મૈં ભી મુંહ મેં ઝુબાન રખતા હૂં, કાશ પૂછો કિ મુદ્દા કયા હૈ

13 May, 2020 10:51 PM IST  |  Mumbai | Pankaj Udhas

મૈં ભી મુંહ મેં ઝુબાન રખતા હૂં, કાશ પૂછો કિ મુદ્દા કયા હૈ

સુરૈયાજીનું ઘર નરીમાન પોઇન્ટ પર હતું. એક સમય હતો જ્યારે મુંબઈમાં આટલી ગાડીઓ નહોતી અને તો પણ નરીમાન પૉઇન્ટ પર ટ્રાફિક ખૂબ રહેતો.

ગયા બુધવારે આપણે વાત કરતા હતા મુંબઈ યુનિવર્સિટી અને એની સાથે જોડાયેલી સોસાયટીની. હું ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટી સાથે જોડાયેલો હતો. એ સોસાયટી સાથે ત્યારે જેકોઈ જોડાયા હતા એમાંથી અમુક મિત્રો સાથે આજે પણ મારે રિલેશન છે. મળીએ ત્યારે એ જૂની વાતો યાદ કરીએ અને યુવાનીના એ સમયને ફરીથી તાજો કરીએ.

આલબમ લૉન્ચ કોની પાસે કરાવવું એની ચર્ચા ચાલતી હતી ત્યારે જ મને સુરૈયા યાદ આવ્યાં. આપ સૌ સુરૈયાજીને ઓળખો જ છો. ફેમસ સિંગર અને ખ્યાતનામ ઍક્ટ્રેસ. નવી જનરેશનના જેકોઈ તેમને ઓળખતા નથી તેમને કહેવાનું કે રેરલી કહેવાય એવું કૉમ્બિનેશન ઈશ્વરે તેમને આપ્યું હતું. ઈશ્વર અને સૌંદર્યનો અદ્ભુત સંગમ. સુરૈયાજી જેટલાં સુંદર સ્ક્રીન પર દેખાય એટલો જ સરસ તેમનો અવાજ. તમને અભિભૂત કરી દે, સંમોહિત કરી દેવાની પૂરી ક્ષમતા. સુરૈયાજીની એક ફિલ્મ ‘અનમોલ ઘડી’. આ ફિલ્મમાં તેમની સાથે સદીનાં મહાનાયિકા એવાં નૂરજહાં પણ હતાં. આ ‘અનમોલ ઘડી’નું સ્ક્રીનિંગ ફિલ્મ સોસાયટીના આ ઑડિટોરિયમમાં થયું હતું અને મેં એ ફિલ્મ એ ઑડિટોરિયમમાં જોઈ હતી. નૂરજહાં પણ બહુ સુંદર દેખાય, પણ ફિલ્મમાં મને સુરૈયાજીની ઍક્ટિંગ અને તેમની પ્રેઝન્સ ખૂબ પસંદ આવી હતી.
મારા મનમાં તેમની એ ‘અનમોલ ઘડી’વાળી છબિ કાયમ માટે અંકિત થઈ ગઈ હતી. એ ફિલ્મ પછી મેં સુરૈયાજીની દૂરદર્શન પર આવેલી ‘મિર્ઝા ગાલિબ’ જોઈ હતી, જેમાં સુરૈયાજી સાથે ભારત ભૂષણ હતા. આ ફિલ્મમાં સુરૈયાજીએ તલત મેહમુદ સાથે ગઝલ ગાઈ હતી, જેના શબ્દો હતા...
દિલ-એ-નાદાં તુઝે હુઆ ક્યા હૈ, આખિર ઇસ દર્દ કી દવા ક્યા હૈ
હમ હૈં મુશ્તાક ઔર વો બેઝાર, યા ઇલાહી યે માજરા ક્યા હૈ
મિર્ઝા ગાલિબની જ આ રચના હતી. શબ્દો વિશે તો શું કહેવાનું હોય, ગાલિબસાહેબ તેમના આ જ શબ્દોને કારણે ગઝલના શોખીન એવા જગતભરના લોકોમાં આજે પણ જીવે છે, પણ વાત કરીએ ફિલ્મ ‘મિર્ઝા ગાલિબ’ની તો મને આ ગઝલ ખૂબ ગમી હતી. ખાસ તો એટલા માટે આ રચના મને ગમી હતી કે હું પોતે ગઝલ સાથે જોડાયેલો રહ્યો છું અને ગઝલ મારું જીવન છે.
લૉન્ચિંગ માટે કોને બોલાવવા છે એની વાત ચાલતી હતી ત્યારે મેં મ્યુઝિક ઇન્ડિયાની માર્કેટિંગ ટીમને પૂછ્યું કે આપણે સુરૈયાજી પાસે આ આલબમ રિલીઝ કરાવીએ તો કેવું રહે?
એ લોકો છક રહી ગયા. બધાને ખબર હતી કે સુરૈયાજી એક સમયનાં ઇન્ડિયાનાં ટોચનાં ઍક્ટ્રેસ હતાં, બહુ સારાં સિંગર હતાં અને એટલે તેમને એ રીતે તો સુરૈયાજીના નામ સાથે કોઈ પ્રશ્ન હતો જ નહીં, પણ એ સિવાયના પણ અનેક મુદ્દાઓ એવા હતા જેને લીધે સુરૈયાજી જાહેરમાં આવવાનું બિલકુલ ટાળતાં. આમ જોઈએ તો એ પર્સનલ વાત છે પણ અત્યારે નીકળી છે તો તમને જરા એ પર્સનલ મુદ્દાની વાત પણ કરી દઉં. જગજાહેર છે અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મોટા ભાગના લોકોને ખબર છે કે આપણા જાણીતા ઍક્ટર દેવ આનંદને સુરૈયાજી માટે અનહદ પ્રેમ હતો અને સામે પણ એવું જ હતું. સુરૈયાજી દેવસાહેબને ખૂબ પ્રેમ કરે. વાત એ સ્તર સુધી પહોંચી ગઈ હતી કે બન્ને લગ્ન પણ કરવાનાં હતાં. સૌકોઈ જાણતા હતા કે સુરૈયાજી અને દેવસાહેબ લગ્ન કરશે જ કરશે. બન્નેએ એ સમયે જાહેરમાં પણ આ વાત સ્વીકારી હતી. હવે તો આ વાતને દસકાઓ વીતી ગયા છતાં તમે ગૂગલ પર સર્ચ કરશો તો અમુક કિસ્સા હજી પણ ત્યાં છે, જેમાં બન્નેએ સ્વીકાર્યું હોવાનો એકરાર હતો કે એ લોકો એકમેકને ખૂબ પ્રેમ કરે છે. બહુ સરસ જોડી લાગતી તેમની, પણ કમનસીબીએ ફૅમિલી-પ્રેશર વચ્ચે તેમનાં લગ્ન ન થઈ શક્યાં. આ વાતનો અફસોસ સુરૈયાજીને જિંદગીભર રહ્યો હતો.
સુરૈયાજીનું ઘર નરીમાન પોઇન્ટ પર હતું. એક સમય હતો જ્યારે મુંબઈમાં આટલી ગાડીઓ નહોતી અને તો પણ નરીમાન પૉઇન્ટ પર ટ્રાફિક ખૂબ રહેતો. આ ટ્રાફિક પાછળનું કારણ સુરૈયાજીનું ઘર હતું. લોકો તેમને એક વાર જોવા માટે રીતસર કલાકો સુધી ઊભા રહેતા. એક વાર, ફક્ત એક વાર સુરૈયાજીનાં દર્શન થઈ જાય તો લોકો પોતાની જાતને ધન્ય-ધન્ય માનતા. સુરૈયાજી તેમના અંતિમ સમય સુધી પોતાના એ જ ઘરમાં રહ્યાં જે ઘરે તેમનું સ્ટારિઝમ જોયું હતું.
સુરૈયાજી અને નૂરજહાં બન્નેની કરીઅર લગભગ એકસાથે શરૂ થઈ, પણ ભારતના ભાગલા પડ્યા પછી નૂરજહાં પાકિસ્તાન ગયાં એટલે સુરૈયાજી એકમાત્ર ઍસેટ્સ બચી આપણી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી પાસે અને સુરૈયાજીએ એનો સકારાત્મક લાભ પણ પુષ્કળ લીધો. બહુ ઓછા લોકોને ખબર છે કે સુરૈયાજીને બચપણથી કે. એલ. સૈગલ અને ખુરશીદ કાનનવાલાનાં ગીતો ખૂબ ગમતાં. તેઓ એ ગીતોને ગણગણતાં રહેતાં. તેમના અવાજની વાતો ધીમે-ધીમે સૌકોઈ સુધી પહોંચી અને લોકોએ તેમને ઘરે ગીતો ગાવા માટે બોલાવવાનું શરૂ કર્યું. સુરૈયાજી જતાં અને તેમની ગઝલોનો પ્રોગ્રામ સાંભળીને સૌકોઈ ખુશ થતાં.
સુરૈયાજીને શોધીને દુનિયા સમક્ષ મૂકવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ નૌશાદસાહેબ. સૌથી પહેલાં તેમને આ ઘર-મહેફિલની ખબર પડી અને નૌશાદસાહેબે સુરૈયાજીને પહેલી વાર સાંભળ્યાં. સુરૈયાજીને પહેલી વાર સાંભળ્યાના લગભગ ૪૦ જ દિવસમાં નૌશાદસાહેબે તેમની પાસે પહેલું ગીત ગવડાવ્યું. ફિલ્મ હતી ‘નયી દુનિયા’ અને વર્ષ હતું ૧૯૪૨નું. આ ફિલ્મમાં એક બૂટ-પૉલિશવાળા છોકરા પર સૉન્ગ પિક્ચરાઇઝ કરવાનું હતું. નૌશાદસાહેબે કહ્યું કે નાનો છોકરો તો નથી, પણ એક છોકરી છે. પ્રોડ્યુસરે ના પાડી, પણ નૌશાદસાહેબે બાંયધરી આપી કે દુનિયામાં કોઈને ખબર પડશે નહીં કે આ ગીત છોકરીએ ગાયું છે અને બન્યું પણ એવું જ. કોઈને ખબર પડી નહીં અને ત્યાં સુધી ખબર નહીં પડી જ્યાં સુધી નૌશાદસાહેબે આ વાતનો ફોડ પાડ્યો નહીં. એ ગીતના શબ્દો હતા, ‘બૂટ કરું મૈં પાલિશ, બાબુ બૂટ કરું મૈં પાલિશ...’
નૌશાદસાહેબ માટે સુરૈયાજી ગીતો ગાતાં ત્યારે તેઓ સ્કૂલમાં ભણતાં હતાં. ફ્લોરા ફાઉન્ટન પાસે ન્યુ ઇન્ડિયા હાઈ સ્કૂલ નામની સ્કૂલ હતી. પ્લેબૅક સિન્ગિંગ શરૂ થતાં સુરૈયાજીનું સ્કૂલમાં જવાનું અનિયમિત થવા માંડ્યું. ચારેક વખત ગેરહાજરી પછી સુરૈયાજીના પિતા જમાલ શેખને સ્કૂલના પ્રિન્સિપાલે બોલાવ્યા અને ચેતવણી આપી કે હવે તમારી દીકરી ગેરહાજર રહેશે તો તેનું નામ સ્કૂલમાંથી કાઢી નાખવામાં આવશે. જમાલ શેખે બાંયધરી આપી કે હવે દીકરી સમયસર સ્કૂલ આવશે પણ એમ છતાં અનિયમિતતા અકબંધ રહી, કારણ કે નૌશાદસાહેબ સુરૈયાજીમાં રહેલા મોટા સ્ટાર સિંગરને જોઈ ચૂક્યા હતા. ‘નયી દુનિયા’ પછી સુરૈયાજીએ બીજી ફિલ્મમાં ગીત ગાયું એ ફિલ્મ હતી ‘શારદા’.
સુરૈયાજી માટે ૧૯૪૯નું વર્ષ અત્યંત મહત્ત્વનું રહ્યું. એ એક વર્ષમાં તેમની ત્રણ ફિલ્મો આવી અને ત્રણેત્રણ ફિલ્મો સુપરહિટ થઈ. સુરૈયાજીએ રાતોરાત તેમની પ્રાઇસ ત્રણગણી કરી નાખી. આખું બૉલીવુડ એક જ વાત કરે કે જો ફિલ્મ હિટ કરવી હોય તો સુરૈયા તમારી ફિલ્મ સાથે હોવી જોઈએ. ૧૯પ૦ આવતાં-આવતાં તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે સુરૈયાજી હાઇએસ્ટ પેઇડ સ્ટાર બની ગયાં. મેલ ઍક્ટર કે સિંગર કરતાં પણ વધારે પેમેન્ટ સુરૈયાજી લે અને પ્રોડ્યુસર તેમને હસતા મોઢે પેમેન્ટ ચૂકવે પણ ખરા. તેમની મહેનત હતી. ઈશ્વર તેમના પર બધી રીતે મહેરબાન હતો. માત્ર કંઠથી જ નહીં, રૂપની દૃષ્ટિએ પણ તેમના પર ભગવાન મહેરબાન હતા અને સુરૈયાજી મહેનત પણ એટલી જ કરતાં હતાં. સુરૈયાજીનો સિતારો ચાલતો હતો અને ચાલી રહેલા આ સિતારા વચ્ચે જ તેમની ઓળખાણ દેવ આનંદ સાથે થઈ. સુરૈયાજી અને દેવ આનંદે પહેલી ફિલ્મ કરી ‘વિદ્યા’. આ ફિલ્મના સેટ પર દેવ આનંદ સામેથી સુરૈયાજીને મળવા ગયા હતા અને તેમણે પોતાની ઓળખ આપી હતી. દેવ આનંદે આ વાતનો ઉલ્લેખ પોતાના અનેક ઇન્ટરવ્યુમાં કર્યો છે, તો સુરૈયાજીએ પણ આ વાત ક્યારેય છુપાવી નથી.
સુરૈયાજીની આવી જ અજાણી વાતો, તેમનો અને દેવસાહેબનો સંઘર્ષ અને આલબમ-લૉન્ચની ઇવેન્ટની વધારે વાતો કરીશું આવતા બુધવારે. ત્યાં સુઘી ઘરમાં રહો, સુરક્ષિત રહો.

સુખદ સંભારણુંઃ સુરૈયાજી દેશની આઝાદી પછીનાં પહેલાં એવા સુપરસ્ટાર હતાં જેમની એક ઝલક જોવા માટે લોકો તેમના નરીમાન પૉઇન્ટના ઘરની બહાર કલાકો સુધી બેસી રહેતા. સુરૈયાજીના ઘર પાસે એટલો ટ્રાફિક જૅમ થતો કે મુંબઈ પોલીસે ત્યાં આઠ કર્મચારીની એક ટુકડી રાખવી પડતી, જે ટ્રાફિક દૂર કરવાનું કામ કરતી.

pankaj udhas columnists