ટ્રિપલ કૉન્સર્ટ અને એમાં આલબમનું લૉન્ચિંગ

06 May, 2020 08:52 PM IST  |  Mumbai | Pankaj Udhas

ટ્રિપલ કૉન્સર્ટ અને એમાં આલબમનું લૉન્ચિંગ

રેર કૉમ્બિનેશનઃ સુરૈયાજી પાસે સૌંદર્ય હતું તો એટલો જ અદ્ભુત અવાજ હતો. આ રેર કહેવાય એવું કૉમ્બિનેશન ઈશ્વર જૂજને જ આપે, સુરૈયા એ જૂજ પૈકીમાંનાં એક હતાં.

લંડનના એ રૉયલ આલ્બર્ટ હૉલનો આખો પ્રોગ્રામ અમે રેકૉર્ડ કર્યો એની જાણ ઇન્ડિયામાં મારું કામ જે કંપની સાથે ચાલતું હતું એ મ્યુઝિક ઇન્ડિયાને ખબર હતી. ગયા વીકમાં તમને કહ્યું એમ, આ મ્યુઝિક ઇન્ડિયા બહુ મોટી કંપની. એણે અનેક નવા ગઝલ-સિંગરો દેશને આપ્યા. મ્યુઝિક ઇન્ડિયાને અમારા આ રૉયલ આલ્બર્ટ હૉલના પ્રોગ્રામના સમાચાર પહેલેથી મળી ગયા હતા. તેમની સાથે મીટિંગ થઈ અને તેમણે મને કહ્યું કે આપણે આ લાઇવ પ્રોગ્રામની ઑડિયો-કૅસેટ માર્કેટમાં મૂકીએ, લોકોને ખૂબ ગમશે. મેં પણ સંમતિ આપી અને અમારું કામ શરૂ થયું. અહીં મારે તમને એક વાત કહેવી છે. ઘણા લોકો એવા હોય છે જેમને આ પ્રકારના લાઇવ શો સાંભળવા ખૂબ ગમતા હોય છે. આ પ્રકારના ઑડિયન્સનું એક આખું મોટું ગ્રુપ છે.
વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોમાં અમારું કામ શરૂ થયું. ખૂબ ટૅલન્ટેડ એવા ચીફ રેકૉર્ડિસ્ટ અને સાઉન્ડ-એન્જિનિયર દમન સૂદસાહેબ સાથે કામ કરવાની તક મળી અને તેમની આગેવાનીમાં આ આખા આલબમનું રિપેરિંગ-વર્ક થયું. બધું કામ પૂરું થયું એટલે મ્યુઝિક ઇન્ડિયાએ આલબમના માર્કેટિંગની તૈયારી કરી. આલબમને નામ આપવામાં આવ્યું લાઇવ ઍટ ધ રૉયલ આલ્બર્ટ હૉલ.
આ બધી પ્રોસેસ ચાલતી હતી એ દરમ્યાન મ્યુઝિક ઇન્ડિયાના ઑફિસરો સાથે પણ વારંવાર મીટિંગ ચાલ્યા કરે. બધા બહુ ખુશ હતા આલબમથી, બધાને બહુ મજા આવી હતી અને એમાં પણ ‘ચાંદી જૈસા રંગ હૈ તેરા...’ ગીતે તો બધાને ખુશ-ખુશ કરી દીધા હતા. મેં અગાઉ કહ્યું હતું એમ, એ ગીત સૌથી પહેલું લંડનની ટૂરમાં જ ઇન્ટ્રોડ્યુસ થયું હતું એટલે ઇન્ડિયામાં તો સૌકોઈ માટે સાવ નવું હતું. મ્યુઝિક ઇન્ડિયાને પૂરો ભરોસો હતો કે આ ગીત તહેલકો મચાવી દેશે, તોફાન મચાવી દેશે.
ઘણાં કામ વચ્ચે મારી એક મીટિંગ મ્યુઝિક ઇન્ડિયાના માર્કેટિંગ સ્ટાફ સાથે થઈ. એ લોકોને મૂંઝવણ હતી કે આ આલબમને લૉન્ચ કઈ રીતે કરવું. સામાન્ય રીતે તો આલબમ લૉન્ચ થઈ જતાં હોય અને પછી પેપર ઍડ કરીને બધાને જાણ કરવામાં આવે કે આવું નવું આલબમ આવ્યું છે. એ સમયે આટલી મ્યુઝિક ચૅનલો કે ન્યુઝ અને એન્ટરટેઇનમેન્ટ ચૅનલો નહોતી કે એનો પ્રમોશન માટે ઉપયોગ થઈ શકે. ચીલાચાલુ રીતે આલબમ લૉન્ચ કરવાને બદલે કંઈક જુદી રીતે એને લૉન્ચ કરવો એવું બધાનું માનવું હતું.
એ સમયે મેં એક નવો કન્સેપ્ટ શરૂ કર્યો હતો. પંકજ ઉધાસ ટ્રિપલ કૉન્સર્ટ. આ ટ્રિપલ કૉન્સર્ટનો આઇડિયા મુંબઈમાં ત્યારે ખૂબ પૉપ્યુલર થયો હતો. ટ્રિપલ કૉન્સર્ટ એના નામ મુજબ ત્રણ કૉન્સર્ટનો વિચાર હતો. એમાં અમે ત્રણ કૉન્સર્ટ કરતા. મુંબઈમાં ત્રણ કૉન્સર્ટ થાય. એક કૉન્સર્ટ થાય બિરલા માતોશ્રીમાં, તો બીજી કૉન્સર્ટ થાય વિલે પાર્લેના ભાઈદાસ ઑડિટોરિયમમાં અને ત્રીજો શો થાય ષણ્મુખાનંદ હૉલમાં. ઈશ્વરકૃપાથી આ ટ્રિપલ કૉન્સર્ટનો આઇડિયા બધાને બહુ ગમ્યો હતો અને એ હાઉસફુલ પણ જતો હતો. અનેક ટ્રિપલ કૉન્સર્ટ અમે કરી અને એ બધીમાં ઑડિટોરિયમ ફુલ થાય. લોકોને ટિકિટ ન મળે અને લોકો ઇન્ક્વાયરી કરે કે હવે પછી ટ્રિપલ કૉન્સર્ટ ક્યાં છે. આ ટ્રિપલ કૉન્સર્ટની ટિકિટ તમને છૂટી પણ મળે અને તમને ત્રણેત્રણ ઑડિટોરિયમની જોઈતી હોય તો એવી રીતે પણ મળે.
માર્કેટિંગ સ્ટાફ સાથેની મીટિંગમાં અમને વિચાર આવ્યો કે આલબમને એમ જ લૉન્ચ કરવાને બદલે આપણે ટ્રિપલ કૉન્સર્ટ કરીએ અને એ કૉન્સર્ટ દરમ્યાન આપણા ઑડિટોરિયમમાં આ રૉયલ આલ્બર્ટ હૉલના શોના આલ્બમને લૉન્ચ કરીએ. બધાને આઇડિયા બહુ સરસ લાગ્યો. હિન્દુસ્તાન અને ઇંગ્લૅન્ડનું ગજબનાક મિલન થવાનું હતું અને એ પણ સાવ અજાણતાં જ અને આખી ઘટના પૂરી થઈ ગયા પછી.
ઑડિટોરિયમનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું તો બીજી તરફ આલબમનું કામ પણ જોરશોરથી ચાલે. ઓરિજિનલ પ્રોગ્રામ મુજબ પહેલો શો બિરલા માતુશ્રીમાં કરવાનો હતો પણ ઑડિટોરિયમ અવેલેબલ ન હોવાને લીધે અમે બીજો ઑપ્શન પસંદ કર્યો અને સોફિયા કૉલેજનું ઑડિટોરિયમ ફાઇનલ કર્યું. ભાઈદાસ ઑડિટોરિયમ અને ષણ્મુખાનંદ હૉલ ફાઇનલ થઈ ગયાં એટલે અમે પેપરમાં ઍડ શરૂ કરી.
રિલીઝ ઑફ પંકજ ઉધાસ લાઇવ ઍટ આલ્બર્ટ હૉલ ઇન સોફિયા કૉલેજ.
આવી જ રીતે બીજી અને ત્રીજી ઍડ આવવાની શરૂઆત થઈ અને ત્યાં સુધીમાં તો બધામાં દેકારો બોલી ગયો. બધી જગ્યાએ એક જ વાત થાય કે આલ્બર્ટ હૉલનું એવું તે શું છે કે એનો આમ ખાસ આલબમ બન્યો છે. મેં તમને કહ્યું હતું એમ, આપણે ત્યાં એ સમયે આ પ્રકારના લાઇવ કૉન્સર્ટના આલબમની કોઈ સિસ્ટમ નહોતી. ફૉરેનમાં એવું થતું હતું. અમેરિકા અને કૅનેડામાં પૉપસ્ટારના લાઇવ શોનાં આલબમ માર્કેટમાં મૂકવામાં આવતાં હતાં, પણ ઇન્ડિયામાં એવી કોઈ મોટી શરૂઆત થઈ નહોતી. પંકજ ઉધાસ લાઇવ ઍટ આલ્બર્ટ હૉલ આલબમથી એ દિશાના દરવાજા ખોલવામાં આવ્યા હતા.
રિસ્પૉન્સ બહુ સારો મળ્યો, પણ એ રિસ્પૉન્સે એક નવો પ્રશ્ન મનમાં જન્માવી દીધો કે આ આલબમ રિલીઝ કરવા માટે બોલાવીએ કોને?
આ વિશે વિચાર શરૂ થયા અને ઘણાં સજેશન્સ પણ આવ્યાં. સિંગરોનાં નામ પણ આવ્યાં અને ઍક્ટરોનાં નામ પણ એમાં આવ્યાં પણ મને મજા આવતી નહોતી. બધું સુષ્ઠુ-સુષ્ઠુ લાગતું હતું. હું નામ વિચારતો હતો અને એવામાં અચાનક મને મારા યુનિવર્સિટીના દિવસોની યાદ આવી ગઈ, એ સ્મરણ ખૂબ જ સબળ રીતે આંખ સામે આવ્યું.
વાત ૧૯૭૦-’૭૧ના વર્ષની છે. બૉમ્બે યુનિવર્સિટીમાં ત્રણ-ચાર ફેકલ્ટી એટલે કે સોસાયટી હતી, ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટી, ડ્રામૅટિક સોસાયટી, ફિલ્મ સોસાયટી અને ફોટોગ્રાફી સોસાયટી. આ બધી મને યાદ છે. આના સિવાયની પણ સોસાયટી હોઈ શકે છે પણ એ મને અત્યારે યાદ નથી.
બૉમ્બે યુનિવર્સિટીની આ સોસાયટીમાંથી ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટીના ચૅરમૅન તરીકે હું સિલેક્ટ થયેલો. ચર્ચગેટ ‘સી’ રોડ પર યુનિવર્સિટીનું ક્લબ-હાઉસ છે. અમે બધા ત્યાં મળીએ. આ ક્લબ-હાઉસના પહેલા માળ પર એક સુંદર ઑડિટોરિયમ છે, ત્યાં અમારી બધી ઍક્ટિવિટી ચાલે. મુંબઈઆખાની બધી કૉલેજોમાંથી જે સ્ટુડન્ટને ગાતા આવડતું હોય, ડાન્સ આવડતો હોય એ બધા ત્યાં આવે અને અમારી ઍક્ટિવિટી ચાલ્યા કરે. અમે આખા વર્ષમાં ત્રણ પ્રોગ્રામ કરતા અને એ બધા પ્રોગ્રામની તમામ પ્રકારની જવાબદારી મારી. આ સોસાયટીનાં મારાં જે સંસ્મરણો છે એ ખૂબ જ સરસ છે. ભવિષ્યમાં આપણે એના વિશે ચોક્કસ વાત કરીશું અને હું તમને એ બધા દિવસોની વાતો કહીશ.
મુંબઈ યુનિવરર્સિટીની આ ડાન્સ ઍન્ડ મ્યુઝિક સોસાયટીમાં જે જોડાયેલા હતા એમાંથી અમુક મિત્રો સાથે આજે પણ મારે રિલેશન છે. મળીએ ત્યારે એ જૂની વાતો યાદ કરીએ અને યુવાનીના એ સમયને ફરીથી તાજો કરીએ.
અહીં મને સુરૈયા યાદ આવે છે. આપ સૌ સુરૈયાજીને ઓળખો જ છો. ફેમસ સિંગર અને ખ્યાતનામ ઍક્ટ્રેસ. નવી જનરેશનના જેકોઈ તેમને ઓળખતા નથી તેમને કહેવાનું કે રેરલી કહેવાય એવું કૉમ્બિનેશન ઈશ્વરે તેમને આપ્યું હતું. ઈશ્વર અને સૌંદર્યનો અદ્ભુત સંગમ. સુરૈયાજી જેટલાં સુંદર સ્ક્રીન પર દેખાય એટલો જ સરસ તેમનો અવાજ. તમને અભિભૂત કરી દે અને સંમોહિત કરી દેવાની પૂરી ક્ષમતા. સુરૈયાજીની એક ફિલ્મ ‘અનમોલ ઘડી.’ આ ફિલ્મમાં તેમની સાથે સદીનાં મહાનાયિકા એવાં નૂરજહાં પણ હતાં. આ ‘અનમોલ ઘડી’નું સ્ક્રીનિંગ ફિલ્મ સોસાયટીના ઑડિટોરિયમમાં થયું હતું અને મેં એ ફિલ્મ એ ઑડિટોરિયમમાં જોઈ હતી. નૂરજહાં પણ બહુ સુંદર દેખાય, પણ ફિલ્મમાં મને સુરૈયાજીની ઍક્ટિંગ અને તેમની પ્રેઝન્સ ખૂબ ગમતી હતી.
ટ્રિપલ કૉન્સર્ટમાં આલબમ લૉન્ચ કરવા માટે કોને આમંત્રિત કરવા એની વાતો વચ્ચે સુરૈયાજી મને શું કામ યાદ આવ્યાં એની વાતો આપણે આવતા બુધવારે કરીશું.

pankaj udhas columnists