પંકજ, અબ મેરા હાથ ઇસ પર બૈઠ ગયા હૈ...

19 August, 2020 04:47 PM IST  |  Mumbai | Pankaj Udhas

પંકજ, અબ મેરા હાથ ઇસ પર બૈઠ ગયા હૈ...

મહેંદી હસન

જો મારા આઇડલ વિશે મારે કહેવાનું હોય તો હું બે નામ ગણાવીશ અને એમાં પહેલા નંબર પર બેગમ અખ્તરનું નામ મૂકીશ અને બીજા નંબરે મહેંદી હસનનું નામ. મારા દુર્ભાગ્ય કે મને ક્યારેય બેગમ અખ્તરને મળવા ન મળ્યું, પણ એમ છતાં તેમની પાસેથી હું ઘણું શીખ્યો છું. હું અગાઉ અનેક વખત કહી ચૂક્યો છું કે બેગમ અખ્તરને કારણે જ મને ગઝલ પ્રત્યે રુચિ જાગી અને એ રુચિ પછી જ હું ગઝલની દુનિયામાં ધીમે-ધીમે આગળ વધ્યો. એ પહેલાં તો મને તબલાં વગાડવાનું ખૂબ ગમતું. કોઈ પણ ચીજ હાથમાં આવે એને હું તબલા બનાવીને મચી પડતો. તબલાં શીખવા માટે પણ હું ગયો અને થોડો સમય તબલાં શીખ્યો પણ ખરો, પણ રેડિયો પર બેગમ અખ્તરને સાંભળ્યા પછી બધું બદલાઈ ગયું. બેગમ અખ્તરને એક વખત રૂબરૂ મળવું, તેમની પાસેથી આશીર્વાદ લેવા એ મારું સપનું હતું, પણ હું ગાયકીને કરીઅર બનાવું કે એના વિશે વિચાર પણ કરું એ પહેલાં જ તેમનું અવસાન થઈ ગયું. મને યાદ છે કે કૉલેજના એ દિવસો હતા. હું મુંબઈ આવી ગયો હતો અને એ જ ગાળામાં તેમનો દેહાંત થયો હતો. મારું ભણવાનું ચાલતું હતું ત્યારે. એ સમયે મોબાઇલ કે ટીવીનો જમાનો નહોતો કે તરત જ તમને ન્યુઝ મળી જાય, પણ રેડિયો પર ન્યુઝનું ચલણ હતું. કૅન્ટીનમાં, હોટેલમાં, ચાની લારી પર અને એવી બધી જગ્યાએ રેડિયો ચાલુ હોય અને એ રેડિયો પર થોડી-થોડી વારે ન્યુઝ આવતા હોય.
બેગમ અખ્તર ગુજરી ગયાં એના સમાચાર મળ્યા ત્યારે મને બહુ દુઃખ થયું હતું. જેમને તમે ગુરુ માન્યાં હોય, જેમની પાસેથી તમને પુષ્કળ શીખવા મળ્યું હોય અને એકલવ્યની જેમ તમે શીખ્યા પણ હો તો એ વ્યક્તિના દેહાંતના સમાચાર તમને અંદરથી અપસેટ કરી દે. હું આ સમાચાર સાંભળીને અપસેટ થયો હતો અને એટલે જ જ્યારે મને મહેંદી હસનને મળવાનો ચાન્સ મળ્યો ત્યારે મેં એ ચાન્સ ઝડપી લીધો હતો. હસનસાહેબને મળવાનો મને અનેક વખત લાભ મળ્યો છે, તેમની સાથે ઘણી વાતો કરવાની તક પણ મળી છે અને તેમની સાથે સંબંધો પણ બન્યા છે. અમારા સંબંધોમાં એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો પણ બન્યો હતો, જેની વાત મારે આજે કરવી છે.
બન્યું એવું કે મહેંદી હસનસાહેબની ઇન્ડિયા ટૂર હતી. વાત ૧૯૯૪ની છે અને તેઓ આપણે ત્યાં ત્રણેક કૉન્સર્ટ કરવાના હતા. આ કૉન્સર્ટ માટે તેઓ ઇન્ડિયા આવ્યા. એ અગાઉ અમે એકબીજાને ઓળખતા થઈ ગયા હતા. હું તેમને મળ્યો હતો એટલે તેઓ મારા નામથી પરિચિત ખરા. બન્યું એવું કે અહીં આવતી વખતે ટ્રાન્સિટ દરમ્યાન તેમનું હાર્મોનિયમ તૂટી ગયું. અમુક કી કામ ન કરે અને બરાબર પર્ફોર્મન્સ પણ ન આપે. હાર્મોનિયમ વિના તો શો શક્ય પણ ન બને. હવે કરવું શું?
મહેંદી હસન મૂંઝાયા. આ મૂંઝવણ શું કામ હતી એની તમને વાત સમજાવું. બૅટ્સમૅન ક્રિકેટના મેદાનમાં ઊતરે એ પહેલાં તે પોતાના બૅટ પર બરાબર હાથ જમાવી દે અને હાથ જામી જાય પછી જ તે એ બૅટ લઈને મેદાનમાં જાય. નવું બૅટ લઈને ગ્રાઉન્ડ પર જવાનો અર્થ જોખમ ઉઠાવવા જેવું છે. ક્રિકેટર માટે બૅટ પર હાથ બેસી જવો, હાથ જામી જવો બહુ જરૂરી હોય છે એવી જ રીતે અમારે માટે પણ હોય. હાર્મોનિયમ પર હાથ બેસી ગયો હોય, કી સાથે ફૅમિલિયર બની ગયા હોય તો એના પર પર્ફોર્મન્સ આપવાનું કામ સરળ બની જાય. કઈ કી પર કેવું દબાણ આપવાથી એનો સૂર કેવો આવશે એ એક સિંગર માટે જાણવું બહુ જરૂરી છે. મહેંદીસાહેબને મૂંઝવણ એ જ હતી કે જેના પર પોતાનો હાથ બેસી ગયો હતો એ જ તેમનું હાર્મોનિયમ તૂટી ગયું હતું. આ જ મૂંઝવણમાં બીજો ઉમેરો એ થતો હતો કે તેઓ જે કંપનીનું હાર્મોનિયમ વાપરતા હતા એ હાર્મોનિયમ ભાગ્યે જ સહેલાઈથી મળતું. ખાસ ઑર્ડર આપવામાં આવે તો જ એ પ્રોફેશનલ અને મહેંદીસાહેબ જેવા ઉચ્ચ દરજ્જાના સિંગર માટે હાર્મોનિયમ બનાવે.
હાર્મોનિયમ બનાવતી આ કંપનીનું નામ DS Ram Singh & Co.
મહેંદીસાહેબ ખરેખર મૂંઝવણમાં હતા અને એ જ સમયે અમારે મળવાનું થયું. વાતચીત દરમ્યાન થોડી વાર પછી મને એ વાતની ખબર પડી એટલે મેં જ તેમને કહ્યું કે જો તમને જોઈતું હોય તો હું મારું હાર્મોનિયમ આપું. હસનસાહેબે આભાર માન્યો અને કહ્યું કે એવી રીતે બીજા કોઈના હામોર્નિયમ પર તરત જ હાથ નહીં બેસે. બધી કંપનીની કી જુદી હોય, કઈ કી પર કેટલું પ્રેસર આપવું એનું સંયોજન પણ જુદું હોય અને કમ્પોઝિશન પણ જુદું હોય. મેં ધીમેકથી તેમને કહ્યું કે હું પણ આ જ કંપનીનું હાર્મોનિયમ વાપરું છું, તમને કદાચ અનુકૂળ આવી જાય તો...
મહેંદી હસન તો ખુશ થઈ ગયા, પણ પછી ફરીથી મૂંઝાઈ ગયા. મને કહે કે હું હાર્મોનિયમ લઈ જઈશ તો પછી તમે શું કરશો. મેં હસતાં-હસતાં જ કહ્યું, તમારી કૉન્સર્ટ સાંભળીશ અને ઘણું બધું તમારી પાસેથી શીખવાનું બાકી રહી ગયું છે એ શીખીશ. તેઓ પણ હસી પડ્યા, પણ પછી તેમણે નમ્રતા સાથે ના પાડી દીધી અને કહ્યું કે તમારું કામ અટકે એવું મારે નથી કરવું. આટલા મોટા કલાકારની નિખાલસતા અને ખેલદિલી જુઓ કે તેઓ પહેલાં એ જુએ કે મારે કારણે સામેની વ્યક્તિને કોઈ જાતની અગવડ ન પડવી જોઈએ. મિત્રો, કલાકાર માત્ર તેમની ક્ષમતાથી કે તેમની કળાથી જ મહાન નથી બનતા, પણ તેમની સૌમ્યતા અને તેમની સાલસતા તેમને મહાન બનાવવાનું કામ કરે છે. મહેંદી હસનસાહેબ એવા જ કલાકાર હતા અને આપણે ત્યાં અનેક એવા કલાકારો છે જેમની સાલસતા અને સૌમ્યતા જોઈને આજે પણ આપણને અચંબો થાય.
મેં તેમને સ્પષ્ટતા સાથે કહ્યું કે તમે જરા પણ મૂંઝવણ નહીં રાખો. મારી પાસે આ જ કંપનીનાં એક નહીં, બે હાર્મોનિયમ છે. મેં જ તેમને કહ્યું કે તમને જે હાર્મોનિયમ ફાવે એ તમે લઈ જાઓ, મારું કોઈ કામ અટકશે નહીં.
મેં જ મહેંદીસાહેબને વિનંતી કરીને કહ્યું કે આ બહાને તમે મારા ઘરે આવો અને જોઈ લો હાર્મોનિયમ. મહેંદીસાહેબ ઘરે આવ્યા. તેમણે હાર્મોનિયમ બધી રીતે જોઈ લીધું, હાથ પણ અજમાવી જોયો અને એ પછી તેઓ એક હાર્મોનિયમ પોતાની સાથે લઈ ગયા. થોડા દિવસો પછી તેમની ટૂર પૂરી થઈ એટલે તેમણે મને સામેથી જ પૂછી લીધું કે જો તને વાંધો ન હોય તો હું એ હાર્મોનિયમ મારી સાથે લઈ જાઉં. મને યાદ છે તેમના શબ્દો, તેમણે મને કહ્યું હતું, ‘મેરા હાથ બૈઠ ગયા હૈ ઇસ પર.’
ગુરુદક્ષિણા ક્યારેય માપી ન શકાય અને એની ક્યારેય કોઈ ગણતરી શક્ય પણ નથી. ગુરુએ તમને જે આપ્યું છે એનું મૂલ્ય કોઈ કાઢી ન શકે એટલે હું એમ તો નહીં કહું કે એ હાર્મોનિયમ એ મારી મહેંદીસાહેબને ગુરુદક્ષિણા હતી, પણ હા, હું એવું ચોક્કસ કહીશ કે એ હાર્મોનિયમ એ ગુરુદક્ષિણાનો એક ભાગ હતો અને એ મને જીવનભર યાદ રહેશે.

રિશ્તેદારી ઃ મહેંદીસાહેબને તેમનું હાર્મોનિયમ અત્યંત વહાલું હતું અને એ જ હાર્મોનિયમ ઇન્ડિયાની ટૂર દરમ્યાન બગડી ગયું. આ હાર્મોનિયમે અમારી વચ્ચે એક અલગ જ સંબંધ બાંધ્યા.

pankaj udhas columnists