પરેશ રાવલ રંગભૂમિનો સૌથી શ્રેષ્ઠ ઝળકતો, સહજ અને સમર્થ અભિનેતા

17 September, 2020 10:33 AM IST  |  Mumbai | Latesh Shah

પરેશ રાવલ રંગભૂમિનો સૌથી શ્રેષ્ઠ ઝળકતો, સહજ અને સમર્થ અભિનેતા

મહેન્દ્ર જોષી, પરેશ રાવલ

ગયા ગુરુવારની રીકૅપ...
૧૯૭૨-’૭૩માં એચ. આર. કૉલેજના પ્રિન્સિપાલ અડવાણીના હાથમાં ઝડપાયો અને તેઓ મને પ્રિન્સિપાલ કુન્દનાની પાસે લઈ ગયા. મારી હાલત કફોડી થઈ ગઈ.
બીજી બાજુ ૨૦૨૦-’૨૧માં મહેન્દ્ર જોષીની ગુણાનુવાદ સભામાં પુષ્કળ લોકો ઑનલાઇન ઝૂમ પર આવ્યા અને તેમણે બધાએ મહેન્દ્ર જોષી વિશેની અજાણી, ઘણી બધી વાતો શૅર કરી. એમાં મેં ગુજરાતી એકાંકીઓના તોખાર મહેન્દ્રની મારી સાથેની વાતો કહી. એમાં બ્રિટિશ લાઇબ્રેરીમાં મહેન્દ્ર બે નાટકની બુકો તફડાવતાં લાઇબ્રેરિયનના હાથે રંગેહાથ ઝડપાયો. લાઇબ્રેરિયન મહેન્દ્રને પોતાની ઑફિસમાં લઈ ગયો. હું તેમની પાછળ ઑફિસમાં ગયો. લાઇબ્રેરિયન કંઈ બોલે એ પહેલાં મહેન્દ્રએ પોતાની સફાઈ પેશ કરી, ‘સાહેબ, અમે થિયેટર કરીએ છીએ. બહુબધી ડ્રામા-કૉમ્પિટિશનમાં અલગ-અલગ નાટકો કરવાં પડે છે અને આટલાંબધાં નાટકો લાવવાં ક્યાંથી? અમે અંગ્રેજી નાટકોને ગુજરાતી ભાષામાં પૉપ્યુલર બનાવીએ છીએ.’ મહેન્દ્ર પોતાનાં બધાં નાટકોનાં નામ ધનાધન બોલી ગયો. એ પણ જેટલાં બ્રિટિશ નાટકો વાંચ્યા હતાં, જેટલાં ટાઇટલ્સ યાદ હતાં એ ભાંગીતૂટી ઇંગ્લિશમાં ફુલપ્રૂફ કૉન્ફિડન્સ સાથે બોલ્યો અને પછી અચાનક રડી પડ્યો અને ભાવવિભોર થઈને લાઇબ્રેરિયનને લાગણીશીલ બનાવી દીધો, ‘સાહેબ અમારે નાટકો કરવાં છે, પણ બુક્સ ખરીદવાના પૈસા ક્યાંથી લાવવા?’ ફરી આંખો વરસાદી કરી નાખી, એમાં લાઇબ્રેરિયન સાવ પલળી ગયો અને મહેન્દ્રને શાંત પાડ્યો. સોનેરી સલાહ આપીને છોડી મૂક્યો. અમે નીચે આવ્યા અને ગંભીર મહેન્દ્ર હસવા લાગ્યો.
વાર્તા કરવામાં હોશિયાર અને કૉન્ફિડન્સ સાથે ખોટું ઇંગ્લિશ સડસડાટ બોલવામાં પાવરધો મહેન્દ્ર કોઈને પણ કન્વિન્સ કરવામાં ચૅમ્પિયન હતો, કબીબાઈ સ્કૂલ, ફોર્ટનો સ્કૂલમાં સરળ ગુજરાતીમાં સરસ વાર્તાઓ વિદ્યાર્થીઓને સંભળાવવામાં. જ્યારે નાટકો નહોતો કરતો ત્યારે પણ બાહોશ ગણાતો. સ્કૂલમાં એક જ બેન્ચ પર રસિક દવે, મહેન્દ્ર જોષી, સુભાષ આસર અને કે. કે. ટેલરવાળા કેકે બેસતા. ચારેય જણે સ્કૂલમાં ક્યારેય નાટકો નહોતાં કર્યાં, પણ કૉલેજ આવીને ચારેય નાટકોમાં જોડાયા. રસિક અભિનેતા બન્યો. મહેન્દ્ર અવ્વલ નંબરનો ડિરેક્ટર બન્યો. સુભાષ આસર ગણનાપાત્ર સેટ-ડિઝાઇનર બન્યો અને કેકે નાટકના પુરુષ કલાકારોનો ટેલર બન્યો. મહેન્દ્ર જોષી દિગ્દર્શિત ‘તોખાર’ અને ‘ખેલૈયા’ સુપરહિટ પુરવાર થયાં. બન્નેમાં હીરો પરેશ રાવલ હતો, જે આજે બૉલીવુડનો બેસ્ટ ઍક્ટર ગણાય છે.
પરેશ રાવલ હમણાં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચૅરમૅન તરીકે નિયુક્ત થયો છે. અભિનંદન, પરેશ રાવલ.
પરેશ મૂળમાં ગુજરાતી રંગભૂમિનો જીવ. નસનસમાં અભિનય વહે. પરેશનું બીજું નામ આપવું હોય તો અભિનેતા આપી શકાય. હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી સ્ટેજ પરથી બહુ ઓછા ઍક્ટરો પરેશના લેવલ પર પહોંચ્યા છે. સોહરાબ મોદી, સંજીવ કુમાર અને પરેશ રાવલ જેવા ગુજરાતી રંગભૂમિના કલાકારો હિન્દી બૉલીવુડના અદ્વિતીય સિતારાઓ તરીકે ઝળક્યા. પરેશ રાવલ એક જ એવો ઍક્ટર છે જે ગુજરાતી લઢણમાં હિન્દી બોલીને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સુપરહિટ પુરવાર થયો. નૅશનલ અવૉર્ડ વિનર અને પદ્‍‍મશ્રી પરેશ રાવલ એમપી પણ બન્યો અને હવે ચૅરમૅન ઑફ એનએસડી બન્યો. હી ઇઝ ગ્રેટ અચીવર.
‘તોખાર’ તેનું લૅન્ડમાર્ક પ્લે. પરેશનો લાલ્યા તરીકેનો અભિનય આજે પણ આંખ સામે તરવરે છે. મેં એ નાટક લગભગ ૧૦થી વધારે વખત પરેશનો અભિનય જોવા માટે જ જોયું. મેં એનું પીટર શૅફર લિખિત ઓરિજિનલ વર્ઝન ‘એક્વસ’ ન્યુ યૉર્કમાં જોયું અને ફિલ્મ પણ જોઈ. ગુજરાતીમાં સિતાંશુ યશશ્ચંદ્રએ અદ્ભુત રૂપાંતર કર્યું, મહેન્દ્ર જોષીએ અકલ્પનીય રીતે ડિરેક્ટ કર્યું અને પરેશ રાવલે બિયૉન્ડ ઇમેજિનેશન, ઉત્કૃષ્ટ અભિનય આપ્યો. હું એટલે લતિયો, મહેન્દ્ર એટલે જોષિયો અને પરેશ એટલે પરિયો; અમે સમકાલીન હતા. એકબીજાને આ રીતે જ બોલાવતા. પરેશ, મહેન્દ્ર નાટ્યસ્પર્ધામાં એન. એમ. કૉલેજથી આવે અને હું અને તીરથ વિદ્યાર્થી કે. સી. કૉલેજથી આવીએ. તીરથ ઑલ્વેઝ બેસ્ટ ઍક્ટરનું પ્રાઇઝ લઈ જાય. અફસોસની વાત એ છે કે તીરથ પણ મહેન્દ્રની જેમ નાની ઉંમરે જ પ્રભુને પ્યારો થઈ ગયો. પરેશે મારા દિગ્દર્શન હેઠળ ‘પગલા ઘોડા’માં અરૂંધતી રાવ અને તીરથ વિદ્યાર્થી સાથે પાત્ર ભજવ્યું હતું.
અમારા આઇએનટીમાંથી નીકળ્યા બાદ એક સરસ ટીમ દિનકર જાનીના લીડરશિપમાં બની હતી. મારા કહેવાથી બધા ભેગા થયા.
દિનકર જાની, શફી ઈનામદાર, લતેશ શાહ, મહેન્દ્ર જોષી, પરેશ રાવલ, સમીર ખખ્ખર, તીરથ વિદ્યાર્થી અને હોમી વાડિયા.
મેં બધાને સાંકળીને એક નાટક બનાવ્યુ, એનું નામ ‘આપણું તો ભઈ એવું.’ મરાઠીમાંથી એનો અનુવાદ પરેશ રાવલ અને તીરથ વિદ્યાર્થીએ કર્યો. મેં અને હોમી વાડિયાએ એનું નિર્માણ કર્યું. મેં એ નાટક ડિરેક્ટ કર્યું. શફી ઈનામદાર અને હોમી વાડિયા તેમ જ યક્ષા ભટ્ટે એમાં ઍક્ટિંગ કરી. મહેન્દ્ર જોષીએ એમાં લાઇટ ડિઝાઇન અને ઑપરેટ કરી. શફીના પાત્રનું નામ સમીર ખખ્ખર આપ્યું. દિનકર જાનીએ ‘આપણું તો ભઈ એવું’માં બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ડિઝાઇન કર્યું. અમે બધાએ સાથે મળીને આઇએનટીમાંથી નીકળીને પ્રેક્ષકો સામે પ્રયોગાત્મક નાટક મૂક્યું અને નાટક હિટ પુરવાર થયું. અમારી ટીમ સફળ નીવડી.
એ પહેલાં પરેશ, મેં, મહેન્દ્ર, તીરથ, રસિકે ભવન્સ થિયેટર, ચોપાટીનાં પગથિયાં સામે આઇએનટીની વિરુદ્ધમાં રસ્તા પર મારું લખેલું નાટક ‘ગેલેલિયો’ ભજવ્યું. પરેશ એક વાર વાંચે એટલે તેને નાટક યાદ રહી જાય. તેની એલિફન્ટ મેમરી. નાનામાં નાની વાતો તેને યાદ રહી જાય. અમે બધા કે. સી. કૉલેજમાં ભેગા થઈએ. ઇપ્ટા ડ્રામા કૉમ્પિટિશનમાં અમે વિજેતા ગણાઈએ. સાગર સરહદીએ મને તેમની ફિલ્મ ‘બાઝાર’માં ચીફ અસિસ્ટન્ટ બનાવ્યો એટલે હું તેમની સાથે હૈદરાબાદ ઊપડી ગયો, જેમાં મેં સંજય ગોરડિયાને પ્રોડક્શન અસિસ્ટન્ટ તરીકે રખાવ્યો.
પરેશ એ જ પિરિયડમાં મહેન્દ્રથી થોડો નારાજ રહેતો હતો, કારણ કે મહેન્દ્રએ ‘તોખાર’ના હિન્દી વર્ઝનમાં પરેશની જગ્યાએ ફિરોઝ અબ્બાસ ખાનને લીધો અને... વધુ આવતા અંકે.

માણો અને મોજ કરો
જાણો અને જલસા કરો
સૂરજ તપતો હોય અને તાપ આકરો હોય ત્યારે વાદળોની વાટ ન જોવાય.  વરસાદને  સાદ દેવાય અને વરસાદ ન આવે તો તાપને સહન કરતા શીખી જવાય. ઊર્જા ઉત્પન્ન કરાય અને ધસમસતા એન્જિનની જેમ ધ્યેય તરફ ધસી જવાય. કુદરતમાં ખુદને રત કરીને રાતાચોળ થઈને પણ કર્મનિષ્ઠ રહેવું જરૂરી છે. ઑન ધ વે છત્રી શોધી લેવાય પણ અટકી ન જવાય. કોરોના કાળના બેબાકળા સમયમાં પણ આ જ શિરસ્તો રાખીને શિસ્તબદ્ધ રીતે પરિણામની ચિંતાનું બહાનું ધર્યા વગર આગળ વધો અને જલસા કરો.

shahlatesh@wh-dc.com

latesh shah columnists paresh rawal