કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન

08 July, 2020 09:29 PM IST  |  Mumbai | Pankaj Udhas

કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન

કૉલેજ સમયે સિન્ગિંગ માટે પહેલું ઇનામ મહાન સંગીતકાર શંકર-જયકિસનના હસ્તે મળ્યું હતું.

બધું મેળવી લીધા પછી પણ જો કંઈ યાદ આવે તો એ છે તમારું બચપણ અને તમારા કૉલેજના દિવસો. મને પણ એ જ યાદ આવે છે અને એ યાદ આવે ત્યારે અનાયાસ મારા મોઢે આ ગીતના શબ્દો આવી જાય છે

જ્યારે તમારી પાસે બધું હોય છે ત્યારે પણ કોઈ અભાવ તો રહી જ જતો હોય છે. આ જે અભાવ હોય છે એ અભાવ મોટા ભાગે તમને તમારા નાનપણ કે પછી કૉલેજના સમયનો વધારે લાગતો હોય છે. બહુ ઓછા લોકોને ખબર છે અને હવે તો જૂજ લોકોને યાદ રહ્યું હશે કે હું ભણવામાં હોશિયાર અને એક સમય હતો જ્યારે બધાને એવું લાગતું કે હું ખૂબ સારો સાયન્ટિસ્ટ બનીશ કે પછી ફાર્માસ્યુટિકલ ફીલ્ડમાં આગળ વધીને મારુ નામ રોશન કરીશ. નામ રોશન કરવાનું કામ તો કર્યું પણ એ બીજા જ ક્ષેત્રમાં થયું, મારા મનગમતા ક્ષેત્રમાં થયું. ગાવાનો શોખ મને બાળપણથી હતો. ૧૧ વર્ષની ઉંમરનો એક કિસ્સો મને દરેક નવરાત્રિએ યાદ આવી જાય છે. આટલા વર્ષની ઉંમરે મેં પહેલી વાર હજારોની ભીડ સામે સ્ટેજ પર ચડીને ગાયું હતું અને મારું ગીત સાંભળીને મને એક શ્રોતાએ ઑડિયન્સમાંથી આવીને ૫૧ રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું.
રાજકોટની આ વાત છે. એ સમયે હું રાજકોટમાં રહેતો અને ત્યાં જ ભણતો. નવરાત્રિના એક પ્રોગ્રામ દરમ્યાન જાગનાથ પ્લૉટમાં નવરાત્રિ થતી. જાગનાથ મહાદેવની નવરાત્રિ ખૂબ જ વખણાય અને મંદિર પાસે જ એ નવરાત્રિ થતી. હું તો નવરાત્રિ જોવા ગયો હતો, પણ ત્યાં જે હાજર હતા તેમને ખબર કે મારું ગળું સારું અને હું સારું ગાઉં એટલે મને સ્ટેજ પર એમ જ ચડાવી દીધો અને મેં બધાની હાજરીમાં ‘અય મેરે વતન કે લોગોં, જરા આંખ મેં ભર લો પાની...’ ગીત ગાયું. પહેલી વારનો એ મારો અનુભવ અને હાજર રહેલા હજારો લોકો ખુશ-ખુશ થઈ ગયા, જેમાંથી એક ભાઈએ આવીને મને ૫૧ રૂપિયાની ભેટ આપી. આજે લાખો-કરોડો રૂપિયાની ઇન્કમ વચ્ચે પણ આ ૫૧ રૂપિયા બહુ વહાલા લાગે છે. એ સમયે તો ૫૧ રૂપિયા પણ બહુ મોટા હતા, પણ એમ છતાં એમાં કંઈ મેળવ્યાની લાગણી હતી અને એમાં કંઈ હાંસલ કર્યાની ભાવના હતી. એ સમયે ગાવાનું કામ કર્યું એમાં જ બધી ખુશી આવી જતી હતી અને તો પણ ખૂબ જ આનંદ થયો હતો જ્યારે એ ૫૧ રૂપિયા હાથમાં આવ્યા હતા. સાચું કહું તો એવો આનંદ જીવનમાં ફરી ક્યારેય નથી આવ્યો. નવરાત્રિ આવે ત્યારે તરત જ આ કિસ્સો યાદ આવી જાય અને મનમાં એક જ ગીત વાગવાનું શરૂ થઈ જાય...
‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન...’
***
એ સમયની સંગીત માટેની જે ઘેલછા હતી, જે લાગણી હતી, જે પ્રેમ હતો એ આજ સુધી અકબંધ રહ્યો છે. રાજકોટ છોડીને મુંબઈ આવ્યો અને મુંબઈમાં અંધેરીમાં એમ. વી. સાયન્સ કૉલેજમાં ઍડ્મિશન લીધું. સાયન્સ સ્ટુડન્ટ. ભણવામાં હોશિયાર પણ ખરો અને એટલે જ સાયન્સ લીધું હતું. આ કૉલેજે મને એવા-એવા મિત્રો આપ્યા જેમની સાથે જિંદગીભર સંબંધો જોડાયા. આ કૉલેજે મારી ગાયકીને પણ નિખાર આપવાનું કામ કર્યું. આ કૉલેજમાં મારી સાથે ભણનારા મારા મિત્રોએ પણ પોતાના ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કર્યું અને કંઈક ને કંઈક બન્યા. આ કૉલેજના મારા એક મિત્ર, નામ તેમનું મનોજ દેસાઈ. તેમણે મને કહ્યું કે બૉમ્બે યુનિવર્સિટીમાં ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટી છે, જેમાં ખૂબબધા સારા અને ઊગતા કલાકારો ઍક્ટિવ છે. આપણે પણ કંઈ કરવું જોઈએ. મનોજે મને વાત કરી કે તરત જ હું તો તૈયાર થઈ ગયો. અમે બધા લોકલ ટ્રેનમાં બેસીને અંધેરીથી ચર્ચગેટ આવ્યા.
ચર્ચગેટમાં ‘બી’ રોડ પર યુનિવર્સિટીનું ક્લબ-હાઉસ છે. આજે પણ ત્યાં જ છે. આ ક્લબ-હાઉસમાં આવીને અમે ડિરેક્ટરને મળ્યા તો ખબર પડી કે ક્લબ-હાઉસમાં ચારથી પાંચ સોસાયટીની ખબર પડી. ફોટોગ્રાફિક સોસાયટી, ડ્રામા સોસાયટી. જેને માટે અમે આવ્યા હતા એ ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટી પણ ખરી. બધી સોસાયટીઓમાં પ્રવૃત્તિઓ
સતત ચાલે. મેં મારા ગાયકીના શોખની વાત કરી તો ડિરેક્ટરે મને કહ્યું કે તારે જોડાવું જ જોઈએ. ૧૯૬૯ની આ વાત. અમે બધા તો જોડાઈ ગયા અને પછી તો અમારી ઍક્ટિવિટી ચાલુ. આ જ અરસામાં ઇલેક્શન આવ્યું અને અમે તો ઇલેક્શનમાં પણ ઝંપલાવ્યું. મારો મિત્ર મનોજ દેસાઈ ઇલેક્શનમાં ચૅરમૅન તરીકે ચૂંટાયો અને હું વાઇસ ચૅરમૅન બન્યો અને પછી તો અમે વ્યવસ્થિત રીતે સોસાયટીમાં લાગી ગયા. કૉલેજ પૂરી થાય એટલે સીધા ‘બી’ રોડ પર આવી જવાનું અને બધી પ્રવૃત્તિઓ કરવાની. વર્ષમાં બે કાર્યક્રમો કરવાના અને એમાં પર્ફોર્મન્સ આપવાનું. આ જે કાર્યક્રમ કરવાના હોય એના આયોજનની જવાબદારી પણ અમારી. બધું અમે જ કરીએ અને એમાં મજા પણ અમને ખૂબ આવતી. આ આયોજન દરમ્યાન ઘણા નામી કલાકારો સાથે એ સમયના વિદ્યાર્થી કલાકારોને મળવાનું પણ બન્યું અને તેમની સાથે અમારા સંબંધો પણ ગાઢ બન્યા, જે સંબંધો આજે પણ જાળવી રાખવાની કોશિશ કરી છે. આગળ મેં કહ્યું એમ, આ મિત્રો પણ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ નામ કમાયા છે અને પોતપોતાની રીતે તેમણે પણ ઊંચાઈઓ સિદ્ધ કરી છે.
યુનિવર્સિટીના ક્લબ-હાઉસ સુધી મને લઈ જવાનું કામ જેણે કર્યું એ મિત્ર એટલે મનોજ દેસાઈ આજે ગેઇટી-ગૅલૅક્સી અને જેમિની તથા મુંબઈની શાન ગણાય એવા મરાઠા મંદિર થિયેટરનું સંચાલન કરે છે. અમિતાભ બચ્ચનનો સિતારો જે સમયમાં બુલંદીની શિખર પર હતો એ સમયે મનોજે તેમની સાથે ‘ખુદા ગવાહ’ ફિલ્મ બનાવી. આજે ફિલ્મો માટે જો કોઈ માહિતી જોઈતી હોય તો બધી ન્યુઝ-ચૅનલ સીધી મનોજભાઈની ઑફિસે પહોંચી જાય છે અને તેમની સામે કૅમેરા મૂકી દે છે. આ જ અરસામાં અમને એક બીજા મિત્ર પણ મળ્યા હતા. તેઓ ડ્રામા સોસાયટીમાં જોડાયેલા અને ડ્રામૅટિક સોસાયટીમાં પ્લે ડિરેક્ટ કરતા. જે ત્યાર પછી રંગભૂમિના ખૂબ જ સારા, જાણીતા અને પ્રખ્યાત નાટ્યકાર બન્યા. નામ તેમનું દિનકર જાની. તેમણે પોતાની મહેનતથી ખૂબ મોટું નામ કર્યું અને ખૂબ જ સારી નામના મેળવી. હમણાં ‍તેઓ કામની બાબતમાં થોડા વધારે પડતા ચૂઝી થઈ ગયા છે એટલે તમને એકધારાં તેમનાં નાટકો જોવા ન મળે એવું બને છે, પણ તેમનું નામ જે નાટકમાં લાગે એ નાટકમાં સોનામાં સુગંધ ભળી જવા જેવું બની જાય. આવા જ એક બીજા મિત્ર પણ મને યુનિવર્સિટીની ડ્રામા સોસાયટીમાં જ મળી ગયા, જે પછીથી કાયમી મિત્ર બની ગયા. એ નવજૂવાન કલાકાર અને ડિરેક્ટરની ખૂબ જ હસમુખ પ્રતિભા. નામ તેમનું સુરેશ રાજડા. આજનાં નાટકોમાં તેમનું ખૂબ મોટું નામ છે.
યુનિવર્સિટી ક્લબ-હાઉસના દિવસોમાં ધીમે-ધીમે એક્સપોઝર મળ્યું. આર્ટને નવા સ્તરે લઈ જવાનો અને એને નજીકથી જાણવાનો અવસર મળ્યો. મહેનત કરવાની અને ખૂબબધી નવી ઊંચાઈ હાંસલ કરવાની પ્રેરણા મળી. ૧૯૭૦માં મેં કૉલેજ બદલી અને મારું બીએસસી વિલ્સન કૉલેજમાંથી શરૂ કર્યું. અંધેરી બહુ દૂર પડતું અને એને લીધે સંગીતનું કામ થઈ શકતું નહીં એવું મને લાગતું એટલે જ આ કૉલેજ બદલાવી હતી, પણ ક્લબ-હાઉસની ઍક્ટિવિટી તો ચાલુ જ ને ચાલુ જ. સમય જતાં ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટીનો હું ચૅરમૅન બન્યો. મારી ચૅરમૅનશિપ ચાલતી હતી એ જ વર્ષમાં ક્લબ-હાઉસમાં એક મોટો કાર્યક્રમ કર્યો જેમાં એ સમયનાં ખ્યાતનામ અભિનેત્રી વૈજયંતી માલાને ચીફ ગેસ્ટ બનાવ્યાં હતાં. વિલ્સન કૉલેજમાં આવ્યા પછી તો એવો સમય આવ્યો કે યુનિવર્સિટીમાં થતા બધા જ પ્રકારના યુથ ફેસ્ટિવલ અને ઓપન કૉલેજ કૉમ્પિટિશનમાં ભાગ લેવાનું શરૂ કર્યું. મને યાદ છે કે એક કૉમ્પિટિશનમાં શંકર-જયકિશનના હસ્તે મને પહેલું ઇનામ મળ્યું હતું તો એક વખત એક કૉમ્પિટિશનમાં અમે બાંદરાની એક કૉલેજમાં અમે ભાગ લેવા ગયા હતા. ત્યાં અમને કહેવામાં આવ્યું કે પ્રખ્યાત ઍક્ટર જયંતના દીકરાના હાથે તમને ઇનામ આપવામાં આવશે. એ ઍક્ટર એટલે અમજદ ખાન, આપણા ગબ્બરસિંઘ. શંકર-જયકિશન હસ્તક મળેલો અને અમજદ ખાનના હસ્તે મળેલો અવૉર્ડ જ્યારે પણ યાદ આવે ત્યારે મારા બૅકગ્રાઉન્ડમાં ફરીથી પેલું ગીત વાગવા માંડે...
‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન...’

pankaj udhas columnists