આ જા મેરી સાંસોં મેં મહક રહા રે તેરા ગજરા આ જા મેરી રાતોં મેં લહક રહા હૈ તેરા કજરા

28 October, 2022 04:58 PM IST  |  Mumbai | RJ Dhvanit Thaker

કિશોરકુમારે પહેલી વાર રિશી કપૂર માટે ગાયું અને રિશી કપૂરની બોલતી બંધ થઈ ગઈ. આ સૉન્ગ પછી આર. ડી. બર્મન રિશી કપૂરને પર્સનલી મળીને કહી આવ્યા કે દરેક પોતાનું કામ બેસ્ટ રીતે કરવા માગતા હોય છે એટલે બેટર છે કે એમાં ચંચુપાત ન કરવો જોઈએ

આ જા મેરી સાંસોં મેં મહક રહા રે તેરા ગજરા આ જા મેરી રાતોં મેં લહક રહા હૈ તેરા કજરા

‘ઝહરીલા ઇન્સાન’ પછી ફરી વાર આવી જ સિચુએશન આવી ૧૯૮પમાં ‘સાગર’ના મ્યુઝિક સમયે. બર્મનદાનું જ મ્યુઝિક હતું અને શૈલેન્દ્ર સિંહે રિશી કપૂર પાસે શિફારસ પણ પહોંચાડી દીધી હતી કે તે કોઈ પણ હિસાબે ગીતો ગાવા માગે છે, પણ બન્યું અવળું.

આપણે વાત કરીએ છીએ ફિલ્મ ‘ઝહરીલા ઇન્સાન’ના એકમાત્ર સુપરહિટ સૉન્ગ ‘હંસિની ઓ મેરી હંસિની...ની. કિશોરકુમારે પહેલી વાર આ સૉન્ગમાં રિશી કપૂર માટે અવાજ આપ્યો. આ સૉન્ગ પહેલાં ચિન્ટુ માટે બધાં ગીતો શૈલેન્દ્ર સિંહે જ ગાયાં હતાં. આ શૈલેન્દ્ર સિંહ એટલે લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને રાજ કપૂરની સંયુક્ત શોધ. લક્ષ્મી-પ્યારે તો ઇચ્છતા હતા કે ‘બૉબી’માં પણ કિશોરકુમાર જ ગીતો ગાય, પણ રાજ કપૂરની ઇચ્છા પોતાના દીકરા સાથે એક નવા વૉઇસને ઇન્ટ્રોડ્યુસ કરવાની હતી. બહુ ઓછા લોકોને ખબર છે લક્ષ્મી-પ્યારેએ તો ‘બૉબી’નું એક સૉન્ગ કિશોરકુમાર પાસે ઑલરેડી ગવડાવી લીધું, પણ રાજ કપૂરે સાંભળવાની સુધ્ધાં ના પાડી દીધી. એ રાજસા’બની ભૂલ હતી, પણ ઠીક છે, એ ભૂલને કારણે આપણને શૈલેન્દ્ર સિંહ જેવા સિંગર મળ્યા એ પણ નાની વાત તો ન  જ કહેવાય. હવે આપણે ફરી આવીએ સૉન્ગ ‘ઓ મેરી હંસિની’ પર...

ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ લખેલું આ ગીત કિશોરકુમારે ગાયું છે, પણ ફિલ્મના હીરો રિશી કપૂરની ઇચ્છા હતી કે આ ગીત શૈલેન્દ્ર સિંહ ગાય. તેણે પહેલેથી કહી જ રાખ્યું હતું અને પ્રોડ્યુસરે પણ મ્યુઝિક-ડિરેક્ટર આર. ડી. બર્મનને કહી દીધું હતું કે ચિન્ટુનો વૉઇસ શૈલેન્દ્રનો જ રહેશે. બર્મનદા બાકીનાં બધાં ગીતોમાં માન્યા, પણ વાત જેવી ‘ઓ હંસિની’ની આવી કે તરત જ તેમણે હાથ ઊંચા કરીને કહી દીધું કે ‘એ ગીત તો માત્ર અને માત્ર કિશોરકુમાર જ ગાશે.’

ચિન્ટુ ના પાડે, પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ ના પાડે. હવે કરવું શું? કોણ બર્મનદાને સમજાવે કે એવું નહીં કરો. કારણ કે બર્મનદા પણ લેજન્ડ જ હતા. ચિન્ટુએ વાત હાથમાં લીધી અને ચિન્ટુએ કહ્યું કે પોતે બર્મનદા સાથે વાત કરશે. બર્મનદા સાથે ફોન પર વાત કરવાને બદલે ચિન્ટુ તેમને મળવા માટે રૂબરૂ ગયો અને એ પછી જે બન્યું એ બધું તેણે અનેક વખત પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું છે. 
ચિન્ટુએ બર્મનદાને સમજાવ્યા કે કિશોરકુમાર કોઈ કાળે મારા અવાજ તરીકે નહીં ચાલે. એક ઇન્ટરવ્યુમાં રિશી કપૂરે કહ્યું કે ‘હું એ વાતથી જ મૂંઝાઈ ગયો હતો કે કિશોરકુમાર મારા માટે ગાશે. ક્યાં દેવ આનંદ અને ક્યાં હું? કિશોરદા મારા માટે અંકલ હતા અને તે મારા માટે અવાજ આપે! ઇમ્પૉસિબલ.’ રિશી કપૂરની બધી વાત સાંભળીને આર. ડી. બર્મને એક જ વાક્યમાં જવાબ આપ્યો, ‘ગાના તો કિશોર હી ગાયેગા...’

રિશી કપૂર પાસે હવે કોઈ આર્ગ્યુમેન્ટ હતી નહીં એટલે તેણે મનોમન નિર્ણય લીધો કે ભલે અત્યારે આર. ડી. પોતાનું ધાર્યું કરે, એડિટિંગ સમયે તેઓ પોતાનું ધાર્યું કરી લેશે અને આ સૉન્ગ કપાવી નાખશે. વાત તો ખોટી હતી જ નહીં. ચિન્ટુનો જમાનો હતો અને ચિન્ટુ ધારે એ ડિરેક્ટર-પ્રોડ્યુસરે કરવું પડે એવો સમય હતો.

ચિન્ટુએ બધાને કહી દીધું કે કોઈએ બર્મનદાને રોકવાના નથી, તેમને જે કરવું હોય એ ભલે કરે. આપણે પછી નિર્ણય લઈશું. બર્મનદાએ રેકૉર્ડિંગની તૈયારી કરી અને સૉન્ગ કિશોરકુમાર સાથે રેકૉર્ડ થઈ ગયું. તૈયાર થયેલું સૉન્ગ એક વીક પછી ચિન્ટુ પાસે પહોંચ્યું અને ચિન્ટુ ટોટલી ફ્લૅટ, ‘આ કિશોરકુમારનો અવાજ છે?! અનબિલિવેબલ. ઇમ્પૉસિબલ.’
ચિન્ટુ એવો તો આફરીન થઈ ગયો કે કોઈએ કલ્પના પણ ન કરી હોય. સૉન્ગ પહોંચ્યાના ૨૪ કલાક પછી બર્મનદાએ શૈલેન્દ્ર સિંહના અવાજમાં તૈયાર કરેલું એ જ સૉન્ગ ચિન્ટુ અને પ્રોડ્યુસરને મોકલ્યું. એક મિનિટ પણ ચિન્ટુથી એ સૉન્ગ સહન ન થયું અને તેણે રિજેક્ટ કરી નાખ્યું. ચિન્ટુએ કહ્યું, ‘કિશોરદાના વૉઇસનો જે જાદુ હતો એ ધારી ન શકાય એવો હતો. બહુ સરસ રીતે તેમણે આખું સૉન્ગ ગાયું હતું. જેની સામે શૈલેન્દ્ર સિંહનો અવાજ સાવ સપાટ લાગતો હતો. એ જ રિધમ, એ જ ટ્યુન અને બે વૉઇસ. આર. ડી. બર્મને કોઈ રમત નહોતી કરી. બન્નેમાં તેમણે એટલી જ મહેનત કરી હતી, પણ કિશોરસા’બે જે રીતે એ રજૂ કર્યું હતું એ જ દેખાડતું હતું કે તેઓ મહાન સિંગર હતા.

બીજું સૉન્ગ મોકલ્યાના બીજા ૨૪ કલાક પછી આર. ડી. બર્મન ચિન્ટુને મળવા તેના ઘરે ગયા અને ત્યાં કહ્યું કે ‘જે કામ મારું છે એ મને કરવા દેવાનું. મેં આવીને ક્યારેય કહ્યું છે ખરું કે સૉન્ગની આ લાઇન પર એક્સપ્રેશન કેવાં હોવાં જોઈએ? એ મારું કામ જ નથી તો પછી મારાથી એમાં ચંચુપાત કઈ રીતે થાય?’

આ એક ઘટના પછી રિશી કપૂરે ક્યારેય કોઈ મ્યુઝિક-ડિરેક્ટર સાથે સિંગરની બાબતમાં લપ કરી નહીં એ જેટલું સાચું છે એટલું જ સાચું એ પણ છે કે યંગ જનરેશનમાં કિશોરકુમારને એન્ટર કરવાનું કામ આર. ડી. બર્મન કરી ગયા. બર્મનદા પછી તો બીજા ઍક્ટરોની પણ હિંમત ખૂલી ગઈ અને મ્યુઝિક-ડિરેક્ટર પણ એ નવા યંગ કલાકારોના વૉઇસ તરીકે કિશોરકુમારને લેવા માંડ્યા. એક વર્ગ એવો પણ છે જેણે એવી દલીલ કરી હતી કે આ ગીત કિશોરકુમારને જ મળે એને માટે કિશોરદા સતત લૉબી કરતા હતા. કારણ કે શૈલેન્દ્રની સક્સેસથી તેને ઈર્ષ્યા આવવા માંડી હતી. જોકે આ વાતો માત્ર છે, એના કોઈ પુરાવા નથી, કારણ કે ‘હંસિની, ઓ મેરી હંસિની’ પછી અઢળક ગીતો શૈલેન્દ્રએ રિશી કપૂર માટે ગાયાં જ અને એ સૉન્ગ પૈકીનાં ઘણાં સૉન્ગ સુપરહિટ થયાં હતાં, પણ હા, કિશોરકુમાર માટે ચિન્ટુના મનમાં જે ઉંમરનો એક પ્રેજ્યુડાઇઝ હતો એ આ સૉન્ગથી નીકળી ગયો, જેનો લાભ બીજા કોઈને નહીં, પણ તેને જ થયો.

‘ઓ હંસિની...’ પછી તો ઘણી ફિલ્મોમાં કિશોરકુમારે રિશી કપૂર માટે ગીતો ગાયાં અને એ સૉન્ગ સુપરડુપર હિટ પણ થયાં. તમે પોતે જો યાદ કરવા બેસશો તો તમને પણ થશે કે રિશી કપૂરની કરીઅરમાં કિશોરકુમારે સાવ અલગ રોલ ભજવ્યો હતો. 
‘ઝહરીલા ઇન્સાન’ પછી ફરી વાર આવી જ સિચુએશન આવી ૧૯૮પમાં, ‘સાગર’ના મ્યુઝિક સમયે. બર્મનદાનું જ મ્યુઝિક હતું અને શૈલેન્દ્ર સિંહે રિશી કપૂર પાસે શિફારિશ પણ પહોંચાડી દીધી હતી કે તે કોઈ પણ હિસાબે ગીતો ગાવા માગે છે, પણ બન્યું અવળું. આર. ડી.એ કમલ હાસનનાં ગીતો એસ. પી. બાલસુબ્રમણ્યમ પાસે ગવડાવ્યાં અને ચિન્ટુના સૉન્ગ કિશોરદાએ જ ગાયાં. ‘સાગર કિનારે’ અને ‘સાગર જૈસી આંખોંવાલી...’ બન્ને સૉન્ગની મજા જુઓ તમે. ‘સાગર’માં એક સૉન્ગ આર. ડી.એ શૈલેન્દ્ર પાસે ગવડાવ્યું, જેમાં શૈલેન્દ્રનું મન જરાય નહોતું. તે બર્મનદા સામે નારાજગી દેખાડવા માગતો હતો, પણ ચિન્ટુએ જ કહ્યું કે આવી નારાજગીનો એક જ અર્થ થશે કે તું ઇન્ડસ્ટ્રી છોડવા માગે છે. બેટર છે, દલીલ કર્યા વિના સીધી રીતે રેકૉર્ડિંગ પર જઈ આવ. એ સૉન્ગ એટલે ‘જાને દો ના, પાસ આઓ ના...’

શૈલેન્દ્રને લાંબો સમય મનમાં એવું રહ્યું કે તેની સાથે પૉલિટિક્સ થયું છે, પણ એવું કહેવાની કે પછી કિશોરકુમાર તરફ ઇશારો કરવાની તેની હિંમત નહોતી અને એટલે જ તેના ફૅન્સ આ વાત કરતા રહ્યા તો પણ શૈલેન્દ્રએ એ વિશે ક્યારેય કોઈ વાત કરી નહીં, પણ હકીકત એ જ હતી કે કિશોરકુમાર મલ્ટિ-ટૅલન્ટેડ હતા. લેજન્ડ ગઝલસિંગર જગજિત સિંહે એક વાર કહ્યું હતું કે ‘જે માણસ વિધિવત્ મ્યુઝિક શીખ્યા વિના આટલું સરસ ગાઈ શક્યો હોય એ જો મ્યુઝિક શીખીને ઇન્ડસ્ટ્રીમાં આવ્યો હોત તો કદાચ તેણે મ્યુઝિક ડિરેક્ટરથી માંડીને ગઝલસિંગર્સની પણ છુટ્ટી કરી દીધી હોત.’ વાત ખોટી તો નથી જ.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists rishi kapoor kishore kumar