ફિટનેસમાં એક વાત યાદ રાખો કે તમે મનથી પણ હેલ્ધી હોવા જોઈએ

17 January, 2023 05:54 PM IST  |  Mumbai | Rashmin Shah

‘બલિયાકાંડ’ અને ‘ફાયરબ્રૅન્ડ’ પછી રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળેલી પૂજા અગ્રવાલ અત્યારે બે વેબ-સિરીઝ અને રોહિત શેટ્ટીની ફિલ્મમાં બિઝી છે

પૂજા અગ્રવાલ

‘બલિયાકાંડ’ અને ‘ફાયરબ્રૅન્ડ’ પછી રણવીર સિંહ સાથે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’માં જોવા મળેલી પૂજા અગ્રવાલ અત્યારે બે વેબ-સિરીઝ અને રોહિત શેટ્ટીની ફિલ્મમાં બિઝી છે. તે  માને છે કે વર્કઆઉટથી માત્ર બૉડીને જ નહીં, માઇન્ડને પણ ઍક્ટિવિટી મળે એ માટે મેડિટેશન તથા યોગનો સહારો લેવો

ગોલ્ડન વર્ડ્‍સ
તમારા બૉડીને તમારા સિવાય વધારે કોઈ સમજી નહીં શકે એટલા માટે કોઈ તમને વર્કઆઉટ કે ડાયટ-પ્લાન આપે એને બદલે તમે જ તમારા માટે પ્લાન બનાવો એ જરૂરી છે.

ફિટનેસ માટે આપણે વાતો બહુ કરીએ છીએ. આપણા મનમાં ક્યાંક ને ક્યાં એવું છે કે ફિટનેસ એટલે માત્ર ને માત્ર આપણું બૉડી. એને ફિટ રાખો એટલે બધું આવી ગયું અને તમે તમારું કામ પૂરું કરી લીધું, પણ રિયલિટી જુદી છે. 

બૉડીને આપણે ઇન્ટરનલ અને આઉટર એમ બે બાબતમાં ડિવાઇડ કરીએ તો તમારે ફિટનેસને પણ બે રીતે સેટ કરવી જોઈએ : ફિઝિકલ અને મેન્ટલ. તમે ફિઝિકલ ફિટનેસની વાત કરો તો એ માટે તમે વર્કઆઉટ કરો કે પછી બૉડીને ફિઝિકલી ફિટ રાખવા જે કરવું પડતું હોય એ કરો. સ્વિમિંગથી લઈને સાઇક્લિંગ, જિમ, યોગ કે પછી ફિઝિકલ ઍક્ટિવિટીમાં તમને જે ફાવે એ તમે કરો; પણ જ્યારે તમે મેન્ટલ કે ઇનર ફિટનેસની વાત કરો ત્યારે તમારે માઇન્ડ માટે જ ઍક્ટિવિટી કરવાની છે અને ઍન્ગ્ઝાયટી કે સ્ટ્રેસને દૂર કરવા કે પછી કહો કે હૅપીનેસ માટે જ ઍક્ટિવિટી કરવાની છે. માઇન્ડની ફિટનેસ માટે મેડિટેશન સૌથી બેસ્ટ છે તો સાથોસાથ એમાં પ્રાણાયામ અને યોગ પણ હેલ્પફુલ છે.

આ પણ વાંચો : મને યાદ નથી કે દસ વર્ષમાં મેં ક્યારે વર્કઆઉટ મિસ કર્યું

એક વાત સૌકોઈએ યાદ રાખવાની જરૂર છે કે ફિટનેસ એટલે માત્ર ઍબ્સ કે ડિઝાઇનર ક્લોથ્સમાં શોભે એવું બૉડી નહીં. ફિટનેસ એટલે તમારી જાત અને સાથોસાથ તમારા સરાઉન્ડમાં રહેલા સૌકોઈને ખુશ રાખવાની ચાવી. તમે ફિઝિકલ ફિટનેસ માટે જે ઍક્ટિવિટી કરો છો એ તમારામાં ડોપમાઇન કે હૅપી હૉર્મોન્સ જનરેટ કરે જ છે. એટલે આમ જુઓ તો ફિઝિકલ અને મેન્ટલ ફિટનેસ પૅરૅલલ ચાલતી ઍક્ટિવિટી છે, પણ મેન્ટલ ફિટનેસ માટે થતી ઍક્ટિવિટી વ્યક્તિને સંપૂર્ણ રિલૅક્સ કરે છે તો સાથોસાથ તેને સાચી દિશામાં લઈ જવાનું કામ પણ કરે છે.

બાત કરેં મેરી અપની | મારો દિવસ મેડિટેશનથી જ શરૂ થાય. મારા દિવસની શરૂઆત વહેલી હોય છે. સવારે જાગીને મારું પહેલું કામ એકદમ નીરવ શાંતિમાં બેસવાનું અને મેડિટેશન કરવાનું હોય છે. એને હું વીસથી ત્રીસ મિનિટ જેટલો સમય આપું છું. હું અલાર્મ રાખું છું એટલે એ સમયમાં પૂરું થઈ જાય છે. બાકી હું જો ટ્રાન્સમાં જઉં તો મને પોતાને ખબર ન પડે કે હું કેટલો સમય મેડિટેશનમાં રહી. મેડિટેશન સાચે જ બહુ ઉપયોગી છે અને એના પર હું એક વખત સૅપરેટ આર્ટિકલ લખીશ એ ફાઇનલ છે. 

મેડિટેશન પછી હું ફિઝિકલ ઍક્ટિવિટી સ્ટાર્ટ કરું. હું મારી ઍક્ટિવિટીને વીકના ત્રણ-ત્રણ દિવસમાં વહેંચી દઉં. તમને સમજાવું. આજે હું કિક બૉક્સિંગ કરું તો બીજા દિવસે હું કાર્ડિયો કે સ્વિમિંગ કરીશ અને એ પછીના ત્રીજા દિવસે હું વેઇટ ટ્રેઇનિંગ કરીશ. આ બધા વચ્ચે મારે કહેવું છે કે હું યોગ રોજ કરું છું અને જો મારું શૂટ ચાલુ હોય અને બીજી કોઈ ઍક્ટિવિટી થઈ શકે એમ ન હોય તો પણ મેડિટેશન અને યોગ તો કરવાના જ કરવાના. મેં સાથે યોગ મેટ રાખી જ હોય. યોગમાં હું રોજ મિનિમમ પચાસ સૂર્યનમસ્કાર કરું છું. સૂર્યનમસ્કાર માટે પણ મારે લોકોને કહેવું છે કે ધારો કે તમને જિમમાં જવાનું પોસાતું ન હોય કે જવાનો સમય ન મળતો હોય તો ઘરે જ જો સૂર્યનમસ્કાર કરશો તો એ પણ પૂરતું છે અને બહુ ફાયદાકારક પણ છે. 

મારું વજન મેં ફિલ્મો શરૂ કરી એ પહેલાં ૯૦ કિલો હતું. એ પછી મેં ૩૦ કિલો વેઇટ ઉતાર્યું અને એ પણ પ્યૉર વર્કઆઉટથી. કોઈ પણ પ્રકારનાં આઉટર સપ્લિમેન્ટ્સ વિના, જે સૌથી મહત્ત્વનું છે.

વાત હવે ખાન-પાનની | મારું ફૂડ-ઇન્ટેક પહેલેથી બહુ હેવી અને હેલ્ધી રહ્યું છે. મને ફ્રૂટ્સ બહુ જ ભાવે એટલે મારાં બધાં જ મીલમાં ક્યાંક ને ક્યાંક ફ્રૂટ્સ તો હોય જ. મૉર્નિંગની શરૂઆત બ્લૅક કૉફી કે ગ્રીન ટીથી થાય અને એ પછી બ્રેકફાસ્ટમાં ઍપલ, બનાના, આમન્ડ મિલ્ક અને સાથે પૌંઆ કે ઓટ્સ અને એ પછી ડ્રાયફ્રૂટ્સ સાથે ફ્રૂટસૅલડ હોય. એ પછી અગિયાર વાગ્યે નાળિયેરપાણી કે લીંબુપાણી અને સાથે થોડાં ડ્રાયફ્રૂટ્સ અને ફ્રૂટ્સ હોય. લંચમાં ટોફુ, પનીર, દાળ, વેજિટેબલ અને બ્રાઉન રાઇસ હોય. રોટલી હું સ્કિપ કરું છું અને કાકડી હું રોજ લઉં છું. સાંજના સમયે ફ્રૂટ્સ અને ગ્રીન ટી હોય તો સાથે નાસ્તામાં સ્પ્રાઉટ કે વેજિટેબલ સૅલડ હોય. ડિનરની વાત કરું તો પનીર કે ટોફુ સાથે ફ્રૂટ્સ કે વેજિટેબલ બાઉલ, સૂપ અને વેજિટેબલ ખીચડી હોય. 
હું કશું અવૉઇડ કરવામાં નથી માનતી, કારણ કે અવૉઇડ કરવાની નીતિ મન પર ભાર વધારે છે. એટલે જો મને સ્વીટ્સ ખાવાનું મન થાય તો એ પણ ચાખી લેવાની અને એ ધ્યાન રાખવાનું કે એ સ્વીટ્સમાં ડેટ શુગરનો યુઝ થયો હોય. આપણી રેગ્યુલર શુગર કરતાં આ ડેટ શુગર બહુ હેલ્ધી છે.

columnists Rashmin Shah