ઇકબાલને સંસદસભ્ય ભારત લઈ આવ્યો!

22 March, 2020 05:49 PM IST  |  Mumbai Desk | Vivek Agarwal

ઇકબાલને સંસદસભ્ય ભારત લઈ આવ્યો!

પ્રતીકાત્મક તસવીર

ઇકબાલ કાસકરનું ભારતમાં આગમન શું સંયોગ માત્ર હતો. શું ઇકબાલ તેની મરજીથી ભારત પાછો ફર્યો હતો. શું ઇકબાલ દાઉદના દબાણથી ભારત પાછો ફર્યો હતો. શું કોઈ કાવતરાના ભાગરૂપે ઇકબાલને ભારત મોકલવામાં આવ્યો હતો. શું સાચે જ ઇકબાલને દુબઈ પોલીસે પકડીને મોકલ્યો હતો. જ્યારે ઇકબાલને દુબઈથી ભારત મોકલવાનો મામલો સામે આવ્યો ત્યારે આવા સેંકડો સવાલોની વર્ષા થઈ.

માર્ચ ૨૦૦૩ની એક સવારે આ સમાચાર અખબારોનું મથાળું બન્યાં કે ‘એજાઝ પઠાણે સીબીઆઇ અધિકારીઓને જણાવ્યું કે ઇકબાલ કાસકરનું ભારત-પ્રત્યાર્પણ વાસ્તવમાં દાઉદ અને એક ભારતીય સંસદસભ્ય વચ્ચે થયેલી સોદાબાજીનું પરિણામ છે.’
એજાઝનો દાવો હતો કે જે સંસદસભ્યએ સોદાબાજી કરાવી એ સરકારનો હિસ્સો નહોતો. તેણે દાઉદને કહ્યું કે જો ‘ડી’ કે તેનો કોઈ અનુયાયી ભારત આવશે તો તેને જેલમાં મુશ્કેલી નહીં પડે, તેના પ્રત્યે કૂણું વલણ રાખવામાં આવશે. એજાઝના જણાવ્યા પ્રમાણે ડી-કંપનીના તમામ નાના સભ્યો પહેલાં ભારત પાછા ફરશે. એ સાચું પડ્યું. ઇકબાલ પહેલાં લગભગ એક ડઝન માણસો સાચે ભારત પાછા ફર્યા.
એજાઝે એવો પણ દાવો કર્યો કે તેઓ આવીને પરિસ્થિતિનો તાગ મેળવશે, પરિસ્થિતિને સાનુકૂળ કરશે, ત્યાર બાદ તમામ મોટા અને મુખ્ય સભ્યો આવશે અને એવું થયું પણ ખરું. સીબીઆઇ અધિકારીઓનું માનવું હતું કે એનાથી એક વાત સ્પષ્ટ થઈ કે ખાડીના દેશો ડી-કંપની માટે સુરક્ષિત નથી રહ્યા. શરદ શેટ્ટી હત્યાકાંડ પછી દુબઈમાં ડી-કંપનીના લગભગ ૩૦૦ સભ્યોની ધરપકડ થઈ હતી. સીબીઆઇએ સત્તાવાર રીતે એજાઝનાં નિવેદનો રેકૉર્ડ કર્યાં. એના આધારે “દાઉદ કે મુંબઈ પુલિસ સે સંબંધ” નામનો અહેવાલ તૈયાર કર્યો.
આ અહેવાલ આઇબીના વડા અને કેન્દ્રીય મુખ્ય ગૃહસચિવને દિલ્હી મોકલવામાં આવ્યો.
આ યાદીમાં આઇજી રૅન્કના એક નિવૃત્ત પોલીસ અધિકારી (જે હવે રાજકારણમાં સક્રિય છે), બે નિવૃત્ત એસીપી (જે પૈકીના એક થાણે ગુના શાખામાં જતાં પહેલાં ખાસ્સા સમય સુધી મુંબઈ પોલીસની ગુના શાખામાં રહ્યા છે તથા બીજા અન્ય ઝોનમાં જતાં પહેલાં ગુના શાખામાં તહેનાત હતા), બે નિવૃત્ત અધિક કમિશનર અને બે પોલીસ અધિકારીઓ (પશ્ચિમી ઉપનગરોના એક એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ અને પૂર્વીય ઉપનગરોના એક ઇન્સ્પેક્ટર)નાં નામ સામેલ હતાં.
એજાઝના મતે આ અધિકારી દાઉદના ‘પે-રોલ’ પર છે. તેમના પર સીબીઆઇએ નજર રાખી, પણ એ વાતને દોઢ દાયકો વીતવા છતાં કોઈની પણ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી.
બાતમીદારોની દુનિયામાં પોલીસ અને ડી-કંપનીના ગંદા જોડાણને કારણે જ કહેવામાં આવે છેઃ
- ભેળસેળવાળી સરકાર છે, ભાઈ, સાહેબોનો પણ રેકૉર્ડ જોઈને જ કામ કરવું, નહીં તો પોટલું બનતાં વાર નહીં લાગે.

vivek agarwal columnists weekend guide