દિલોં કે રિશ્તે બહોત અજીબ હોતે હૈં સમઝ કે જાન કે હમને ફરેબ ખાયા હૈ

04 December, 2019 12:36 PM IST  |  Mumbai | Pankaj Udhas

દિલોં કે રિશ્તે બહોત અજીબ હોતે હૈં સમઝ કે જાન કે હમને ફરેબ ખાયા હૈ

રાજેન્દ્ર મહેતાની

આપણે છેલ્લાં બે અઠવાડિયાંથી વાત કરીએ છીએ રાજેન્દ્ર મહેતાની. રાજેન્દ્રભાઈ હંમેશાં સારા અને નવા કલાકારો માટે હાજરાહજૂર હોય. કોઈને પણ તેઓ મદદ કરે. બહુ ઓછા લોકોને ખબર છે કે આપણા ગઝલસિંગર જ્યારે મુંબઈ આવ્યા ત્યારે તેમને કોઈ ઓળખતું નહીં અને જગજિતસિંહને લઈને રાજેન્દ્ર મહેતા બધા પાસે લઈ ગયા હતા, રેકૉર્ડ કંપની સાથે પણ તેમણે ઓળખાણ કરાવી હતી. અમે શરૂ કરેલા ‘ખઝાના’ માટે હું તેમને મળવા ગયો ત્યારે પણ તેઓ રાજી થયા હતા અને તેમણે કહ્યું હતું, ‘પંકજ, તું ગઝલ માટે ખૂબ સારું કામ કરી રહ્યો છે. તું કહીશ ત્યારે હું આવીશ. ક્યાંય મૂંઝાતો નહીં અને આમ જ આગળ વધતો રહેજે.’
રાજેન્દ્ર મહેતા અને નીના મહેતા ‘ખઝાના’માં આવતાં અને પ્રેમપૂર્વક એમાં હિસ્સો લઈ બધા જ દિવસો હાજરી પણ પુરાવતાં. તમને ૨૦૦૧ની એક વાત કહું. એ સમયે ભારતીય વિદ્યાભવને ન્યુ યૉર્કમાં બહુ મોટા સ્કેલ પર લિંકન સેન્ટરમાં એક કાર્યક્રમ કરેલો, એનું નામ પણ ‘ખઝાના’ રાખ્યું હતું. ભારતીય વિદ્યાભવને મને જવાબદારી સોંપતાં કહ્યું હતું કે ‘ખઝાના’નું બધું કો-ઑર્ડિનેશન મને સોંપેલું, જેમાં મારે આર્ટિસ્ટ બધા સાથે વાત કરવાની હતી. જવાબદારી હતી એટલે મેં બધા સાથે વાત કરી, સમય મુજબ સૌકોઈને તૈયાર કર્યા અને હું અહીંથી ભાઈ અનુપ જલોટા, તલત અઝીઝ, અહમદ હુસેન-મોહમ્મદ હુસેન, રાજેન્દ્ર મહેતા, પિનાઝ મસાણી સહિત બધાને લઈને ગયો. અમે લોકો જતા હતા એ પહેલાં રાજેન્દ્ર મહેતાએ મને રૂબરૂ મળવાનું કહ્યું. સિનિયર, આદરણીય એટલે હું જ તેમને સામેથી મળવા ગયો. અમે મળ્યા ત્યારે રાજેન્દ્રભાઈએ મને નીરા સાથે ઓળખાણ કરાવી. નીરા રાજેન્દ્ર મહેતાની દીકરી. તેમણે કહ્યું કે નીરા ખૂબ સરસ ગાય છે. તમે તેને સાંભળો. વાતની મને કશી ખબર નહીં એટલે મેં નીરાને સાંભળી, બહુ સરસ અવાજ. રાજેન્દ્રભાઈએ કહ્યું કે મારી એવી ઇચ્છા છે કે તે આપણી સાથે અમેરિકા આવે અને ન્યુ યૉર્કમાં યોજાનારા ‘ખઝાના’ કાર્યક્રમમાં તે ગાય. મેં તરત જ હા પાડી દીધી. નીરાનો અવાજ બહુ સરસ હતો. રાજેન્દ્રભાઈએ નીરાનો અવાજ સંભળાવ્યો ન હોત તો પણ કોઈ વિરોધ ન થઈ શકે, કારણ કે તેઓ કલાપારખુ હતા, કલાના પ્રખર જાણકાર હતા. તેમણે માત્ર કહેવાનું હોય, અમારે તેમનો આદેશ માનવાનો હોય, પણ એમ છતાં તેમણે નીરાનો અવાજ સંભળાવ્યા પછી આ વાત કહી, જે દર્શાવે છે કે તેઓ ક્યાંય સિફારિશમાં માનનારા નહોતા.
નીરા અમારી સાથે અમેરિકા આવી. ન્યુ યૉર્કના લિંકન સેન્ટરમાં પ્રોગ્રામ કર્યો, જે બહુ સરસ થયો. નીરાએ ખૂબ સરસ ગાયું, સુરીલો અવાજ હતો તેનો અને એવું જ હોય. પેરન્ટ્સ બન્ને બહુ સારા સિંગર એટલે એ કળા તેને લોહીમાં મળી હોય. નીરા માટે તેમને ખૂબ જ પ્રેમ. દીકરીઓ આમ પણ બધાને ખૂબ વહાલી હોય એમાં નીરાની તો વાત જ શું કરવાની. તે ટૅલન્ટેડ પણ એટલી અને વાચાળ પણ એવી જ. પરાણે વહાલી લાગે એવી. નીરાનું નામ કેવી રીતે પડ્યું હતું એ પણ તમને સમજાતું હશે. રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાના નામમાંથી પહેલો-પહેલો અક્ષર લઈને નીરા નામ રાખવામાં આવ્યું હતું નીના મહેતામાંથી ‘ની’ અને રાજેન્દ્રભાઈનો ‘રા’, નીરા.
આ ‘ખઝાના’ પછી અમે અમારા ‘ખઝાના’ સમયે મળ્યા અને પછી તો સમયાંતરે તેમને મળવાનું રહ્યા કરતું. રાજેન્દ્રભાઈના સ્વભાવ વિશે મેં તમને કહ્યું હતું. તેમને શેર મોઢે હોય, કહ્યું હતું એમ યોગ્ય સમયે ચોટદાર રીતે એ શેર ટાંકે અને એ સાંભળીને તમારા મોઢામાંથી વાહ નીકળી જ જાય. રાજેન્દ્ર મહેતાની બીજી વાત કહું તમને. એ હ્યુમરસ પણ એવા જ. તેમની સેન્સ ઑફ હ્યુમર ગજબનાક હતી. દરેક વાતને હળવાશ અને મજાકથી લે. અમે બધા વાતો કરતા કે આ કપલ અને તેમની દીકરી કેટલી સરસ રીતે જીવે છે. આ જ રીતે જીવવું જોઈએ. તમને એક નાનકડી વાત કહું. એક વખત તેમની ફોન પર એક સાથીકલાકાર સાથે વાત ચાલતી હતી. તેમણે એ સાથીકલાકારને આગ્રહ કર્યો કે ઘરે આવે પણ પેલા ભાઈ કામમાં હશે એટલે તેમણે કહ્યું કે પછી મળીશું. તો રાજેન્દ્રભાઈએ હસતાં-હસતાં કહ્યું કે વાંધો નહીં, આજની રાત ભૂખ્યો રહીશ, તમે આવશો ત્યારે જમીશું. પેલા ભાઈએ ખુલાસો કરવા કહ્યું એટલે રાજેન્દ્રભાઈએ કહ્યું કે આ તો શું કે તમે આવો તો મને પણ પૂરી ખાવા મળેને, બાકી મને પૂરી ખાવા ઘરમાં કોઈ આપતું નથી.
વાત બહુ નાની લાગે, પણ એ જે સમયે કહેવાતી હોય એ સમયે તમને હસવું આવ્યા વિના રહે નહીં. પેલા જે સાથીકલાકાર હતા તેમણે બધાં કામ પડતાં મૂક્યાં અને તેઓ રાજેન્દ્રભાઈના ઘરે જમ્યા. ‘ખઝાના’ દરમ્યાન પણ અમે બધા ખૂબ આનંદ કરતા અને મજાથી એકબીજાની કંપની માણતા. હું કહીશ કે એ અમેરિકાના ‘ખઝાના’ના દિવસો તેમના ખુશહાલ અને ખૂબ સારા દિવસો હતા. ૨૦૦૧ના અરસાની એ વાતો. એ સમય લગભગ ૬-૭ વર્ષ ચાલ્યો હશે, પણ એક દિવસ મને રાજેન્દ્રભાઈનો ફોન આવ્યો.
જો હું ભૂલતો ન હોઉં તો એ ૨૦૦૭નું વર્ષ હતું. મને ફોન પર કહે, ‘પંકજ તું ઘરે આવને, આપણે બેસીએ.’ તેમનો અવાજ ધીમો હતો અને એમાં દર્દ હતું. રાજેન્દ્રભાઈ સામાન્ય રીતે આવી રીતે વર્તે નહીં. તેમના અવાજમાં ઉષ્મા હોય, ઉત્સાહ હોય, લાગણી હોય. મેં તેમને પૂછ્યું તો થોડી વાર પછી તેમણે કહ્યું કે નીરા, તેમની દીકરીની તબિયત સારી નથી રહેતી હમણાં. અનફૉર્ચ્યુનેટલી નીરાનાં લગ્નમાં પણ કંઈક તકલીફ થઈ હતી એટલે તે ઘરે પાછી આવી ગઈ હતી.
મેં અને મારી વાઇફ ફરીદાએ નક્કી કર્યું અને અમે બન્ને તેમના ઘરે ગયાં. ઘરે પહોંચ્યા ત્યારે ખબર પડી કે નીરાને કૅન્સર ડાયગ્નોસ થયું હતું. અમે બન્ને હેબતાઈ ગયાં. નીરાની કોઈ એવી ઉંમર નહોતી, માંડ ૩૦-૩૨ વર્ષ તેણે પાર કર્યાં હશે અને એ ઉંમરમાં કૅન્સર. જે દીકરી જીવ સમાન હતી, જે દીકરી વિના તેમને ચાલતું નહોતું એ દીકરી આ રીતે માંદગીના બિછાને હતી અને રાજેન્દ્રભાઈ મજબૂત બનીને, સ્ટ્રૉન્ગ બનીને દીકરી સામે ઊભા રહેતા હતા, પણ પછી જ્યારે એકલા પડે ત્યારે અમારા જેવા તેમના મિત્ર કે સ્નેહી પાસે આવે, સાથની અપેક્ષા રાખે. એક જ વર્ષ, નીરાને કૅન્સર એટલી હદે સ્પ્રેડ થઈ ગયું હતું કે એ એક જ વર્ષમાં બધું છોડીને ચાલી ગઈ.
નીરાના અવસાનનો આઘાત એટલો જબરો હતો કે રાજેન્દ્રભાઈ અને નીનાબહેન બન્ને હતપ્રભ થઈ ગયાં. તેમણે ક્યારેય આવું સપનામાંય ધાર્યું નહીં હોય કે આ રીતે દીકરી તેમને છોડીને ચાલી જશે. આમ પણ બન્ને અમુક અંશે એકલાં પડી ગયાં હતાં. એક દીકરો ખરો નીરજ, પણ નીરજ તો વર્ષો પહેલાં બિઝનેસના કામને લીધે દુબઈ સેટલ થઈ ગયો હતો. અહીં દીકરી નીરા જ હતી અને નીરા સાથે બન્નેને લાગણીઓ પણ વધારે. મેં કહ્યું એમ, દીકરીઓ હંમેશાં માબાપની વધારે નજીક હોય એવી રીતે. નીરાના અવસાન પછી તેમની એકલતામાં વધારો થયો. અમે તેમને ખૂબ કૉન્ફિડન્સ આપતાં, કહેતાં કે બધું સારું થઈ જશે, ઠીક થઈ જશે, પણ કહેવું અને વાસ્તવિક બનવું એ બન્ને વચ્ચે તફાવત છે. હું જોતો હતો કે નીરા ગઈ એ પછી વધારે ને વધારે અંદરથી તૂટવા માંડ્યાં હતાં. તેમની તબિયત વધારે ખરાબ રહેવા માંડી હતી અને અંતે નીનાબહેને પણ રાજેન્દ્રભાઈનો સાથ છોડી દીધો. ૨૦૧૧માં નીનાબહેનનું અવસાન થયું.
નીરા અને નીનાબહેનના અવસાન પછી રાજેન્દ્રભાઈ એક ગઝલ બહુ ગણગણતા. તેમણે જ એ ગઝલ ગાઈ હતી...
ગમોં કી રાત, તન્હાઇયોં કા સાયા હૈ
કિસી કી યાદને એક બાર ફિર બુલાયા હૈ

pankaj udhas columnists