ઑનલાઇન એજ્યુકેશન શિક્ષણ કે શિક્ષા?

28 September, 2020 12:12 PM IST  |  Mumbai | Falguni Jadia Bhatt

ઑનલાઇન એજ્યુકેશન શિક્ષણ કે શિક્ષા?

કેટલીક સ્કૂલો તો વળી પીટી, ડાન્સ, બાસ્કેટ બૉલ, રોબોટિક્સ અને કોડિંગ જેવા ક્લાસિસ પણ ઑનલાઇન લઈ રહી છે.

કોરોનાના આ કપરા સમયમાં ઘણાં પરિવર્તન આકાર પામ્યાં છે, જેમાં શિક્ષણ ક્ષેત્રમાં ખરી પરીક્ષા શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમ જ વાલીઓની પણ લેવાઈ રહી છે. ભારતમાં આવો પ્રયોગ પ્રથમ વાર થઈ રહ્યો છે એટલું જ નહીં, અણઘડ રીતે ચાલી પણ રહ્યો છે. આમાં અંતે વિદ્યાર્થીઓ શું પામશે, કેટલું પામશે એ એક જટીલ સવાલ છે. આ એક અત્યંત સંવેદનશીલ વિષય હોવા છતાં એનો ઉપાય કોઈને દેખાતો નથી..

ચાર જ કલાકની નોટિસ પર દેશને લૉકડાઉનમાં મૂકવાના મહિનાઓ બાદ હવે દેશ ખાસ્સી હદે ખૂલી ગયો છે. ઘણાં શહેરોમાં મૉલ્સ અને રેસ્ટૉરાં પણ ચાલુ થઈ ગયાં છે. દેશની ઇકોનૉમીને કેવી રીતે રિવાઇવ કરવી જોઈએ એ વિશે આપણે ટીવી કે અખબારોમાં અનેક ચર્ચાઓ પણ વાંચી-સાંભળી લીધી છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી ઓછી ચર્ચા જેની થઈ હશે એ છે આપણા વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષણ પર કોરોનાની થયેલી અસરની. મોટા ભાગના વાલીઓને આપણે એમ કહેતા સાંભળ્યા હશે કે એક વર્ષ બાળકો નહીં ભણે તો પણ શું ફરક પડે છે? વાત સાચી છે, ખાસ ફરક પડતો નથી; કારણ કે ભારતમાં આપણે હજી પણ શિક્ષણને અંગ્રેજોની દૃષ્ટિથી જ જોઈએ છીએ જે ઘડવામાં જ આવ્યું હતું બ્રિટિશ વહીવટ ચલાવવામાં સહાયરૂપ થાય એવા કારકુનો તૈયાર કરવા માટે. તેથી આપણી માનસિકતા જ ઘડાઈ ગઈ છે કે ફટાફટ કોર્સ ખતમ કરો, સમયસર પરીક્ષા લઈ લો અને ઑનલાઇન ક્લાસિસમાં પણ બાળકોનો કસ કાઢી લો. છેલ્લા છ મહિનાથી બાળકો અને શિક્ષકો બન્ને લિટરલી ઑનલાઇન ભણી રહ્યાં છે. જ્યાં એક બાજુ શિક્ષકો બાળકોને ઑનલાઇન ભણાવવા માટે ટેક્નૉલૉજી ભણી રહ્યા છે ત્યાં જ બીજી બાજુ બાળકો શિક્ષકો અને મિત્રોની ગેરહાજરીમાં ઑનલાઇન, પણ અભ્યાસક્રમ તથા પરીક્ષા પર પરીક્ષાના મારા સામે ઝઝૂમી રહ્યા છે. કેટલીક સ્કૂલો તો વળી પીટી, ડાન્સ, બાસ્કેટ બૉલ, રોબોટિક્સ અને કોડિંગ જેવા ક્લાસિસ પણ ઑનલાઇન લઈ રહી છે.
બીજી બાજુ દેશનાં ગામડાંઓમાં રહેતાં કે સાવ ગરીબ બાળકો સરકારી સ્કૂલોમાં સાધનોની મર્યાદાને પગલે ઑનલાઇન ક્લાસિસ ભરી શક્યા નથી અને કદાચ ઘરે માસ્ક બનાવીને કે બીજી નાનીમોટી વસ્તુઓ બનાવી કુટુંબના માથે આવી પડેલી તંગીનો સામનો કરી રહ્યા છે. બીજી બધી બાબતોમાં સધ્ધર થવાનો પ્રયત્ન કરી રહેલું ભારત લૉકડાઉનના છ મહિના બાદ પણ શિક્ષણના મામલે અંધકારમાં અટવાયેલું છે.
અહીં શહેરોમાં જે વિદ્યાર્થીઓ ઑનલાઇન ભણી રહ્યા છે તેમની પરિસ્થિતિ પણ કંઈ સારી તો નથી જ. મોટા ભાગની શાળાઓ પોતાની ફીને યોગ્ય ઠેરવવા જે અભ્યાસક્રમ સ્કૂલમાં ચલાવવાના હતા એ જ અભ્યાસક્રમ ઑનલાઇન ચલાવવા બેસી ગઈ છે. કેટલાક કિસ્સાઓમાં તો વળી વાલીઓએ જ સામે ચાલીને સ્કૂલો પર દિવસના ૩-૪ કલાક ઑનલાઇન ક્લાસ લેવા દબાણ મૂક્યું છે, જેને પગલે તેમનાં બાળકો દિવસના એટલા કલાક વ્યસ્ત રહે અને તેમને પોતાનું કામ પૂરું કરવાનો સમય મળી રહે. વાસ્તવિકતા એ છે કે ઑનલાઇન શિક્ષણનો ન તો કોઈ પ્રોટોકૉલ કોરોના પહેલાં દેશમાં હતો, ન આજે છે. કઈ વયનાં બાળકોને કેટલા કલાક ઑનલાઇન ભણાવવાં એની જવાબદારી પણ રાજ્ય સરકારો તથા સ્કૂલોની મનમરજી પર છોડી દેવાઈ છે. બીજી તરફ દેશનાં ગામડાંઓમાં વિદ્યાર્થીઓ દિવસના છોડો, આખા સપ્તાહમાં ત્રણ-ચાર કલાક પણ ભણી શકતા નથી, કારણ કે ઑનલાઇન ભણાવવા માટે ત્યાંની શાળાઓ કે શિક્ષકો પાસે નથી ક્ષમતા કે નથી સાધનો.
આ વર્ષે આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે ફેલાયેલી આ અને આવી બીજી અનેક અરાજકતા માટે જવાબદાર છે બાળકો, તેમના શિક્ષણ તથા તેમની મનઃસ્થિતિ પ્રત્યેની આપણી પોતાની જ અસંવેદનશીલતા. વાસ્તવમાં તો કોરોના ક્રાઇસિસના સ્વરૂપમાં શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજો તથા સરકારો પાસે સદીઓ જૂના આપણા ખખડધજ શિક્ષણતંત્રને ધરમૂળથી પરિવર્તિત કરવાનો એક સુવર્ણ અવસર હાથમાં આવ્યો હતો. એક એવો અવસર, જ્યારે તેઓ બાળકોની માનસિક તાણ ઘટે તથા પ્રૅક્ટિકલ તથા એન્જૉયેબલ લર્નિંગ વધે એ પ્રકારની એક નવીન શિક્ષણ વ્યવસ્થા વિકસાવી શકે, વિદ્યાર્થીઓને ગોખણિયા જ્ઞાનનો ભાર તથા પરિક્ષાના ભયમાંથી મુક્ત કરી હસતા-રમતા જ્ઞાનની ગોળીઓ ખવડાવી શકે, તેમનામાં સામાન્ય જ્ઞાન તથા કરન્ટ અફેર્સ માટેની જિજ્ઞાસા જગાડી શકે, બાળકોને સકારાત્મક રીતે પ્રવૃત્ત રાખી શકાય એવી પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે.
પરંતુ આવું કંઈ કરવાને સ્થાને ઑનલાઇન અભ્યાસક્રમમાં સ્કૂલો એ જ શીખવાડવામાં લાગી ગઈ જે તેઓ સામાન્ય શાળાના દિવસોમાં શીખવાડતી આવી છે એટલું જ નહીં, પરીક્ષાઓ પણ એ જ રીતે લેવાઈ રહી છે જે રીતે હંમેશાંથી લેવાતી આવી છે. કેમ કોઈને એટલો પણ વિચાર ન આવ્યો કે સ્કૂલમાં મિત્રો અને શિક્ષકોની હાજરીમાં ભણવું તથા ઘરે એકલા કમ્પ્યુટરની સ્ક્રીનની સામે બેસીને ભણવામાં જમીન-આસમાનનો ફરક છે?
કૉર્પોરેટ વર્લ્ડમાં વૉટરકૂલર કૉન્વર્ઝેશન શબ્દ અતિ પ્રસિદ્ધ છે, જેનો અર્થ થાય છે ઑફિસના કલાકો દરમિયાન વચ્ચે પાંચ-દસ મિનિટનો બ્રેક લઈને ઑફિસની કૅન્ટીનમાં ચા પીતાં-પીતાં કે પછી વૉટરકૂલર પાસે પાણી પીતાં-પીતાં થતી ચર્ચાઓ. આ ચર્ચાઓ દરમિયાન ઑફિસના કર્મચારીઓ એકબીજા સાથે થોડી વાતચીત કરી તો ક્યારેક થોડી ગૉસિપ કરી હળવાશ મેળવી લેતા હોય છે. સામાન્ય દિવસોમાં વિદ્યાર્થીઓ પણ બે પિરિયડ વચ્ચે મળતા ગૅપમાં એકબીજા સાથે થોડી મજાકમસ્તી કરી આવી જ હળવાશ મેળવી લેતા હોય છે, પરંતુ ઑનલાઇન ક્લાસમાં આવું કશું જ શક્ય બનતું નથી. એકલું બાળક, એકલા રૂમમાં, એકલા કમ્પ્યુટર સામે માત્ર આંખો તાણીને બેઠેલું રહે છે. અરે, બે પિરિયડ વચ્ચે મળતા બે મિનિટના બ્રેકમાં પણ બાળકો જો ઝૂમ પર ચૅટ બૉક્સમાં એકબીજા સાથે કંઈ વાતચીત કરવાનો પ્રયત્ન કરે તો શિક્ષકો તેમને મીટિંગમાંથી કાઢી મૂકે છે અથવા વેઇટિંગ રૂમમાં મૂકી દે છે. જે બાળકોએ છેલ્લા છ મહિનાથી ઘરની ચાર દીવાલની બહાર પગ સુધ્ધાં મૂક્યો નથી તેમની સાથે આ પ્રકારની વર્તણૂક કઈ રીતે યોગ્ય પુરવાર થાય છે?
વાત-વાતમાં કોર્ટમાં અપીલ કરવા દોડી જતા દેશના નાગરિકોમાંથી કેટલાને સૂઝ્યું કે આ કોરોના કાળમાં બાળકોની શિક્ષણપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કોર્ટમાં અપીલ કરવી જોઈએ? આ બધી ઘટનાઓ સમાજ તરીકે આપણો અભિગમ તથા આપણી પ્રાથમિકતાઓ દર્શાવે છે. એક સમાજ તરીકે આપણે પોતાની જાતને એ પ્રશ્ન પૂછવાની જરૂર છે કે કદાચ જીવનના સૌથી લાંબા વેકેશનમાંના એક એવા આ કોરોના વેકેશનમાંથી આપણાં બાળકો જ્યારે બહાર નીકળશે ત્યારે શું શીખીને બહાર નીકળશે?

કોરોના ક્રાઇસિસના સ્વરૂપમાં શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજો તથા સરકારો પાસે સદીઓ જૂના આપણા ખખડધજ શિક્ષણતંત્રને ધરમૂળથી પરિવર્તિત કરવાનો એક સુવર્ણ અવસર હાથમાં આવ્યો હતો. એક એવો અવસર, જ્યારે તેઓ બાળકોની માનસિક તાણ ઘટે તથા પ્રૅક્ટિકલ તથા એન્જૉયેબલ લર્નિંગ વધે એ પ્રકારની એક નવીન શિક્ષણ વ્યવસ્થા વિકસાવી શકે, વિદ્યાર્થીઓને ગોખણિયા જ્ઞાનનો ભાર તથા પરિક્ષાના ભયમાંથી મુક્ત કરી હસતા-રમતા જ્ઞાનની ગોળીઓ ખવડાવી શકે, તેમનામાં સામાન્ય જ્ઞાન તથા કરન્ટ અફેર્સ માટેની જિજ્ઞાસા જગાડી શકે, બાળકોને સકારાત્મક રીતે પ્રવૃત્ત રાખી શકાય એવી પ્રવૃત્તિઓનું આયોજન કરી શકે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

falguni jadia bhatt columnists