એક ઉડાન (લાઇફ કા ફન્ડા)

23 February, 2021 01:28 PM IST  |  Mumbai | Heta Bhusha

એક ઉડાન (લાઇફ કા ફન્ડા)

એક ઉડાન (લાઇફ કા ફન્ડા)

ગરુડ પક્ષીઓનો રાજા અને એનો ખોરાક સાપ. ગરુડ ધરતી પર ચાલતા સાપનો શિકાર કરે. ઊંચે આકાશમાંથી ઊડતાં-ઊડતાં ઝીણી આંખે શિકારને જુએ, ચીલઝડપે નીચે ધરતી પર આવે અને પળવારમાં સાપને પોતાના પંજામાં પકડીને એક ઘડી પણ જમીન પર રોકાયા વિના ગરુડ તરત આકાશમાં ઊડી જાય.
ગરુડની આ શિકાર કરવાની રીત સમજવા જેવી છે. એ સાપ સાથે ક્યારેય જમીન પર ઝપાઝપી કરતું નથી. ગરુડ જમીન પર સાપને પકડી લીધા બાદ એક ક્ષણ પણ અટકતું નથી. એ જાણે છે કે જમીન પર સાપ એને ભારે પડી શકે છે. જમીન પર સાપ હોશિયાર અને તાકાતવર છે. સાપ એની પાંખોની આજુબાજુ ભરડો લગાવી એને અટકાવી શકે છે, પણ ગરુડ એમ થવા દેતું નથી. એ સાપ પર ત્રાટકીને તરત આકાશમાં ઊડી જાય છે. યુદ્ધનું સ્થળ જમીનમાંથી આકાશ થઈ જાય છે, જ્યાં સાપની તાકાત જમીન કરતાં સાવ ઓછી લગભગ નહીંવત્ થઈ જાય છે. આકાશમાં સાપ લાચાર અને નબળો થઈ જાય છે અને કોઈ રીતે સામનો કરી શકતો નથી. એની પાસે બચવાની કોઈ જગ્યા રહેતી નથી. આકાશમાં ઊડતી હવા વચ્ચે સાપ સમતોલન જાળવી શકતો નથી. સાપની શક્તિ અને તાકાત રહેતી નથી. આમ કરવાથી ગરુડ સાપ જેવા ઝેરીલા ઘાતક દુશ્મન સામે પણ જીતી જાય છે. ગરુડની જીતનું રહસ્ય છે પહેલો હુમલો કરવો. ચીલઝડપે હુમલો કરવો અને તરત લડાઈનું મેદાન બદલી નાખવું.
જીવનમાં ક્યારેય દુશ્મનો સામે એને અનુકૂળ સ્થળે લડવું નહીં જ્યાં એની તાકાત વધે. હંમેશાં યુદ્ધનું સ્થળ બદલી નાખવું. આપણે જીવનમાં અન્ય કોઈ દુશ્મન નહીં, પણ મનના વિકારો સાથે આ દુશ્મનો સામે લડવાનું છે અને મનના દુર્ગુણો ઝેરી સાપ જેવા તાકાતવર હોય છે, પણ એને હરાવવા એનાથી ડર્યા વિના મન મક્કમ કરીને ચીલઝડપે એકઝટકે એનાથી પીછો છોડાવવા સામેથી હુમલો કરવો અને મનના વિકારો એની મનગમતી જગ્યામાં વધે છે એટલે મોહમાયાથી ઉપર ઊઠીને આધ્યાત્મ અને સત્સંગના આકાશમાં મનને ઉડાન ભરાવવી. જ્યાં મનના વિકારોની તાકાત ઓછી થતી જાય છે અને પ્રભુ આપણી પ્રાર્થનાઓને સાંભળીને તરત એનો જવાબ આપી મનના વિકારોની શક્તિઓ ક્ષીણ કરી આપણને એના પ્રભાવથી બચાવે છે. અને છેલ્લે મન અને મનના વિકારોની લડાઈમાં શુદ્ધ સત્સંગ અને ભક્તિના આકાશમાં ઉડાન ભરતાં મનનો વિજય થાય છે.

heta bhushan columnists