મોહરાનું એ ગીત ખરેખર ઇતિહાસસર્જક પુરવાર થયું

09 September, 2020 09:33 PM IST  |  Mumbai | Pankaj Udhas

મોહરાનું એ ગીત ખરેખર ઇતિહાસસર્જક પુરવાર થયું

ફિલ્મ ‘મોહરા’એ બૉક્સ-ઑફિસ પર બહુ સારો બિઝનેસ કર્યો તો સાથોસાથ એનું મ્યુઝિક પણ ધૂમ ચાલ્યું હતું.

ફિલ્મના જે ગીતે રેકૉર્ડ બનાવ્યો એ ગીત વર્ષો પહેલાં મુકેશજીએ ગાયું હતું, પણ અમુક કારણસર ફિલ્મ અટકી ગઈ અને સૉન્ગ ક્યારેય બહાર આવ્યું નહીં. આજે પણ મુકેશજીના અવાજનું એ સૉન્ગ યુટ્યુબ પર છે, તમે સાંભળી શકશો...

‘ના કજરે કી ધાર, ના મોતીયોં કે હાર,
ના કોઈ કિયા શ્રૃંગાર, ફિર ભી કિતની સુંદર હો...’
મેં ટેપરેકૉર્ડર સ્ટૉપ કર્યું અને પછી બધાએ તાળીઓ પાડી અને એ પછી અમે બધા શાંતિથી વાતો કરવા બેઠા. પત્રકારો એકત્રિત થઈ ગયા હતા. એ લોકો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા હતા. એ બધા પત્રકારોની હાજરીમાં જ મને અરુણ ખુરાનાએ તૈયાર કરેલી પેલી લૉગબુક દેખાડી, જેમાં તેણે એ ગીત દિવસમાં કેટલી વાર સાંભળ્યું એના આંકડા લખ્યા હતા અને દરેક પાના પર તેણે સરવાળો પણ માર્યો હતો. એ બધાનો ટોટલ થતો હતો અંદાજે ૬૦,૦૦૦નો. એક ને એક ગીત ૬૦,૦૦૦ વખત સાંભળવું એ ખરેખર બહુ મોટી વાત છે. તમને કોઈ મીઠાઈ ભાવતી હોય એટલે તમે એ વધારે ખાઓ એવું બની શકે, પણ આખો દિવસ અને પછી મહિનાઓ સુધી એ મીઠાઈ ખાઓ તો તમને એ ન ભાવે એ પણ સાચું જ છે, પરંતુ અરુણ ખુરાના સાથે એવું થયું નહોતું. એ તો આ ગીત જેમ-જેમ સાંભળે એમ વધુ ને વધુ પ્રેમમાં પડતો જતો હતો. સાચું કહું તો ગીત પણ હતું એવું જ.
આ ગીત જે ફિલ્મમાં હતું એ ફિલ્મનું નામ ‘મોહરા’. ૧૯૯૪માં આ ફિલ્મ રિલીઝ થઈ અને એ ફિલ્મ સુપરહિટ થઈ, સાથોસાથ ગીત પણ સુપરહિટ થયું. આ ગીત અપનેઆપમાં ઇતિહાસ રચવા માટે જ બન્યું હોય એવું ગીત હતું. ફિલ્મમાં આ ગીત મેં અને સાધના સરગમે ગાયું હતું. મ્યુઝિક વિજુ શાહનું હતું. વિજુ શાહ આપણા સુપ્રસિદ્ધ મ્યુઝિક-ડિરેક્ટર કલ્યાણજી-આણંદજી પૈકીના કલ્યાણજીભાઈના દીકરા.
૧૪ વર્ષની ઉંમરે હું મારા મોટા ભાઈ મનહરભાઈ સાથે પહેલી વાર કલ્યાણજીભાઈને મળ્યો હતો. પેડર રોડ પર ‘દેવ આશિષ’ નામના મકાનમાં તેઓ રહે અને પેડર રોડ પર જ આવેલા વિમલા મહેલમાં પહેલા માળે તેમની સીટિંગરૂમ હતી. અમે એ સીટિંગરૂમ પર જ ગયા હતા. અત્યંત ભવ્ય જગ્યા. જે સમયે હું મોટા ભાઈ સાથે તેમને મળવા ગયો એ સમયે કલ્યાણજી-આણંદજીનો ખૂબ જ મોટો સિતારો ચમકે. પ્રખ્યાતિની ચરમસીમા પર હતા તેઓ. અનેક અવૉર્ડ્સ જીતી ચૂક્યા હતા અને ખરું કહું તો મ્યુઝિકની દુનિયામાં તેમનો સિક્કો ચાલતો. ભારતીય સિનેમામાં ખૂબ જ ઓછા એવા સંગીતકારો હશે જેમની પાસે આટલી ટૅલન્ટ હશે. ખૂબ જ સુંદર ગીતો તેમણે આપ્યાં હતાં. તેમને મળ્યા પછી હું ખૂબ જ પ્રભાવિત થયો હતો.
અનેક વખત મને થયું હતું કે મને કોઈ વાર તેમની સાથે ગીત ગાવાનો મોકો મળશે કે નહીં? કલ્યાણજી-આણંદજી સાથે ગીત ગાવું, તેમના કમ્પોઝિશનમાં ગીત ગાવું એ મારા માટે સપનું હતું. મનહરભાઈએ તો તેમને માટે પુષ્કળ ગીતો ગાયાં હતાં, જે ખૂબ વખણાયાં હતાં પણ મને એવી તક ક્યારે મળશે અને મળશે કે નહીં એ મને હંમેશાં મનમાં રહ્યા કરતું. વર્ષો નીકળી ગયાં. વચ્ચે-વચ્ચે તેમને મળવાનું થયા કરતું. ગઝલની દુનિયામાં મારું નામ થયું, જે જોઈને તેઓ ખૂબ હરખાય પણ ખરા અને મળે ત્યારે કહે પણ ખરા કે પંકજ તમારી પ્રગતિ જોઈને ખૂબ-ખૂબ આનંદ થાય છે. જોકે એવા સંજોગો બન્યા નહીં કે તેમની સાથે ગાવા મળે અને એ પછી તો કલ્યાણજીભાઈએ વિદાય પણ લઈ લીધી.
તેજીથી વર્ષો નીકળી ગયાં અને એક સાંજે મને કલ્યાણજીભાઈના દીકરા વિજુનો ફોન આવ્યો. તેમણે મને મળવા બોલાવ્યો. અમે મળ્યા અને વિજુએ એક ગીત માટે મને કહ્યું. મેં તરત જ હા પાડી એટલે તરત જ અમે ગીતનું રિહર્સલ કર્યું. તેણે જે ટ્યુન બનાવી હતી એ પણ મને સંભળાવી. એ ટ્યુનમાં કર્ણપ્રિયતા હતી, મીઠાશ સાથેની એ ધૂન હતી. ઇન્દિવરજીએ આ ગીત લખ્યું હતું. આખું ગીત હિન્દીમાં, એમાં ક્યાંય ઉર્દૂ કે ફારસીનો એક પણ શબ્દ નહીં. વિજુએ મને કહ્યું કે આ ડ્યુએટ છે અને તમારી સાથે સાધના સરગમ ગાશે. મેં હા પાડી અને બીજા દિવસે અમે તાડદેવમાં આવેલા ફિલ્મ સેન્ટર નામના સ્ટુડિયોમાં મળ્યા. આ સ્ટુડિયોમાં જ આર. ડી. બર્મન અને કલ્યાણજી-આણંદજી મોટા ભાગે રેકૉર્ડિંગ કરતા. ટ્રૅક આખો તૈયાર હતો અને સાધના સરગમ પણ આવી ગયાં. અમે રિહર્સલ કર્યું અને પછી રેકૉર્ડિંગ શરૂ થયું. મોડી સાંજે ૯-૧૦ વાગ્યે કામ શરૂ થયું, જે વહેલી સવાર સુધી ચાલ્યું. મને પાક્કું યાદ છે કે મુંબઈમાં એ સમયે ઠંડક હતી અને બહાર નીકળ્યા પછી ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ફિલ્મના પ્રોડ્યુસર રાજીવ રાય, જેના પપ્પા ગુલશન રાય એક સમયના ખ્યાતનામ ફિલ્મ-ડિસ્ટ્રિબ્યુટર, એક્ઝિબિટર અને પ્રોડ્યુસર પણ ખરા. એ જ દિવસે મને ફિલ્મના નામની ખબર પડી હતી, ‘મોહરા.’
રેકૉર્ડિંગ થયું અને હાજર રહેલા સૌકોઈએ કહી દીધું કે ગીત ૧૦૦ ટકા સુપરહિટ છે.
૧૯૯૪માં ફિલ્મ રિલીઝ થઈ અને ગીત ખૂબ વખણાયું. એ પછી તો ગીતની ડિમાન્ડ મારા શોમાં પણ થવા માંડી. આટલાં વર્ષો થઈ ગયાં, પણ આજે પણ લોકોને આ ગીત સાંભળવાનું ગમતું હોય છે. રવિવારે સાંગલીમાં મારો એક કાર્યક્રમ હતો, ત્યાં પણ આ ગીતની ફરમાઈશ થઈ અને મેં આ ગીત ગાયું. મજાની વાત હવે આવે છે.
બહુ વખત પછી મને ખબર પડી કે આ ગીત હકીકતમાં તો કલ્યાણજી-આણંદજીની જ ટ્યુન સાથે તૈયાર થયેલું એક ગીત હતું, જે મુકેશજી પાસે ગવડાવવામાં આવ્યું હતું, પણ કોઈક કારણસર ફિલ્મ રિલીઝ ન થઈ શકી અને એ ગીત બહાર આવ્યું નહીં. બન્યું એવું હશે કે રાજીવ રાય અને વિજુ શાહે આ ટ્યુન સાંભળી હશે અને તેમને થયું હશે કે આ ગીતને ફરીથી રેકૉર્ડ કરીએ. એ સમયે મુકેશજી એકલાનું આ સૉન્ગ હતું, પણ પછી એને ડ્યુએટ બનાવવામાં આવ્યું. ઇન્દિવરને ફરીથી બોલાવવામાં આવ્યા અને તેમની પાસે ફીમેલ પાર્ટ લખાવવામાં આવ્યો. મુકેશજીના ઓરિજિનલ અવાજનું આ ગીત અત્યારે જો તમારે સાંભળવું હોય તો એ યુટ્યુબ પર છે, તમે એ સાંભળી શકો છો. મને તો ખુશી એ વાતની થઈ કે મુકેશજીએ જે ગીત ગાયું હતું એ ગીતમાં મુકેશજીને બદલે કોણ ચાલી શકે એવા વિચારોમાં મારું નામ સૂઝ્‍યું. બીજી ખુશી એ વાતની પણ કે કલ્યાણજી-આણંદજી સાથે એક ગીત ગાવાનું મારું સપનું હતું પણ એ કોઈક કારણસર અધૂરું રહી ગયું હતું. આ સપનું પૂરું થયું અને એ પૂરું થયાની જાણકારી પણ ખૂબ મોડી થઈ.
આ બધી વાતો પછી ફરીથી મૂળ વાત પર આવીએ. અરુણ ખુરાના. અરુણ ખુરાના જેવા ફૅન જીવનમાં જૂજ મળતા હોય છે અને સદ્નસીબે એ મળતા હોય છે. ૧૭ મે મારો જન્મદિવસ છે. આજે પણ અરુણ જલંધરમાં મારો જન્મદિવસ ઊજવે છે. આખા શહેરમાંથી બધા યંગસ્ટર્સને ઇન્વાઇટ કરે અને આ ગીત બધાને સંભળાવશે, એટલું જ નહીં, આ ગીત આજે પણ દરરોજ સવારે તે સૌથી પહેલાં સાંભળે છે. હું કહીશ કે આવી સદ્નસીબી ઈશ્વર બહુ જૂજ લોકોના નસીબમાં લખતો હોય છે, મારા નસીબમાં તેણે લખી છે એ વાતની મને ખુશી છે.

ઇતિહાસ-સર્જક- ફિલ્મ ‘મોહરા’એ બૉક્સ-ઑફિસ પર બહુ સારો બિઝનેસ કર્યો તો સાથોસાથ એનું મ્યુઝિક પણ ધૂમ ચાલ્યું હતું. એ સમયમાં રીમિક્સ મ્યુઝિક ખુદ મ્યુઝિક કંપનીઓ જ ઝંકાર બીટ્સના નામે રિલીઝ કરતી હતી.

pankaj udhas columnists