11 December, 2022 10:44 AM IST | Mumbai | Alpa Nirmal
જ્યાં દરિયાઈ જીવો તમને મળવા જમીન પર આવે છે
ગુજરાતનું હૃદય કેવું વિશાળ છે! એક બાજુ એ મહાદેવ જેવી સ્થિતપ્રજ્ઞતા ધરાવતા ગિરનારના ડુંગરો સમાવીને બેઠું છે તો બીજી બાજુ પંચમહાલની અબોટ મુગ્ધતાની સુરક્ષા કરે છે. આ રાજ્યમાં કર્ણાવતીની શહેરી વ્યસ્તતા વચ્ચે કમનીય કાવ્ય સમા હઠીસિંહનાં દેરાં પમરાટ ફેલાવી રહ્યાં છે તો વિશ્વના ઓન્લી વન વાઇટ રણે અહીં કચ્છમાં અડ્ડો જમાવ્યો છે. ગીરનાં જંગલોમાં સાવજ લહેરથી ડણક કરે છે તો પીરોટન ટાપુ પર દરિયાઈ જીવોને ધરતી પર પણ મોજ છે. તમે હાર્ડકોર મરીન લાઇફના ફૅન હો; જાતજાતની માછલીઓ, પરવાળાઓ, દરિયાઈ વનસ્પતિ જોવાની અને અડવાની બહુ જિજ્ઞાસા હોય પણ ઊંડા પાણીમાં ઊતરવાનો ભય હોય; સ્કૂબા ડાઇવિંગ કરવાની હામ ન હોય તો પહોંચી જાઓ જામનગર પાસે આવેલા પીરોટોન ટાપુ પર. અરબી સમુદ્રમાં આવેલો આ આઇલૅન્ડ ગુજરાતનો મરીન નૅશનલ પાર્ક છે જ્યાં વેરિયસ ટાઇપ્સ ઑફ માછલી, દરિયાઈ સાપ, વિધવિધ જાતિના કચરલા, જાત-જાતની સમુદ્રી વનસ્પતિ અને અનેક-અનેક વરાઇટીના કોરલ્સ જમીન પર જલસાથી ફરે છે.
જો આપણે ભારત દેશનો નકશો બાય લાર્જ કરીને જોઈએ તો ખ્યાલ આવે કે હિન્દુસ્તાનના પશ્ચિમી કાંઠે ગુજરાત પાસે કચ્છનો અખાત છે. આ અખાતમાં લગભગ ૪૨ જેટલા નાના-મોટા ટાપુઓ છે. એમાંનો જ એક ટાપુ એ પીરોટન. પ્રાચીન સમયના બેડી બંદરનું પીરોટન પાટણ નામનું નગર અપભ્રંશ થઈને હવે ફક્ત પીરોટન નામે ઓળખાય છે. ભારતની અર્વાચીન તવારીખ મુજબ ૧૮૬૭માં અહીં ખલાસીઓના માર્ગદર્શન માટે ઊંચો ઝંડો મુકાયો. બે દાયકા બાદ એનું સ્થાન ૨૧ મીટરની દીવાદાંડીએ લીધું. એ ગાળામાં આ વિસ્તાર વહાણવટુંઓનું મોટું બંદર હતું. ગલ્ફ કન્ટ્રીઝ અને આફ્રિકા સુધી અહીંથી વહાણો જતાં અને આવતાં. દિશાસૂચક કહો કે આશરા માટે કહો એવડું મોટું લાઇટ-હાઉસ ખડું કરાયું. આઝાદી બાદ ૧૯૫૫-’૫૭માં હતો એનાથી ત્રણ મીટર ઊંચો એટલે કે ૭૯ ફુટનો લાઇટ-હાઉસ ટાવર ઊભો કરાયો, જે આજે પીરોટનનું પોસ્ટર પિક્ચર છે. હવે વાત કરીએ મરીન નૅશનલ પાર્કની તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાથી જોડિયા સુધીના ૨૭૦ ચોરસ કિલોમીટરના વિસ્તારને ૧૯૮૨ના વર્ષમાં મરીન સૅન્ક્ચ્યુઅરી જાહેર કરાયો. એમાં જામનગર કાંઠાની આજુબાજુના ૪૨ ટાપુઓને મરીન નૅશનલ પાર્ક ઘોષિત કરાયા.
આ તો થઈ પીરોટન ટાપુની ઍડ્મિનિસ્ટ્રેટિવ માહિતી. જોકે અહીં શા માટે ટ્રાવેલ કરવું જોઈએ એ પ્રશ્ન તમને થતો હોય તો જાણી લો કે અહીં ૭૦ જાતની દરિયાઈ શેવાળ (જીવંત પણ ખરી) છે. સાથે ૧૦ જાતની તરલ જેલી જેવી કોરલ; ભિન્ન-ભિન્ન રંગ, રૂપ, આકાર, વિશેષતાઓ ધરાવતી ૪૪ જેટલી હાર્ડ કોરલ; ૨૭ વિવિધતાના પ્રોન્સ, ૩૦ જાતિના ક્રૅબ સહિત લૉબ્સ્ટર, ઓયસ્ટર, સમુદ્રી કાચબા, સ્ટારફિશ અને કલર બદલતા ઑક્ટોપસ પણ છે. તો ડૉલ્ફિન, વ્હેલ શાર્ક, સી હૉર્સ, સ્ટિંગ રે માછલી, કાદવમાં રહેતા દરિયાઈ સાપો અને જાત-જાતની માછલીઓ સાથે મોતી આપતી કાલુ માછલીઓ પણ છે. ટૂંકમાં, ઍનિમલ પ્લૅનેટ ચૅનલમાં આવતા મરીન લાઇફ શોના મોટા ભાગના સાગરી જીવો અહીં નૅચરલી નિવાસ કરે છે. અસંખ્ય મૅન્ગ્રોવ્ઝ અને મીડિયમ હાઇટના થોડા તરુવરો ધરાવતા ત્રણ કિલોમીટરના આ ટાપુ પર શિયાળામાં તો અનેક વિદેશી વિહંગો પણ મહેમાન બને છે. સાઇબેરિયા અને યુરોપથી આવતાં આ પક્ષીઓથી આ નિર્જન ટાપુ ચહેકતો રહે છે.
પાંચ વર્ષથી બંધ રહેલો પીરોટન પ્રવાસીઓ માટે થોડા મહિના પહેલાં જ ઓપન થયો છે. જામનગરના બેડી પોર્ટથી બોટમાં બેસો એટલે ૧૨ નૉટિકલ માઇલે મીન્સ બાવીસ કિલોમીટર દરિયાઈ માર્ગે આવે પીરોટન ટાપુ. જોકે મોટાં વહાણો છેક સુધી ત્યાં નથી જતાં એટલે છેલ્લે મોટી નાવમાંથી નાની હોડીમાં બેસીને અહીં પહોંચવાનું રહે છે. વળી ભરતી હોય એ સમયે જ તમે અહીં જઈ શકો. પાણીનો પ્રવાહ તમને પીરોટનની જમીન સુધી લઈ જાય એ જ રીતે ભરતીના સમયે જ તમે ત્યાંથી પાછા ફરી શકો. જોકે એ ચિંતા પ્રવાસીઓએ કરવાની જરૂર નથી. એ જવાબદારી બોટવાળા નિભાવે છે. હવે આ ભરતી અને ઓટ જેમ અહીં પહોંચવાનું મુખ્ય પરિબળ છે એમ અહીંની મરીન લાઇફનું પરિબળ પણ આ હાઈ અને લો ટાઇડ છે. ભરતી દરમિયાન સમુદ્રી જીવો પીરોટનની ધરતી પર આવે અને એ પાણી ઊતરી જતાં આ જીવો જમીન પર રહી પડે અને અહીં ફરતાં-ફરતાં તમને એનો મેળાપ થઈ જાય. કુદરતની આ જાત-જાતની અદ્વિતીય કલાકૃતિ જોતાં-જોતાં અને એમના વિશે જાણતાં-જાણતાં આખો દિવસ ક્યાં નીકળી જાય એની જાણ સુધ્ધાં ન રહે. આ ટાપુ પર દીવાદાંડી અને ખ્વાજા ખિજરની દરગાહ સિવાય બીજું કોઈ બાંધકામ નથી. એ જ રીતે લાઇટ-હાઉસ અને દરગાહને સંભાળતા કર્મચારીઓ સિવાય બીજી કોઈ વસ્તી પણ નથી. બસ, અહીં છે મરીન ક્રીચરોની અજાયબ સૃષ્ટિ અને આત્મા સુધી સોંસરવી ઊતરી જતી અસીમ શાંતિ.
સમ યુઝફુલ પૉઇન્ટ્સ
આગળ કહ્યું એમ પીરોટન ટાપુ પર કોઈ માનવ-વસાહત નથી એટલે તમારે પડાવ તો કાજળ, કચોરી અને બાંધણી માટે પ્રખ્યાત જામનગર શહેરમાં અથવા એની આજુબાજુમાં જ રાખવાનો છે. એ જ રીતે આ ટાપુ પર કંઈ ખાવા-પીવાનું પણ મળતું નથી. આથી તમારાં ખોરાક-પાણી પણ સાથે લઈ જવાનાં રહે છે. પીરોટન ટાપુ પ્રોટેક્ટેડ એરિયા છે. આથી દરેક ટૂરિસ્ટે ત્યાં જવા માટે મરીન ડિપાર્ટમેન્ટ, પોર્ટ ઑથોરિટીની પરમિશન લેવી પડે છે. ઍક્ચ્યુઅલી, અહીં એકલદોકલ જવું અઘરું છે. પોર્ટથી કોઈ ફિક્સ બોટ-સર્વિસ પણ નથી. આથી જામનગરથી પ્રાઇવેટ ટૂર ઑપરેટ કરતી ટ્રાવેલ કંપનીઓના પીરોટન વિઝિટના કાર્યક્રમમાં જોડાવું ઍડ્વાઇઝેબલ રહેશે. વહેલી સવારથી સાંજ સુધીના આ વન-ડે પ્રોગ્રામમાં પરમિટથી લઈને ટ્રાન્સપોર્ટેશન, ફૂડ, વૉટર, ગાઇડ વગેરેની સુવિધા ટૂર-ઑપરેટર્સ જ કરે છે.
માઇન્ડ ઇટ