30 May, 2025 07:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે
મરાઠી સાહિત્યપ્રેમીઓના દિલમાં કોતરાયેલું એક નામ પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે, પરંતુ તેમના સહિત દુનિયાના લાખો સાહિત્યપ્રેમીઓના હૃદયમાં તેઓ વસે છે પુ.લ.ના હુલામણા નામથી. કારણ કે તેમના સાહિત્યનો અનુવાદ વિશ્વની અનેક ભાષાઓમાં થયો છે. પુ.લ.ને યાદ કરવાનું નિમિત્ત ગયા અઠવાડિયાનો સ્કૂલનો પ્રસંગ અને અગાઉ બીજી મેના લેખમાં વાચકમિત્રો સાથે કરેલો વાયદો.
પુ.લ.નાં રમૂજી લખાણો સૌથી વધુ વંચાયાં છે અને વાચકોનાં ફેવરિટ બન્યાં છે. શાળાજીવન વિશે તેમણે હૃદયસ્પર્શી લેખો લખ્યા છે. ધારદાર હાસ્યરસ અને વ્યંગરસથી તેમણે પોતાના સમયની સ્કૂલો, ત્યાં ભણાવાતા વિષયો, ત્યાંના શિક્ષકો, તેમની શીખવવાની રીત, તેમની આદતો ઇત્યાદિ વિશેનાં પોતાનાં નિરીક્ષણો આલેખ્યાં છે અને ટીખળી કૉમેન્ટરી પણ કરી છે. તેઓ લખે છે :
‘શાળાકીય જીવનમાં ગણિત, ભાષા, ઇતિહાસ, ભૂગોળ, ડ્રૉઇંગ અને વ્યાયામ આટલા ષડરિપુ... આ બધા વિષયોની ઊધઈ મારા બાળપણને લાગી ચૂકી હતી જે મારું બાળપણ કોરી ખાતી હતી.’ પોતાના પલ્લે નહીં પડતા વિષયોથી ત્રસ્ત અનેક વિદ્યાર્થીઓના મનની લાગણી પુ.લ.ના શબ્દોમાં પડઘાય છેને! આગળ લખે છે : ‘પોણાં, સવાયાં, દોઢાં, ઊઠાં જે ગત જન્મનાં ભૂત-પલીત છે એ વાત પર મારો પાક્કો વિશ્વાસ બેસતો. કહે છે કે પલીત નાનાં છોકરાંને ભગાવી લઈ જાય છે. આ પલીત મારું બાળપણ લઈને પલાયન થઈ ગયું.’
lll
‘નિશાળને કેટલાક જણ ગમાણ કહે છે. અમારે ગમાણ નહોતી, કસાઈખાનું હતું. ત્રણ વર્ગનાં એમ મળીને ત્રીસ-ચાલીસ ઘેટાં-બકરાં અને દામલે માસ્તર નામનો કસાઈ... ’
લીલી-લીલી આંખ અને ટાલ ધરાવતા દામલે માસ્તરને છોકરાઓ લીલકંચો કહેતા. એ નામનો સાપ માણસના તાલકામાં ડંખ મારે છે. તેમના વિશે પુ.લ. લખે છે :
‘દામલે માસ્તરે અમારાં ટચૂકડાં માથાંની એ જ દુર્દશા કરી હતી. આંક, પલાખાં, હિસાબ, ગણિત તેમનાં ગમતાં હથિયાર. અમારાં માથાં સાથે આંખ બગાડનારું ઝીણા ટાઇપમાં છપાયેલું અંકગણિત હતું. એટલું કદરૂપું પુસ્તક ત્યાર બાદ મારા જોવામાં આવ્યું નથી.’
ભૂગોળ જેવો વિષય શીખવા માટે બાળપણમાં અગણિત યાતના શા માટે ભોગવી એ તેમને સમજાતું નથી. તો ઇતિહાસ?! તે કહે છે : ‘પછીની જિંદગીમાં જેની સાથે જરાય લેવાદેવા નથી એવા મહાપુરુષોએ રમ્ય બાલપણની લિજ્જત ખોવડાવી દીધી.’
કહેવાતી શિક્ષણસંસ્થાઓ અને શિક્ષણપદ્ધતિ તેમ જ પ્રણાલી વિશે રમૂજી શૈલીમાં પુ.લ.એ વ્યક્ત કરેલી અનેક લાગણીઓ આજના વિદ્યાર્થીઓ વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ સંદર્ભે ક્યારેક અનુભવતા હોય એ શક્ય છે. અઢી–ત્રણ કિલોનાં દફતર ઉપાડી સ્કૂલથી પાછાં ફરતાં બાળકોનાં થાકેલા ચહેરા પર ક્યાંક એની ઝલક પણ નથી જોવા મળતી?
(પુ.લ.ને ગુજરાતીમાં માણવાની તક વિદુષી, અનુવાદક અને ભૂતપૂર્વ શિક્ષિકા અરુણા જાડેજાએ પૂરી પાડી છે.)
-તરુ મેઘાણી કજારિયા