બાળક અંગને વિચારમાં મળીને બાંધ છોડ કરવી જોઇએ

06 May, 2020 09:09 PM IST  |  Mumbai | Sejal Patel

બાળક અંગને વિચારમાં મળીને બાંધ છોડ કરવી જોઇએ

પ્રતિકાત્મક તસવીર

સવાલ- મારાં લગ્નને જસ્ટ પાંચ વર્ષ થયાં છે. લગ્ન વખતે નક્કી કરેલું કે એક-દોઢ વર્ષ પછી બાળક પ્લાન કરીશું, પણ અમે બન્ને વર્કિંગ છીએ એટલે થોડોક સમય પછી એમ વિચારીને પાછળ ઠેલતાં રહેલાં. ઇન ફૅક્ટ, લગ્ન પછી અત્યાર સુધીમાં સાથે શાંતિથી સમય ગાળવા મળ્યો જ નહોતો. અત્યારે અમે લિટરલી સેકન્ડ હનીમૂન માણ્યું છે એમ કહીએ તો ચાલે. જોકે એક જ મામલે અમારી વચ્ચે મતભેદ થાય છે. તેનું કહેવું છે કે હવે તો બાળક કરી જ લેવું જોઈએ. અમે બન્ને ત્રીસીમાં પ્રવેશી ચૂક્યાં છીએ. મારા હસબન્ડને હવે બહુ ઉતાવળ કરવી છે. તેમને લાગે છે કે અત્યારે કામ પણ બધું સ્લો-ડાઉન થઈ ગયું છે ત્યારે ફૅમિલી-પ્લાનિંગ કરી લઈએ. બીજી તરફ મને એવું લાગે છે કે કામ સ્લો-ડાઉન થયું છે ત્યારે જ જો હું મૅટરનિટી લીવ લઉં તો નોકરી પર જોખમ ઊભું થઈ શકે છે. આવનારા સમયમાં ઇકોનૉમિકલી સમય ખરાબ આવવાનો છે તો એ માટે પણ તૈયાર રહેવું તો પડશેને? જો બાળકનો નવો ખર્ચ ઊભો કરીશું અને આવકમાં સ્લો-ડાઉન થશે તો શું? પણ મારા હસબન્ડ અત્યારે રોમૅન્ટિક મૂડમાં હોવાથી તેને આ બધું વિચારવું જ નથી. તેને એમ લાગે છે કે ભવિષ્યની ચિંતા કર્યા કરીશું તો ક્યારેય આજ નહીં જીવાય. બમણી આવક હોવાથી અત્યાર સુધી બચતની બાબતમાં જોવું નથી પડ્યું, પણ જો આવનારો સમય ખરાબ હોય તો એની ચિંતા તો કરવી જ જોઈએને? મારા હસબન્ડને એવું લાગે છે કે લગ્ન પછી એક-દોઢ વર્ષની વાત કરેલી અને હવે પાંચ વર્ષ થઈ ગયાં છે છતાં હું ના પાડું છું એની પાછળ કંઈક બીજું કારણ તો નહીં હોયને? મને ખબર છે આ મિસકમ્યુનિકેશન જ છે, પણ એને દૂર કઈ રીતે કરવું?
જવાબઃ તમે બન્ને લૉજિકલ અને રીઝનેબલ થિન્કિંગ કરવાવાળા છો. વર્કિંગ છો અને ઇકોનૉમિકલ બર્ડન શૅર કરો છો ત્યારે બન્નેને પૂરતું દુનિયાદારીનું ભાન પણ છે. પત્રમાં તમારી બન્નેની દલીલો લૉજિકલ છે અને છતાં તમે બન્ને એકમેકથી ઘણું ભિન્ન વિચારો છો. આમાં માત્ર કમ્યુનિકેશન ગૅપ જ છે એવું નથી. બન્નેની કન્સર્ન જુદી છે એ સમસ્યા છે. તમને ભવિષ્યની ચિંતા સતાવે છે જ્યારે તેમને આજ જીવી લેવી છે.
ઘણા સંતો કહી ગયા છે કે જીવન હંમેશાં આજમાં જ જીવાય છે, ભૂતકાળની યાદોમાં કે ભવિષ્યના સપનાંઓમાં નહીં. એટલે આજની આ ક્ષણ પર ભવિષ્યની ચિંતાઓનો ઓછાયો લાવ્યા વિના માણો એ જરૂરી છે. જોકે જ્યારે આપણે ભવિષ્યનું આયોજન કરતા હોઈએ ત્યારે તો ભવિષ્યમાં આવનારા સંજોગોને નજરઅંદાજ ન જ કરવા જોઈએ. ભવિષ્યમાં નવું મોટું ઘર લેવું હોય તો તમે આજના ખર્ચા પર કાપ મૂકો જ છોને? તમારે તો સંતાન ઉછેરવાનું છે ત્યારે તેના ભવિષ્ય માટે તમે કેટલા અને કેવા તૈયાર છો એ જોવું મહત્ત્વનું છે જ.
મને એવું લાગે છે કે તમારે બન્નેએ ‘હમણાં જ બાળક કરવું છે’ કે ‘હમણાં નથી જ કરવું’ એવા બે અંતિમો છોડીને વચ્ચે આવવાની જરૂર છે. ક્યારે બાળક કરવું આઇડિયલ રહેશે એ વિચારવું જરૂરી છે. આ નિર્ણય લેતી વખતે અંગત ઇકોનૉમિક ફૅક્ટર્સ ઉપરાંત હાલમાં જગતભરમાં સર્જાયેલી મેડિકલ કટોકટીને ધ્યાનમાં લેવી જરૂરી છે. અત્યારે જે મહિલાઓ પ્રેગ્નન્ટ છે તેઓ ઘણી હેરાન થઈ રહી છે. પ્રેગ્નન્સીના પહેલા ત્રણ મહિના બહુ જ ક્રિટિકલ ગણાય છે જે આવા મહામારીના સમયમાં ન હોય એ વધુ બહેતર છે.

sejal patel columnists sex and relationships