ધર્મ અને ધતિંગ : વાસ્તવિકતા સમજવામાં મોડું થયું તો નસીબમાં પારાવાર પસ્તાવો લખાઈ જશે

20 May, 2023 10:57 AM IST  |  Mumbai | Manoj Joshi

આપણે આસારામ અને રામ રહીમને વીસરી ગયા છીએ અને એટલે જ તેના ભાઈઓ અને તેની બહેનો બજારમાં આવીને ધતિંગનું પોત પાથરવાનું શરૂ કરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)

હમણાં બે દિવસથી એક બાબા વિશે પુષ્કળ આવી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર પણ તેના વિશે પુષ્કળ લખાય છે અને ન્યુઝપેપર તથા ન્યુઝ-ચૅનલમાં પણ તેના વિશે વિવાદાસ્પદ વાતો થઈ રહી છે. વાતો જે છે એનો હાર્દ એટલો જ છે કે ધર્મ અને ધતિંગ વચ્ચેની ભેદરેખા ભૂલો નહીં. વાત ખોટી પણ નથી. આપણે ત્યાં અમુક ઘટનાઓનું પુનરાવર્તન નિયમિત રીતે થતું રહ્યું છે અને એ પછી પણ આપણી આંખો નથી ખૂલતી. તમે જુઓ દર બેચાર વર્ષે એક ઍરલાઇન્સ બંધ થાય અને પછી ઇન્વેસ્ટર રાતા પાણીએ રડે. તમે જ જુઓ, દર બેચાર વર્ષે એકાદ બાવો એવો પકડાય કે આપણી ધર્મ પ્રત્યેની શ્રદ્ધા ડગમગી જાય. અફસોસ એ છે કે અમુક સમય પછી આપણે એ વાત ભૂલીને ફરીથી હતા એવા થઈને ઊભા રહી જઈએ છીએ.

અત્યારનો આ જે સમયગાળો છે એ સમયગાળો પણ એ જ છે. આપણે આસારામ અને રામ રહીમને વીસરી ગયા છીએ અને એટલે જ તેના ભાઈઓ અને તેની બહેનો બજારમાં આવીને ધતિંગનું પોત પાથરવાનું શરૂ કરે છે. સાધુત્વ ધર્મની ધજા છે એવું કહીએ તો જરાય ખોટું નથી, સંતત્વ ધર્મની મશાલ છે અને એ મશાલ થકી જ ધર્મ પ્રકાશિત રહેતો હશે એવું કહીએ તો પણ જરાયે ખોટું નથી, પણ એ સિવાયનાં કામ જ્યાં પણ થાય છે અને જ્યારે પણ થાય છે ત્યારે કહેવાનું મન થાય છે કે ખરેખર આપણે જ આપણું ધનોતપનોત કાઢવા માટે બેબાકળા બનીને વર્તતા હોઈએ છીએ.
સંસાર છોડીને સંન્યાસ લેનારાઓને સંન્યાસ લીધા પછી સંસારી દુનિયા શું કામ યાદ આવે છે એ એક યક્ષપ્રશ્ન છે. આજે પણ આ દેશમાં સેંકડો સાધુ-સંતો એવા છે જેમને મળવા માટે તમારે જહેમત ઉઠાવવી પડે અને તેમનાં દર્શન તમારું આયખું સુધારી દે છે. મારો પ્રશ્ન એ છે કે જેણે સંસાર છોડી દીધો છે તો પછી શું કામ સંસારીઓની લત લગાડવી છે? શું કામ ફરીથી એ દુનિયામાં જવું છે જે દુનિયા તમને અસાર લાગી હતી અને તમે એને ત્યજી દીધી હતી?

સંસાર સંસારીઓ માટે છે, તેમને સંસારમાં રહેવા દો અને તમે પ્રભુ-ભક્તિને પ્રાધાન્ય આપીને આગળ વધતા રહો. જેકોઈ સંસારીને તમારી આવશ્યકતા હશે, તમારી જરૂરિયાત હશે એ સામેથી તમારો સંપર્ક કરીને તમારી પાસે આવશે. આ સલાહ નથી, વાસ્તવિકતા છે અને આ વાસ્તવિકતાનું પાલન થાય એ અત્યંત આવશ્યક છે. આસારામ અને રામ રહીમના કિસ્સા આ દેશને હવે ફરી નથી જોઈતા. ફરી નથી જોઈતા એવા પાખંડીઓ જે સનાતન ધર્મને કાળી ટીલી લગાવે અને હિન્દુસ્તાનભરમાં પ્રસરેલા ધર્મનું અપમાન કરે, પણ એને માટે ક્યાંક ને ક્યાંક આપણે પણ સજાગ થવાની જરૂર છે. ધર્મ અને ધતિંગ વચ્ચેનો ભેદ આપણે સમજવો પડશે અને ધર્મ અને ધતિંગ વચ્ચેના એ ભેદને સમજીને આપણે જરૂરી હોય ત્યારે પાખંડીઓ સામે લાલ આંખ કરવી પડશે. જો એ લાલ આંખ કરવામાં આપણે પાછા પડીશું તો આ લોકો એ જ ધર્મ ખંડિત કરશે જેના આશરે આપણે તેમની પાસે ઊભા છીએ.

જાગો, જાગવું આવશ્યક છે. 

columnists manoj joshi