કૉલમ : એક મતની તાકાત તમારે સમજવી પડશે

23 April, 2019 11:43 AM IST  |  | રશ્મિન શાહ

કૉલમ : એક મતની તાકાત તમારે સમજવી પડશે

મનોજ જોષી (ફાઇલ ફોટો)

અરે, શું વાત કરું તમને પહેલાંની. ૩૦, ૩૫, ૪૨ અને ૪૫ ટકા મતદાન થાય અને પેપરવાળા એવું લખે કે મોટી માત્રામાં મતદાન થયું. અફસોસ થતો આવું વાંચીને. થતું કે શું કામ આપણે ૧૦૦ ટકા મતદાન ન કરી શકીએ. નાનો હતો ત્યારે તો મને ખરેખર બધા ઘરમાં જઈને લોકોને બહાર કાઢીને બૂથ સુધી પહોંચાડવાનું મન થતું, પણ એવું કરીશ તો વડીલો ખીજવાશે એવું ધારીને ચૂપ રહેતો. જોકે એ પછી પણ વર્ષો સુધી ફરક પડ્યો નહીં અને હું જીવ બાળતો રહ્યો. ચાણક્ય જીવનમાં આવ્યા પછી મત અને મતાધિકારનું મહત્વ પુષ્કળ સમજાયું અને એ સમજાયું એટલે સમયાંતરે મારી રીતે હું પ્રયાસ પણ કરતો રહ્યો કે મતદાનનો જે હક છે એ હક અદા કરવાનું કામ આપણે કરીએ.

મતદાન એ ફરજ નથી, મારી દૃષ્ટિએ આ એક જવાબદારી છે. જેમ સમયસર જમવું, બીમાર પડીએ તો સારવાર લેવી અને સારવારમાં જે દવાઓ આપવામાં આવે એ લેવી એક જવાબદારીનો ભાગ છે એવી જ રીતે મતદાન કરવું એ જવાબદારી છે અને દરેક જાગ્રત નાગરિકે આ જવાબદારી નિભાવવાની છે, નિભાવવી પડશે. જો એ નિભાવવામાં ક્યાંય પણ તમે ઊણા ઊતર્યા તો તમારી એ ભૂલની હેરાનગતિ આખા દેશે અને તમામ લોકોએ ભોગવવી પડશે.

આ પણ વાંચો : સ્ટિચીઝના ડાઘ રિમૂવ કરાવવા વિકી કૌશલ જશે અમેરિકા

એક મત. આપણે ત્યાં નાના પાટેકરની એક સોલોલોકી હતી : એક મચ્છર, એક મચ્છર આદમી કો હીજડા બના દેતી હૈ. મને આ જ વાત અહીં જરા જુદા સૂરમાં કહેવી છે. એક મત, માત્ર એક મત સૌથી કરપ્ટ માણસના હાથમાં સત્તા આપી દેવાનું કામ પણ કરી શકે અને એક મત, જો સારા માણસને ઓછો મળે તો એને લીધે દેશને હેરાન થવાનો સમય આવી જાય. એક મતની તાકાત તમારે સમજવી પડશે. પહેલાંનો સમય તમે યાદ કરો. રાજાનો દીકરો રાજા બને, એ રાજાના દીકરામાં કોઈ ક્ષમતા ન હોય તો પણ તેને જ ગાદી આપવામાં આવે. આજે લોકશાહી છે અને આવી ગાદીશાહી ક્યારેય આ દેશમાં પાછી ન આવે એ માટે પણ મતદાન કરવાનું છે. હું તો ત્યાં સુધી કહીશ કે ફૅમિલીમાં કે ઘરમાં કયું શાક બનાવવું એને માટે પણ જો તમારો અભિપ્રાય લેવામાં ન આવતો હોય એવા સમયે વડા પ્રધાન કે મુખ્ય પ્રધાન કઈ પાર્ટીનો લઈ આવવો એ બાબતમાં જો તમારો મત લેવામાં આવતો હોય તો એ મતને માન આપવું પડે, એને માટે સમય ફાળવવો પડે અને મળેલા આ હકને જવાબદારીપૂર્વક નિભાવવો પણ પડે. મતદાન કરવાની તક મેં આજ સુધીમાં માત્ર એક જ વખત ગુમાવી છે. એ સમયે હું ફૉરેન હતો અને મને પાછો આવવા માટે બીજી કોઈ સગવડ મળી નહોતી, જેને લીધે મેં વોટિંગની તક ગુમાવી હતી, પણ એ પછી મેં નક્કી કરી લીધું હતું કે હું શેડ્યુલ જ એવું રાખીશ જેમાં વોટિંગના દિવસે હું મુંબઈમાં જ હોઉં.

અત્યારે હું કુલુ-મનાલી છું અને એ પછી દિલ્હી તથા મધ્ય પ્રદેશ જવાનો છું, પણ એ બધા પછી પણ હું ૨૯ એપ્રિલે સવારે તો મુંબઈ અચૂક પહોંચી જઈશ અને મતદાન કરીશ. આ મારો મત છે અને આઇ ઍમ હૅપી કે દેશ આટલી મોટી વાતમાં મારો મત જાણવા માગે છે.

Rashmin Shah columnists manoj joshi