતત શિવ સાથે જેનો પનારો પડ્યો હોય તેમને શિવમાં શું રસ જાગ્યો એ પૂછતાં ડૉ. હરીશ કહે છે, ‘શિવમાંથી શક્તિ નીકળી જાય એટલે શવ જ બાકી રહે. શિવજીને આપણે સ્મશાનના દેવ માનીએ છીએ. શિવને આપણે સત્ય તરીકે ઓળખીએ છીએ અને બારીકાઈથી તમે જોશો તો તમને સમજાશે કે હું જે કામ કરું છું એ પણ સત્યની શોધ જ છે. મૃત્યુનું સાચું કારણ જાણવાની ક્રિયા અને મરનાર વચ્ચે રહીને સત્ય પરથી પરદો ઉઠાવવાની પ્રક્રિયામાં હું જાણે સતત શિવજી સાથે જ હોઉં એવો અનુભવ કરું છું.’‍

૩૩ વર્ષના આ યુવાને શિવભક્તિમાં જે કરી લીધું છે એ લોકો આખી જિંદગીમાં પણ નથી કરી શકતા
યંગસ્ટર્સને ધર્મમાં રુચિ ન હોય અને હોય તો એ પણ લૉજિક સાથેની વિશેષ હોય. શ્રદ્ધા માટે તેમને સમજાવવા પડે. જોકે ચેમ્બુરમાં રહેતા અમિત રાજપાલનો શિવજી સાથેનો સેતુ અનાયાસ બંધાયો. અમિત કહે છે, ‘હું નવમા ધોરણમાં ભણતો હતો એ સમયે ચેમ્બુરમાં મારા દાદાજીએ બનાવેલા એક મંદિરમાં એક વાર આરતીમાં ગયો. એ પછી સહજ રીતે નિયમ બન્યો અને દર સોમવારે આરતીમાં જાઉં. ત્યાં મને ગમવા લાગ્યું અને ધીરે-ધીરે તો રોજ સાંજે શિવજીની આરતીમાં હાજરી હોય જ.’

અમિતનો શિવ સાથેનો આ સંબંધ એટલો આગળ વધ્યો કે સવારના રુદ્રાભિષેકથી લઈને દર શ્રાવણ મહિનામાં ફરાળ વિનાના એક મહિનાના ઉપવાસ પણ તેણે શરૂ કર્યા. તે કહે છે, ‘ખબર નહીં પણ ધીમે-ધીમે મારી શ્રદ્ધા એટલી દૃઢ થઈ ગઈ કે હું જ્યારે પણ સમય મળે તો ત્યાં પહોંચી જાઉં. સવારના રુદ્રાભિષેકમાં સવારે ત્રણ વાગ્યે ઊઠીને ચાર કલાકની પૂજા કરવાની હોય. થોડાક અરસામાં શિવજી સાથે સંકળાયેલા મહત્ત્વના તમામ સ્તોત્રો પણ શીખી લીધા. ૨૧ વર્ષની ઉંમરે દોઢ વર્ષમાં બારેબાર જ્યોતિર્લિંગોનાં દર્શન કરી લીધાં હતાં. દરેક સ્થળે જઈને હું શિવજીને એક નવા જ રૂપમાં જોતો અને તેમના પ્રેમમાં વધુ ને વધુ પડતો જતો હતો.’

અમિત અત્યાર સુધીમાં દસ કરતાં વધુ વાર અમરનાથની યાત્રા કરી ચૂક્યો છે. અત્યારે જે. પી. મૉર્ગન નામની ફાઇનૅન્શિયલ કંપનીમાં પ્રોજેક્ટ મૅનેજર તરીકે કામ કરતો આ યુવાન ૨૦૧૧માં જર્મનીથી નોકરી છોડીને ખાસ માન સરોવરની યાત્રા માટે પહોંચી ગયો હતો. અમિત કહે છે, ‘મનમાં જાણે ધૂન સવાર થઈ હતી કે શિવજીનો જ્યાં વાસ છે ત્યાં જવું. એ કૈલાસનો સ્પર્શ કરવો. એ સમયે હું જર્મની હતો અને સપ્ટેમ્બરમાં ભારત આવવાનો હતો. અહીં આવ્યા પછી મારે તરત કૈલાસ માનસરોવરની યાત્રા માટે નીકળવું હતું. કૈલાસ માનસરોવરની બે પરિક્રમા હોય, એક ઇનર પરિક્રમા જેમાં તમે કૈલાસનો સ્પર્શ કરતા હો અને બીજી આઉટર પરિક્રમા. મારે ઇનર પરિક્રમા કરવી હતી, પણ અહીં કોઈ એવાં ગ્રુપ નહોતાં; કારણ કે મોટેભાગે મે મહિનાથી આ યાત્રા શરૂ થઈ ગઈ હોય. સપ્ટેમ્બરમાં અતિશય ઠંડીને કારણે લગભગ પૂરું થવા આવે અને ભાગ્યે જ કોઈ યાત્રાળુ જાય. જર્મનીથી જ લગભગ ત્રીસેક ટૂર-ઑપરેટરો સાથે મેં વાત કરી હતી, પણ કોઈ મેળ ન પડે. છેલ્લે એક આઉટર પરિક્રમાનું ગ્રુપ મળ્યું તો મેં મન મનાવી લીધું. ભારત આવ્યો અને ભારતમાં મારા અન્ય એક ઈ-મેઇલ આઇડી પર બીજા એક ટ્રાવેલ એજન્ટની મેઇલ હતી, જેમાં છ જણનું ગ્રુપ હતું જે ઇનર પરિક્રમા માટે જઈ રહ્યું હતું. મારા આનંદનો પાર ન રહ્યો. હવે બીજું એ હતું કે ૨૨ તારીખે મારા જન્મદિવસે મારે કૈલાસની સામે રહેવું હતું. જોકે ડેટ્સમાં મેળ ખાય એમ નહોતો. આખું શેડ્યુલ બની ગયું હતું. જોકે એમાં પણ ચમત્કાર થયો. દેખીતી રીતે નેપાલ અમારે બે દિવસ રહેવાનું હતું. જોકે પરમિટ અને વીઝા મળવામાં કંઈક તકલીફ થઈ હોવાથી બેને બદલે છ દિવસ રોકાવું પડ્યું અને નસીબજોગે મારા જન્મદિવસે જ અમે કૈલાસ પહોંચ્યા. મેં મારા જીવનમાં આ રીતે ડગલે ને પગલે શિવજીનાં દર્શન કર્યાં છે. અમારા છ જણના ગ્રુપમાંથી બે જણ પાછા ફર્યા હતા તબિયતને કારણે. ચાર જણમાંથી ત્રણ જણ ઘોડા પર પરિક્રમા કરવાના હતા. જોકે મારે તો પગપાળા જ કરવી હતી. બધાએ ખૂબ આગ્રહ કર્યો‍. જોકે મેં મન બનાવી લીધું હતું. બધાથી પાછળ ન પડું એ માટે હું બીજા કરતાં બે કલાક વહેલો નીકળતો. મારી સાથે મારો શેરપા હતો. એમાં પણ એક દિવસ ખૂબ થાકીને લોથપોથ થઈ ગયો. ભયંકર તાવ અને ઠંડી વચ્ચે પગ જ ન ઊપડે. મને એમ થયું કે હવે તો નહીં જ ચલાય. જાણે બેહોશ થઈ જઈશ એવી હાલત હતી. મારા શેરપાને એમ જ હતું કે મારી યાત્રા પૂરી થઈ. જોકે મેં મનોમન શિવજી સાથે ઝઘડવાનું શરૂ કર્યું. આટલે દૂર જઈને બેઠા છો, તમારે તો એક જ જગ્યાએ રહેવું છે, અમારી જેમ તમારે ચાલવું પડે તો સમજાય કે કેટલી તકલીફ થાય છે. હું કૈલાસ નહીં આવી શકું તો? આંખમાં આંસુ હતાં અને આવી અનેક વાતો મનોમન શિવજીને કહેવાઈ રહી હતી. એમ કરતાં લગભગ દસ મિનિટ માટે મને ઝોકું આવી ગયું. જ્યારે જાગ્યો ત્યારે એવો ફ્રેશ હતો કે વાત ન પૂછો. શરીરનો તાવ ગાયબ હતો. એ સમયે એક ડૉગ બાજુમાં આવીને બેઠો હતો. શિવજી જ જાણે કે મારામાં એટલી એનર્જી કેવી રીતે આવી ગઈ અને હું કઈ રીતે આગળ ચાલ્યો. જોકે ૨૨ સપ્ટેમ્બરે કૈલાસ પહોંચ્યો ત્યારે તો જાણે સાતમા આસમાન પર હતો. પેલો ડૉગી હું પાછો રવાના થયો ત્યાં સુધી મારી સાથે રહ્યો. લોકોને કદાચ આ બધું જાદુઈ અને ચમત્કારિક લાગી શકે, પણ આ બધામાંથી હું પસાર થયો છું. મને સતત શિવજીનો સાથ મહેસૂસ થયો છે અને જીવનના દરેક તબક્કે થયો છે. એટલું જ કહીશ. કેટલીક વાર આપણે લૉજિકથી નહીં ઇમોશનથી જીવતા હોઈએ છીએ અને એમાં જ બહુ હૅપિનેસ મળતી હોય છે.’

અમિત અત્યારે એકટાણાના ઉપવાસ કરે છે અને રોજ સવારે સાડાત્રણ વાગ્યે ઊઠીને રુદ્રાભિષેકથી લઈને અન્ય તમામ આરાધના માટે પાંચથી છ કલાક ફાળવે છે. સાથે પોતાની ઑફિસ જાય છે અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવે છે. તેણે પોતાના હાથમાં અને ડાબી બાજુએ છાતીના ભાગમાં શિવજીના મુખનું અને ૐ નમઃ શિવાયનું ટૅટૂ પણ કરાવ્યું છે.
શ્રાવણ સોમવારે એક પગે ઊભા રહેવાનું, મૌન રાખવાનું, બહારનું પાણી પણ નહીં પીવાનું જેવું કેટલુંયે આ ભાઈ ભોળાશંકરને રીઝવવા કરી ચૂક્યા છે

ભોળા છો, છો તમે અતિ ભલા, કાળ તણા છો કાળ, શંકર સહજ કૃપાલ છો, આપ હી દિન દયાળુ... ભગવાન ભોળાશિવને ભાઈબંધ બનાવીને કેમ રખાય એ મલાડમાં રહેતા મિતેશ કાટકોરિયા પાસેથી શીખવા જેવું છે. સૌરાષ્ટ્રમાંથી મુંબઈ આવ્યા. ન કોઈ ભણતર કે ન કોઈ ગણતર અને ત્યારે સાવ એકલા અને જીવનમાં કંઈક કરવાનો અને કંઈક બનવાનો સંઘર્ષ ચાલુ હતો એ સમયે અનાયાસ પોતાની નોકરીના સ્થાનથી નજીક આવેલા એક અનોખા શિવમંદિરમાં જવાનો ક્રમ શરૂ થયો. માર્બલનું કામ કરતા મિતેશભાઈ કહે છે, ‘આજે તો શિવજીની કૃપાથી ધંધામાં ધાર્યા કરતાંયે ઘણો આગળ છું, પરંતુ એક સમય હતો જ્યારે એક-એક રૂપિયાની તકલીફ હતી. પરિવાર વતન કુતિયાણા રહેતો અને હું મામાની સાથે રહેતો. નો ડાઉટ, મામાએ મને ખૂબ સાચવ્યો છે પરંતુ છતાંયે કામના સ્થળે નાના માણસ તરીકે થતા તમારાં અપમાનો, ધાર્યા કરતાં જુદા વહેવારો વગેરેને કારણે દુઃખી થવાના પ્રસંગો ઘણા આવતા. પરિવાર અને મિત્રો સાથે એ સમયે તો પત્રવ્યવહારથી કામ ચાલતું. આર્થિક સંકડામણના એ દિવસોમાં હતી શિવ પર શ્રદ્ધા અને કામની ધગશ. દિવસમાં એક વાર શિવમંદિરે જઈને દર્શન કરવાનાં જ. મારા જીવનમાં ઘટતી ઘટનાઓ, સુખદુઃખ અને તમામ મારી સમસ્યાઓ હું ભોળાનાથ મહાદેવને રૂબરૂમાં કહેતો. કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, બધું ભોળા શંકર પાસે કહેતો અને અંદરથી જ એનાં સમાધાનો પણ ભગવાન મને આપતા હોય એવી અનુભૂતિ સેંકડો વાર કરી છે. મને તો ભોળાનાથમાં મારાં માતાપિતા અને ભાઈબંધ મળી ગયા હતા અને એ ભાઈબંધી આજ સુધી અકબંધ છે.’

આજે પણ મિતેશભાઈ શ્રાવણ મહિનો આખો પૂજાઅર્ચના, ઉપવાસ કરે છે. બેશક, પહેલાં જેવા કડક કે કઠોર ઉપવાસ નથી કરતા. તેઓ કહે છે, ‘મહાદેવ ખરેખર મહાદેવ છે. તે એક જ એવા ભગવાન છે જેના આખા પરિવારને આપણે પૂજીએ છીએ. તેમની કૃપા થાય પછી સત્તા, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. ભોળાનાથની કૃપા વરસે પછી તમારે પાછળ જોવાપણું નથી હોતું.’

જૈન ધર્મના પાલન સાથે શિવભક્તિમાં પણ ગળાડૂબ છે આ ભક્ત
ગળથૂથીમાં મળેલા ધર્મના સંસ્કારોથી શિવ પ્રત્યેની આરાધનામાં લોકો પ્રેરાય એ સમજાય, પરંતુ કેટલાક ભક્તો જાતે ભગવાનના પરચાને ઓળખીને તેમનામય બની જતા હોય છે. સાઉથ મુંબઈમાં રહેતા વિકી જૈન એવા જ એક ભક્ત છે જેમને માટે શિવ સર્વોપરી છે. અત્યારે શ્રાવણમાં દિવસના બાર કલાકમાંથી નવથી દસ કલાક તેઓ બાબુલનાથમાં શિવજીની પૂજા-અર્ચના અને જપ-તપમાં વિતાવે છે. ઘણા શિવસ્તોત્રો અને મંત્રો તેમને મોઢે છે. દરેક ધર્મમાં છેલ્લે તો બધા એક જ વાત કહે છે એ વિવિધ ધર્મોના અભ્યાસ પછી વિકીભાઈએ અનુભવી છે. વિકીભાઈ કહે છે, ‘બાળપણથી જ સ્કૂલના મિત્રો સાથે બાબુલનાથ જતો ત્યારથી જ તેમની પ્રત્યે ભક્તિભાવ જાગતો ગયો. ધીમે-ધીમે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને શિવ માટેની લાગણીઓ વધતી ગઈ. તમે શિવજી વિશે જેટલું જાણશો અને જેટલી તેમની સમીપ જશો એમ તમે તેમનાથી પ્રભાવિત થતા જશો. ચમત્કારો અને તમારાં ધાર્યાં કામ પાર પાડે, તમને સંકટમાંથી બહાર કાઢે એ બધી તો બાયપ્રોડક્ટ છે, પરંતુ બૌદ્ધિકતાની દૃષ્ટિએ પણ શિવ તમને મોહી લે એવા છે. જરા વિચારો આ એક જ એવા ભગવાન છે જેણે એ બધાને સ્વીકાર્યા જેને દુનિયાએ ઠુકરાવ્યા. જેનું કોઈ નહોતું એના શિવ બની ગયા. અનાથોના નાથ. સમુદ્રમંથનમાંથી નીકળેલા વિષનો કોઈ લેવાલ નહોતો તો શિવજીએ લઈ લીધું. નાગને ગળામાં સ્થાન આપ્યું. ધતૂરો એના કાંટાને કારણે અળખામણો થયો તો શિવજીએ એને પણ પોતાની પાસે રાખ્યો. ધરતી પર ગંગાનું આગમન પોતાના શિરેથી કરાવ્યું. કોણ આવું કરી શકે બોલો? તમારું બધું જ ચલાવે અને તમને ભરપૂર પોતાપણું આપે એ જ શિવ છે. શિવભક્ત ક્યારેય કોઈ ખોટાં કામ ન કરે, નીતિચોર, જુઠ્ઠાડા કે છળ-કપટ કરનારા ક્યારેય શિવજીની કૃપા નથી પામી શકતા. મારા માટે તો શિવ જ સંસાર છે અને શિવ જ મોક્ષનું કે મુક્તિનું માધ્યમ છે.’

૧૧૩ વર્ષથી મહાદેવ પ્રત્યેની ભક્તિની ધારા અવિરત વહી રહી છે

મહેશ તારાચંદ મહેતા અત્યારે ૫૬ વર્ષના છે. જોકે તેઓ સમજણા પણ નહોતા થયા અને ઘોડિયામાં ઝૂલતા હતા ત્યારથી તેઓ શંકર ભગવાનના મંદિરે જાય છે. મુંબઈના પ્રાચીન શિવમંદિર બાબુલનાથમાં તેમની અખૂટ શ્રદ્ધા છે. તેઓ કહે છે, ‘મારા દાદાજી બાબુલનાથના પરમભક્ત હતા અને તેમણે પોતાની અડધી જિંદગી અહીં જ સેવામાં વિતાવી છે. તેમને ભરપૂર બાબુલનાથ દાદાના આશીર્વાદ મળ્યા છે. મારા પિતાજીએ દાદાનો વારસો જાળવ્યો અને હવે મારો વારો છે. બાબુલનાથમાં આવ્યા પછી કોઈ ચિંતા રહેતી નથી, બધી જ ચિંતા મહાદેવ પોતે જ દૂર કરી દે છે. મારા જીવનમાં ઘણાં સંકટો આવ્યાં અને ગયાં પણ મને એની ચિંતા ક્યારેય નથી થઈ એ બધું તેમના જ પ્રતાપે. મહાદેવ તો મૃત્યુને અટકાવી શકે એટલા શક્તિશાળી છે તો નાના-મોટા અકસ્માતો કે જીવનના પ્રસંગો ક્યાં ટકે એની સામે. શરત માત્ર એટલી તમારી ભક્તિ સાચી હોવી જોઇએ.’

મહેશભાઈના પરિવારે છેલ્લાં ૧૧૩ વર્ષથી ફૂલની સેવાનો લાભ લીધો છે જે આજ સુધી અકબંધ છે. સૌથી અચંબાની વાત એટલે માત્ર શ્રાવણમાં નહીં પણ ૩૬૫ દિવસ રોજના ત્રણથી ચાર કલાક મહેશભાઈ બાબુલનાથની સેવા અને સવાર-સાંજની પૂજામાં વિતાવે છે. વર્ષોથી તેઓ શિવજીની આરાધનામાં એક જ ટાઇમ આહાર લે છે અને કાયમી ઉપવાસી જેવું જીવન જીવે છે.

ડૉ. હરીશ મૂળ વારાણસીના છે અને શિવમંદિરો વચ્ચે જ મોટા થયા છે. જોકે ડૉક્ટર બન્યા પછી ત્ર્યંબકેશ્વરની યાત્રા દરમ્યાન તેમને અનાયાસ કંઈક વિશેષ અનુભૂતિ થઈ અને ત્યારથી તેઓ વર્ષમાં આઠથી દસવાર ત્ર્યંબકેશ્વર દર્શનાર્થે જાય છે. શ્રાવણમાં બીજા અને ચોથા સોમવારે પણ તેઓ શિવજીની વિધિસર પૂજા કરે છે. અભિષેક કરે છે. ડૉક્ટર હોવાને નાતે અને એમાં પણ ફૉરેન્સિક વિભાગમાં હોવાથી માનવ શરીરની આરપાર ઝાંકવાનો સૌથી વધુ અવસર પામ્યા હોવા છતાં શિવજી માટેના આ લગાવ પાછળનું કારણ શું? એના જવાબમાં તેઓ કહે છે, ‘ફૉરેન્સિક ડૉક્ટર હોવાથી જ કદાચ મારી ઈશ્વરીય તત્ત્વોમાં શ્રદ્ધા વધુ પ્રબળ બની છે. મેં જોયું છે કે ઘણી વાર મોટી ઘાત પછી પણ વ્યક્તિને કંઈ જ નથી થતું અને ઘણી વાર નાનકડી ટાંચણી જેવી ઘાતમાં પણ વ્યક્તિના પ્રાણ પંખેરું ઊડી જાય છે. એવા અઢળક કિસ્સાઓ મેં મારા જીવન દરમ્યાન જોયા છે જ્યાં નર્યાં લૉજિક અને કૅલ્ક્યુલેશન ખોરંભે ચડી ગયાં હોય. હૃદયના ધબકારા તમારા જીવવાનું પ્રતીક હોઈ શકે, પરંતુ તમારા અસ્તિત્વ પાછળ આ ધબકારા ઉપરાંત પણ કંઈક એવું છે જે જવાબદાર છે, જેને આપણે અનુભવી શકીએ છીએ અને જે આપણા સો-કૉલ્ડ લૉજિકથી હજીયે પર રહ્યું છે. શિવ સાથે તાદાત્મ્ય મને એ કંઈક દિવ્ય સાથે જોડેલો રાખે છે.’

આ પણ વાંચો : Ruchi Bhanushali: જાણો એ સિંગર વિશે જેના અવાજથી પડે છે લોકોની સવાર

૪૫ દિવસ સુધી રોજ ભાઈંદરથી બાબુલનાથ દર્શન માટે જવાનું એટલે જવાનું જ
ભાઈંદરમાં રહેતા અને મંગળદાસ માર્કેટમાં કામ કરતા મહેન્દ્ર દવેએ છેલ્લાં ચાર વર્ષથી મારવાડી અને ગુજરાતી શ્રાવણ મળીને કુલ ૪૫ દિવસ માટે દરરોજ બાબુલનાથ જઈને સવારની પૂજા કરવાનો નિયમ બનાવ્યો છે. રોજ સવારે ભાઈંદરથી ૫.૨૬ની ટ્રેન પકડીને ગ્રાન્ટ રોડ જવાનું અને ગ્રાન્ટ રોડથી બાબુલનાથ ચાલીને જવાનું. મહેન્દ્રભાઈ કહે છે, ‘શિવજીની કૃપાથી ચાર વર્ષના એકેય શ્રાવણમાં ૪૫ દિવસના આ રૂટીનમાં બ્રેક નથી લાગ્યો. ગમે તે સંજોગો હોય, હું બાબુલનાથ જઈ જ આવું. જળાભિષેક અને પૂજા માટે એક કલાક ત્યાં રોકાઉં અને પછી મંગળદાસ માર્કેટ જતાં પહેલાં ફિકેટ રોડ પર આવેલા હનુમાન મંદિર અને લક્ષ્મીનારાયણ મંદિરમાં જાઉં. સાડાદસ વાગ્યે મારી દુકાન ઊઘડે એટલે પાછો ત્યાં. રજાના દિવસે પાછો ઘરે જાઉં. મને બાબુલનાથદાદા પર અનેરી શ્રદ્ધા છે અને એમાં મારો જીવ વસે છે.’

બાર જ્યોતિર્લિંગનાં દર્શન કરી ચૂકેલા મહેન્દ્રભાઈ શ્રાવણ દરમ્યાન એક જ ટંક ભોજન કરે અને એમાંય ખૂબ જ સંયમ સાથેનો આહાર લે.

columnists