પંચમિયા પરિવારમાં ચાર પેઢીથી ચાલી આવે છે ધર્મ અને કુળદેવીની પરંપરા

12 August, 2020 05:07 PM IST  |  Mumbai | Bhakti Desai

પંચમિયા પરિવારમાં ચાર પેઢીથી ચાલી આવે છે ધર્મ અને કુળદેવીની પરંપરા

મલાડમાં રહેતાં ૭૨ વર્ષનાં સકારાત્મક વ્યક્તિત્વ ધરાવતાં રંજનબહેન પંચમિયા, તેમના મોટા દીકરા પરાગ, પુત્રવધૂ સેજલ, પૌત્ર દેવ, નાનો દીકરો મેહુલ, વહુ પૂર્વી અને પૌત્ર રિધમ સંયુક્ત પરિવારમાં રહે છે.

મલાડમાં રહેતાં ૭૨ વર્ષનાં સકારાત્મક વ્યક્તિત્વ ધરાવતાં રંજનબહેન પંચમિયા, તેમના મોટા દીકરા પરાગ, પુત્રવધૂ સેજલ, પૌત્ર દેવ, નાનો દીકરો મેહુલ, વહુ પૂર્વી અને પૌત્ર રિધમ સંયુક્ત પરિવારમાં રહે છે. તેમના પતિ કિશોરભાઈનું ૧૧ વર્ષ પહેલાં નિધન થયું હતું. તેમની પુત્રી જિજ્ઞાસા વિપુલ ભાટિયાને બે બાળકો છે, ધ્રુવ અને ધર્મિલ. તેઓ પણ નજીકમાં જ રહે છે.
રંજનબહેનનો જન્મ અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં થયો હતો. તેઓ ૯ બહેનો અને ૪ ભાઈઓ હતાં. સમય જતાં આખો પરિવાર મુંબઈમાં સ્થાયી થઈ ગયો. તેઓ આગળ કહે છે, ‘હું ગામમાં આઠમા ધોરણ સુધી ભણી અને બહેન મુંબઈમાં કાંદિવલીના ઉપાશ્રયમાં રહેતી ત્યાં રહેવા આવી. ધીરે-ધીરે બધાં અહીં આવી ગયાં. એ સમયે મારું ભણતર ગામમાં થયું હતું. ત્યાં છોકરીઓ કન્યાશાળામાં અને છોકરાઓ કુમારશાળામાં ભણતાં. પણ મુંબઈનું ભણતર અને વિચારધારા બન્ને જુદાં હતાં. છોકરાઓ સાથે ઊઠવા-બેસવાની આદત ન હોવાને કારણે અહીં આગળ ભણવાનું મને ન ફાવ્યું.’
કરકસરમાં છે તાકાત
મોટા દીકરા પરાગભાઈ પોતાની મમ્મીના એક ખાસ ગુણનાં વખાણ કરતાં કહે છે, ‘મારાં મમ્મી ભલે વધારે ભણ્યાં ન હોય, પણ તેમના જેટલી સમજણશક્તિ ભાગ્યે જ કોઈ પાસે મળે છે. મારા પપ્પા જે થોડાઘણા પૈસા આપતા એમાંથી તે ખૂબ જ નાની રકમ બચાવીને ઘરમાં જ્યારે કોઈ મુસીબત હોય ત્યારે આખા ઘરને એ પૈસાથી સંભાળી લેતી હતી.’
નાના દીકરા મેહુલભાઈ પોતાની માતાના આ ગુણનો દાખલો આપતાં કહે છે, ‘હમણાં જ અમારે ટીવી લેવાની વાત ચાલી રહી હતી અને મારાં મમ્મીએ એમ કહ્યું કે આના પૈસા તો હું જ આપીશ. મને ગર્વ થાય છે કે લેટેસ્ટ ટેક્નૉલૉજીવાળું મોંઘું ટીવી લેવાના પૈસા મારાં મમ્મ્મીએ તેમની બચતમાંથી આપ્યા ત્યારે મને આવી નાની રકમની બચતમાં કેટલી શક્તિ છે એનાં સાક્ષાત દર્શન થયા એમ કહું તો ચાલે.’
કુળદેવીમાં શ્રદ્ધાની જ્યોત
પોતાના ધાર્મિક સ્વભાવની ઓળખ આપતાં રંજનબહેન કહે છે, ‘હું જ્યારે મુંબઈ આવી ત્યારે ઉપાશ્રયમાં રહેતી હતી. મને ધર્મ પ્રત્યેની લાગણી પહેલેથી જ હતી અને સદ્ભાગ્યે મારાં લગ્ન પણ એક ધાર્મિક પરિવારમાં જ થયાં. કુળદેવી વેરાઈ માતાજી પર મારા સસરાને અખૂટ શ્રદ્ધા હતી અને તેઓ જૂનાગઢમાં ખૂબ મોટી જવાબદારી સંભાળી રહ્યાં હતાં. મારા પતિ પણ એમાં એ સમયે જોડાઈ ગયા હતા.’
તેમના સસરાથી લઈને દીકરા સુધી ત્રણે પેઢી તેમનાં કુળદેવી શ્રી વેરાઈ માતાજીની સેવામાં જોડાયેલી છે અને હવે ચોથી પેઢી પણ વડીલોને અનુસરી રહી છે. પરાગભાઈ કહે છે, ‘આખા કુટુંબને અમારાં કુળદેવીના મૂળ સ્થાને વર્ષમાં એકાદ વાર ભેગા કરવાના લક્ષ્ય સાથે મારા મોહનલાલ દાદાએ કુટુંબની જાગૃતિ માટે પાયાના પથ્થર તરીકે કામ કરી સમાજના સભ્યો સાથે મળીને જૂનાગઢમાં અમારાં કુળદેવી વેરાઈ માતાજીનું મંદિર બનાવવાનું કાર્ય આદર્યું હતું. આને તમે કુટુંબપ્રેમ અને કુળદેવી પ્રેત્યેની શ્રદ્ધા બન્ને કહી શકો. હાલમાં આ શિખરબંધી મંદિર એટલું સરસ થઈ ગયું છે કે સ્થાનિક લોકો તો અહીં આવે જ છે, પણ દેશ-વિદેશથી કુટુંબીઓ પણ ખાસ દર્શન માટે આવે છે. મારા દાદા અને અન્ય મોભીઓએ વાવેલાં આ બીજ છે અને અમારું સદ્ભાગ્ય છે કે આ વટવૃક્ષની અમે ડાળીઓ છીએ.’
એ સમયના મંદિરની વાત કરતાં તેઓ આગળ કહે છે, ‘જૂનાગઢમાં જ્યારે આ કામ શરૂ કર્યું ત્યારે માત્ર એક ગોધા વાવ હતી, જેમાં શ્રી વેરાઈ માતાજીનો ગોખલો હતો. એ જગ્યા એટલી અવાવરું હતી કે લોકોને અહીં પગ મૂકતાં પણ ડર લાગે. ત્યાં સાપ પણ નીકળતા. રસ્તા સાવ કાચા હતા. થોડાક દાદરા ઊતરીએ એટલે હાલમાં જે મંદિર બનાવ્યું છે એ આવે અને એની નીચે ઊતરીને જાઓ એટલે વાવના દાદરા આવે. ગોધા વાવમાં પાણી રહેતું, પણ માહોલ એવો કે અંદર જવાની કોઈ હિમ્મત ન કરી શકે. મારા દાદા અને અન્ય છ-સાત કુટુંબીઓએ મળીને અહીં સફાઈ કરાવીને આનો વિકાસ કરવાની શરૂઆત કરી. વાવમાં જેમ-જેમ અંદર ઊતર્યા એમ રાજમહેલમાં જેવા થાંભલા હોય એવા અમુક સ્તંભ દેખાતા ગયા. આ સ્તંભ વાવમાં આજેય છે, પણ ખૂબ ઊંડે હોવાથી એ દેખાતા નથી. હાલમાં આ વાવમાં એટલું પાણી રહે છે કે દુકાળની પરિસ્થિતિ સર્જાય તો પણ ગામવાસીઓને અહીંથી પૂરતું પાણી મળી રહે છે અને અછત વર્તાતી નથી. નાનપણમાં જોયેલા આ સ્તંભ મને હજી યાદ છે. પછી અમારા સમાજના મોભી રસિકકાકાએ અન્ય મુખ્ય સભ્યો સાથે મળીને અહીં વેરાઈ માતાજીનું શિખરબંધી મંદિરનું નિર્માણ કર્યું. આ સમયે મારા દાદાની બીજી પેઢી એટલે મારા પપ્પા પણ આ ઝુંબેશમાં જોડાઈ ગયા હતા. નાનપણથી હું આ લોકોની મહેનત જોતો હતો તેથી હું છેલ્લાં અનેક વર્ષોથી આ વારસાને આગળ ધપાવી રહ્યો છું. આ સંમેલનમાં હવે હું સંચાલન પણ કરું છું. કુટુંબને સાથે લાવવા શ્રી પંચમિયા એકતા મંડળની સ્થાપના થઈ. અહીં દર ત્રણ વર્ષે એક ત્રણ-દિવસીય સંમેલન યોજાય છે જેમાં કારતક સુદ આઠમના વેરાઈ માતાજીનો હવન થાય છે. મારા દાદાના સમયે માત્ર પચાસ કુટુંબીઓ આ હવન-સંમેલનમાં આવતા હતા ત્યાં આજની તારીખમાં પંદરસો સભ્યો દેશ-વિદેશથી હાજરી પુરાવે છે. મારો દીકરો દેવ આમાં સ્વયંસેવક તરીકે કામ કરે છે અને રિધમને પણ એટલી જ આસ્થા છે. આમ માત્ર એકબીજાને જોઈને અમારાં કુળદેવીની કૃપાથી આ વારસો આગળ વધી રહ્યો છે.’
કુટુંબપ્રેમની ભાવના વિશે
રંજનબહેનનાં સાસુ-સસરા ગામમાં રહેતાં હતાં અને તેઓ મુંબઈમાં જેઠ-જેઠાણી સાથે રહેતાં હતાં. એ જ કારણોસર પહેલેથી જ પરિવારમાં કુટુંબપ્રેમની લાગણી સઘન રહી. તેમની બન્ને વહુઓનું પિયર પણ મોટા પરિવારવાળું હોવાથી બન્ને દીકરાઓના પરિવારમાં પણ એટલો જ સંપ અને પ્રેમ છે. મોટી પુત્રવધૂ સેજલ કહે છે, ‘બાળક જે જુએ છે એવા જ સંસ્કાર તેના મન પર પડે છે. મારા પિયરમાં મારા પપ્પાના ૯ ભાઈઓનો પરિવાર સાથે રહે છે. એક વાર હું નાની હતી અને એક વડીલે અમને સૌને સંબોધીને કહ્યું કે જાણો છો તમે આજે ત્રીસથી ચાલીસ સભ્યો સાથે જોડાયેલા કેમ છો? માત્ર બે જ શબ્દમાં તેમણે આખા કુટુંબના સંપનું રહસ્ય કહ્યું, જે શબ્દો હતા ‘લેટ ગો’. બસ, મારા મન પર એની એવી છાપ પડી ગઈ કે જીવનમાં સાથે રહેવું છે તો થોડું જતું કરવું જ જોઈએ અને બાળકોમાં પણ અમે આ જ સંસ્કાર આપીએ છીએ. મતભેદ હોય છે, પણ એ સમયે કોઈક વાર હું મારાં મમ્મી (સાસુ)ને દેવની બાજુ સમજાવવાનો પ્રયત્ન કરું અને ક્યારેક દેવને મમ્મીનો દૃષ્ટિકોણ સમજાવું. આમ બધા એક નિર્ણય પર આવીએ અને મનભેદ ન થવા દઈએ.’
સ્વતંત્રતાનું મહત્ત્વ
બાળમાનસની વાતને લઈને નાની પુત્રવધૂ પૂર્વી અહીં કહે છે, ‘બાળપણના અનુભવોનો પણ આપણા જીવન અને વ્યક્તિત્વ પર ખૂબ પ્રભાવ પડતો હોય છે. મેં નક્કી કર્યું હતું કે બાળકને કોઈ પણ વાત માટે તેની મરજી વિરુદ્ધ બળજબરી નહીં કરું. ધર્મના વારસાની જ વાત લઈએ તો મેં ક્યારેય રિધમને નથી કહ્યું કે તેણે અમે જે કરીએ છીએ એમાં જોડાવવું જ પડશે, પણ તેની શ્રદ્ધા પણ આપમેળે જ દૃઢ થઈ રહી છે.’
મળેલી સ્વતંત્રતાને કારણે રિધમ કોઈ જ દબાણ વિના પરિવારની પરંપરાઓને દિલથી અપનાવી શક્યો. આ વિશેનું દૃષ્ટાંત આપતાં તે કહે છે, ‘હું જ્યારે દસમાની પરીક્ષામાં સારા માર્કથી પાસ થયો હતો ત્યારે મને સામેથી જ લાગ્યું કે મારે મારાં કુળદેવી વેરાઈમાતાજીનાં દર્શન કરવા જૂનાગઢ જવું જોઈએ અને મેં આ ઇચ્છા વ્યક્ત કરી. મને જૂનાગઢના મંદિરના પરિસરમાં બેસવું ખૂબ ગમે છે. હું ત્યાં અત્યંત શાંતિ અનુભવું છું. મને મજા આવે છે એટલે જાઉં છું. અમને કોઈ વાતનું બંધન નથી.’

ગુજરાતી ગીતોની કળા

મારા પપ્પાને મિત્રો અને કુટુંબીઓએ ‘ઇન્સ્ટન્ટ ગઢવી’ નામ આપ્યું હતું એમ જણાવતાં મેહુલભાઈ કહે છે, ‘તેમની પાસે દુહા રચવાની આગવી કળા હતી. જો કોઈ તેમની પાસે આવી તેમને પોતાના ગામનું નામ અને ઓળખાણ આપે તો મારા ઇન્સ્ટન્ટ ગઢવી પપ્પા તેમના પર જાહેરમાં દોહો રચી નાખે અને ત્યાં જ ગાય. તેમની આ કળા થોડે અંશે પરાગભાઈમાં છે અને જ્યારે પણ તેઓ સંચાલન કરે છે ત્યારે લોકો તેમને આવીને કહે છે કે ‘મોરનાં ઈંડાંને ચીતરવાની જરૂર નથી હોતી.’ પપ્પાના વ્યવસાયને હું આગળ વધારી રહ્યો છું અને માતાજીના આ ભક્ત ધંધામાં પણ ખૂબ સારી ગુડવિલ ઊભી કરીને ગયા છે. તેમને માટે ધંધામાં એમ કહી શકાય કે સિર્ફ નામ હી કાફી હૈ.’
દુહા અને ગુજરાતી ગીતોનો શોખ ત્રીજી પેઢીના દેવમાં પણ બખૂબી ઊતર્યો છે. તે કહે છે, ‘ગુજરાતી ગીતો મારા દાદાને અંતરે વહાલાં હતાં. આ શોખ મારા પપ્પાને છે અને મારી પાસે પણ ગુજરાતી ગીતોનો ભંડોળ છે. મારા મિત્રોને આવાં ગીતોમાં રસ નથી, પણ મને તો કેટલાંય ગીતો મોઢે છે.’

bhakti desai columnists