ધર્મ અને ધતિંગ : આ મંચથી રાજકારણ દૂર રહે એ આજના સમયની સૌથી અગત્યની જરૂરિયાત

22 May, 2023 04:58 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકીય વગ ધરાવતી, ઓળખ ધરાવતી કે પછી રાજકારણમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલી હોય તેવી વ્યક્તિએ ધર્મની સાથે જોડાયેલા મંચ પર જવાની જરૂર નથી,

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

હા, જો ધર્મમાં જોતરાઈ ચૂકેલા ધતિંગને દૂર કરવું હોય તો સૌથી પહેલી ચીવટ એ બાબતમાં રાખવી પડશે કે રાજકારણ અને એની સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ જે મંચ પરથી ધતિંગ પીરસવામાં આવતું હોય એ મંચથી દૂર રહે અને ધારો કે એવું ન થાય અને ભવિષ્યમાં એ ધતિંગ માટે કોઈને પણ સજા કરવામાં આવે તો એવા સમયે એ રાજકીય વ્યક્તિને પણ સજા કરવામાં આવે, જેથી આ પ્રકારના મંચ પર જતાં પહેલાં ભવિષ્યમાં કોઈ પણ વિચાર કરે. મોટા ભાગના ધતિંગબાજોને બચાવવાનું કામ ભૂતકાળમાં રાજકીય વ્યક્તિઓ દ્વારા જ થયું છે.

તમે જઈને રામરહીમનો ઇતિહાસ જોઈ લો. રામરહીમ ફાટીને ધુમાડે ગયો તો એની પાછળનું મુખ્ય કારણ એક જ હતું, રાજકીય પીઠબળ. રામરહીમનાં કાળાં કારનામાં અઢળક વખત બહાર આવ્યાં, અઢળક લોકો બહાર લાવ્યા અને એ પછી પણ તેની સામે હાથ ઉગામવાનું કામ કોઈએ કર્યું નહીં તો એની પાછળ પણ જવાબદાર આ પીઠબળ જ હતું. જો એ પીઠબળ તેને ન મળ્યું હોત તો ચોક્કસપણે રામરહીમ આ સ્તર પર વકર્યો ન હોત. એવું જ આશારામ માટે પણ કહી શકાય અને એવું જ અન્ય સૌની માટે પણ કહી શકાય. રાજકીય વગ ધરાવતી, ઓળખ ધરાવતી કે પછી રાજકારણમાં કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલી હોય તેવી વ્યક્તિએ ધર્મની સાથે જોડાયેલા મંચ પર જવાની જરૂર નથી, ખાસ તો એ મંચ પર જે મંચ પરથી ધતિંગનો પ્રવાહ વહેતો હોય.
રાજકીય વગને કારણે ધતિંગબાજોના પગમાં જોર આવતું હોય છે અને રાજકીય વગના કારણે ધતિંગબાજો ક્યાંક અને ક્યાંક છાકટા થતા હોય છે અને આ બધું ભૂતકાળમાં જોવા મળ્યું છે. જો તમે ઇચ્છતા હો કે આ દેશમાં ધર્મ અને ધતિંગ છૂટાં પડે અને ધતિંગબાજો સળિયા પાછળ ધકેલાઈ અને કાં તો સુધરીને ફરીથી નિરંતર પ્રમાણિક ધર્મવાદને આગળ ધપાવે.

આપણે ત્યાં જેટલા પ્રમાણિક ધર્મગુરુઓ છે એના કરતાં અનેકગણા વધારે ધતિંગબાજો છે અને આપણી મોટામાં મોટી નબળાઈ એ છે કે આપણે આ વાત જાણતા હોવા છતાં પણ એનો ઇલાજ નથી કરી શક્યા, જેનું કારણ છે ધર્મભીરુ પ્રજા અને અંધશ્રદ્ધાળુ ભક્તો. દેશને કોરી ખાવાનું કામ જો કોઈ કરે તો એ છે કે અંધશ્રદ્ધા અને અંધશ્રદ્ધાને દૂર કરવાનો કોઈ એકમાત્ર ઇલાજ હોય તો એ છે જાગૃતિ. સરકારે એ દિશામાં પણ સજાગ થઈને કામ કરવાની જરૂર છે. હું તો કહીશ કે આ દિશામાં સરકારે ચોક્કસ એક બજેટ પણ બનાવવું જોઈએ અને એ બજેટને આધારે તમામ એવી જગ્યાએ પ્રમોશન કરવું જોઈએ જેથી નાનામાં નાના અને મહત્તમ લોકો સુધી પહોંચીને તેમને સમજાવી શકાય કે તમે જે જુઓ છો એ વિજ્ઞાન છે અને આ વિજ્ઞાનને ધર્મની સાથે જોડીને કેટલાક હરામખોરો તમને ભરમાવે છે. જો આ પ્રકારની જાગૃતિ લાવવાનું કામ થશે તો ચોક્કસપણે આ દેશને એક નવી દિશા મળશે, જે દિશા દેશની વિકાસયાત્રાને વધારે નક્કર અને મજબૂત બનાવશે. જાગવાનો સમય આવી ગયો છે અને જાગવું એવા સમયે જ જોઈએ જ્યારે વાતાવરણ શાંત હોય. બાકી રામરહીમો અને આશારામો જેવાનો કાળોકેર શરૂ થયા પછી જાગવું એ સાવધાન થયું કહેવાય.

columnists manoj joshi