જો બે ગજનું અંતર ધરતી પર નહીં રાખો તો માટીમાં મળી જશો એ પાક્કું

25 May, 2020 02:37 PM IST  |  Mumbai | Pravin Solanki

જો બે ગજનું અંતર ધરતી પર નહીં રાખો તો માટીમાં મળી જશો એ પાક્કું

પ્રતિકાત્મક તસવીર

લ્યો, હવે લૉકડાઉનની ચોથી ચાદર આપણા માથા પર ઓઢાડવામાં આવી. પહેલા લૉકડાઉનની ચાદર આપણે ચોળી નાખી એટલે બીજી ચાદર ઓઢાડી. બીજી ચાદર આપણે ચોળી તો ખરી જ, સાથોસાથ ગંદી પણ કરી, એટલે એ બદલીને ત્રીજી ચાદર ઓઢાડવામાં આવી, પણ આપણે ક્યાં ગાંજ્યા જાય એવા હતા? ત્રીજીને તો મેલી-ગંદી કરી જ, સાથોસાથ હાથ-પગના નખ ભરાવી એને ચારે બાજુથી ઉતરડી નાખી, ચીંથરેચીથરાં ઉડાડી મૂક્યાં! તો હે ચતુર્થ ચાદર, મને ડર છે કે તારું શું થશે? કારણ કે અમે તો એવા ને એવા જ છીએ, તમે કહો છો એવા નઠોર-નગુણા છીએ. કફન ઓઢાડવાનો સમય ન આવે એટલે અમને ચાદર ઓઢાડવામાં આવે છે, પણ અમે તો એ ચાદરને જ કફન સમજીને એના ધજાગરા ઉડાડીએ છીએ.

બંધુ, આમાં અમે નવું કંઈ જ નથી કર્યું. સાચું કહું તો નવું કરવાનું અમને કંઈ ગમતું જ નથી. કહેવાય છે કે મોટેરાઓ ચીલો પાડે છે અને નાનેરાઓ ચીલો ચાતરે છે. અમે તો આ ઉક્તિને પણ ઘોળીને પી ગયા છીએ. અમે દૃઢપણે માનીએ છીએ કે ઇતિહાસ એ ભણવાનો વિષય છે, બોધપાઠ લેવાનો નહીં. ભૂતકાળમાં પણ આફતના સમયે અમે આવું જ કરતા આવ્યા છીએ છતાં અમારી ખુમારી જુઓ! અમે અમારા ઇતિહાસ અને સંસ્કૃતિનાં ગુણગાન દાંડી પીટીને ગાયાં છે, ઢોલ-નગારાં પીટીને અમારી ગૌરવગાથાઓનો ઢંઢેરો પીટ્યો છે ને બધાએ એને વધાવ્યો પણ છે, તો અમારો શું વાંક?
‘જ્યારે જ્યારે અસ્તિત્વ પર ઉઝરડા
થાય છે
ત્યારે ત્યારે જ માણસ સમજદાર થાય છે!’ કોણે લખ્યું હશે આવું? ગણ્યા ગણાય નહીં એટલા ઉઝરડા અમારા અસ્તિત્વ પર થયા છે. કેટલા સમજદાર થયા અમે? હકીકત તો એ છે કે...
‘વાત સાચી આંધળાના ધ્યાનમાં આવી શકે
ન સમજવું હોય તેને કોણ સમજાવી શકે?’
મારા બાપ, તમે ન જાણતા હો તો કહી દઉં કે અમે તો વિચિત્રવીર્યની પેઢીના સંતાન છીએ. ધર્મ જાણીએ, પણ આચરીએ નહીં. અસ્તિત્વવાદના આટાપાટા તો તત્ત્વવેત્તાઓનો વિષય છે. વળી અસ્તિત્વવાદ એટલે શું? જ્યાં સુધી અમારું અસ્તિત્વ હશે ત્યાં સુધી જલસા કરીશુ. અમારી પાસે એવી કળા છે કે આફતને ચપટી વગાડતાં જ અવસરમાં ફેરવી નાખીએ.
અમે તો પહેલેથી જ એવા સૂત્ર સાથે જીવતા આવ્યા છીએ.
‘ન ફાવે ઘરમાં તો લૉજમાં રહેવું,
પડે જો ગરમી તો હોજમાં રહેવું,
તલવાર ભલે હોય બુઠ્ઠી, પણ ફોજમાં રહેવું,
મળે ના નોકરી તો રોજમાં રહેવું,
ગમે તેમ રહેવું, પણ મોજમાં રહેવું.’
અમે તો ઠીક, અમારા ચાર્વાકમુનિ કહી ગયા છે કે જીવો ત્યાં સુધી સુખથી જીવો, દેવું કરીને ઘી પીઓ!’ બોલો શું કહેવું છે તમારે?
અમને શું ખબર નથી કે માનવજાતના ઇતિહાસમાં આ એક એવી ઓચિંતી અણધારી ને અકળ આફત આવી છે જેનો ઇતિહાસમાં કોઈ જોટો નથી. અત્યાર સુધી માણસ-માણસ વચ્ચે સંગ્રામ થયા, સરહદના વિવાદે યુદ્ધ થયાં, દેશના સાર્વભૌમત્વ માટે લડાઈઓ લડાઈ, ધર્મ માટે ધિંગાણાં થયાં, સ્ત્રીને કારણે શસ્ત્રો સજાવાયાં, પણ આ તો પહેલી વખત એક સાવ અજાણ્યા અને અનોખા શત્રુ સાથેનો ખેલ મંડાયો છે. કોઈ પણ કારણ વગર, અને કારણ હોય તો પણ એની જાણ વગર.
જાણીએ છીએ મોટા ભાઈ, અમે બધું જ જાણીએ છીએ, પણ જાણીને કશું જ ન કરવાનું અમારી ગળથૂથીમાં છે. અમે આદતના ગુલામ છીએ, નહીં તો છડેચોક લૉકડાઉનના નિયમોનો ભંગ શું કામ કરીએ? ટેરેસ પર કે સોસાયટીના કમ્પાઉન્ડમાં ઉજાણી શું કામ કરીએ? સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાની ઐસીતૈસી કરીને રસ્તા પર ટોળે વળીને શું કામ ફરીએ? એકાદ અફવાના આધારે હજારોની સંખ્યામાં ભેગા થઈને તમાશો શું કામ કરીએ? ટીવીમાં નવી-નવી રેસિપી શોધી, બનાવીને ચાર ટાઇમ ભોજન બનાવવામાં સમય શું કામ પસાર કરીએ?
બાપજી, સાચું કહું તો અમે ઈશ્વરના ભક્તો છીએ. ‘ચિત્ત તું ચિંતા શીદને કરે, કૃષ્ણને કરવું હોય એ કરે.’ અમને પહેલેથી ‘રામ ભરોસે’ જીવવાનું ગમે છે. આફત ઈશ્વરે આપી છે તો એ જ દૂર કરશે એવી અમારી સબળ શ્રદ્ધાને આજ સુધી કોઈ ડગાવી શક્યું નથી. ઈશ્વર પછી અમારો બીજો સહારો છે સરકાર. અમે ઈશ્વર અને સરકારને શરણે એટલા માટે છીએ કે ઈશ્વરને નૈવેદ્ય ધરીએ છીએ અને સરકારને ટૅક્સ ભરીએ છીએ. પછી અમારે પોતે, જાતે કાંઈ શું કામ કરવું જોઈએ?
ટૂંકમાં, પ્રજાના આવા વલણને કારણે કેટલી ચાદરો બદલાશે એનો કંઈ અંદાજ જ નથી આવતો. યક્ષપ્રશ્ન તો સામે એ જ છે કે ચાદર બદલાય કે ન બદલાય, આપણો સમય કે આપણાં નસીબ બદલાશે કે નહીં?
આ સંદર્ભે વિચાર કરતાં આપણી કેટલીક કહેવતો યાદ આવે છે... કર્યાં ભોગવો, જેવું વાવશો એવું લણશો, વાર્યા ન વરે એ હાર્યા વરે, ધતુરાનાં બી વાવ્યાં હોય પછી ગુલાબનાં ફૂલની આશા કેમ રખાય?, હળ ખેતરમાં ચલાવો તો કંઈક ઊગશે, રણમાં ચલાવશો તો તમારી અને હળ બન્નેની હાંસી જ થશે. અત્યાર સુધી તો જેમ તેમ, આમતેમ, ગમેતેમ કરીને સમય પસાર કર્યો. કરવાનું કામ થાય નહીં ને ન કરવાનાં કામ કર્યાં. ન કરવાનું સૌથી મોટું કામ હતું વિચારો કરવાનું! જાતજાતના પ્રકીર્ણ વિચારો આવે. બધા નકારાત્મક વિચારો! રોજ પથારીમાં પડતાં પહેલાં પાણી પીને હાથમાં પાણી મૂકીને પ્રતિજ્ઞા કરું કે હવેથી નકારાત્મક વિચાર નહીં કરું, પણ પછી પ્રતિજ્ઞા પાડવાના મક્કમ ઇરાદા કેમ પાર પાડવા એ વિચારે વાયડીની આખી રાત ઊંઘ જ ન આવે. એક પછી એક જુદા-જુદા વિચારો મનને ધમરોળે.
ધારો કે મને કોરોના લાગ્યો તો? ફૅમિલીમાં થયો તો? સારવારના વિચાર કરતાં પહેલાં એનાં હૉસ્પિટલનાં બિલ ન આવે!! સેવાભાવીની છાપ હોવાથી, રાજકારણીઓ-નેતાઓ સાથે ઘરોબો હોવાથી અનેક લોકોએ શહેરની જાણીતી હૉસ્પિટલનાં બિલ મને મોકલ્યાં; કોઈનું ૮, કોઈનું ૧૧, કોઈનું ૧૨ લાખ રૂપિયાનું બિલ!! કંઈ ઘટતું કરવાની મને વિનંતીઓ થઈ, પણ બિલ જોઈને ઘટતું કરવાને બદલે મારા મનમાં જ અઘટિત વિચાર આવવા લાગ્યા!! ઘરમાં ચાર જણને રોગ થાય તો ૫૦ લાખ રૂપિયા તાત્કાલિક કાઢવા કેમ? ફ્લૅટ વેચવા ધારું તો પણ આ પરિસ્થિતિમાં ફ્લૅટ ખરીદે કોણ? આવા વિચારે મન ચકડોળે ચડે ને થાય કે આજે તો જીવવા કરતાં મરવું સસ્તું છે.
છાપામાં, મીડિયાના દરેક પ્રકારમાં, નેતાઓના દરેક વૉટ્સઍપમાં લોકોને મફત કે નજીવા ખર્ચે સારવાર મળશે, દવા મળશે, અનાજ-પાણી મળશે વગેરેની જથ્થાબંધ જાહેરાતો રોજેરોજ થાય છે. બધી પોકળ લાગે એવા અનુભવો થયા છે. કોઈને મદદ કરવાના આશયથી નેતાઓના સંપર્કનું પરિણામ ઝીરો આવ્યું છે. આને ફોન કરીએ તો કહે તેને ફોન કરો, તેને ફોન કરીએ તો કહે પેલાને કરો. ચલકચલાણુંની રમત શરૂ થાય. રાજકારણીઓની એ જ જૂની રસમ! વહી રફ્તાર બેઢંગી જો આગુ સે ચલી આઇ હૈ!!
એક નેતાને આ બાબતે મેં સીધો સવાલ કર્યો. એનો જવાબ પણ વિચારવો પડે. કહ્યું, ‘પ્રવીણભાઈ, અત્યારે અમારી હાલત સાપે છછુંદર ગળ્યા જેવી છે. કોઈ ને કોઈ ઓળખાણ કાઢીને રોજ અસંખ્ય ફોન આવે એને અમે કેમ કહીએ કે આજે અમારું પણ કોઈ સાંભળતું નથી. અમારી આબરૂ બચાવવા અમે બધાને હા હા તો કરીએ છીએ, પણ કોઈનાં કામ કરી શકતા નથી, થતાં નથી એનું અત્યંત દુઃખ થાય છે. બધા રઘવાયા છે, દિશાહીન છે.’ રાજકારણીઓએ તો ચહેરો જ નહીં, અંતરાત્માને પણ ઢાંકી દેવો પડ્યો છે.
વિચારોની દિશા બદલવા ટીવી કરું તો ફરી વિચાર આવે કે આજની સ્થિતિમાં ટીવી કે મોબાઇલ ન હોત તો કેટલાય માણસોએ આપઘાત કર્યો હોત. નર-નારી, આબાલ- વૃદ્ધ, મોટા ભાગના લોકો ઘરમાં કાનમાં ભૂંગળાં નાખીને જ ટાઇમ પસાર કરે છે.
જે વિચાર આવતાં શરમથી માથું ઝૂકી જાય એ વિષય એટલે અગાઉ મેં ઘાટકોપરનાં બેમોઢે વખાણ કર્યાં હતાં એ. વખાણી ખીચડી દાઝે ચડી. ઘાટકોપરની જનતા પાસે આવી અપેક્ષા નહોતી. ખેર, કહેવાય છેને કે જેને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ એ જ આપણને વધારેમાં વધારે દુઃખ પહોંચાડે છે. આશા રાખું કે ઘાટકોપર જલદીથી આ શરમ દૂર કરશે.
લૉકડાઉનનો સૌથી મોટો ફાયદો ગુજરાતી ભાષા અને સાહિત્યને થયો છે. વૉટ્સઍપ કે બીજાં અન્ય માધ્યમો દ્વારા ફિલ્મો, ગુજરાતી કવિતાઓ, ટૂચકાઓ, લેખો, નિબંધો, વ્યાખ્યાનો, નૃત્યો, ગીતો વગેરેની ભરપૂર સપ્લાય થઈ રહી છે. ડિમાન્ડ હોય કે ન હોય, ડિમાન્ડ મિથ્યા, સપ્લાય સત્ય. ગલી ગલી કે ઘર ઘરમાં કવિતાનાં કારખાનાં ચાલુ થઈ ગયાં. પ્રસિદ્ધિ કાજે ઊગતા અને આથમેલા કલાકારો માટે મોકળું મેદાન મળી ગયું, તો સહરાના રણમાં મીઠી વીરડી સમ નિષ્ઠાવાન કલાકારો, સાહિત્ય ને સર્જકોનો આસ્વાદ પણ માણવા મળી રહ્યો છે. જે હોય તે, ગુજરાતી ભાષામાં વધુ લખાય-વંચાય એ જ મહત્ત્વનું છે. જય જય ગરવી ગુજરાત.
એક વિચારે મને ખૂબ જ પ્રફુલ્લિત કરી દીધો. લૉકડાઉનને કારણે અમારા કલાકાર-કસબીઓ ખૂબ નજીક આવી ગયા. અત્યાર સુધી જલકમલવત્ હતા. એક જ ક્ષેત્રના, પણ એકબીજાથી અળગા, રેલવેના સમાંતર પાટા સમા. બાજુબાજુમાં પણ એકબીજાથી અંતર રાખે. સૌ પોતપોતાના દાયરામાં કેદ હતા. આજે તેઓ રોજેરોજ, કલાકે-કલાકે અને મિનિટે-મિનિટે વૉટ્સઍપ દ્વારા મળે છે, ચૅટ કરે છે, શુભ પ્રસંગે અભિનંદન આપે છે, માઠા પ્રસંગે આશ્વાસન આપે છે. જૂના-નવા કલાકારોને અને તેમના કામને યાદ કરે છે, અનેક વિષયો પર ચર્ચા કરે, પરિણામ ન આવવાની જાણ હોવા છતાં કરે. આછીપાતળી, અધૂરી તો અધૂરી માહિતીની આપ-લે કરે, સૌ પોતપોતાના જ્ઞાન મુજબ વિચારોનું આદાન પ્રદાન કરે, ક્યારેક ‘અહો રૂપમ, અહો ધ્વનિ’નો ભાસ થાય, પણ ગમે!! ચર્ચા કે વાત મહત્ત્વની નથી, મહત્ત્વ આ રીતે એકબીજાનું અનુસંધાન થવાનું છે. આશા રાખું કે આ અભિયાન કાયમનું રહે!
અને છેલ્લે : વિચારોના ત્રાસથી છૂટવા યોગનો સહારો લીધો. સમાધિસ્થ હતો ત્યાં સુદર્શનચક્ર સાથે મારી સામે શ્રીકૃષ્ણ આવ્યા. મેં આનંદથી નહીં, ગુસ્સે થઈ તેમના પગ પકડીને કહ્યું, ‘હે ગોવર્ધન! આપ જુઠ્ઠા છો, આપની ગીતા જુઠ્ઠી છે, આપનાં વચનો મિથ્યા છે.’
‘આમ કેમ કહે છે, વત્સ?’
‘યાદ કરો, તમે શું કહ્યું હતું? યદા યદા હી ધર્મસ્ય - ગ્લાનિર્ભવતિ ભારત! અભ્યુત્થાનમ અધર્મસ્ય તાદાત્માનં સૃજામ્યહમ!! જ્યારે-જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું પ્રગટ થાઉં છું.’ કહ્યું હતું કે નહીં? વળી પાછું એમ પણ ભારપૂર્વક કહ્યું હતું,
‘પરિત્રાણામ: સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ!
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે!!’
સાધુ પુરુષોના ઉદ્ધાર કરવા માટે, પાપ કરનારાઓના વિનાશ માટે અને ધર્મની સમ્યક્ રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. બોલો, તો આજે અમારા સંકટમાં આપ કેમ અવતાર ધારણ નથી કરતા? મેં રોષપૂર્વક તેમના હાથ પકડી લીધા. તેઓશ્રીએ મંદ સ્મિત કરતાં કહ્યું, ‘હે અજ્ઞાની, જરા શ્લોકનો ગૂઢાર્થ સમજ!! સાધુ પુરુષોના ઉદ્ધાર માટે!! તમે બધા સાધુ પુરુષો છો? આ પ્રશ્ન‍નો જવાબ શોધ્યા પછી ધ્યાનપૂર્વક બન્ને શ્લોકો પર મનન કર તો તને સમજાશે કે દુષ્કૃત્યોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે જ મેં આ સંકટ મોકલ્યું છે!’
...ને હું ગાઢ નિદ્રામાં સરી પડ્યો.


સમાપન
જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી જાણો. બટકો ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવાની તૈયારી રાખો, છોલાયા પછી દુનિયા તો અણી કાઢવાની જ છે.

Pravin Solanki columnists