ખરા ફસાયા

04 July, 2020 08:02 PM IST  |  Mumbai | Darshini Vashi

ખરા ફસાયા

પ્રતીકાત્મક તસવીર

ભલે અત્યાર જેવું લૉકડાઉન ભૂતકાળમાં ક્યારેય નથી આવ્યું, પરંતુ ફસાવાનો કે અટવાઈ જવાનો અનુભવ તો તમે પણ ભૂતકાળમાં કર્યો જ હશે. આજે આપણે એવા જ કેટલાક મુંબઈકરો સાથે વાત કરવાના છીએ જેઓ ભૂતકાળમાં એવા લૉકડાઉનમાં આવી ગયા હતા કે આજે પણ એની વાત નીકળતાં તેમનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે

છેલ્લા ત્રણ મહિનામાં લૉકડાઉનને લીધે અનેક લોકો ઘરથી દૂર કોઈ અજાણ્યા સ્થળે અને ખરાબ પરિસ્થિતિમાં ફસાઈ ગયા હોવાના અનેક કિસ્સા આપણે સાંભળી ચૂક્યા છીએ અને ઘણાના મોઢેથી એવું પણ સાંભળી ચૂક્યા છીએ કે આવી પરિસ્થિતિ તો અગાઉ ક્યારેય કોઈએ જોઈ નહીં હોય, આવું તો ક્યારેય સાંભળ્યું પણ નથી વગેરે-વગેરે. બેશક, આખું વિશ્વ આમ એકસાથે થંભી જાય એવું પહેલી વાર બન્યું છે. જોકે ભૂતકાળમાં કોરોના હતો નહીં, પરંતુ ઘણી એવી કુદરતી કે પછી અણધારી આફતોનો સામનો ઘણા લોકો કરી ચૂક્યા છે જેને લીધે લોકો લૉકડાઉનના જેવી હાલતમાં મુકાઈ ગયા હતા અને એ લૉકડાઉન પણ જેવુંતેવું નહીં પરંતુ કંપારી કરાવી જાય એવું હતું. આજે આપણે એવા જ કેટલાક લોકોની સાથે વાત કરવાના છીએ જેઓ ભૂતકાળમાં એવા લૉકડાઉનમાં આવી ગયા હતા કે આજે પણ એની વાત નીકળતાં તેમનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે.

ભયાનક ભૂકંપ અને અમે હોટેલની અંદર લૉકડાઉન: પૂજા શાહ

ચાર-પાંચ વર્ષ પહેલાં મિત્રો સાથે દાર્જીલિંગ ફરવા ગયેલાં અને મલાડમાં રહેતાં પૂજા શાહ તેમની તે ટ્રિપને આજે પણ ભુલાવી શકતાં નથી. આ બાબતે પૂજા શાહ કહે છે, ‘અમે દર વર્ષે અમારા ફ્રેન્ડ સર્કલ સાથે લૉન્ગ ટ્રિપ પર જઈએ છીએ. એક વખત અમે દાર્જીલિંગનો પ્લાન કર્યો હતો. અમારી આખી ટ્રિપ સરસ ગઈ હતી, પરંતુ જે દિવસે અમે ત્યાંની હોટેલમાંથી ચેકઆઉટ કરવાનાં જ હતાં ત્યાં ભયાનક ભૂકંપ આવ્યો. અમે કંઈક સમજીએ એ પહેલાં તો આખી હોટેલ ઝાડની જેમ હલવા લાગી. એક મિનિટ તો એવું લાગ્યું કે જો પાંચેક સેકન્ડ પણ આ આંચકા વધુ ચાલશે તો અમે બધાં અંદર જ દબાઈ જઈશું. પરંતુ નસીબજોગે આંચકા બંધ થઈ ગયા. પરંતુ આટલેથી અમારી મુસીબત પૂરી ન થઈ. અમે જીવ બચાવવા હોટેલની બહાર નીકળવા લિફ્ટ બાજુ ભાગ્યા. લિફ્ટ બંધ થઈ ગઈ હતી. આફ્ટરશૉક્સ આવે એ પહેલાં હોટેલ ખાલી કરી દેવાના ભયમાં અમારાથી પગથિયાં પણ ઊતરાયાં નહીં. અમારી રૂમ ચોથે માળે હતી. ગભરાટમાં પગથિયાં ઊતર્યાં. જેવાં અમે ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યાં ત્યારે ખબર પડી કે અમે હોટેલની અંદર લૉકડાઉન થઈ ગયાં છીએ કેમ કે હોટેલના ઇમર્જન્સી ગેટની ચાવી હોટેલ મૅનેજમેન્ટને મળી નહોતી રહી. અમે બધાં ગભરાયેલાં હતાં. ભગવાનના જાપ ચાલુ થઈ ગયા હતા. એક-એક સેકન્ડ ખૂબ મહત્ત્વની હતી. આખરે થોડા સમયમાં ચાવી મળી અને અમે એમાંથી બહાર નીકળ્યાં. તેમ છતાં અમારો કેટલોક સમાન અંદર રહી ગયો હતો જેને લેવા અમારા મિત્રો તેમના જીવના જોખમે અંદર પાછા ગયા હતા. તેઓ જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી અમારા બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા. એ ઘટના એટલી ભયાનક હતી કે કેટલાય સમય સુધી હું કોઈ પગથિયાં ચડી શકતી નહોતી. અહીં સુધી કે ટેલિવિઝન પર પણ ભૂકંપના કોઈ સીન આવે તો હું જોર-જોરથી રડવા લાગતી હતી. બાજુમાં ટેબલ હલતું હોય તો પણ મને ડર લાગતો હતો. મને ફોબિયા થઈ ગયો હતો.’

અજાણ્યા અને વેરાન સ્થળે અનેક કલાકો સુધી ટ્રેનમાં સ્ત્રી અટવાઈ જાય તો?: જયશ્રી ભટ્ટ

બહારગામથી આવતી ટ્રેનો આમ પણ મોડી થતી જ હોય છે, પરંતુ જો એ ટ્રેનમાં તમારી સાથે કોઈ જેન્ટ્સ ન હોય અને કોઈ અજાણ્યા અને વેરાન સ્થળે કલાકો સુધી ટ્રેન અટકી પડે તો શું થઈ શકે એની કલ્પના માત્ર આપણે હચમચાવી મૂકે છે ત્યારે એવી પરિસ્થિતિમાંથી પસાર થનારની શી દશા થઈ હશે એ તેમની પાસેથી જ જાણીએ. કાંદિવલીમાં રહેતાં જયશ્રી ભટ્ટ કહે છે, ‘આજથી ૭-૮ વર્ષ પૂર્વે અમે ગુજરાતથી મુંબઈ ટ્રેનમાં આવી રહ્યાં હતાં. આમ તો અમે કુટુંબ સાથે પાછાં આવતાં હતાં, પરંતુ એક જ ટ્રેનની બધાંને સાથે ટિકિટ મળી નહીં એટલે મારા અન્ય ફૅમિલી મેમ્બર અન્ય ટ્રેનમાં આવ્યા જ્યારે હું અને મારી બહેન બીજી ટ્રેનમાં આવતાં હતાં. અમારી ટ્રેન દક્ષિણ ગુજરાતના વલસાડની નજીક આવી ત્યાં ખબર પડી કે ટ્રેન ડીરેલ થઈ ગઈ છે. ત્યારે સવારે ચારેક વાગ્યા હશે. અમે થોડાં ટેન્શનમાં કેમ કે ત્યારે ઇન્ટરનેટવાળા ફોન વધુ નહોતા, નૉર્મલ જ મોબાઈલ ફોન હતા એટલે અમે વધુ અપડેટ મેળવી શકતાં નહીં. થોડા સમયમાં બધું નૉર્મલ થઈ જશે એમ વિચાર્યું પરંતુ એવું થયું નહીં. જેમ-જેમ કલાકો વધતા ગયા તેમ-તેમ ચિંતા વધતી ગઈ. એક તો ટ્રેન એવા સ્થળે આવીને અટકી ગઈ હતી કે ત્યાં આજુબાજુ બધે વેરાન જ હતું. ફક્ત દૂર એક ગામ દેખાતું હતું. કોઈ ટોળકી ટ્રેનમાં ઘૂસી આવશે તો શું કરીશું એની ચિંતા થઈ રહી હતી. ધીમે-ધીમે સાંજ થવા લાગી એટલે ગભરાટ વધતો ગયો. મોબાઇલની બૅટરી પણ પૂરી થવામાં હતી. અમારું લૉકડાઉન ક્યારે પૂરું થશે એની ચિંતા થવા લાગી. જોકે ભગવાનની કૃપાથી આખરે રાતના ટ્રેન ચાલુ થઈ અને અમે ઘરે મોડી રાત્રે પહોંચ્યાં. મારું આ ૧૨થી ૧૫ કલાકનું લૉકડાઉન અમને આજીવન યાદ રહી ગયું છે.’

આખી રાત ત્રણ મહિનાના બાળક સાથે હાઇવે પર સાવ એકલાં: સુશીલા બોરીચા

આજે પણ એ દિવસની યાદ કરું છું તો આંખમાંથી પાણી આવી જાય છે. ભલે ત્યારે લૉકડાઉન શબ્દ નહોતો, પરંતુ એ લૉકડાઉન કરતાં પણ ભયંકર હતું એમ જણાવતાં મલાડમાં રહેતાં સુશીલા બોરીચા કહે છે, ‘આજથી ૨૯ વર્ષ પહેલાં અમે બધા પરિવારના સભ્યો બસ કરીને મુંબઈથી  શંખેશ્વર જઈ રહ્યાં હતાં. અમે અમદાવાદથી થોડે જ દૂર હતાં ત્યાં પહેલાં અમારી બસનું ટાયર ફાટી ગયું. એને માંડ ઠીક કરાવ્યું અને આગળ વધ્યાં ત્યાં જોરદાર બ્રેક લાગી અને અમારી બસના બધા કાચ તૂટી ગયા. અમે બધાં બહુ ગભરાઈ ગયાં. બસમાં બાળકો અને સ્ત્રીઓ પણ હતાં એટલે બધાં ચિંતા કરતાં હતાં. ક્યારે મુકામે પહોંચીએ એની ચિંતા સાથે આગળ વધ્યાં ત્યાં તો ક્યાંકથી ઝાડની કોઈ મોટી ડાળી અમારા બસમાં બારી મારફત અંદર આવી ગઈ અને આખરે અમારે બસ રોકવી પડી. રાતનો સમય અને ત્યારે પાછા ટેલિફોન જૂજ અને મોબાઇલ પણ નહીં. બધા લોકો બસમાંથી ઊતરીને રસ્તા પર સૂઈ ગયા, પરંતુ મારા હાથમાં ત્રણ મહિનાનું બાળક હતું એટલે હું બસમાં જ આખી રાત બેસી રહી અને સતત જપ કરતી રહી. હાઇવે પર રાતનો સમય બહુ ભારે લાગે છે. સવારે કોઈ મેકૅનિક આવ્યો અને અમારી બસ ચાલુ થઈ.’

એવાં ફસાયાં કે અજાણ્યાને ત્યાં રાતવાસો કરવો પડ્યો: રેખા શાહ

સુરેન્દ્રનગરથી ટ્રેનમાં બેઠાં અને વિચાર્યું કે કાલે સવારની ચા ઘરે જઈને પીશું, પરંતુ વિધાતાને કંઈક અલગ જ મંજૂર હતું એમ કાંદિવલીમાં રહેતાં રેખા શાહ કહે છે, ‘વાત ગયા વર્ષની છે જ્યારે વિરાર-વસઈ બાજુ પુષ્કળ વરસાદ પડ્યો હતો અને બધું જળબંબાકાર થઈ ગયું હતું. .એ દિવસે અમારી ટ્રેન સવારે પાંચ વાગ્યે બોરીવલી આવી જવાની હતી, પરંતુ એટલોબધો વરસાદ હતો કે વિરારની આગળ માંડ-માંડ ટ્રેન આગળ વધી. એક કલાકે નાલાસોપારા આવ્યું ત્યાં ટ્રેનમાં અનાઉન્સમેન્ટ કરી કે પાણી ભરાઈ ગયાં હોવાથી હવે આગળ ટ્રેન નહીં ચાલે. અમે ટેન્શનમાં આવ્યાં. એક તો અમે સિનિયર સિટિઝન. સામાન સાથે ન ટ્રેનમાંથી ઊતરવાની શક્તિ અને વધી રહેલા પાણીના ફ્લોને જોતાં ટ્રેનમાં બેસી રહેવાનો પણ ડર. હવે શું કરીએ એની ચિંતા હતી. નાલાસોપારા જળબંબાકાર બની ગયું હતું. અમે થોડા કલાકો ટ્રેનમાં જ બેસી રહ્યાં ત્યાં મારા દીકરાએ નાલાસોપારામાં રહેતા તેના કોઈ જૂના સહકર્મચારીનો કૉન્ટૅક્ટ શોધી કાઢ્યો જેને તે પણ વધારે ઓળખતો નહોતો. તેને તેણે રિક્વેસ્ટ કરી અમને ટ્રેનમાંથી લઈ જવા માટે. આ ભાઈ જેમ-તેમ કરીને સ્ટેશનની બહાર આવ્યો. અમે બિસ્તરા-પોટલાં સાથે ધીમે-ધીમે ટ્રેનમાંથી ઊતર્યા. કમરની ઉપર સુધીના પાણીમાંથી પસાર થઈને અમે બહાર આવ્યાં. અમારાં કપડાં તો ઠીક પરંતુ બધો સામાન ખરાબ થઈ ગયો હતો. ટ્રેનમાંથી સ્ટેશન સુધી આવતાં દરેક પગલું અમને નવું જીવન આપી રહ્યું હોય એમ લાગતું હતું. અમે બહાર તે ભાઈને મળ્યાં. અમારાં નસીબ જુઓ. તે ભાઈ જ્યાં રહેતો હતો તેના ઘરમાં પણ પાણી ભરાઈ ગયાં હતાં તેમ છતાં તેમણે અમને રાતના છત પૂરી પાડી અને ભોજન કરાવ્યું. બીજા દિવસે પરિસ્થિતિ થોડી નૉર્મલ થતાં અમે કૅબમાં બેસીને ઘરે આવ્યાં.’

ગુંડાઓની ટોળકીએ જ્યારે જંગલમાં અમારી ગાડીને લૉકડાઉન કરી દીધી હતી: હેતલ નંદુ

અજાણ્યા શહેરમાં સૂમસામ રસ્તા પર હથિયારબંધ ગુંડાઓની ટોળકીએ અમારી ગાડીને રોકી લીધી ત્યારે એક સેકન્ડ તો એમ જ થયું કે અમે તો હવે ગયાં એમ જણાવતાં પાર્લામાં રહેતાં હેતલ નંદુ કહે છે, ‘૨૦૦૦ની સાલમાં અમે અમારા ક્લોઝ ફ્રેન્ડનાં લગ્નમાં બિહાર ગયાં હતાં. અમને એ સમયે ત્યાંની પરિસ્થિતિનો અંદાજ નહોતો. અમે જે દિવસે ટ્રેનમાંથી ઊતર્યા ત્યારે ‘બિહાર બંધ’ની જાહેરાત કરેલી હતી. જેનાં લગ્નમાં જવાનાં હતાં તેનો ડ્રાઇવર ગાડી લઈને અમને સ્ટેશન પર લેવા આવ્યો હતો. સ્ટેશન એકદમ સુન્ન હતું. અમને ત્યારે થોડી ચિંતા થઈ. ડ્રાઇવરે અમને કહ્યું કે તમે આજે અહીં જ કોઈ હોટેલમાં રોકાઈ જાઓ કેમ કે આપણે જ્યાં જવાનું છે ત્યાં રસ્તામાં જંગલ આવે છે અને એ જોખમી છે. પરંતુ આપણે તો મુંબઈકર એટલે કોઈથી ડરીએ નહીં એટલે અમે હિંમત કરીને જંગલમાંથી પસાર થવાનું નક્કી કર્યું. પરંતુ જેનો ડર હતો એ જ થયું. જંગલ આવ્યું અને સામે ૧૫-૨૦ હથિયારબંધ ગુંડા ઊભેલા દેખાયા. અમે તો એકદમ જ ડરી ગયાં. એક તો હું ત્યારે પ્રેગ્નન્ટ હતી એટલે વધારે ગભરાઈ. આ ગુંડાઓ બધાની ગાડી રોકીને ઊભા હતા. આવી રીતે ક્યાં સુધી ઊભા રહેવું પડશે એની ખબર નહોતી. અમે બરાબરના અટવાયાં હતાં. તેઓ બધાને ગાડીમાંથી બહાર કાઢતા હતા. હવે અમારો નંબર આવ્યો. તેમને અમે સમજાવ્યા કે અમે અહીંના લોકલ નથી, અમને અહીંની કંઈ ખબર નથી કે શું ચાલે છે એટલે અમે અહીં આવ્યાં છીએ. અમે તો માત્ર લગ્નમાં જઈએ છીએ. ખબર નહીં ત્યારે તેમાંના એક જણમાં ક્યાંથી માનવતા જાગી અને અમને જ ફક્ત જવા દીધાં. આજે પણ આ ઘટના અમારાં રૂંવાડાં ઊભાં કરી દે છે.’

૨૬ જુલાઈની એ ગોઝારી રાત બે પેશન્ટની સાથે ગાડીમાં લૉકડાઉન થઈને વિતાવી: રાજુ ગાંધી

મુંબઈમાં ૨૬ જુલાઈ, ૨૦૦૫માં આવેલું વિનાશક પૂર મોટા ભાગે તમામ મુંબઈવાસીઓને કોઈ ને કોઈ યાદી અપાવી ગયું છે. પરંતુ અમુક લોકોને તો એવી યાદી અપાવી ગયું છે કે તેમને એ આજીવન યાદ રહેશે. આવી જ એક યાદી જુહુમાં રહેતા રાજુ ગાંધીને પણ મળેલી છે. રાજુ ગાંધી કહે છે, ‘૨૬ જુલાઈ, ૨૦૦૫ના દિવસે સવારે મારાં માસી અને માસા જેઓ ૭૫ વર્ષની આસપાસ હતાં તેમની તબિયત થોડી ખરાબ થઈ હતી એટલે હું તેમને મારી ગાડીમાં બાંદરા ખાતે ડૉક્ટર પાસે લઈ ગયો હતો. અમે ત્યાંથી પાછાં ફરતાં હતાં ત્યાં જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો હતો. કલ્પના પણ નહોતી કે આવો વરસાદ મુંબઈમાં જોવા મળશે. જોતજોતાંમાં જબરદસ્ત પાણી ભરાઈ ગયાં. અમે કલાનગરના બ્રિજ પર ગાડી ઊભી રાખી. અમારી આગળ અને પાછળ ગાડીઓની લાઇન લાગી ગઈ હતી એટલે હવે ખસાય એમ નહોતું. હવે બપોરની સાંજ થવા લાગી હતી. મારી સાથે ઉંમરલાયક બે જણ હતાં તેમ જ તેમની તબિયત પણ સારી નહોતી એટલે હું વધુ ટેન્શનમાં આવ્યો કે જો કંઈ થશે તો શું કરીશું. તો બીજી તરફ બધાંને ભૂખ પણ લાગી હતી. ખાવાનું પણ નહોતું. મારી પાસે પ્રસાદ હતો એનાથી થોડું પેટ ભર્યું. ઉંમરલાયક વ્યક્તિને વારેઘડીએ યુરિન પાસ કરવું પડે. મારી પાસે પાણીની ખાલી બૉટલ હતી એમાં જ ગાડીમાં તેમને કરાવ્યું. હેલિકૉપ્ટર પરથી બધા ફૂડનાં પૅકેટ નાખતા હતા, પરંતુ એટલી બધી ગિરદી હતી કે અમને એ ન મળ્યાં. આખરે નછૂટકે અમે ભૂખ્યાં જ સૂઈ ગયાં. છેવટે બીજા દિવસે બપોરે પાણી ઊતર્યું અને અમે હેમખેમ ઘરે પહોંચ્યાં.’

ત્રમ્બકના જંગલમાં રાતના સમયે રસ્તો ભૂલતાં અટવાયાં: પ્રજ્ઞા પીયૂષ

જંગલમાં લૉકડાઉન થવાની કલ્પના ભય ઊભો કરવા માટે પૂરતી છે. એમાં પણ જો કોઈ ડરામણો અનુભવ થાય તો પરસેવો પાડી દે છે. દર વર્ષે શિર્ડીનાં દર્શન કરવા જતાં પ્રજ્ઞા પીયૂષ તેમને થયેલા જંગલના લૉકડાઉનના અનુભવની વાત કરતાં કહે છે, ‘આજથી લગભગ ૧૫ વર્ષ પૂર્વે અમે અમારી ગાડીમાં શિર્ડીથી મુંબઈ પરત ફરી રહ્યાં હતાં. ઘરે જલદી પહોંચવા ત્ર્યમ્બકનો શૉર્ટકટ પકડ્યો, પરંતુ અમારી ગાડી વારેઘડીએ બગડી જતાં અમને ત્યાં જ રાત થઈ ગઈ હતી અને હવે એને લીધે અમે રસ્તો પણ ભૂલી ગયાં હતાં. રસ્તા પર ન તો કોઈ ગાડી આવતી દેખાય ન કોઈ સ્ટ્રીટલાઇટ. એક તરફ ધાડપાડુનો ડર હતો તો બીજી તરફ ભૂતપ્રેતની સાંભળેલી વાતનો. રસ્તામાં અમને અનેક અનુભવો થયા જેમ કે એક વાર હથિયારબંધ કેટલાક માણસો દેખાયા તો એક વખત આગળ ખીણ આવી ગઈ અને અમને ખબર પણ ન પડી. ત્યારે એક વખત અમને એવો પણ અનુભવ થયો કે જાણે અમારી બાજુમાંથી કોઈ દોડતું પસાર થઈ ગયું. આવા તમામ અનુભવોની વચ્ચે અમે આખી રાત ત્ર્યમ્બકમાં પસાર કરી. સવાર થવામાં હતી ત્યાં કોઈ એક માણસ દેખાયો જેણે અમને રસ્તો બતાવ્યો અને અમે જંગલમાંથી બહાર નીકળી શક્યાં.’

lockdown columnists darshini vashi