મૈં તેરા હાય રે જબરા, હોય રે જબરા ફૅન હો ગયા

26 August, 2020 06:20 PM IST  |  Mumbai | Pankaj Udhas

મૈં તેરા હાય રે જબરા, હોય રે જબરા ફૅન હો ગયા

જેમણે અટક્યા વિના ૬૦,૦૦૦ વાર ગીત સાંભળ્યું અને જલંધરને પણ સંભળાવ્યું એ અરુણ ખુરાના સાથેની યાદગાર તસવીર.

હમણાં લૉકડાઉનમાં કશું કરવાનું હતું નહીં એટલે હું ફિલ્મો અને ગીતો સાંભળતો. આ પ્રવૃત્તિ દરમ્યાન મેં શાહરુખ ખાનની ફિલ્મ ‘ફૅન’ જોઈ. ફિલ્મના એન્થમની એક લાઇન છે, ‘મૈં તેરા હાય રે જબરા ફૅન હો ગયા...’
આ લાઇન એકદમ સાચી છે. તમને કોઈ ગમવા માંડે, તમે કોઈને ચાહવા માંડો એટલે પછી તમને એના સિવાય બીજું કોઈ દેખાય જ નહીં. એવું જ ફૅન્સનું પણ હોય છે. કોઈને તમારી ઍક્ટિંગ ગમે, ગાવાનું ગમે, ડાન્સ-પેઇન્ટિંગ ગમે અને પછી તેના એ કામને તે દિલોજાનથી પસંદ કરે. કેટલીક વાર કોઈ-કોઈ ફૅન તો જીવ દેવા સુધી પણ પહોંચી જતા હોય છે. આ વધુપડતું છે. બાકી બધા કલાકારોને પોતાના ફૅન્સ પર માન હોય જ છે અને પોતાની કલાના ફૅન હોય છે એટલે જ તો તેની કલાનું મૂલ્ય જળવાયેલું રહે છે એ પણ તેઓ સમજતા હોય છે.
મારી સંગીતની ૪૦ વર્ષની આ સુરીલી સફર દરમ્યાન મારી સાથે પણ ફૅન સાથે જોડાયેલા ઘણાબધા પ્રસંગ એવા બન્યા છે જે અદ્ભુત અને નિરાળા છે. એવા અનુભવો પણ થયા છે જે ફિલ્મોમાં પણ ક્યારેય જોયા ન હોય. વન ઑફ ઇટ્સ કાઇન્ડ ટાઇપના. આવા જ અનુભવોમાંથી એક અનુભવ તમારી સમક્ષ આજે મૂકું છું.
વાત છે ૧૯૯૫ની.
એ સમયે હું મારા કાર્યક્રમો અને મારા રેકૉર્ડિંગમાં અતિશય બિઝી રહેતો, જેને લીધે હું મોટા ભાગનો સમય ફોન પર આવતો જ નહીં. ડાયરેક્ટ ફોન મારે રિસીવ ન કરવા પડે એટલે મેં મારા ઘરમાં એક્સચેન્જ બોર્ડ મુકાવ્યું છે. ફોન આવે એટલે મારો માણસ ફોન ઉપાડે અને પછી ઘરમાં હું જ્યાં હોઉં ત્યાં એક્સટેન્શન પર ફોન આપે. એક સવારે ફોન આવ્યો અને માણસે લાઇન મારા બેડરૂમમાં ટ્રાન્સફર કરીને મને કહ્યું કે પંજાબના જલંધરથી મેયરનો ફોન છે. મેં માન્યું કે કોઈ ફેસ્ટિવલ હશે કે પછી મેયરનો ફોન છે એટલે મ્યુનિસિપલ કૉર્પોરેશનનો કાર્યક્રમ હશે એટલે ફોન કર્યો હશે. મેં ફોન લીધો અને મેયરસાહેબ લાઇન પર આવ્યા. મને કહે, ‘ઉધાસસા’બ એક બહોત બડી સમસ્યા આ પડી હૈ. સમાધાન આપ હી કર શકતે હો.’
મને તો નવાઈ લાગી. હું ગુજરાતી, મારે પંજાબ સાથે કંઈ લાગેવળગે નહીં તો પછી હું ત્યાંની સમસ્યાનું નિરાકરણ શું કરવાનો. નવાઈ વચ્ચે જે મેં તેમને આવું કહેવાનું કારણ પૂછ્યું અને તેમણે મને માંડીને વાત કરવાનું શરૂ કર્યું. જેમ-જેમ વાત સાંભળતો ગયો એમ મને ખરેખર આશ્ચર્ય થવા માંડ્યું. ઘટના પણ એવી જ હતી.
વાત જાણે એમ હતી કે જલંધરની મેઇન માર્કેટ વચ્ચે એક માણસની દુકાન હતી. માણસ યુવાન હતો. દરરોજ સવારે તે દુકાને આવે અને દુકાન ખોલીને તે એક ગીત વગાડવાનું શરૂ કરે. આખો દિવસ એક જ ગીત તેને ત્યાં વાગે. ટેપ-રેકૉર્ડરનો જમાનો હતો એટલે તેણે વારંવાર ગીત રિવાઇન્ડ ન કરવું પડે એ માટે એ એક જ ગીતની કેસેટ રેકૉર્ડ કરાવી લીધી હતી. ‘એ’ અને ‘બી’ એમ બન્ને સાઇડ પર એક જ ગીત વાગે. આખો દિવસ એ એક જ ગીત ફુલ વૉલ્યુમ સાથે ચાલુ રહે. ચાર-પાંચ મહિનાથી એનો આ જ નિત્યક્રમ હતો. આખો દિવસ દુકાને એક જ ગીત વાગે, પછી રાતે દુકાન વધાવીને તે ઘરે જાય અને ત્યાં પણ આ જ નિત્યક્રમ મુજબ ગીત ચાલુ કરી દે. આખી રાત ઘરે પણ આમ જ ગીત વાગતું રહે. ઘર અને દુકાનની આજુબાજુના લોકો ત્રાસી ગયા હતા. એકનું એક ગીત સાંભળીને હવે તેમને ગીત મોઢે થઈ ગયું હતું. ગમે એટલું સારું ગીત હોય તો પણ એક મર્યાદાથી વધારે વાર તમને સંભળાવે તો પછી એનો ત્રાસ છૂટવા માંડે. એ માણસ એ જ કરતો હતો. ગીત વગાડે અને પોતે પણ સાથે મોટા અવાજે એ ગીત ગાય.
એ માણસનું નામ અરુણ ખુરાના. શરૂઆતમાં બધાને મજા આવી, પણ પછી ધીમે-ધીમે કંટાળ્યા. અમુક સમજુ લોકો તેને રોકવા ગયા, પણ તેણે ચોખ્ખી ના પાડી દીધી. કહી દીધું કે આ ગીત આમ જ વાગશે. હવે આનું કરવું શું? કોઈ ગીત વગાડે તો આપણે મનાઈ પણ કેવી રીતે કરી શકીએ. કાયદો ક્યાંય તૂટતો ન હોય ત્યારે તેની સામે ગુનો પણ કેમ દાખલ કરવો. લોકોએ બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી, પણ આ ભાઈ માને જ નહીં, સવારથી રાત અને ઘરે રાતથી સવાર સુધીનું આ રૂટીન ચાલુ જ. પોલીસને જાણ કરી તો પોલીસે પણ એ જ કહ્યું કે આમાં કોઈ ગુનો તો છે નહીં. આમાં કેસ કેવી રીતે કરી શકાય, આઝાદ દેશના નાગરિકનો પૂરો હક છે કે તે પોતાની જગ્યામાં જે કરવા ધારે એ કરી શકે. તમે તેને અટકાવી ન શકો. સમય વીતતો ગયો અને લોકો થાકતા ગયા. બહુ સમજાવ્યો તેને, પણ માને જ નહીં. રસ્તો કાઢવા માટે આજુબાજુની દુકાનવાળાઓમાંથી એક સજ્જન અને ડહાપણવાળો માણસ અરુણ ખુરાનાને મળવા ગયો અને આવું કરતો તે બંધ થાય એને માટે શું કરવું એનું સૉલ્યુશન તેણે તેને જ પૂછ્યું. અરુણ ખુરાનાએ કહ્યું કે ‘જો પંકજ ઉધાસ જલંધર આવે અને ટેપ-રેકૉર્ડરનું સ્ટૉપનું બટન દબાવીને આ ગીત બંધ કરે તો હું આમ જોરજોરથી ગીત સાંભળવાનું બંધ કરી દઈશ. બધા મૂંઝાયા કે પંકજ ઉધાસને આ વાત પહોંચાડે કોણ? ફરી રસ્તો કાઢ્યો કે દુકાનોની જવાબદારી મ્યુનિસિપલ કૉર્પોરેશનની હોય એટલે બધા કૉર્પોરેશનના મેયર પાસે ગયા અને મેયરને કહ્યું કે તમે આમાં કોઈક રીતે હેલ્પફુલ થાઓ.
મેયરે મને ફોન કરીને આ કિસ્સામાં મદદરૂપ થવાનું કહ્યું અને ચોખવટ સાથે કીધું કે આવી રિક્વેસ્ટ યોગ્ય નથી, પણ જો તમે જલંધર આવો અને આવીને એ ભાઈનું ટેપ-રેકૉર્ડર બંધ કરો તો અમને બધાને શાંતિ થાય. મારે એવું કહેવું નહોતું, પણ નાછૂટકે મારે કહેવું પડ્યું કે હું એમ તો કેવી રીતે જલંધર આવી શકું. મારું શેડ્યુલ વ્યસ્ત છે, તમે મને બે-ચાર દિવસ આપો, હું શેડ્યુલ જોઈને તમને ફોન કરીશ. અમારી વચ્ચે નંબરની આપ-લે થઈ અને મેં ફોન મૂકી દીધો.
સાચું કહું તો હું એ પછી નવેસરથી કામે લાગી ગયો અને મનમાં આ કિસ્સો ચાલ્યા જ કરે. ખુશી પણ એટલી જ થાય. બહુ વિચારોની સાથે જ એક વિચાર એવો પણ આવ્યો કે બહુ સારાં નસીબ હોય, સારાં કાર્ય કર્યાં હોય તો કોઈને માટે આટલો અસીમ પ્રેમ કરનારો તમને મળતો હોય. આટલું બધું વારી જનારું તમને કોઈ મળતું હોય છે. અરુણ ખુરાના જેન્યુઇન માણસ છે, તેને મારા માટે ખૂબ પ્રેમ છે, મારા સંગીત અને મારી ગાયકી પ્રત્યે પ્રેમ છે, તે એવું કામ કરી રહ્યો છે જે જનરલી જોવા ન મળે. બસ, આ એક વિચાર સાથે જ મેં જલંધર જવાનું નક્કી કર્યું અને દિવસ નક્કી કરીને ત્યાંના મેયરને પણ જાણ કરી દીધી.
એ દિવસોમાં આટલી ફ્લાઇટ્સ નહોતી. ઇન્ડિયન ઍરલાઇન્સની એક જ સર્વિસ ચાલે. મુંબઈથી દિલ્હી ગયો અને ત્યાંથી લુધિયાણા ટ્રેનમાં ગયો. લુધિયાણામાં મારા બે ભાઈબંધ રહે. એક સરદારજી અને બીજો અરુણ ગુપ્તા. એ બન્ને મને લેવા આવ્યા અને અરુણની ગાડીમાં અમે જલંધર ગયા. ઍડ્રેસ તો પહેલેથી આપી દેવામાં આવ્યું હતું અને નક્કી કરેલી એક જગ્યાએ મેયર પોતે પણ રિસીવ કરવા આવ્યા હતા. મેયર મળ્યા અને એ પછી અમે સીધા ખુરાનાની દુકાને જવા માટે રવાના થયા. અરુણ ખુરાના મિડલ ક્લાસ માણસ. કોઈ એવો પૈસો-બૈસો નહીં, પણ દિલ તેનું ખૂબ મોટું. અરુણને પણ જાણ કરવામાં આવી હતી. અમે એ દુકાનનું પૂછતાં-પૂછતાં ત્યાં પહોંચ્યા. પહોંચ્યા તો જોયું કે ત્યાં તો ધમાલ મચી હતી. માણસોનાં ટોળાં અને ઢોલનગારાં સાથે બધી તૈયારી થઈ ગઈ હતી. મને હજી યાદ છે મેં બ્લેઝર અને જીન્સ પહેર્યાં હતાં. અમારું ભવ્ય સ્વાગત થયું અને એ બધું પૂરું થયું એટલે મને અરુણ અને મેયર ટેપ-રેકૉર્ડર પાસે લઈ ગયા. હું ત્યાં ગયો અને પછી મેં ધીમેકથી એનું સ્ટૉપનું બટન દબાવ્યું, ટેપ બંધ થઈ ગયું ત્યારે તાલીઓનો ગડગડાટ થઈ ગયો. લોકોને શાંતિ થઈ. ગીત બંધ થયા પછી અરુણે મને એક ચોપડી દેખાડી, જેનો ઉપયોગ એ લૉગબુક તરીકે કરતો હતો. આ લૉગબુકમાં તેણે નોંધ્યું હતું કે એ એક ગીત તેણે કેટલી વખત સાંભળ્યું છે. એ આંકડો હતો ૬૦,૦૦૦નો. એક ને એક ગીત ૬૦,૦૦૦ વખત તેણે સાંભળ્યું હતું, જે એક સાવ જુદા જ પ્રકારનો રેકૉર્ડ બન્યો. અરુણ જે સૉન્ગ સાંભળતો હતો એ સૉન્ગના શબ્દો હતા...
‘ના કજરે કી ધાર, ના મોતીયોં કે હાર,
ના કોઈ કિયા શ્રૃંગાર, ફિર ભી કિતની સુંદર હો...’
ફિલ્મ ‘મોહરા’નું આ ગીત મેં અને સાધના સરગમે ગાયું હતું. સૉન્ગના મેકિંગ અને એ બીજી વાતો કરીશું આવતા વીકમાં.

ગીત-બહાદુર: જેમણે અટક્યા વિના ૬૦,૦૦૦ વાર ગીત સાંભળ્યું અને જલંધરને પણ સંભળાવ્યું એ અરુણ ખુરાના સાથેની યાદગાર તસવીર.

pankaj udhas columnists