એ દિવસે બનાવેલું ચૉકલેટ ફજ જો કોઈ ચાખે તો જીવનભર ચૉકલેટ ફજ છોડી દે

21 February, 2023 05:33 PM IST  |  Mumbai | Rashmin Shah

અમુક વરાઇટીમાં અનેક વખત સુપરફ્લૉપ થયા પછી પણ તેના હાથની અમુક આઇટમની રીતસર ફરમાઈશ થાય છે અને સ્નેહાએ એ બનાવવી પણ પડે છે

સ્નેહા જૈન

‘ક્રાઇમ પૅટ્રોલ’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઇમ અલર્ટ’, ‘લાલ ઇશ્ક’, ‘કૃષ્ણદાસી’, ‘સાથ નિભાના સાથિયા ટૂ’ જેવી અઢળક સિરિયલોમાં કામ કરી ચૂકેલી સ્નેહા જૈનની કિચનમાં તેણે કરેલા ખતરનાક એક્સ્પીરિયન્સની વાતો સાંભળવા જેવી છે. અમુક વરાઇટીમાં અનેક વખત સુપરફ્લૉપ થયા પછી પણ તેના હાથની અમુક આઇટમની રીતસર ફરમાઈશ થાય છે અને સ્નેહાએ એ બનાવવી પણ પડે છે

ગોલ્ડન વર્ડ્સ - કુકિંગ ન આવડતું હોય એને ભલે પુરુષો ગર્વ માને પણ આજના સમયમાં સામાન્ય કહેવાય એવાં દાળ-ભાત-શાક-રોટલી તો સૌકોઈને આવડવાં જ જોઈએ.

એક રીતે જુઓ તો આજના પેરન્ટ્સની દૃષ્ટિએ હું એકદમ આદર્શ બાળક છું. હું મજાકમાં મારી મમ્માને કહેતી હોઉં છું કે તમે ભગવાનને ચાર હાથે પૂજ્યા હશે એટલે હું તમારા જીવનમાં આવી. એનું સૌથી મોટું કારણ જો કોઈ હોય તો એ છે મારી ખાવાપીવાની હૅબિટ. ખાવાપીવામાં મારાં કોઈ નાટક નથી. ઘરનું ખાવાનું જ મારું ફેવરિટ ફૂડ છે એટલે કોઈ ટેન્શન જ નહીં. 

મારી બધી ફ્રેન્ડ્સની મમ્મીઓની હું ફેવરિટ છું, બધાની મમ્મીઓ તેમના કિડ્સને મારા જ દાખલા આપે. મજાની વાત જુઓ તમે, જેમ હું મારી બધી ફ્રેન્ડ્સની મમ્મીઓની ફેવરિટ છું એનાથી બિલકુલ ઊલટું મારી મમ્મીના કિસ્સામાં છે. મારી મમ્મી મારા બધા ફ્રેન્ડ્સની ફેવરિટ છે અને હોય પણ શું કામ નહીં, તે અદ્ભુત કુક છે. મમ્મી એટલું સ્વાદિષ્ટ ખાવાનું બનાવે કે તમને બહાર ખાવાનું મન થાય પણ નહીં અને જન્ક ફૂડ યાદ આવે જ નહીં. હું સમજણી થઈ ત્યારથી અમારા ઘરમાં કેટલાક નિયમો રહ્યા છે. સબ્ઝી વધારે જ ખાવાની, રોટી તો મલ્ટિગ્રેન જ ખાવાની, ફ્રૂટ્સ અને સૅલડ તો બલ્ક પ્રમાણમાં જ ખાવાનાં. આ અમારે ત્યાં રૂટીન છે એટલે હું કહેતી હોઉં છું કે હેલ્ધી આદત અમારી લાઇફસ્ટાઇલનો જ હિસ્સો છે. 

છું હું અખતરા એક્સપર્ટ

હું ફૂડી છું પણ જેમ કહ્યું એમ, હેલ્ધી ફૂડ ખાવાની જ નાનપણથી આદત પડી છે એટલે મને એનો ફાયદો ખૂબ થયો છે. હા, બનાવવાની બાબતમાં મેં ઘણી વાર બ્લન્ડર કર્યાં છે અને એ બ્લન્ડર યાદગાર રહ્યાં છે.

મને પહેલેથી જ આદત છે કે મમ્માને તકલીફ ન પડે એવી રીતે હું બધું મૅનેજ કરું. સવારે સ્કૂલ જતાં પહેલાં હું મારી ચા જાતે બનાવતી. ઍક્ટર તરીકે કામ શરૂ કર્યું પછી પણ જે કામ જાતે શક્ય હોય એ હું કરી લેતી. મારા હાથની ચા ખરેખર એક્સપર્ટ્સને સાઇડ પર રાખી દે એટલી સરસ બને છે. હું સ્કૂલમાં હતી ત્યારની વાત છે. મમ્મી બહાર ગયાં હતાં. કિચનમાં લોટ બાંધેલો હતો. સબ્ઝી, દાલ, રાઇસ બધું જ રેડી હતું. બહાર જતાં પહેલાં મમ્મીએ મને કહ્યું કે તું રોટલી બનાવીને ભાઈને જમાડી દેજે. મેં ક્યારેય રોટલી બનાવી નહોતી, પણ મેં કૉન્ફિડન્ટલી હા પાડી દીધી અને પછી એટલી ભયંકર રોટી બનાવી કે તમે એને કાતર લઈને કાપો તો પણ એ કપાય નહીં. બધા જ ઘરમાં ખાવાનું મળશે એની રાહ જોતા હતા. છેલ્લે બધા માટે બ્રેડનું પૅકેટ લાવીને બ્રેડ આપી અને મેં એ રોટલી જ ખાધી. એ દિવસ અને આજનો દિવસ, મેં રોટલી બનાવવાનો અખતરો નથી કર્યો. 

વાત ફેવરિટ ફૂડની

દાલ-ચાવલ મારાં સૌથી ફેવરિટ અને એ પણ મારી મમ્મીના હાથનાં જ. આ ઉપરાંત મમ્મીના હાથની મેથીની સબ્ઝી ખાઓ કે દાળબાટી ચાખો તો બધું જ ભૂલી જાઓ. 

નૂડલ્સ, ફ્રાઇડ રાઇસ, પૅનકેક્સ, પીત્ઝા, બર્ગર, ચાઇનીઝ આઇટમ હું સારી બનાવું છું. કુકિંગ મને ગમે છે એ મને લૉકડાઉનમાં સમજાયું પણ અફસોસની વાત છે કે ઇન્ડિયન આઇટમમાં મારી કોઈ હથરોટી નથી. એક બહુ જ મોટું બ્લન્ડર મેં કરેલું એ વિચારીને તો આજે પણ બધા હસે છે. 

આ પણ વાંચો: ભીંડાના શાકને સમારીને એને ધોવાય?

અમારા ઘરે નવું માઇક્રોવેવ આવેલું. મારી બહેને કહેલું કે મમ્મી, નવું છે તો પહેલાં એમાં મીઠી વસ્તુ જ બનાવજો તો એ જવાબદારી મેં લઈ લીધી. મેં નક્કી કર્યું કે ચૉકલેટ ફજ હું બનાવીશ. ચૉકલેટ ફજ માટે જરૂરી હોય એ બધાં ઇન્ગ્રીડિઅન્ટ્સ લઈ આવી અને ઘરમાં પણ એવો માહોલ ઊભો કરી દીધો કે જાણે હું કંઈક ગ્રેટ પ્રોજેક્ટ પર કામ કરી રહી હોઉં. બધા માટે સરપ્રાઇઝ અને કોઈએ કિચનમાં નથી જવાનું જેવા કંઈક નિયમો બહાર જાહેર કરી દીધા અને પછી રેસિપી મુજબ મિક્સ્ચર તૈયાર કરીને અવનમાં મૂક્યું, પણ મૂર્ખની જેમ હું ટેમ્પરેચર સેટ કરવાનું ભૂલી જ ગઈ અને પછી જ્યારે એ તૈયાર થઈને બહાર આવ્યું ત્યારે જાણે પથ્થર હોય એવું એનું ટેક્સ્ચર હતું. 

હથોડો મારો તો પણ ન તૂટે

ખરેખર એટલું ખરાબ એ બન્યું હતું કે ન પૂછો વાત. બધા મારી અને પેલા ચૉકલેટ ફજ સામે જોયા કરે અને પછી અચાનક જ બધાં એકસાથે ખડખડાટ હસી પડ્યાં. છેલ્લે એ આખેઆખું અમારે કચરામાં જવા દેવું પડ્યું હતું. 

columnists Rashmin Shah