ગમ યે નહીં કિ જો મિલે વો પત્થર કે લોગ થે......

14 October, 2019 02:31 PM IST  |  મુંબઈ

ગમ યે નહીં કિ જો મિલે વો પત્થર કે લોગ થે......

મહાત્મા ગાંધી

પોતાના નામની ભલામણ ન કરતાં બાપુએ પ્રાણજીવનભાઈની શિષ્યવૃત્તિને આધારે છગનલાલને વિલાયત ભણવા મોકલ્યા, પણ છગનલાલને વિલાયત ફાવ્યું નહી. તે પાછા આવ્યા. હરિલાલની આશાને પાંખ આવી, પણ બાપુએ છગનલાલની બદલીમાં પારસી શખ્સ સોરાબજી શાપુરજી અડજાણિયાનું નામ સૂચવ્યું. હરિલાલની નારાજગી ચરમસીમાએ પહોંચી. એકાએક, કોઈને કહ્યા વગર તે આશ્રમ છોડી નાસી ગયા. થોડા સમય બાદ તે ટોલ્સટોય આશ્રમમાં બાપુને મળવા પાછા આવ્યા. બાપુ ત્યારે લાકડાં કાપવાનું કામ કરી રહ્યા હતા. બાપ-દીકરાના સંવાદોમાંથી નીર અને ક્ષીર તારવજો.
બાપુ : બેસ. આપણે તારા ભાગી જવા બાબત તાત્ત્વિક ચર્ચા કરીએ. ઘર છોડીને આમ રાતોરાત નાસવું પડે એવું શું બન્યું હતું? જે હોય તે કહો દીકરા. તમે પુત્ર છો ને હું પિતા છું એ વાત ભૂલી જાઓ. આપણે બન્ને મિત્રો છીએ એમ સમજીને વાત કરો. તને મેં વિલાયત ન મોકલ્યો એટલે નાસી ગયો?
હરિ : રમકડું ન મળ્યું એટલે છોકરો રિસાયો એવું સરળ ગણિત તમે માંડતા હો પછી મારે શું બોલવાનું હોય?
બાપુ : સામેવાળાનો મત સાંભળવા હંમેશાં હું આતુર હોઉં છું.
હરિ : તમે ફક્ત સાંભળો જ છો. તમારો મત ક્યારેય બદલતા નથી. છગનલાલે જે ભવાડો કર્યો એ પછી તમને ક્યારેય એવું લાગ્યું કે આના કરતાં હરિલાલને મોકલ્યો હોત તો સારું થાત?
બાપુ : ના.
હરિ : નહીંને? મને હતું જ. તમારે મન તો હું, રામદાસ, દેવદાસ (ત્રણેય ભાઈઓ) અને આ બા હરાયાં ઢોર જ છીએ. તમે કહો તે કરવાનું, તમે દોરો ત્યાં દોરાવાનું, ચારો નાખો ત્યાં ચરવાનું, તમે ડફણાં મારો એ સહન કરી લેવાનાં. તમને રાજી રાખવા માટે અમારે હસતે મોંએ વેઠ કર્યા કરવાની.
બાપુ : (શાંતિથી) એમ? તમને ‍એવું
લાગે છે?
હરિ : (તેની જ ધૂનમાં) અમારા કરતાં તમને આશ્રમના બીજા સભ્યોમાં વધારે વિશ્વાસ છે. કારણ કે એ બધા તમારી પાસે કંઈને કંઈ ત્યાગીને આવ્યા છે. કોઈએ કુટુંબ છોડ્યું છે, કોઈએ સંપત્તિ, કોઈએ સત્તા, કોઈએ માનમરતબો. ત્યારે અમે? તમારે માથે બોજ બનીને બેઠાં છીએ. એટલે તો તમારી નજરમાં અમારી કોઈ કિંમત નથી.
બાપુ: ઠાલવી નાખ, બધો ઊભરો
ઠાલવી નાખ.
હરિ : અમારું અપમાન કરવાની એકેય તક તમે જવા દીધી છે ખરી? મારી વાત છોડો, તમારો પડછાયો બનીને જે ઊભાં છે એ બાને પણ ક્યારેય તમે છોડ્યાં છે? એક ચપટી સાકરને માટે તમે તેમને કેવાં ઉતારી પાડ્યાં હતાં? આ બધું મારા ધ્યાનમાં આવતાં મને સમજાઈ ગયું કે તમારે મન અમારી કિંમત બાકસની કાંડી જેટલી જ છે. જરૂર પડે તો સળગાવવાની નહીં તો પેટીમાં પૂરી રાખવાની. એટલે મારી પાસે બે જ રસ્તા રહ્યા હતા, કાં તો તમારો રબર સ્ટૅમ્પ બની અહીં રહેવાનું કાં તમારો સાથે છોડવાનો.
બાપુ : જો બેટા, મારો મુદ્દો બહુ સાફ છે. સમાજને હું કંઈ ગળે ઉતારવા પ્રયત્ન કરું એ પહેલાં એ પ્રયોગ હું મારી જાત ઉપર કરું છું. મસાલાયુક્ત ન ખાવાનો આદેશ હું ત્યારે જ આપી શકું જ્યારે હું પોતે સૌથી પહેલાં મસાલાયુક્ત ખોરાક બંધ કરું.
હરિ : પણ તમે અમારી પાસે પણ
કરાવો છો.
બાપુ : બહુ સ્વાભાવિક છે. જે વાત હું મારા કુટુંબને ગળે ન ઉતારી શકું એ સમાજ પાસે કઈ રીતે લઈ જઈ શકું?
હરિ : તમે ગળે નથી ઉતારતા, કુટુંબ પર જબરદસ્તી કરો છો.
બાપુ : તમને એ જબરદસ્તી એટલા માટે લાગે છે કે તમારા વિચારો પૂર્વગ્રહિત અને પોતાના સ્વાર્થ પ્રેરિત હોય છે. કોમની મેં કરેલી સેવા બદલ કોઈ મારા દીકરાને લાભ આપવા માગે ને હું સ્વીકારું તો હું સ્વાર્થી ન કહેવાઉં?
હરિ : એટલે? તમારા દીકરાની
લાયકાત હોય તો પણ કોઈ ગેરલાયકને ફાયદો આપવાનો?
બાપુ : એ જ હરિ, એ જ હું તને સમજાવવા માગું છું. તું ફક્ત જન્મે જ ગાંધી નહીં, કર્મે અને ધર્મે પણ ગાંધી છે. મને તારી શક્તિની જાણ છે. એમાં જો થોડો સંયમ ભળશે, થોડી શિસ્ત ભળશે, ભૂલોની પરંપરા જો ટળશે અને મેં ચીંધેલા માર્ગે જો તું ચાલવાનું રાખશે તો મને શ્રદ્ધા છે કે તું જરૂર એક દિવસ નામ કાઢીશ. તું મારો દીકરો છે એટલે જ તારી ભૂલો પ્રત્યે હું વધારે સજાગ છું. તું ચંચળ મનનો ભાવુક માણસ છે. ક્યાંય સ્થિર થવું એ તારા સ્વભાવમાં નથી. અને એટલે જ એક ને એક ભૂલ તું વારંવાર કરે છે. બેટા, ભૂલો કરવામાં અને સુધારવામાં મેં મારા જીવનનાં ઘણાં વર્ષો વેડફી નાખ્યાં છે.
હરિ : મારે એ જ કહેવું છે બાપુ, અમને પણ ભૂલો કરવા દો, એ ભૂલ છે એવું સમજવા દો, કયો માર્ગ શ્રેય છે અને કયો માર્ગ પ્રેય છે એ અમને જાતે નક્કી કરવા દો. તમે બાળપણમાં ચોરી કરી, નશો કર્યો, માંસ ખાધું, કુટુંબ અને સમાજનો વિરોધ હોવા છતાં દરિયો પાર કર્યો. આ બધું કર્યું તો એના અનુભવ ઉપરથી જ તમે શીખ્યાને? તો અમને એકાદ ભૂલ કરવાની સ્વતંત્રતા શું કામ નહીં?
બાપુ : કારણ કે પાછલી પેઢીના અનુભવના ખભા પર જ નવી પેઢીએ ઊભા રહેવાનું હોય છે.
હરિ : પણ દૃષ્ટિ તો નવી પેઢીની પોતાની જ હોવી જોઈએ બાપુ, અપંગ બનીને કોઈના ખભા પર ચડીને ચાલવા કરતાં અમને પોતાની મેળે ભાંખોડિયાં ભરવા દો, પછી ભલે અમે પડીએ.
બાપુ : પડવામાં નાનમ નથી દીકરા, પડીને પાછા ઊભા ન થવામાં નાનમ છે.
હરિ : એ ઊભા પણ અમને જાતે જ થવા દો. તમારી આંગળી પકડીને પાછા ઊભા થઈએ એવું શું કામ ઇચ્છો છો? એટલા માટે જને કે આશ્રમના તમારા દરેક અનુયાયી તમારો આ અહં પોષે છે? બાપુ, નિર્ભયપણે કહું તો અહીં બધા દંભી જીવન જીવી રહ્યા છે, તમારા આ આશ્રમમાં. આ આખોય આશ્રમ મને રાજકોટના સફેદ સાડલાવાળી વૃદ્ધ વિધવાઓના વાડા જેવો લાગે છે. પોતે જ સૌથી વધુ પવિત્ર છે એવું સમાજને દેખાડવા માટે જાતજાતનાં વ્રતો, ઉપવાસો, ત્યાગ કરીને ઢોલ પીટે છે. રાતના પથારીમાં પડ્યા-પડ્યા ન જોવાનાં સપનાં જુએ છે. કંઈ ફેર નથી બાપુ, રાજકોટના એ વાડામાં અને આ આશ્રમમાં. હું રાજકોટથી અહીં ઘરની શોધમાં આવ્યો, એકલતાથી કંટાળી કુટુંબને મળવા. અને મને મળ્યું શું? આ નિર્જીવ આશ્રમ.
બાપુ : આ આશ્રમ નથી, એક સંયુક્ત કુટુંબ છે.
હરિ : નથી જોઈતું મારે આ કુટુંબ. શું છે અહીં? ઊડવા માટે ગગન આપીને તમે બધાની પાંખો કાપી લીધી છે. બધા પાસે બધું જ છે છતાં કોઈની પાસે કંઈ નથી. અહીં બધાના ભાગ પડે છે. ખાવામાં ભાગ, વસ્તુઓમાં ભાગ, લાગણીમાં ભાગ, પ્રેમમાં ભાગ.
બાપુ : તું શું એમ ઇચ્છે છે કે બધું તને એકલાને જ મળે?
હરિ : ભાગ પડે એનો વાંધો નથી પણ એ ભાગમાંથી મને એકલાને ઓછું શું કામ મળે? મા જ્યારે પીરસતી હોય ત્યારે દીકરાના ઊના-ઊના રોટલા પર ઘીની થોડી મોટી ધાર કરે તો રોટલો કેટલો મીઠો થઈ જાય છે. એમાં કયો મોટો અપરાધ થઈ ગયો એ સમજાવશો? દેવદાસને બાએ ખાંડ ખાવા આપી એ અપરાધ? બાપુ, માણસો માટે સિદ્ધાંત હોય છે, સિદ્ધાંત માટે માણસો નહીં. અને આ માટે તો મોટામાં મોટો સિદ્ધાંત હોય છે દીકરાનું સુખ બાપુ, મને સિદ્ધાંતોની ભ્રમણામાં શ્રદ્ધા નથી. મારે જીવવું છે, જીવનનો રસ માણવો છે. રાજકોટમાં અમે બધા પિતરાઈઓ સવારે ભેગા મળીને ફાફડા-ગાંઠિયા-ચટણી ખાતા, મને પસંદ પડે એવી રંગબેરંગી સાડી ગુલાબ (પત્ની) પહેરી શકતી. ઘરમાં નાના છોકરાઓ આડેધડ તોફાન-કિલ્લોલ કરતાં. કેવું હર્યુંભર્યું વાતાવરણ હતું. અહીં શું છે? કોયલના ગળામાં શિસ્તની સાંકળ બાંધીને તમે એનો ટહુકો ટૂંપી નાખ્યો છે. અહીં તો સંબંધોના પણ ભાગ પડે છે. બાપુ એટલે ફક્ત અમારા બાપુ નહીં, સાર્વજનિક બાપુ. બા એટલે ફક્ત અમારી જ બા નહીં, છગન-મગન બધાની બા.
બાપુ : હરિ, તું રાજકોટ જ રહ્યો હોત તો વધારે સારું થાત. આપણે બન્ને અસમાન ધ્રુવો વચ્ચે ઊભા છીએ. તું સુખનો ભરમ શોધી રહ્યો છે, હું જીવનનો મરમ શોધી રહ્યો છું. આપણા સંબંધો વચ્ચે મને દેખાઈ રહી છે તત્ત્વની એક તિરાડ. માટલામાં પડેલી તિરાડ સાંધી શકાય છે, પણ જળમાં પડેલી તિરાડ સાંધવી શક્ય નથી. તારે હિન્દુસ્તાન જવું છેને? તું જઈ શકે છે. તું સુખની શોધમાં છો, હું સત્યની શોધમાં છું. એ શોધમાં કોઈ સાથે આવે એવી જબરદસ્તી મેં ક્યારેય નથી કરી. ક્યારે જવા માગે છે તું ?
હરિ : અનુમતિ આપો તો સવારની ગાડીમાં જ ડર્બન ઊપડી જવા માગું છું. આવતી કાલે સાંજની આગબોટ હિન્દુસ્તાન જઈ રહી છે.
બાપુ : જેવી તારી મરજી. તમે જીવનમાં સફળ થાઓ એવા મારા આશીર્વાદ છે અને નિષ્ફળતા મળે તો બાપુનું ઘર સદૈવ તમારા માટે ખુલ્લું જ છે. બાપુના હાથે તમને અન્યાય થયો છે એવું લાગ્યું હોય તો મને માફ કરી દેજે, દીકરા!
અને છેલ્લે...
એ પછી હરિલાલ હિન્દુસ્તાન આવ્યા. બાપુ સામે બળવો પોકારવાના મનસૂબાએ પાયમાલી વહોરી લીધી. દેવું કર્યું, દારૂના રવાડે ચડી ગયા, બાપુના વિરોધીઓના હાથા બની ગયા. વેશ્યાગમન કર્યું, ધર્માંતર કર્યું, બાપુને જે-જે ગમતું નહોતું એ બધું જ કર્યું અને આખરે લાવારિસ હાલતમાં અંતિમ શ્વાસ લીધા.

mahatma gandhi columnists