‍કમ્ફર્ટ ઝોનની બહાર (લાઇફ કા ફન્ડા)

10 April, 2020 07:23 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

‍કમ્ફર્ટ ઝોનની બહાર (લાઇફ કા ફન્ડા)

એક રાજાને પાડોશી રાજાએ બે સુંદર રંગબેરંગી પોપટ ભેટમાં મોકલ્યા. રાજાને એ પોપટ બહુ ગમ્યા. તેણે પાડોશના રાજાને સામે અનેક ભેટ મોકલી અને આભાર વ્યક્ત કર્યો. રાજાએ પોતાના મહેલના બગીચામાં એક નાનકડા સૂકાયેલા ઝાડને સુંદર શણગારીને પોપટને ત્યાં બેસવાની તથા હરવાફરવાની ખાસ જગ્યા તૈયાર કરાવી. એ જગ્યા એવી હતી કે રાજા એને પોતાના કક્ષની બારીમાંથી જોઈ શકે. આ પોપટ માટે રાજાએ ખાસ તાલીમ આપનાર અને દેખભાળ કરનાર એમ બે માણસ રાખ્યા. ઘણો સમય પસાર થઈ ગયો. આ પોપટ રાજાને ખૂબ જ ગમતા એટલે દિવસમાં એક વાર તો રાજા એમને વહાલ કરવા જાય જ.

પોપટ મોટા થયા. એક પોપટ ખૂબ જ ઊંચી ઉડાન લગાવતા શીખી ગયો. આકાશમાં દૂર-દૂર સુધી ફરીને તે પાછો બગીચામાં આવી જતો, પણ બીજો પોપટ ઊડતો જ ન હતો. એ બગીચાની ખાસ પોપટો માટે શણગારેલી જગ્યામાં સૂકાયેલા ઝાડની ડાળી પર જ બેસી રહેતો. ત્યાં જ ખાવા-પીવાની વ્યવસ્થા હતી. દેખભાળ કરનાર બરાબર સંભાળ લેતો હતો એટલે એ પોપટને મજા હતી. એ ઊડવાની કોશિશ કરવા માગતો જ ન હતો. તાલીમ આપનારને રાજાએ પૂછ્યું, ‘આમ કેમ, એક પોપટ ઊડે છે અને બીજો નહીં? શું બીજા પોપટને કોઈ તકલીફ છે? તો આપણે ઇલાજ કરાવીએ.’
તાલીમ આપનારે કહ્યું, ‘રાજાજી, મેં બહુ મહેનત કરી, પણ એ ઊડવાનું શીખતો જ નથી.’
રાજાએ દૂર-દૂરથી પક્ષીઓના જાણકાર વૈદ્યોને બોલાવ્યા. બધાએ કહ્યું, ‘કોઈ તકલીફ તો નથી, પણ ખબર નથી પડતી કે આ પોપટ કેમ ઊડતો નથી.’
હવે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જે આ પોપટને ઊડતા શીખવશે તેને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે. ઘણા વિધવાનો આવ્યા, અનેક પ્રયત્નો કર્યા, પણ પોપટ ઊડતા ન જ શીખ્યો.
એક ગામડિયો આવ્યો અને તેણે કહ્યું, ‘મને પ્રયત્ન કરવા દો.’
રાજાએ હા પાડી અને બીજે દિવસે સવારે જ રાજાએ પોતાના કક્ષની બારીમાંથી એકસાથે બે પોપટોને ઊડતા જોયા. તેમને વિશ્વાસ ન થયો. રાજાએ તરત પેલા ખેડૂતને બોલાવ્યો અને પૂછ્યું, ‘તે એવું તે શું જાદુ કર્યું કે આ ક્યારેય ન ઊડતો પોપટ એક દિવસમાં ઊડવા લાગ્યો?’
ખેડૂતે સરળતાથી જવાબ આપ્યો, ‘કઈ નહીં રાજાજી, એ પોપટ જે ડાળી પર બેસી રહેતો હતો એ મેં કાપી નાખી અને ખાવા-પીવાની વ્યવસ્થા દૂર કરાવી દીધી. બસ એટલે પોપટે ઊડવું જ પડ્યું.’
આપણે બધા પણ આ બીજા પોપટ જેવા છીએ, જ્યાં સુધી બધું સહેલાઈથી પ્રાપ્ત હોય ત્યાં સુધી આપણને મહેનત કરવી નથી, આગળ વધવું નથી, કઈ શીખવું નથી. કમ્ફર્ટ ઝોનમાં જ્યાં બધું ઓછી મહેનતે સહેલાઈથી પ્રાપ્ત હોય ત્યારે એની બહાર નીકળવું આપણને ગમતું નથી. પણ હકીકતમાં કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીએ તો ઊંચી ઉડાન ભરી શકાય. કંઈક અઘરું પણ નવું શીખી શકાય. જીવનને નવી ક્ષિતિજો મળે. કમ્ફર્ટ ઝોનની બહાર જાતે પણ નીકળો અને સ્વજનો, નાના ભાઈ-બહેન અને સંતાનોને પણ કાઢો તો જ આગળ વધી શકાશે.

heta bhushan columnists