કિસ્મત કો પલટકર જો વાર કર દે, કલાકાર વહી જો મામૂલી કો ખાસ કર દે

03 August, 2020 11:40 AM IST  |  Mumbai | Pravin Solanki

કિસ્મત કો પલટકર જો વાર કર દે, કલાકાર વહી જો મામૂલી કો ખાસ કર દે

પ્રતાપ ઓઝા અને વિષ્ણુકુમાર વ્યાસ.

રંગભૂમિના બે દિગ્ગજ કલાકારો. એકનું મૂળ નામ બટુકભાઈ હતું અને બીજાને ગુરુ કહીને સંબોધતા. ઓળખાણ પડી? બટુકભાઈ એટલે નટવર્ય શ્રી પ્રતાપ ઓઝા અને ગુરુ એટલે કલાધર વિષ્ણુકુમાર વ્યાસ.
પ્રતાપ ઓઝા અને વિષ્ણુકુમાર વ્યાસ તેમના જમાનાની જુગલ જોડી. બન્ને રંગભૂમિના બાદશાહ, રંગભૂમિના શિર પર મુગટ સમાન! પણ તેઓની બાદશાહીમાં રાજાપણું નહોતું, રંગભૂમિની રખેવાળી હતી. ઉદ્ધાર અને ઉત્કર્ષની તમન્ના હતી. રોટલો રળવાનું સાધન નહોતું, કલા માટેની સાધના હતી. બન્ને જૂની રંગભૂમિના વારસદાર અને નવી રંગભૂમિના પ્રણેતા હતા. બન્નેની જન્મશતાબ્દી પણ ૨૦૨૦માં સાથે જ.
જન્મશતાબ્દી નિમિત્તે બન્ને કલાગુરુઓને હું નતમસ્તક, હૃદયપૂર્વક પ્રણામ કરું છું.
પ્રતાપ ઓઝા એટલે પડછંદ દેહસૃષ્ટિ અને પહાડી અવાજ. તેજસ્વી મુખારવિંદ. સ્પષ્ટ ઉચ્ચારો, પાત્રોચિત અને પ્રસંગોચિત વાણીમાં જોમ, જોશ, આક્રોશ, આક્રંદ, આક્રમણ અને ધીરોદ્દીત નાયકના આરોહ-અવરોહના તેઓ જાણતલ હતા.
પ્રતાપભાઈએ ઐતિહાસિક અને પૌરાણિક નાટકોમાં અભિનય દ્વારા એક નવું પરિમાણ આપ્યું હતું. મૃચ્છકટિક, શાહજહાં, નરબંકા, પાટણની પ્રભુતા, જેસલ તોરલ નાટકોમાં તેમણે કરેલો અભિનય આજે પણ અમારી પેઢી ભૂલી શકી નથી. એમાં પણ મૃચ્છકટિક નાટકમાં ‘શકાર’ની ભૂમિકા તેમની કારકિર્દીનું છોગું હતી.
પ્રતાપભાઈનો મિત્રપરિવાર બહુ બહોળો હતો. હિન્દી રંગભૂમિ અને ચિત્રપટના ધુરંધરો સાથે તેમને ઘરોબો હતો. ‘ઇપ્ટા’ સંસ્થાની એ સમયે જાહોજલાલી હતી. ૧૯૪૩-’૪૪માં ઇપ્ટાના ગુજરાતી વિભાગ દ્વારા કેટલાંક ક્લાસિક નાટકો રજૂ થયાં. ‘ઇપ્ટા’માં રાજકારણના રંગ દેખાવા લાગ્યા કે પ્રતાપભાઈએ નીડર બનીને ઇપ્ટાને રામરામ કરી દીધા અને એ પછી રંગભૂમિ સંસ્થા સાથે જોડાયા.
પ્રતાપભાઈમાં દેશદાઝ અને માતૃભૂમિનો પ્રેમ ગળથૂથીમાં જ હતાં. ‘નહીં નમશે, નહીં નમશે નિશાન ભૂમિ ભારતનું’ - આઝાદી ચળવળનું આ ગાન એ સમયે ગલી-ગલીમાં ગુંજતું. જુવાનો અને બાળકો છડેચોક એ લલકારતાં. પોલીસની લાઠી અને નેતરની સોટી ખાતાં, પણ ફરકતો ઝંડો ક્યારેય નીચો નમવા ન દેતા. ગામદેવીના બ્રિટિશ પોલીસ-સ્ટેશન પાસે કિશોર બટુકભાઈએ આવાં પરાક્રમ અનેક વાર કર્યાં હતાં.
૧૯૭૦-’૮૦ના દાયકામાં મુંબઈ અને ઉપનગરોમાં એકાંકી નાટ્યસ્પર્ધાઓ નિયમિત રીતે વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી. યોગાનુયોગ એવો થતો કે ક્યાંક પ્રતાપભાઈ નિર્ણાયક હોય અને ક્યાંક વિષ્ણુભાઈ. તેઓ જ્યાં-જ્યાં નિર્ણાયક હોય ત્યાં-ત્યાં ઇનામ મારા લખેલા નાટકને મળે (સારું છે કે એ વખતે નેપોટિઝમ શબ્દ જાણીતો ન હતો).
પ્રતાપભાઈ અંત સુધી કાર્યરત રહ્યા, કર્મયોગી રહ્યા. જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરીને જીવ્યા. હિન્દી-ગુજરાતી ફિલ્મો કે પ્રોડક્ટની જાહેરાતોમાં વયને અનુરૂપ નાના તો નાના, પણ મજાનાં પાત્રો ભજવતા રહ્યા. રંગભૂમિ કે સામાજિક દરેક પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ હોય જ.
મૃત્યુ પર્યંત જેમના શ્વાસમાં રંગભૂમિ હતી એવા પ્રતાપભાઈની ૨૦૦૭ના વર્ષની મુલાકાત મને બરાબર યાદ રહી છે. ભવન્સ કલ્ચરલ સેન્ટર - અંધેરી દ્વારા આયોજિત મેં શરૂ કરેલી ત્રિઅંકી નાટ્યસ્પર્ધાનું એ પ્રથમ વર્ષ. એ સમયે અમે નક્કી કરેલું કે દરેક વર્ષે, સ્પર્ધાના ઇનામ વિતરણના દિવસે તબક્કાવાર વરિષ્ઠ કલાકારોનું સન્માન કરવું. પ્રથમ વર્ષે જ એ સન્માનપાત્ર કલાકારોમાં એક હતા પ્રતાપભાઈ. હું તેમને ઘરે લેવા ગયો ત્યારે રસ્તામાં તેમણે મને કહ્યું, ‘પ્રવીણ, વટવૃક્ષોને યાદ કરીને એમને પાણી પીવડાવનારા ભવિષ્યમાં રહેશે કે નહીં એ ભગવાન જાણે. તમે ઉત્તમ કામ કર્યું છે.
મૃત્યુ સમયે મેં તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ‘રંગભૂમિનો એક વડલો ધરાશાયી થયો.’ જે એક અખબારનું હેડિંગ બન્યું હતું.
...અને હવે વાત ‘ગુરુ’ની એટલે કે વી. ડી. વ્યાસની. વી. ડી. વ્યાસ તરીકે સ્કૂલમાં શિક્ષક હતા ત્યારે ઓળખાતા, પછી પ્રોફેસર વી. ડી. વ્યાસ અને ત્યાર બાદ ગુરુ વિષ્ણુકુમાર વ્યાસ. નાટ્યલેખનની કારકિર્દીની શરૂઆતથી મને તેમનું માર્ગદર્શન મળતું રહ્યું હતું.
વિષ્ણુભાઈ ધર્મે બ્રાહ્મણ, કર્મે કલાકાર, શિક્ષક, પ્રોફેસર. સ્વભાવે શાંત, સાલસ, નિખાલસ. વર્તનમાં વિવેકશીલ. મરતાને મર ન કહે અને જીવતાને કહે, ‘સદા અમર રહે.’ ગુજરાતી-અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ, નવરંગ ને નવરસ તેમની નાડમાં, પણ ભોજનરસ તેમના હાડોહાડમાં! થેપલાં-શાક, લાડવા-ગાંઠિયા અને ભજિયાં તેમની નબળાઈ. ‘પેટમાં નાખો તો કંઈ ગણ થાય’ એ તેમની તકિયાકલામ.
હું અને વિષ્ણુભાઈ ઘાટકોપરના. વળી મહાનાયક ગુણવંતરાય આચાર્ય તેમના પાડોશી. બન્ને મિત્રો તો ખરા જ, મારી સ્કૂલના પ્રખ્યાત કેળવણીકાર, પ્રિન્સિપાલ ડૉ. મનુભાઈ વૈદ્યને કારણે બન્ને મહાનુભાવોનો સંપર્ક-સંબંધ ગાઢ થયો. હું ૯મા ધોરણમાં. નાટકમાં રસ હોવાને કારણે વિષ્ણુભાઈએ મારામાં વધારે રસ લીધો. ખેર, ઘણી વાતો છે, કૉલમમાં શબ્દોની મર્યાદા છે.
મને એ વાતનું ગૌરવ છે કે ગુરુદક્ષિણારૂપે ઘાટકોપરના એ સમયના એમએલએ પ્રકાશ મહેતા અને નગરસેવક મંગલ ભાનુશાળીના સહકાર-સથવારે ઘાટકોપરના ૬૦ ફુટના માર્ગ પર ‘વિષ્ણુકુમાર વ્યાસ ચોક’નું સ્મારક બનાવી શક્યો.
એ સમયે તેમની ભાતીગળ કારકિર્દી માટે લખેલું લખાણ અહીં ટાંકું છું...
‘સૌજન્યશીલ વ્યક્તિત્વ ધરાવતા મુરબ્બી શ્રી વિષ્ણુકુમાર વ્યાસે ઘાટકોપરની ગુરુકુળ શૈક્ષણિક સંસ્થા, વલ્લભ વિદ્યાનગરની વાણિજ્ય કૉલેજ, મુંબઈની સિદ્ધાર્થ કૉલેજ, વડોદરા યુનિવર્સિટી નાટ્યવિભાગ અને અંજુમન કૉલેજ ઑફ કૉમર્સ-મુંબઈમાં ૨૮ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અધ્યાપન કાર્ય કરી યુનેસ્કો સંકલિત નાટ્ય સંઘ સંચાલિત નાટ્ય અકાદમીમાંથી ડિપ્લોમા મેળવી ‘રંગભૂમિ નાટ્ય અકાદમી’ના ઉપનિયામક તરીકે અને ‘પરાગ વિજય દત્ત અકાદમી’ના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવીને મા શારદા અને રંગદેવતાની અનન્ય સેવા કરી છે.’
નાટ્યસ્પર્ધાઓના નિર્ણાયક, દિગ્દર્શક અને અભિનેતા તરીકે આફ્રિકા, યુરોપ, અમેરિકા અને પોર્ટુગલની ધરતી પર ભારતની પ્રગલ્ભ અને પ્રાણવાન સંસ્કૃતિનાં સંસ્કારપુષ્પો વેરી, સાંસ્કૃતિક એલચીની ભૂમિકા ભજવનાર વિષ્ણુભાઈએ અલ્લાબેલી, મૃચ્છકટિક, શાહજહાં, પૂર્ણિમા, કવિ દયારામ, પુત્ર સમોવડી, ઝેર તો પીધાં જાણી જાણી જેવાં ઉત્તમ નાટકો ગુજરાતી રંગભૂમિના ચરણે
ધર્યાં છે.
મીરા શ્યામ દુલારી, સૂર શ્યામ મતવાલા, શકુંતલા, આમ્રપાલી, દ્રૌપદી, રાગ-વિરાગ જેવાં નૃત્યનાટકો દેશ-વિદેશમાં ભજવીને અનેક પારિતોષિકો પ્રાપ્ત કર્યાં છે.
અમારી પેઢીના કલાકાર-પ્રેક્ષકોએ તેમનો જે ચિરસ્મરણીય અભિનય જોયો છે એ નાટક હતું ‘શેર અફઘાન’!
અને છેલ્લે...
એક સભામાં કોઈકે જ્યૉર્જ બર્નાર્ડ શૉને પૂછ્યું કે ‘તમે ઊંચા કે શેક્સપિયર?’ જ્યૉર્જ બર્નાર્ડ શૉએ બેધડક કહ્યું, ‘હું ઊંચો! હું મોટો! એમાં શંકાને કે વિવાદને કોઈ સ્થાન નથી.’ આખી સભા સ્તબ્ધ થઈ ગઈ. બધાને લાગ્યું કે જ્યૉર્જ બર્નાર્ડ (જેબી) આત્મશ્લાઘાની હદ વટાવી ગયા છે, પણ જેબીએ તરત જ ફોડ પાડતાં કહ્યું, ‘વહાલા દોસ્તો, તમે એ કેમ ભૂલી જાઓ છો કે હું શેક્સપિયરના ખભા પર બેઠો છું એટલે હું ઊંચો દેખાઉં છું.’
અમે બધા પણ અમારા રંગભૂમિના આવા નરબંકાઓના ખભા પર બેઠા છીએ એટલે ઊંચા-ઊજળા દેખાઈએ છીએ. જેવા દેખાઈએ છીએ એવા થઈશું ત્યારે જ તેઓનું સાચું તર્પણ કહેવાશે.

સમાપન
નબ્‍ઝ દેખ લેના દફન કરને સે પહલે
કલાકાર ઉમદા હૈ, વો કહીં કિરદાર ના નિભા રહા હો!
કલાકાર મૃત્યુ પામે ત્યારે દફનાવતાં પહેલાં તેની નાડી તપાસી લેજો, કારણ કે તે ઉમદા કલાકાર છે, ક્યાંક તે મરવાનું નાટક તો નથી કરતોને?

Pravin Solanki columnists