બે વાર હિપ રિપ્લેસમેન્ટની સર્જરી પછી પાલિતાણા અને સમેતશિખરની યાત્રા કરી ચૂક્યા છે આ ભાઈ

29 May, 2023 05:44 PM IST  |  Mumbai | Rajul Bhanushali

૨૪ વર્ષની ઉંમરે ખબર પડે કે ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ નામની બીમારી છે જેને કારણે પગ પર ચાલવું પણ હવે શક્ય નહીં બને. ચેમ્બુરમાં રહેતા ઉત્કલ ગડાએ આ સંજોગો સામે કેવી રીતે જીત મેળવી એની રોમાંચક ગાથા પ્રસ્તુત છે

ઉત્કલ ગડા

ઘણી વાર જીવનમાં એવી મુસીબતો આવે કે માણસ ડરી જાય. તેને થાય કે હું જ કેમ? આ મને જ કેમ આવ્યું? પરંતુ જે મુસીબત આવે એનાથી નાસીપાસ થયા વગર કે ડર્યા વગર એનો સામનો કરે એ માણસ કહેવાય. વિચારો કે જીવનના અઢી દાયકા સુધી કોઈ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવતી હોય અને અચાનક ખબર પડે કે તેને એવી કોઈક બીમારી છે જે તેનો બે પગ પર ચાલવાનો હક પણ છીનવી શકે છે તો એ માણસ પર કેવી વીતતી હશે! 

ચેમ્બુરમાં રહેતા ઉત્કલ ગડા સાથે કંઈક આવું જ અણધાર્યું બન્યું. જીવનના ૨૪મા વર્ષે ખબર પડી કે તેમને ઍન્કિલોઝિંગ સ્પૉન્ડિલાઇટિસ નામની બીમારી થઈ છે. ઉત્કલભાઈ એ કપરો સમય યાદ કરતાં કહે છે, ‘આ બીમારી ડિટેક્ટ થઈ એનાથી પહેલાં મને ક્યારેય શરદી કે તાવ જેવી સામાન્ય બીમારી પણ નહોતી થઈ. શરૂઆતમાં મારો હાથ દુખ્યો એટલે ડૉક્ટરને બતાવતાં તેમણે કહ્યું કે કશું જ ચિંતાજનક નથી અને પેઇનકિલર આપી દીધી. હું ત્રણ વર્ષનો હતો ત્યારે પહેલા માળેથી પડી ગયો હતો તો અમે બધાએ એવું વિચાર્યું કે કંઈક ત્યારની કસર રહી ગઈ હોય એવું પણ બને. પરંતુ ધીમે-ધીમે તકલીફ વધતી ગઈ. પછી મેં એક્સરે અને રિપોર્ટ વગેરે કરાવ્યા. એ વખતે અમે ઍલોપૅથી, નેચરોપૅથી અને એવું ઘણુંબધું ટ્રાય કર્યું. આ બીમારીમાં ધીરે-ધીરે અંગ બેન્ડ થતાં જાય. પછી મેં ઑર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું. એ ડૉક્ટરે કહ્યું કે હિપ રિસ્પ્લેસમેન્ટ કરાવવું પડશે, એના સિવાય બીજો કોઈ ઑપ્શન નથી. પહેલાં એક પગનું ઑપરેશન થશે અને પછી છ મહિને બીજા પગનું એમ ડૉક્ટરે સમજાવ્યું હતું પણ પહેલા પગના ઑપરેશન બાદ રિકવરી ઘણી સારી હતી એટલે પછીના પંદર જ દિવસમાં જ ડૉક્ટરે બીજા પગનું ઑપરેશન પણ કરી નાખ્યું અને મારા બેઉ હિપ બૉલ્સ રિપ્લેસ થયા. એ વખતે મારી ડૉટર આઠ-નવ મહિનાની હતી. તેનું બાળપણ ડૉક્ટરોના ધક્કામાં જ ગયું. હૉસ્પિટલ સ્ટે અને ઑપરેશન દરમિયાન મારાં સાસુ સતત મારી પત્નીની સાથેને સાથે જ રહ્યાં. તેઓ મારા માટે ઈશ્વર સાથે લડ્યાં છે.’

વાશીમાં ફર્નિચરનું કામકાજ ધરાવતા ઉત્કલભાઈએ ખૂબ કપરો સમય જોયો. આર્થિક અને શારીરિક રીતે ખૂબ તકલીફ ભોગવી પણ આજે તેઓ સ્વસ્થ છે. પોતાની વાત આગળ વધારતાં તેઓ કહે છે, ‘આજે હું ભરપૂર જીવું છું. બધી જ પ્રવૃત્તિ સારી રીતે કરી શકું છું. લાઇફમાં એક સૂત્ર અપનાવ્યું છે કે કંઈ પણ થાય, પૉઝિટિવ રહેવું. શ્રદ્ધા ડગમગવા ન દેવી. પહેલી વખતનું રિપ્લેસમેન્ટનું ઑપરેશન દસેક વર્ષ ચાલ્યું. પછી હમણાં બીજી વખત પણ કરાવ્યું. આજે હું બધું જ કરી શકું છું. સમેતશિખરની મોટી જાત્રા મેં પગે કરી છે. પાલિતાણાની જાત્રા પણ કરી. મારા ડૉક્ટર મને કહે કે તેં એક્ઝામ્પલ સેટ કર્યું છે. હું બીજાને તારો દાખલો આપું છું કે જુઓ, આવી બીમારી થયા પછી પણ તમે સ્વસ્થ અને નૉર્મલ લાઇફ જીવી શકો છો. લોકો ફરિયાદ કરતા હોય કે મારાથી આ નથી થતું તે નથી થતું અને એમને હતાશા ઘેરી વળે ત્યારે હું એમને કહું છું કે બિન્દાસ રહો. બધું જ શક્ય છે, માત્ર પૉઝિટિવિટી હોવી જોઈએ. ઘણી વાર બીજાની તકલીફો વિશે સાંભળીએ તો સમજાય કે આપણે તો એનાથી ૨૦૦ ટકા વધારે સુખી છીએ. તમને એક વાત કહું. આ બધામાં મને મારી પત્નીનો, માતા-પિતાનો, પરિવારનો, સાસરાના પરિવારનો તેમ જ અન્યોનો પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે. એમની એક જ વાત મને શક્તિ આપતી હતી કે ચિંતા ન કરતો, બધું સારું જ થશે. દાદાની મહેરબાનીથી આજે કોઈ જ દવા ચાલુ નથી. એકદમ સ્વસ્થ છું. સામાજિક કાર્યોમાં ભાગ લઉં છું, ટ્રેકિંગમાં જાઉં છું, મ્યુઝિકલ ગેમ શો, દિવાળી મેળો જેવા સામાજિક કાર્યક્રમોમાં ઍક્ટિવલી ભાગ લઉં છું. ઘણીબધી સંસ્થાઓ સાથે સંલગ્ન છું. મને આ બીમારી ડિટેક્ટ થઈ ત્યારે રૂપા પ્રેગ્નન્ટ હતી. બાળક જો મેલ હોય તો એમાં આ બીમારી આવવાની શક્યતા વધુ હોય. દીકરીને આવવાના ચાન્સ થોડા ઓછા હોય. ત્યારે અમે બધી જ ટેસ્ટ કરાવી હતી. ડૉક્ટરે કહ્યું કે કોઈ જ પ્રૉબ્લેમ નથી, બાળક એકદમ નૉર્મલ છે એટલે અમને બધાને હાશ થઈ હતી. હવે તો મારી દીકરીનાં લગ્ન પણ થઈ ગયાં છે.’

શ્રદ્ધા જીવનનું ચાલક બળ છે. ઉપરવાળો જ્યારે તકલીફ આપે છે ત્યારે તકલીફ સહન કરવાની શક્તિ પણ આપે છે એવું કહેવાય છે. ઉત્કલભાઈ કહે છે, ‘દાદા રસ્તો દેખાડે છે. હું ઘરેથી નીકળું એટલે મારો નવકાર મંત્ર ચાલુ થઈ જાય. મને એમાં ખૂબ શ્રદ્ધા છે. અમારા ગ્રુપમાં બીજા બધા જ મેમ્બર્સ નૉર્મલ છે પણ હું એ બધા જ નૉર્મલ લોકોથી વધારે ઍક્ટિવ છું. એ લોકો પહેલાં મારી ચિંતા કરતા કે થાકી જશો. આરામ કરો, બેસી જાઓ. પણ હું કહું કે મને કંઈ જ નહીં થાય, મારી ચિંતા ન કરો. હવે બધા જ સમજી ગયા છે કે આને કંઈ જ નહીં થાય. ધીમે-ધીમે એમનામાં પણ પૉઝિટિવિટી આવી ગઈ છે. મેં મન મક્કમ કરી લીધું હતું કે કાં તો ઇસ પાર જવું છે ને કાં તો ઉસ પાર જવું છે, વચમાં નથી રહેવું! ગમે એટલી પીડા ભોગવવાની આવે, પણ હારવું નથી અને હું નથી હાર્યો.’                                 

columnists