‘કેમ છો?’નો જવાબ તમે દિલથી આપીને કહો ‘એકદમ મજામાં’ ત્યારે માનવું કે તમે ફિટ છો

03 October, 2022 04:26 PM IST  |  Mumbai | Rashmin Shah

નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેણે યંગ મોદીનું કૅરૅક્ટર નિભાવ્યું અને હવે ‘હિન્દુત્વ’ નામની ફિલ્મમાં ભરત શાસ્ત્રીના પાત્ર માટે સ્ટારે નવું જ બૉડી ટ્રાન્સફૉર્મ કર્યું છે

આશિષ શર્મા

ફિલ્મ ‘લવ, સેક્સ ઍન્ડ ધોખા’થી કરીઅર શરૂ કરનારા આશિષ શર્માએ કરીઅર દરમ્યાન ભગવાન રામ, પૃથિવીવલ્લભ, ચંદ્રગુપ્ત મૌર્ય જેવાં કૅરૅક્ટરોથી ઓળખ ઊભી કરી છે. નરેન્દ્ર મોદીની બાયોપિકમાં તેણે યંગ મોદીનું કૅરૅક્ટર નિભાવ્યું અને હવે ‘હિન્દુત્વ’ નામની ફિલ્મમાં ભરત શાસ્ત્રીના પાત્ર માટે સ્ટારે નવું જ બૉડી ટ્રાન્સફૉર્મ કર્યું છે. આશિષ કહે છે, તમારું શરીર તમારા કહ્યામાં હોવું જ જોઈએ.

ગોલ્ડન વર્ડ‍્સ

ગરબા બહુ સારું વર્કઆઉટ છે, પણ જો તમે ગરબા રમીને ચાર વડાપાંઉ ખાઈ લો તો ફિઝિકલ હેલ્થ એનાથી નહીં બને. 

સો ટકા નહીં, એક હજાર ટકા હું કહીશ કે સિક્સ પૅક્સ એ ફિટનેસ નથી. બની શકે તમારું પેટ સહેજ બહાર હોય અને છતાં તમારા શરીરમાં કોઈ બીમારી ન હોય, તમે દરેક કામ સ્ફૂર્તિ સાથે કરતા હો અને મેન્ટલી તમે એકદમ ફ્રેશ હો તો સમજજો કે તમે ફિટ છે. અફકોર્સ, તમારું ફિઝિકલ સ્ટ્રક્ચર પ્રૉપર શેપમાં હોય અને લુકવાઇઝ પણ તમે અટ્રૅક્ટિવ હો તો એ કૉન્ફિડન્સ બિલ્ડ કરવાનું કામ કરે છે, પણ યાદ રાખવું કે પહેલી વ્યાખ્યા તો તમે અંદર અને બહારથી હેલ્ધી ફીલ કરો એનું જ નામ ફિટનેસ છે અને હું એ જ કરવામાં માનું છું અને સૌએ પણ એ જ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.

ડિસિપ્લિન છે બહુ જરૂરી | મારાં નસીબ એ રીતે સારાં છે કે નાનપણથી હું ફુટબૉલ, બાસ્કેટબૉલ, સ્વિમિંગ જેવી ઍક્ટિવિટીમાં આગળ પડતો હતો. તમે સ્પોર્ટ્સમાં હો ત્યારે નૅચરલી તમારે તમારી ફિટનેસ પર ધ્યાન આપવું જ પડે એટલે જ હું આજની જનરેશનને સ્પોર્ટ્સ માટે એન્કરેજ કરતો રહું છું. બીજી મહત્ત્વની વાત એ કે મોટા ભાગે ફિટનેસ માટે લોકો કોઈ ઍક્ટિવિટી શરૂ કરે ત્યારે આરંભે શૂરા જેવી હોય છે. થોડા દિવસ બધું ચાલે પણ પછી હતા ત્યાંના ત્યાં. ઇન ફૅક્ટ, આ આદત સૌથી ખરાબ છે. 

તમે નાની શરૂઆત કરો, પણ નિયમિતતાના નિયમને નહીં તોડો. કન્સિસ્ટન્સી અને ડિસિપ્લિન એ હેલ્ધી અને સક્સેસફુલ લાઇફના મૂળભૂત પાયા છે. ખાવાપીવામાં ડિસિપ્લિન અને ફિઝિકલ પ્રૅક્ટિસમાં નિયમિતતા. ઍક્ટર્સ માટે તો સ્ક્રીન જ સૌથી મોટું મોટિવેશન હોય છે, પરંતુ સામાન્ય લોકોએ હેલ્થને પ્રાયોરિટી બનાવવી પડે. ભલે તમે નક્કી કરો કે હું દસ મિનિટ વૉક કરીશ, પણ એ દસ મિનિટ વૉકમાં બ્રેક પાડ્યા વિના આગળ વધતાં જવું એ જરૂરી છે. મારા ફિટનેસ રૂટિનમાં તો આગળ કહ્યું એમ દરેક કૅરૅક્ટર પ્રમાણે મારો ડાયટ પ્લાન બદલાતો રહે છે. અત્યારે ભરત શાસ્ત્રીના કૅરૅક્ટર માટે મારે વજન ઉતારવાનું હતું તો મારા ટ્રેઇનર સચિન અને ન્યુટ્રિશનિસ્ટ મિહિરાએ કૅલરી ડેફિસિટ ડાયટ સાથે બે મહિનાનો વર્કઆઉટ પ્લાન ફૉલો કરવાનું કહ્યું છે, જેમાં વેઇટ-લિફ્ટિંગ, ક્રૉસ ફિટ, કાર્ડિયો જેવું બધું જ આવી ગયું. ઇન્ટેન્સ ફંક્શન ટ્રેઇનિંગ મારા પ્રોફેશનને કારણે હું કરું છું અને મને એ ગમે પણ છે, પરંતુ દરેક માટે આટલા ઇન્ટેન્સ વર્કઆઉટની જરૂર નથી. 

ડાયટ જ છે સર્વસ્વ | ગમે તેટલી કસરત કરશો પણ છેલ્લે તો તમારી ફિટનેસનું સર્જન તમારી થાળીમાં શું આવે છે એના પર નિર્ધારિત છે. ડાયટમાં કન્ટ્રોલ એ કદાચ તમારા માટે સૌથી મહત્ત્વની બાબત છે. હમણાં જ હું મારી ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદ અને વડોદરા જઈ આવ્યો. ત્યાં મેં ખાઈ-પીને મોજમાં રહેનારા ગુજરાતીઓને જોયા. મારા ગુજરાતી મિત્રો પણ છે, જેઓ ખૂબ સ્વાદિષ્ટ વાનગીઓ મને ખવડાવતા હોય છે. જોકે હું દરેકને એક જ ઍડવાઇઝ આપતો હોઉં છું કે ખાતી વખતે પૉર્શનમાં ધ્યાન આપો. 

મને ઘરનું ખાવાનું ખૂબ જ ભાવે. સ્પેસિફિક કહેવાનું હોય તો આલુ કા પરાઠા, ગાજરનો હલવો, મગની દાળનો શીરો મારી ફેવરિટ ફૂડ આઇટમ છે. જોકે અત્યારે જ્યારે હું ડાયટ પર છું તો પ્રોટીન અને ફાઇબરનું ઇન્ટેક વધારે હોય અને કાર્બ્સવાળી આઇટમ ખૂબ ઓછી. મેં ક્યારેય કોઈ પણ ખાવાનું સંપૂર્ણ રીતે બંધ નથી કર્યું. 

columnists ashish sharma love sex aur dhokha health tips Rashmin Shah