જાતે ભાગ્યવિધાતા બનવાને બદલે ભાગ્યમાં જે લખ્યું છે એનો આનંદ લો

15 February, 2019 03:37 PM IST  |  | રશ્મિન શાહ

જાતે ભાગ્યવિધાતા બનવાને બદલે ભાગ્યમાં જે લખ્યું છે એનો આનંદ લો

પ્રતીકાત્મક તસવીર

સોશ્યલ સાયન્સ

હમણાં જ આ વાર્તા સાંભળી. વાર્તા કહો તો વાર્તા અને જોક કહો તો જોક, પણ એટલું નક્કી છે કે એમાં એક સંદેશ છે અને એ સંદેશને, એ સારને સમજવાનો છે. એક ફાટક હતું. ફાટક પર એક ગેટમૅન જૉબ કરે. વષોર્ની તેની જૉબ અને એ જૉબ માટે તેણે ક્યારેય કોઈ કામચોરી કે દિલદગડાઈ નહોતી કરી. ક્યારેય નહીં. પચીસ વર્ષની તેની જૉબમાં એક પણ વખત એવું બન્યું નહોતું કે તેની લાપરવાહીને લીધે કોઈનો જીવ ગયો હોય કે પછી ક્યારેય ટ્રેન મોડી પડી હોય. સારાં કામ કરનારાઓ આજે મળે છે ક્યાં?
સરકારે તેનું સન્માન કર્યું. સન્માનની વાત તો પહોંચી ગઈ આખા રાજ્યમાં. હવે આવ્યો પ્રસિદ્ધિનો તબક્કો. પહેલાં પેપરવાળા પહોંચ્યા અને પછી પહોંચ્યા ટીવીવાળા. રૂપાળા ચહેરાની અને મૉડલ બનવાની ખ્વાહિશ સાથે ટીવી જર્નલિઝમમાં આવી ગયેલી રૂપકડી છોકરીઓ આવી ગઈ એ ગેટમૅનનો ઇન્ટરવ્યુ કરવા માટે. ઇન્ટરવ્યુ શરૂ થયો એટલે જર્નલિસ્ટે પેલા ગેટમૅનને પૂછ્યું કે અત્યાર સુધી કોઈ ઍક્સિડન્ટ તમારા ફાટક પાસે નથી થયા, પણ ધારો કે, ધારો કે બે ટ્રેન સામસામી આવે છે અને તમારી પાસે સિગ્નલ નથી તો તમે શું કરો? પેલા ગેટમૅને ઝંડીઓ દેખાડી. કહ્યું કે આ બે ઝંડીમાંથી લાલ રંગની ઝંડી લઈને હું ફરકાવીશ એટલે ટ્રેન રોકાઈ જશે. પેલી જર્નલિસ્ટે ફરી સવાલ કર્યો કે ધારો કે તમારી પાસે એ દિવસ ઝંડી પણ નથી તો, તો તમે શું કરશો?
ગેટમૅન હાજરજવાબી હતો. તેણે પોતાનો લાલ રંગનો કુરતો દેખાડીને કહ્યું કે ફાટક પર ગેટમૅનનો આ જ રંગનો કુરતો પહેરવાનો હોય, લાલ એટલે કે ડેન્જર. જો બે ટ્રેન સામસામી આવી જાય તો હું કુરતો કાઢીને એ ફરકાવતો ટ્રેનની સામે જઈશ એટલે ટ્રેન ઊભી રહી જશે અને ઍક્સિડન્ટ નહીં થાય. તમારી પાસે જવાબ હોય તો પણ સવાલ કરનારાને ચાનક ચડતી હોય છે. જર્નલિસ્ટને પણ ચાનક ચડી. તેણે નવો સવાલ કાઢ્યો, એ દિવસે તમારી વાઇફે કુરતો ધોયો જ નથી અને તમે બીજા રંગનાં કપડાંમાં આવ્યા છો. હવે, હવે શું કરશો?

ગેટમૅન કહે કે, બેન, ટ્રેન અટકાવવી જરૂરી છે. હું જે કપડાં પહેર્યા હશે એ કાઢીને ફરકાવીશ. ધારો કે મેં ઉપર કપડાં જ નથી પહેર્યા તો હું નીચેનું પહેરણ કાઢીને શરમ નેવે મૂકી દઈશ અને એ પહેરણ ફરકાવીશ જેથી ટ્રેન અટકે અને ઍક્સિડન્ટ ન થાય. સાલ્લું, આવું તે કંઈ હોતું હશે. જર્નલિસ્ટને તો ગમેતેમ કરીને ઍક્સિડન્ટ કરાવવો જ હતો. તેણે ફરી સવાલ કર્યો. ધારો કે, ધારો કે તમે એ દિવસે કંઈ પહેયુંર્ જ નથી અને તમારી પાસે ફરકાવવા માટે પણ કંઈ નથી તો તમે શું કરશો.

ગેટમૅને ફટાક દઈને જવાબ આપ્યો : તો હું મારા પાંચ વર્ષના દીકરાને બોલાવીશ. હવે અચરજ પામવાનો સમય પેલી જર્નલિસ્ટનો હતો. તેને નવાઈ લાગી કે પાંચ વર્ષના દીકરાથી વળી આ મહાશય શું કરી લેવાના. તેણે સવાલ કર્યો, તમારા પાંચ વર્ષના દીકરાને બોલાવી લીધા પછી શું કરશો?

ગેટમૅને કહ્યું, ‘કંઈ નહીં. બે ટ્રેન કેમ અથડાઈ એ મારા દીકરાને દેખાડીશ. તે મને આખો વખત એવું પૂછતો હોય કે બે ટ્રેન ભટકાય ત્યારે શું થાય? આનો જવાબ તો મારી પાસે છે નહીં એટલે હું તેને નજરે જ દેખાડી દઈશ કે જોઈ લે, બે ટ્રેન અથડાઈ ત્યારે આ થાય.’

વાતનો ભાવાર્થ એ છે કે પરિસ્થિતિ સામે લડી લેવાની ભાવના ધરાવતાં હો અને એ પછી પણ જો પરિસ્થિતિ તમારી સામે ડાયનોસૉર બનીને ઊભી રહે તો એની એ અવસ્થાને પણ માણવાનું ચૂકો નહીં. આપણે ભૂલ એ જ કરીએ છીએ કે આપણે સંજોગોને માણવાને બદલે એને તાબે કરવાનું જ શીખ્યા છીએ અને એટલે જ પરિસ્થિતિ જ્યારે તાબે નથી થતી ત્યારે એવું અનુભવવા માંડીએ છીએ કે આ સંજોગો તો બીજા ગ્રહોની ઊપજ છે. મુશ્કેલી અને મુસીબત એનું કામ કરવા માટે જ જન્મ્યાં છે. જો તમે એવું ધારતા હો, ઇચ્છતા હો કે એ ન આવે તો એ તમારું દિવાસ્વપ્ન છે, એનું નહીં. એ તો પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરે છે. જરા વિચાર તો કરો, રસ્તામાં મોડો ખાડો હોય અને એ તમને દેખાય નહીં ત્યારે શું થાય છે? સીધો જવાબ છે, તમે એમાં પડો છો. બાઇક જો ભૂલથી પણ ઈંટ પર આવી જાય તો શું થાય? સરળ જવાબ, બાઇક પડે અને સાથે તમે પણ પડો. જો એક ખાડો, એક ઈંટ પણ તમને જમીનદોસ્ત કરવાનું પોતાનું કર્મ ચૂકતી નથી ત્યારે અડીખમ ઊભા રહેવાની માનસિકતા કેળવવાનું અને સંજોગ હાથમાંથી સરકી જાય એવા સમયે સરકી રહેલી એ ક્ષણને, એ સંજોગને માણવાનું કર્મ તમે કઈ રીતે ચૂકી શકો અને શું એ કર્મ ચૂકો તો એ વાજબી ગણાય ખરું?

આ પણ વાંચોઃ આઇ લવ યુ! આઇ હેટ યુ! આઇ બ્રેક-અપ વિથ યુ!

યાદ રાખજો, સંજોગોને, વિકટ પરિસ્થિતિને આધીન કરવી એ તમારો ધર્મ છે, પણ જો એ આધીન ન થાય તો એ અવસ્થાને માણવી એ તમારું કર્મ છે અને આ જ કર્મની વાત તમામ શાસ્ત્રોમાં કરવામાં આવી છે. સ્પષ્ટતા સાથે કહેવામાં આવ્યું છે અંત સુધી અકબંધ રહો અને એ પછી પણ અંતમાં કોઈ ફરક ન આવે તો આવી રહેલી એ તબાહીનો પણ આનંદ લો. માન્યું કે ટ્રેન અથડાશે ત્યારે અનેક મરશે, પણ તમે એવું ઇચ્છી તો નથી જ રહ્યા તો પછી એનો દોષ તમારા પર શું કામ લેવાનો? તમે પ્રયાસો પણ કરી લીધા અને તમે અથડામણ રોકવાની કોશિશ પણ કરી લીધી અને એ પછી પણ એ અથડામણ જ તકદીર છે તો કોઈએ તમારું નામ ભાગ્યવિધાતા તો નથી જ રાખ્યું. બેટર છે કે ભાગ્યવિધાતા બનવાને બદલે ભાગ્યમાં જે લખ્યું છે એનો આનંદ લો અને એ આનંદ સાથે નવી યોજના, નવી યુક્તિની દિશામાં પણ મનોમંથન શરૂ કરી દો. બની શકે, આ નવી યુક્તિ માટે જ જૂની અથડામણનો ઘાટ ઘડાયો હોય.
caketalk@gmail.com

Rashmin Shah columnists