શાંતિ સર્જનની પ્રક્રિયા છે

10 March, 2021 12:22 PM IST  |  Mumbai | Sejal Ponda

શાંતિ સર્જનની પ્રક્રિયા છે

શાંતિ સર્જનની પ્રક્રિયા છે

શું તમે ક્યારેય તમારી જાતને એક સવાલ પૂછ્યો છે કે અત્યારના સમયની જીવનની સૌથી મોટી જરૂરિયાત કઈ? આ પ્રશ્ન માટે દરેકનો જવાબ જુદો હોઈ શકે છે. ભલે હોય છતાં આપણે બધા એક કૉમન જરૂરિયાત જરૂર ઇચ્છીએ છીએ અને એ છે મનની શાંતિ. અત્યારના સમયની મહામૂલી મીરાત એટલે મનની શાંતિ.
આ મનની શાંતિ માટે આપણે કેટકેટલા ધમપછાડા કરીએ છીએ. જે ભીતર જ છે એને આપણે બહાર શોધીએ છીએ. બહારની તકલાદી ખુશીઓ આપનાર વસ્તુ અને વ્યક્તિઓ સાથે જોડાઈએ છીએ. અને ફરી હતા ત્યાં ને ત્યાં, કારણ કે શાંતિ ન તો વસ્તુ આપી શકે છે ન તો કોઈ વ્યક્તિ. શાંતિ આપણે જાતે જ નિર્માણ કરવાની હોય છે. શાંતિનું સર્જન આપણે જાતે જ કરવાનું હોય છે. શાંતિ સર્જનની પ્રક્રિયા છે.
જેમ આપણે આપણી ત્વચાની, આપણા વાળની આપણી હેલ્થની સંભાળ લેતા હોઈએ એમ આપણે આપણી મનની શાંતિની સંભાળ લેવી પડે છે.
આપણી આસપાસ રોજબરોજ એવી અનેક ઘટનાઓ બને છે જેનાથી આપણા મનમાં ઉચાટ રહ્યા કરે છે. બળાત્કાર, આત્મહત્યા, ખૂન સમાજમાં બનતી આ બધી ઘટનાઓ પર આપણો કાબૂ નથી હોતો; પણ એવા સમાચારથી મન જરૂર વિચલિત થઈ જાય છે. બહારની ઘટનાઓને કારણે મન વિચલિત થાય ત્યારે થોડાક સમય પછી એ મન ફરી પોતાની ઓરિજિનલ સ્થિતિમાં આવી જતું હોય છે. આપણે ફરી આપણી જિંદગીમાં ગુમ થઈ જીવવા લાગીએ છીએ.
મનની શાંતિ જ્યારે આપણા જ કહેવાતા લોકો દ્વારા વિચલિત થતી હોય ત્યારે? અપેક્ષા અને શાંતિને જબરદસ્ત વેર હોય છે. જેવી અપેક્ષા ફૂટી કે શાંતિ તરત પોતાનાં પગલાં પાછળ કરી દે છે. તો શું આપણા જ લોકો પાસે ક્યારેય કોઈ અપેક્ષા રાખવી જ નહીં? રાખવી, જરૂર રાખવી; પણ જો એ પૂરી ન થાય તો પોતાની જાતને એટલીબધી પીડા પણ ન આપવી કે મનની શાંતિ જ હણાઈ જાય. કોઈ પણ વ્યક્તિ આપણી બધી જ અપેક્ષા ક્યારેય પૂરી કરી શકવાની જ નથી. અપેક્ષા પૂરી ન થાય એ સમયે તરત મનમાં આક્રોશ અને ગુસ્સો પોતાની જગ્યા બનાવી લે છે અને ધીરે-ધીરે મનની શાંતિ હણાતી જાય છે.
બસ, આ જ સમય છે મનને જરા ધીર આપવાનો. આનંદ કે આક્રોશ જે પણ ભાવ મનમાં ઊભરાય એ સમયે સજાગતા ખૂબ જરૂરી છે. જીવનને ભલે ખુલ્લું મૂકી દઈએ પણ સભાનતા સાથે. જો સભાનતા હશે તો ખોટું શું, સાચું શુંનો ભેદ આપોઆપ સમજાતો જશે. મનની શાંતિ ભંગ કરતી બાબતોને કેટલી જગ્યા આપવી એ નક્કી કરવામાં સરળતા રહેશે.
શું કોઈ વ્યક્તિને લીધે આપણા મનની શાંતિ હણાય છે? અમુક ઘટનામાં આ પ્રશ્નનો જવાબ હા હોઈ શકે છે, પણ અમુક ઘટનામાં આ સવાલ આપણો જ ઊભો કરેલો હોય છે. વ્યક્તિ આપણા ધાર્યા મુજબ ન વર્તે એટલે તરત આપણી શાંતિ ડિસ્ટર્બ થવા લાગે.
જ્યારે આપણે આપણી જાતનો કન્ટ્રોલ બીજાને સોંપીએ છીએ ત્યારે આપણે આપણા મન પરનો કાબૂ ગુમાવી દઈએ છીએ. જ્યારે આપણે કહીએ છીએ કે આપણાં સુખ-શાંતિ બીજાને લીધે જતાં રહ્યાં ત્યારે ખરેખર મનની ભીતર ઝાંકવાની જરૂર છે.
જેણે-જેણે આપણા જીવનમાં બિનજરૂરી ડ્રામા ક્રીએટ કર્યા છે સૌથી પહેલાં તો એ દરેકને માફ કરી દો. માફી આપણા મનની શાંતિ માટે આપવાની હોય છે. નક્કી કરો કે આજ પછી મને આવા કોઈ ડ્રામાને ખેંચવામાં, એની ચર્ચા કરવામાં, એને પંપાળવામાં રસ નથી.
મનની શાંતિથી મહામૂલું રત્ન બીજું કોઈ નથી. મન શાંત હશે ત્યારે આપણે નવું સર્જન કરી શકીશું. નવી દિશા તરફ, નવા લોકો તરફ આગળ વધી શકીશું. એની એ જ બિનજરૂરી ચર્ચા, વિવાદમાં રચ્યાપચ્યા રહેવાથી આપણું આગળ વધવું શક્ય જ નથી. તોફાન આવે ત્યારે જીવનની અને જીવવાની દિશા બદલવી પણ પડે.
સમજો કે રોજ એવા વિવાદ ઊભા કરતા લોકો સાથે જ પનારો પડતો હોય તો? તો સૌથી પહેલાં તો એ વાતનો સ્વીકારભાવ જરૂરી છે. ઘણી વાર અંગત લોકો જ ઘાવ આપતા હોય છે, પણ એવા સમયે આપણે શું કરવું છે એ મહત્ત્વનું છે. જીવન છે તો ઘાવ પણ મળશે, છેતરાઈશું પણ ખરા, અપમાન પણ સહન કરવાં પડશે, પડીશું, આખડીશું આ બધું જ થવાનું છે. તો શું કરીશું? જે આવે એને જીવવાનું અને એવી સજાગતા રાખવાની કે મનની શાંતિને કાયમ માટે વિદાય નહીં આપીએ.
વિવાદ કરવો પડે ત્યારે વિવાદ કરી લેવો, ચર્ચા કરવી પડે ત્યારે ચર્ચા કરી લેવી પણ એ પછી એ વાતને લીધે આપણી શાંતિ ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. એ પરિસ્થિતિમાંથી મૂવ ઑન થઈ જવું. એટલે કે મને પરવા નથી એવા વિચાર પર પહોંચી જવું.
વાત સ્વાર્થી બનવાની નથી, પણ મનની શાંતિ તરફ આગળ વધવાની છે. વિખવાદ કે મનદુઃખવાળી પરિસ્થિતિની બહાર આવીને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે સમજાય છે કે એ પરિસ્થિતિને વધારે ખેંચવાની જરૂર નહોતી અને ન તો અત્યારે છે.
સૌથી વધારે મનની શાંતિ જો હણાતી હોય તો એ છે સંબંધોને લીધે. એનો અર્થ એવો બિલકુલ ન કાઢવો કે સંબંધોમાં જોડાવું નહીં કે સંબંધો ટકાવી રાખવા કોઈ જહેમત કરવી નહીં. પણ સંબંધો સાથે જીવતાં જો મનની શાંતિ જોઈતી હોય તો જતું કરવું એ ઉત્તમ વિકલ્પ છે. આ જતું કરવાનો વિકલ્પ એવા વર્ગ માટે છે જે શારીરિક કે માનસિક કોઈ પણ રીતે એકબીજાને નુકસાન પહોંચાડતા નથી. સંબંધોમાં શારીરિક કે માનસિક ત્રાસ માટે જતું ન જ કરાય.
આપણે માણસ છીએ એ ક્યારેય ન ભૂલવું. માણસ ભૂલ કરે, વિવાદ કરે, વિખવાદ કરે, બૂરું કરે અને માણસ જતું પણ કરે. આપણે શું કરવા માગીએ છીએ એ જાતને પૂછવું પડે. માણસ હોવું એટલે શું? માણસ હોવું એટલે પ્રેમ કરવો, સજા આપવા માટે તો ઈશ્વર બેઠો જ છે. કૅલેન્ડરની તારીખોમાં માણસની સારપ કે બુરાઈની નોંધ ક્યારેય લેવાતી નથી. એ તો માણસે જાતે લેવી પડે છે.
માણસ એકબીજાને ચાહી શકતો હોય તો ઉત્તમ અને જો ન ચાહી શકતો હોય તો તિરસ્કાર પણ ન કરવો જોઈએ. મનની શાંતિ માટે તિરસ્કાર નહીં પણ આવકારની આવશ્યકતા હોય છે. ધ્યાન અવસ્થા માટે જોઈતી શાંતિ પર્વતની ટોચ પર મળે છે. એમ માણસોની સાથે રહીને જોઈતી શાંતિ આપણા મનની તળેટીમાં મળે છે.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

શું કોઈ વ્યક્તિને લીધે આપણા મનની શાંતિ હણાય છે? અમુક ઘટનામાં આ પ્રશ્નનો જવાબ હા હોઈ શકે છે, પણ અમુક ઘટનામાં આ સવાલ આપણો જ ઊભો કરેલો હોય છે. વ્યક્તિ આપણા ધાર્યા મુજબ ન વર્તે એટલે તરત આપણી શાંતિ ડિસ્ટર્બ થવા લાગે. 

Sejal Ponda columnists