એક ચિઠ્ઠી... (લાઇફ કા ફન્ડા)

09 March, 2020 05:25 PM IST  |  Mumbai Desk | Heta Bhushan

એક ચિઠ્ઠી... (લાઇફ કા ફન્ડા)

પ્રતીકાત્મક તસવીર

ઝેન ગુરુ કે ચુ. ખૂબ જ સરળ સ્વભાવ. બધાને પ્રેમથી મળે અને શિષ્યોને પણ એકસરખા પ્રેમભાવે બધું સમજાવે. નાના કે મોટા, ગરીબ કે તવંગર, પ્રતિષ્ઠિત કે સામાન્ય, હોશિયાર કે ઠોઠ બધા જ 

તેમની નજરમાં સરખા. બધા પર એકસરખો ભાવ. કોઈને ઉતારી ન પાડે અને કોઈને વધુ મહત્ત્વ આપે.
સાવ સરળ ઝેન ગુરુ દરરોજ સાંજે બે કલાક મુલાકાતીઓને મળે. ઝેન ગુરુ કે ચુ સાંજે એક ઓરડામાં બેસીને વાંચન કરે અને એક પછી એક મુલાકાતી આવે તો તેમનું નામ અને ગામ ચિઠ્ઠીમાં લખીને શિષ્ય અંદર લઈ જાય અને ઝેન ગુરુ કે ચુ તેમને મળે એમાં પણ એક જ રીત વહેલો તે પહેલો. કોઈનું મહત્ત્વ ઓછું કે વધારે નહીં.
એક દિવસ સાંજે મુલાકાતનો સમય હતો. ઘણા મુલાકાતીઓ હતા. શિષ્ય એક પછી એક ચિઠ્ઠી અંદર લઈ જતા હતા અને ઝેન ગુરુ કે ચુ બધાને ભાવપૂર્વક મળતા હતા. મુલાકાતીઓમાં કિઓટો શહેરના ગવર્નર કિતાગાકી આવ્યા. ગવર્નરને જોઈને શિષ્યોએ આવભગત કરી. વિચાર્યું કે ગવર્નરસાહેબને સીધા અંદર લઈ જાય, પણ ગુરુજીનો નિયમ ન તોડાય એટલે એક શિષ્યે નમ્રતાપૂર્વક ગવર્નરસાહેબને ‘વહેલો તે પહેલો’નો નિયમ કહ્યો અને નિયમ પ્રમાણે તેમનું નામ અને ગામ લખી આપવા ચિઠ્ઠી આપી. ગવર્નરસાહેબે રાહ જોવાની તૈયારી બતાવી અને ચિઠ્ઠીમાં લખ્યું કિઓટોના ગવર્નર કિતાગાકી અને ચિઠ્ઠી શિષ્યને આપી. એક પછી એક મુલાકાતીઓના વારા પ્રમાણે તેમની ચિઠ્ઠી લઈને શિષ્ય અંદર જતો અને પછી તેમને બોલાવતો. હવે ગવર્નરસાહેબનો વારો આવ્યો. શિષ્ય ચિઠ્ઠી લઈને અંદર ગયો. ઝેન ગુરુ કે ચુએ ચિઠ્ઠી વાંચી જેમાં લખ્યું હતું, ‘કિઓટો શહેરના ગવર્નર કિતાગાકી.’ ચિઠ્ઠી વાંચી ઝેન ગુરુએ શિષ્યને કહ્યું, ‘હું મળીશ નહીં. તેમને કહો કે ચાલ્યા જાય.’ શિષ્યને નવાઈ લાગી કે મુલાકાત માટે આવનારા દરેક નાનામાં નાના માણસને પણ ગુરુજી પ્રેમથી મળે છે અને કિઓટો શહેરના ગવર્નર કિતાગાકી પોતે રાહ જોઈ બેઠા છે અને તેમને મળવાની ના શું કામ પાડે છે. તે કાંઈ બોલ્યો નહીં, પણ અવઢવમાં બે ઘડી ઊભો રહ્યો. ગુરુજીએ કહ્યું, ‘જાઓ તેમને ચિઠ્ઠી પાછી આપી દો અને કહો, ‘હું મળવા નથી માગતો.’
શિષ્ય બહાર આવ્યો. ગવર્નરસાહેબના હાથમાં ચિઠ્ઠી આપતાં ધીમેકથી બોલ્યો, ‘ગુરુજીએ ચિઠ્ઠી પાછી મોકલાવી છે અને મુલાકાત આપવાની ના પાડી છે,’ કિઓટો શહેરના ગવર્નર કિતાગાકીએ ચિઠ્ઠી હાથમાં લીધી અને તેમને તેમની ભૂલ સમજાઈ ગઈ. તેમણે તરત એ ચિઠ્ઠી ફાડી નાખી અને બીજી ચિઠ્ઠીમાં લખ્યું ‘કિઓટોના કિતાગાકી’ અને ચિઠ્ઠી શિષ્ય સાથે ફરી અંદર મોકલી. એ ચિઠ્ઠી વાંચીને ઝેન ગુરુ કે ચુ પોતે ઊભા થઈને બહાર આવ્યા અને ‘કિતાગાકી આવ્યા છે. આવો-આવો’ કહેતાં બાળપણના દોસ્તનું સ્વાગત કર્યું.

heta bhushan columnists