ગઝલ સિમ્ફનીઃ કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાએ

11 November, 2020 10:14 PM IST  |  Mumbai | Pankaj Udhas

ગઝલ સિમ્ફનીઃ કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાએ

પંકજ ઉધાસ

મેં ગયા બુધવારે તમને કહ્યું હતું કે ગઝલની દુનિયામાં થનારા એક અદ્ભુત પ્રયોગની વાત આપણે આવતા સમયમાં કરીશું. એ વાત માટે હવે થોડા સમય માટે આપણે ‘ખઝાના’ની વાતને અટકાવીશું અને વાત કરીશું આપણે ગઝલ સિમ્ફનીની.
ગઝલ સિમ્ફની.
નવેમ્બર મહિનાની ૨૧મીએ શનિવારે, સાંજે સાડાઆઠ વાગ્યે હું એક કાર્યક્રમ રજૂ કરી રહ્યો છું ધી ગઝલ સિમ્ફનીના નામે. આ કાર્યક્રમ બહુ અનોખો છો, બહુ અલગ છે અને એ કાર્યક્રમ પાછળ એક બહુ જ સારો હેતુ છે, બહુ સારી ભાવના છે. દર વર્ષે હું થૅલેસેમિયા પીડિત બાળકો માટે ફન્ડ રેઇઝિંગ કાર્યક્રમ કરું છું. છેલ્લાં લગભગ ૨૦-૨૫ વર્ષથી. આપ સૌ જાણો જ છો અને મેં મારા જૂના આર્ટિકલમાં કહ્યું જ છે કે હું થૅલેસેમિયાની સંસ્થા પેરન્ટ્સ અસોસિએશન થૅલેસેમિક યુનિટ ટ્રસ્ટ (ટૂંકમાં કહીએ તો PATUT) સાથે છેલ્લાં ૩૩ વર્ષથી જોડાયેલો છું, જેના દ્વારા મેં થૅલેસેમિક બાળકોના ઇલાજ માટે અને બીજી ઘણી સારી પ્રવૃત્તિ માટે એકસરખું કામ કર્યું છે. આ વર્ષે કોવિડ આવી જવાને લીધે મારો આ ફન્ડ રેઇઝિંગ પ્રોગ્રામ નથી થઈ શકવાનો, પણ એનું આયોજન પહેલેથી જ થઈ ગયું હતું. મુંબઈના ષણ્મુખાનંદ ઑડિટોરિયમમાં એ ઇવેન્ટ પ્લાન કરેલી, જે ૨૭ નવેમ્બરે શુક્રવારે થવાની હતી, પણ હવે અમે એ નથી કરી શકવાના. કારણ તો આપ સૌ જાણો જ છો કે કોવિડની પરિસ્થિતિમાં ઑડિટોરિયમ ખૂલ્યાં નથી અને જ્યાં ખૂલ્યાં છે ત્યાં પણ અનેક પ્રકારની ગાઇડલાઇન વચ્ચે શો કરવાનું શક્ય નથી. આ કાર્યક્રમ નહીં થઈ શકવાને લીધે મને એક વસવસો રહેતો હતો, મનમાં ખટકતું હતું કે હવે સંસ્થા માટે ફન્ડ રેઇઝ કેવી રીતે કરવું. હંગામા ડિજિટલ નામનું બહુ પ્રખ્યાત એક ડિજિટલ પ્લૅટફૉર્મ છે, જેના સીઈઓ છે નીરજ રૉય. એમ જ વાત ચાલતી હતી ત્યારે મેં તેમને વાત કરી કે આ એક વાત મને ખટકે છે કે આપણે કેવી રીતે આ બાળકો સુધી સહાય લાવવાનો પ્રયાસ કરી શકીએ, કાર્યક્રમ કરી શકીએ?
નીરજ રૉયે તરત જ મને કહ્યું કે પંકજ, હંગામા ડિજિટલ પ્લૅટફૉર્મ સમાજસેવા માટે કટિબદ્ધ છે, પ્રતિબદ્ધ છે અને આ હંગામા ડિજિટલ તમને જે જોઈએ એ મદદ ચોક્કસ કરશે. વાત આગળ વધી એટલે તેમણે મને સજેશન કર્યું કે તમે વર્ચ્યુઅલ કૉન્સર્ટ કેમ નથી કરતા, તમારે એ કરવી જ જોઈએ.
મને થયું કે તેમની વાત તો સાચી છે. મેં એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને વિચારતાં-વિચારતાં મારા મનમાં કેટલીક વાતો તાજી થઈ.
અમારા સંગીતના ક્ષેત્રમાં ઇવેન્ટનો બહુ મોટો ફાળો હોય છે એ આપ સૌ જાણો જ છો. આવી જ એક ઇવેન્ટ કંપની છે, જેનું નામ પર્ફેક્ટ હાર્મની પ્રોડક્શન છે. પર્ફેક્ટના કર્તાધર્તા છે શ્રી અભિનવ ઉપાધ્યાય. અભિનવ ઉપાધ્યાય એક ખૂબ સારા તબલાવાદક, તેમણે વર્ષો સુધી જગજિત સિંહ સાથે સંગત કરી હતી, પણ એ પછી તેમણે ડાઇવર્સિફિકેશન અપનાવીને ઇવેન્ટની કંપની ચાલુ કરી. અત્યારે પર્ફેક્ટ હાર્મની ખૂબ મોટી અને ગણનાપાત્ર નામના ધરાવતી કંપની છે. આ પર્ફેક્ટ હાર્મનીએ ૨૦૧૮ના અંત ભાગમાં એટલે કે દોઢેક વર્ષ પહેલાં મારો એક કાર્યક્રમ, એક્સપરિમેન્ટલ શો કે પછી કહો કે કૉન્સર્ટ ષણ્મુખાનંદ હૉલમાં કરી હતી. મારી પ્રખ્યાત ગઝલો લઈ એ ગઝલોને અલગ રીતે રજૂ કરવાનો કાર્યક્રમ. અભિનવનો આ કન્સેપ્ટ હતો. તેણે મને કહ્યું કે હજી સુધી કોઈએ ગઝલ ફુલ સિમ્ફની ઑર્કેસ્ટ્રા સાથે નથી સાંભળી તો આપણે એવું કરીએ. ગઝલોના ટ્યુનને એ બધું એમ જ રહે, પણ મ્યુઝિક આપણે રીક્રીએટ કરીએ, નવેસરથી કરીએ અને એમાં આપણે વાયોલિન પ્લેયરથી માંડીને એકેક વાદ્યના પ્લેયરને હાજર રાખીએ. કહો કે આખું ઑર્કેસ્ટ્રા સાથે હોય અને આપણે એ રીતે ગઝલ રજૂ કરીએ.
આપ સૌ જાણો જ છો કે ગઝલના કાર્યક્રમ પાંચથી છ મ્યુઝિશ્યન હોય મારી સાથે પણ આમાં ૨૦-૨૫ મ્યુઝિશ્યન અને આખું એક સિમ્ફ‍નિક સાઉન્ડ સ્ટેજ પર હોય એવો તેમનો કન્સેપ્ટ હતો. નવું કરવા માટે હું તૈયાર હોઉં. વર્ષોથી નિયમ છે કે કોઈ દિવસ એક્સપરિમેન્ટ કરવામાં પાછું વાળીને જોવાનું નહીં હું પાછો પણ નથી પડ્યો કોઈ દિવસ. હું હંમેશાં તૈયાર જ હોઉં કશુંક નવું કરવા માટે એટલે મેં નક્કી કર્યું કે આપણે ચોક્કસ આ કરીએ. એ સમયે મેં અભિનવને પૂછ્યું કે આપણે જે સિમ્ફની છે એ કન્ડક્ટ કરવા માટે, સંયોજન કરવા માટે, મ્યુઝિક લખવા માટે અને બધાને કો-ઑર્ડિનેટ કરવા માટે કોઈ બહુ જ પ્રતિભાશાળી, ટૅલન્ટેડ મ્યુઝિશ્યન જોઈશે જે આ કાર્ય કરી શકે. તરત જ તેમના મનમાં એક નામ આવ્યું કે એક એવા કલાકાર છે જે આ આખી વાતને, આખી સિમ્ફનીને ખૂબ સારી રીતે ન્યાય આપી શકે.
બહુ જ મશહૂર અને કવ્વાલીના બહુ મોટા કલાકાર એવા શંકર-શંભુ. શ્રી શંકર અને શ્રી શંભુ બે ભાઈઓ, આખા હિન્દુસ્તાનમાં પ્રસિદ્ધ, એ શંકરજીના સુપુત્ર એટલે દીપક પંડિત. દીપકજી વર્ષોથી જગજિત સિંહની સાથે વાયોલિન વગાડતા અને એટલે અભિનવના પણ સંપર્કમાં. મૂળ વાયોલિનના કલાકાર અને એ સિવાય તેમણે મ્યુઝિક અરેન્જમેન્ટથી માંડીને સંગીતના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું. અનેક ફિલ્મોનું સંગીત આપ્યું, આલબમનું સંગીત કર્યું. જ્યારે તેમનું નામ સજેસ્ટ કરવામાં આવ્યું ત્યારે મને એક સેકન્ડ પણ વિચારવાની જરૂર ન પડી. દીપક પંડિત બહુ સક્ષમ કલાકાર. અમે નક્કી કર્યું કે આપણે આગળ વધીએ અને અમે દીપક સાથે વાત કરી. નક્કી થયું કે પહેલાં આપણે ગઝલો સિલેક્ટ કરીએ અને પછી દીપક એનું મ્યુઝિક તૈયાર કરે. અભિનવે મને કહ્યું કે આ કાર્યક્રમ જે સ્કૅલ પર છે એ સ્કૅલ પર જ એને રજૂ કરવો જોઈએ એટલે નક્કી થયું એને ષણ્મુખાનંદ હૉલમાં કરીએ.
દીપક પંડિતની સાથે ગઝલોનું સિલેક્શન થયું અને નક્કી કર્યું કે આપણે આ કાર્યક્રમ એક અલગ નવા ઢંગથી રજૂ કરીએ. મિત્રો, અહીં એક નાનકડો વિરામ લઈને જરા થૅલેસેમિયા વિશે વાત કરીએ.
થૅલેસેમિયા માટે અમારી સંસ્થાએ અઢી લાખથી વધારે બાળકોનું બ્લડ ચેક કર્યું છે. થૅલેસેમિયાની જાગરૂકતા માટે અમે અનેક કાર્યક્રમ કર્યા છે તો અમે ૨૫૦ની આસપાસ બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યા છે, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ એક એવી પ્રક્રિયા છે જેનાથી બાળકોને લાઇફટાઇમ થૅલેસેમિયાથી મુક્તિ આપી શકાય. બહુ મોંઘી મેડિકલ પ્રોસેસ છે આ, લગભગ ૧૨થી ૧૬ લાખ રૂપિયાનો ખર્ચ આવે, પણ અમે એ બધાની મદદ લઈને કર્યું છે અને ૨૫૦ જેટલાં બાળકો આજે સ્વસ્થ જીવન જીવતાં થઈ ગયાં છે. આ ઉપરાંત બ્લડ કૅમ્પ કરવાના. થૅલેસેમિયાનાં બાળકોને બોનટ્રાન્સ્પ્લાન્ટ કરવું હોય તો એના મૅચિંગ માટેનો એક કૅમ્પ હોય જેને એચએલએ કૅમ્પ કહેવાય. અમે એ કરીએ અને આના પણ અઢળક કૅમ્પ કર્યા છે. આ ઉપરાંત અનેક કાર્યક્રમો દ્વારા ફન્ડ રેઇઝ કરીએ. થૅલેસેમિયાની સમસ્યા બહુ ગંભીર છે અને ખાસ કરીને આપણા કચ્છી ભાઈઓ તો જાણતા જ હશે. કચ્છી ભાનુશાળી જે કમ્યુનિટી છે એમાં થૅલેસેમિયા જીનના કૅરિયર એટલે કે થૅલેસેમિયા લઈને આગળ વધે એવા લોકોનું પ્રમાણ મોટું છે. દુઃખની વાત એ જ છે કે જ્યારે બે કૅરિયરનાં લગ્ન થાય અને એનાં જે બાળકો આવે એમાંથી ૨૫ ટકા ચાન્સ એવો હોય કે એ બાળક થૅલેસેમિયા મેજર સાથે જન્મે, જે બાળકને જન્મના થોડા જ મહિના પછીથી બ્લડની જરૂર પડે અને બધી દવાની જરૂર પડે અને એ બાળકનું જીવન ૨૦-૨૫ વર્ષ કે ૩૦ વર્ષ છે એ કહેવું મુશ્કેલ છે એટલે આ દુખદ ઘટના છે.

કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાએ...

નિદા ફાઝલીના જ શબ્દોમાં કહું તો,
ઘર સે મસ્જિદ હૈ બહુત દૂર ચલો યું કર લે
કિસી રોતે હુએ બચ્ચે કો હંસાયા જાએ
પહેલી વાર થઈ રહેલો ‘ધી ગઝલ સિમ્ફની’ કાર્યક્રમ બિલકુલ નિઃશુલ્ક છે, પણ એમ છતાં આ થૅલેસેમિક બાળકોને ફંન્ડ પહોંચે એને માટે આપ સૌને નમ્ર અપીલ છે. ફન્ડ માટે કોઈ ચોક્કસ રકમ નથી. આપ ૧૦૦ રૂપિયાથી માંડીને યથાશક્તિ સહાય આપી શકો છો. ઑનલાઇન ડોનેશન માટે આપ કિટ્ટો ડૉટ ઑર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર જઈ શકો છો, લિન્ક આ મુજબ છેઃ

https://www.ketto.org/fundraiser/ghazal-symphony-by-pankaj-udhas-in-aid-of-thalassemic-children

pankaj udhas columnists