20 June, 2023 04:49 PM IST | Mumbai | Rashmin Shah
મેઘા ચક્રબર્તી
‘બડી દેવરાની’, ‘પેશવા બાજીરાવ’, ‘ક્રિષ્ના ચલી લંડન’ અને ‘સ્વરાજ’ જેવી અઢળક સિરિયલો કરી ચૂકેલી અને અત્યારે સ્ટાર પ્લસની ‘ઇમલી’માં લીડ કૅરૅક્ટર કરતી મેઘા ચક્રબર્તીને ખાવાનો જેટલો શોખ છે એટલી જ એ કુકિંગમાં પણ માસ્ટર છે અને એટલે જ તે વિનાસંકોચ, બિન્દાસ કહે છે કે બસ, તમે નામ લો, એ આઇટમ બનાવવાની જવાબદારી મારી
મને સતત થયા કરે કે આ દુનિયામાં જો તમે સ્વાદિષ્ટ ભોજન નથી ખાધું તો પછી જન્મ લઈને આપણે કર્યું શું?! ખરેખર, મને આ વિચાર બહુ આવે અને હું એ વાતને ફૉલો કરવાનું પણ પસંદ કરું, પણ હા, મારે બીજી પણ એક વાત કહેવી છે.
ખાઈ-પીને મોજ કરવાની વાત કરતા લોકો તો ઘણા હોય, પણ ખાવાપીવાની મજા માણવાની સાથે બેસ્ટ અને સ્વાદિષ્ટ ફૂડ બનાવી શકતા હોય એવા લોકો ઓછા હોય છે. હું આ ઓછા લોકોમાં આવું છું અને એને મારાં સદ્નસીબ ગણું છું. કદાચ એનું કારણ એ હોઈ શકે કે મને પોતાને ટેસ્ટી ફૂડ વિના ચાલતું નથી. હું કહીશ કે હું ફૂડ ખાઈને, ટ્રાયલ કરીને બનાવતાં શીખી છું. ઘણા લોકો એવા હોય કે તે બનાવીને જ એટલા તૃપ્ત થઈ ગયા કે હવે તેમને કંઈ ખાવું નથી હોતું. જોકે મારા કેસમાં બનાવવાનું અને પછી પોતે બનાવેલું ખાવાનું એ બન્ને મારા માટે મહત્ત્વનાં છે. જોકે હું જે ઍક્ટિંગ ફીલ્ડમાં છું ત્યાં મારે બહુ વિચારી-વિચારીને ખાવું પડે છે અને એ જરૂરી પણ છે. હું એ લકી લોકોમાં નથી આવતી જેઓ કંઈ પણ ખાય છતાં ફૂડ તેમના શરીર પર કોઈ જાતની અસર દેખાડે નહીં. મને એવા લોકોની ઈર્ષ્યા આવે, પણ હશે, મારાં જેવાં નસીબ. મારી વાત કરું તો અનફૉર્ચ્યુનેટલી મારી સાથે એવું બને છે કે હું થોડું પણ એક્સ્ટ્રા ફૅટવાળું ખાઉં તો તરત એ ફૂડની અસર મારા વેઇટ પર દેખાઈ આવે અને એની સામેવાળાને પણ ખબર પડી જાય.
દૂધ સાથે જબરી દુશ્મની
મારી વાત કરું તો મને કોઈ એકાદ પ્રકારનું ફૂડ ભાવે એવું બિલકુલ નથી. દરેક પ્રકારનાં ક્વિઝીન મારાં ફેવરિટ છે. બસ, એમાં ટેસ્ટ હોવો જોઈએ. હું માનું છું કે સ્વાદ વિનાના ફૂડની કોઈ વૅલ્યુ હોતી નથી અને એવું ફૂડ ખાનારાઓમાં અને પ્રાણીઓમાં કોઈ ફરક હોતો નથી.
ચાઇનીઝ, કૉન્ટિનેન્ટલ તો મારાં ઑલટાઇમ ફેવરિટ છે. ગુજરાતી ફૂડની વાત કરું તો ઢોકળાં અને થેપલાં મારાં ફેવરિટ છે, જે હું રેગ્યુલર ઑર્ડર કરતી હોઉં છું. બનાવવાની વાત કરું તો એ બાબતમાં પણ હવે હું એક્સપર્ટ થઈ ગઈ છું.
એક વાર ચાખી લીધા પછી એ આઇટમમાં વપરાયેલા ઇન્ગ્રેડિયન્ટની પૃચ્છા કર્યા વિના પણ એ જ સ્વાદની આઇટમ બનાવીને તમારી સામે મૂકી શકું. હા, એમ છતાં ભૂતકાળમાં આ પ્રકારના અખતરામાં ગોટાળા થયા છે, પણ સાચું કહું તો એ અખતરા યાદ આવે ત્યારે ખરેખર હસવું આવી જાય છે.
બહુ બધા અખતરામાંથી સૌથી પહેલો અખતરો મને આજે પણ યાદ છે. એ સમયે મારી એજ ૧૩ વર્ષની હશે અને કોઈ આઇટમ બનાવવાની ટ્રાય કરી અને મેં વઘારમાં તેલ નાખ્યું જ નહીં અને પછી સબ્ઝી બળીને કાળી કોલસા જેવી થઈ ગઈ અને એ બળી ગઈ ત્યાં સુધી મને ખબર પણ ન પડી. વઘાર માટે વાપરી હતી એ કડાઈ એટલી ખરાબ થઈ ગઈ કે ધોવાથી પણ એના ડાઘ ન ગયા અને છેલ્લે મારે એને ફેંકી દેવી પડેલી. આવા તો ઘણા ગોટાળા થયા છે. રોટલી તો અનેક વાર મારા હાથે બળી ચૂકી છે અને ખાસ તો દૂધ. મારે દૂધ સાથે જબરદસ્ત દુશ્મની છે. હું જ્યારે દૂધ પરથી જરાઅમસ્તી નજર હટાવું ત્યાં જ દૂધ ઊભરાય જાય. ખબર નહીં, એને મારાથી શું તકલીફ છે!
હેલ્ધી ટેસ્ટી, બેસ્ટ ટેસ્ટ
હું ખાવાની શોખીન છું એટલે જ ડાયટની એક બહુ સરસ ટિપ તમને આપીશ.
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ.
મારું એ ફેવરિટ છે, કારણ કે ભલે તમારે મન મારીને ૧૬ કલાક ભૂખ્યા રહેવાનું હોય, પણ પછીના આઠ કલાક તમે તમને ભાવતું બધું એટલે બધું જ ખાઈ શકો અને એમાં કોઈ કન્ટ્રોલ પણ ન રાખો તો ચાલે. મારા જેવા જેકોઈ ફૂડી છે તેમણે આ વાતને ફૉલો કરવી જોઈએ. હું આ ફૉલો કરું છું, કારણ કે મારાથી ડાયટ ફૂડ ખાઈ જ નથી શકાતું.
બાફેલું અને મસાલા વિનાનું ફૂડ મને ગળે પણ નથી ઊતરતું. ઘણા કહે છે કે ટેસ્ટી ફૂડ પણ હેલ્ધી હોઈ શકે. બટ, આઇ ડોન્ટ બિલીવ ધૅટ.
તમે મસાલા, તેલ, બટર, ઘી નાખો ત્યારે જ ફૂડમાં સ્વાદ આવે છે. ઓછા તેલમાં બનેલું સાદું ફૂડ તમને તરત જ ખબર પડી જાય. એ ટેસ્ટ તો ન જ આવે જે પેલા ટેસ્ટી ફૂડમાં આવતો હોય છે એટલે મારી વાત કરું તો, મારે મન હેલ્ધી ફૂડ પણ ટેસ્ટી હોય એ વાત મીથ છે. અફકોર્સ મારી વાત કરું છું, કોઈને મારી આ વાત સામે વાંધો હોઈ શકે, પણ કહ્યું એમ, આ મારી વાત છે, મારી માન્યતા છે.
હા, મારી પાસે એક ડાયટ ટિપ છે. તમે ખાવાના શોખીન હો અને ખાવાની બાબતમાં તમારે કન્ટ્રોલ કરવો હોય તો ખાતાં પહેલાં એક ગ્લાસ પાણી પી લો. પાણી પીવાથી તમારું પેટ થોડું ભરાઈ જશે એટલે નૅચરલી તમે ઓછું જ ખાશો. એનાથી તમારે ડાયટ કન્ટ્રોલ માટે મન નહીં મારવું પડે.