અલ-કાયદાના હિટલિસ્ટમાં રાજન

15 March, 2020 04:59 PM IST  |  Mumbai Desk | Vivek Agarwal

અલ-કાયદાના હિટલિસ્ટમાં રાજન

પ્રતીકાત્મક તસવીર

આ ખબર પર કોઈ પણ વિશ્વાસ કરશે કે છોટા રાજન દાઉદને મારવા માગે છે. આ ખબર તો સહેલાઈથી ગળે ઊતરી જાય એવી છે કે છોટા શકીલ રાજનને ખતમ કરવા ઇચ્છે છે, પણ આ ખબર સાથે કેટલા લોકો સંમત છે કે ખતરનાક આતંકવાદી સંગઠન અલ-કાયદા રાજનને મારવાનો મોકો શોધી રહ્યું છે?

સપ્ટેમ્બર ૨૦૦૯માં ગુપ્તચર એજન્સીઓને મળેલી બાતમી પર વિશ્વાસ મૂકીએ તો આ સાચું છે.

ભારતની ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે જ્યારે ડી-કંપની એના કટ્ટર દુશ્મન રાજનને ન મારી શકી તો તેણે અલ-કાયદાને એવી માહિતી પહોંચાડી કે તે મુસ્લિમ સમુદાયનો મોટો દુશ્મન છે.

રાજનની હરકતો શું અને કેવી છે એની વિગતો અલ-કાયદાના આતંકના આકાઓને આપવા માટે ડી-કંપનીએ રાજને ન્યુઝ-ચૅનલોને આપેલા ઇન્ટરવ્યુ તથા અખબારોમાં છપાયેલા સમાચાર બતાવ્યા.

તેમણે સમજાવ્યું કે રાજન તો જેહાદનો સૌથી મોટો વિરોધી છે. તેને ખતમ કરીને જ હિન્દુસ્તાન પર ફતેહ મેળવી શકાશે.
એ સમયે રાજન ઑસ્ટ્રેલિયામાં હતો. એક સમયે ભરત નેપાલી તેના રક્ષણમાં હતો. ભરત અલગ થયો એ સાથે જ રાજનનું સંકટ વધી ગયું.

ત્યાર પછી રાજન અત્યંત ગુપ્તતા સાથે કામ કરવા માંડ્યો. તે સતત ઠેકાણાં બદલતો રહેતો. તેનાં ઠેકાણાંની કોઈને ગંધ ન આવે એ માટે તે ચાંપતી નજર રાખતો. એમાં તેનો ખર્ચ ભારે વધી ગયો. પરિવાર સાથે વાત કરવાનું પણ તે ટાળતો. તેના સાથીઓને પણ તેના ઠેકાણાની જાણ ન થાય એનું ધ્યાન રાખવા માંડ્યો.

weekend guide vivek agarwal columnists