એક કોરોના બદલે આપકી દુનિયા

10 April, 2020 07:18 PM IST  |  Mumbai Desk | Rashmin Shah

એક કોરોના બદલે આપકી દુનિયા

મંગળ પર પગ મૂકવાનાં પ્લાનિંગ ચાલી રહ્યાં હતાં. ટ્રાફિકને પહોંચી વળવા માટે ઊડતી કારની પરિકલ્પનાને કેવી રીતે સાકાર કરવી એના પર પણ સંશોધન શરૂ થઈ ગયું હતું. ચંદ્રયાન નવેસરથી બનાવીને ફરીથી ચંદ્ર પર જવા માટેની યોજના પેપર પર સાકાર થવા માંડી હતી. અક્ષય સહિત ત્રણ સુપરસ્ટારની ‘સૂર્યવંશી’ રિલિઝ થવાની તૈયારીમાં હતી અને કેટલા સો કરોડનો બિઝનેસ કરશે એના પર શરતો લાગવી પણ શરૂ થઈ ગઈ હતી. અમુક ઉદ્યોગ ગૃહ નવી એન્ટરટેઇનમેન્ટ ચૅનલ શરૂ કરવાના ફાઇનલ સ્ટેજ પર હતાં તો અમુક ઉદ્યોગ ગૃહ ચૅનલ ટેકઓવર કરાવવાનું પેપર વર્ક પૂરું કરવાના મૂડમાં હતાં. ઑલિમ્પિક્સની તૈયારીઓ પણ ચરમસીમા પર હતી તો કોઈક પ્રભુતામાં પગલાં પાડવાની દિશામાં આગળ વધી રહ્યાં હતાં. નવી ઑફિસો શરૂ થવાની હતી અને નવા પ્લાન્ટનું ઓપનિંગ પણ નક્કી હતું. બાલાજી અને ઇસ્કૉન સાથે મળીને ઇન્ડિયામાં લેઝને હંફાવવાનું આયોજન થયું હતું તો રિપબ્લિક ભારતના અર્નબ ગૌસ્વામ ડિજિટલ પ્લૅટફૉર્મ પર પદાર્પણ કરવાનું નક્કી કરીને ગુજરાતી સહિત સાત વેબ પ્લૅટફૉર્મની ડિઝાઇન તૈયાર કરાવવા માંડ્યા હતા. આ અને આવાં લાખો-કરોડો પ્લાનિંગ હાથવેંતમાં હતાં. દુનિયા મૂઠીમાં હતી અને તકલીફો પગ પાસે આળોટતી હતી. કુદરતને હંફાવવામાં મજા આવતી અને સૃષ્ટિને કબજામાં રાખવાનો આનંદ લેવાઈ રહ્યો હતો. સાહેબ, આપણે સર્વોપરી હતા કોરોના પહેલાં, પણ કોરોનાએ આવીને પુરવાર કર્યું કે સર્વોપરી તમે નહીં, સંજોગો છે. સર્વોચ્ચ તમે નહીં, સૃષ્ટિ છે. તાકાત ભલે તમારા બે હાથમાં હોય, પણ શક્તિશાળી તો હજાર હાથવાળો જ છે.

એક કોરોનાએ આખી દુનિયા બદલી નાખી છે અને આ બદલી નાખેલી દુનિયા જ્યારે રાબેતા મુજબની થશે, નિયમિત થશે કે પછી સૌકોઈ આઝાદી સાથે ફરીથી પોતાની લાઇફ જીવતા થશે ત્યારે પણ બદલાયેલી આ દુનિયા મહદ અંશે અકબંધ રહેવાની છે. ફૉરેનનું ભણતર હવે આવતાં દોઢ-બે વર્ષ સુધી સ્વપ્નિલ બની જશે. હવે બધું ભુલાવાનું નથી. હવે બધું યાદ રહેવાનું છે. યાદ રહેશે અને સતત પીછો પણ કરશે. કોરોનાએ વિચારો બદલ્યા છે તો વિચારધારા બદલવાનું કામ પણ હજી થઈ રહ્યું છે. કોરોનાએ જીવનમાં એક ઠહેરાવ આપવાનું કામ કર્યું છે. એક એવો ઠહેરાવ જે હવે ભાગદોડને બ્રેક આપશે. સમજદાર હશે, સમજણશક્તિ હશે તેના મનમાંથી રાગદ્વેષ નેસ્તનાબૂદ કરવાનું કામ પણ કોરોના કરશે અને કોરોના થકી જ સંબંધોમાં પણ સમજણનો ઉમેરો થશે. કોરોનાએ જિંદગી બદલવાની પ્રક્રિયા કરી છે અને જો કોરોનાના કારણે આવેલું લૉકડાઉન વધ્યું તો એ આર્થિક સંકડામણમાં વધારો કરી શકે છે, પણ મહત્ત્વનું એ છે કે એ સંબંધોની બાબતમાં વધારે સમજદારી આપવાનું કામ કરશે. ચોક્કસ કરશે અને જે એનો લાભ લઈ શક્યું એ પોતાના સંબંધોને સુવર્ણ સ્વરૂપ આપી શકશે.
કોરોનાએ માણસનું મહત્ત્વ સમજાવ્યું છે અને કોરોનાએ સંબંધોની આવશ્યકતા પણ સમજાવી છે. કોરોનાએ જ સમજાવ્યું છે કે લાઇફ મોંઘી નથી. ના, જરા પણ નહીં. મોંઘી અને બોજ ઉપાડવો અઘરો થતો એ લાઇફ નહીં પણ લાઇફસ્ટાઇલ હતી અને અત્યારની લૉકડાઉનવાળી લાઇફે સમજાવ્યું છે કે લાઇફસ્ટાઇલનું કોઈ મહત્ત્વ નથી. સોમવારે પહેરેલું ટીશર્ટ બુધવાર સુધી પરસેવાની બદબૂ નથી આપતું અને મંગળવારે બદલાવેલો ટ્રૅકસૂટ ગુરુવાર સુધી ચોળાતો નથી. જમવા માટે બેસીએ ત્યારે સમજાય છે ઑફિસમાં આવતાં ફૂડમાં જેટલા વાંધાવચકા નીકળતા એ ગેરવાજબી હતા. જમવા માટે બે રોટલીની આવશ્યકતા હતી, જેના બદલે બર્ગર અને પીત્ઝા અને જૂસ અને સમોસાં પાછળ દરરોજ ગેરવાજબી ખર્ચ થતો. સ્કિન હવે આપોઆપ ચમક આપવા માંડી છે અને વાળ પણ ખરતા અટકવા માંડ્યા છે. કોરોના સાહેબ, કોરોનાએ દુનિયા બદલવાનું શરૂ કરી દીધું છે. મહિને લાખ રૂપિયાની આવક પાતળી લાગતી અને છેલ્લા પખવાડિયામાં પાંચ હજારનો પણ ખર્ચ નથી થયો. એવું પણ નથી કે ઉધારી પર ચાલે છે. ના, જરા પણ નહીં. આ ઉધારીની કમાલ નથી, આ આવશ્યકતા ઘટવાની અસર છે અને ઘટેલી આ આવશ્યકતા પાછળ કોરોના જવાબદાર છે. યાદ રાખજો, આપત્તિનું રૂપ વિકરાળ હોઈ શકે, પણ એના ગર્ભમાં રહેલી હકારાત્મકતાને સ્પર્શવાની કોશિશ કરો તો એ આપત્તિ પણ સકારાત્મક પરિબળ આપી શકે. ટોબૅકોના કારણે આવેલા કૅન્સર સામે લડીએ તો તમાકુનું બંધાણ છૂટી શકે અને ફ્લુના કારણે હૉસ્પિટલાઇઝેશન સહન કરી લો તો દિવસમાં નાહકની પીવાઈ જતી બેચાર સિગારેટની આદત છૂટી જાય. કોરોનાના લૉકડાઉનમાં પણ આવી જ સકારાત્મકતા ભરેલી છે અને એ સકારાત્મકતાને તમારે ઓળખવાની છે. જો ઓળખી શક્યા તો એનો લાભ લઈ શકશો. જો પામી શક્યા તો જીવનને સુધારી શકશો પણ જો એ ઓળખવામાં થાપ ખાઈ ગયા તો લખી રાખજો; આ જ નહીં, આવતા દિવસો પણ તમને તકલીફ આપવાનું કામ કરી જશે. કોરોના સમય બદલવા નહીં, લાઇફ બદલવા આવ્યો છે. કોરોના સમય બગાડવા નહીં, ભવિષ્ય સુધારવા આવ્યો છે અને આ સુધારો જો તમારે જોવો હોય તો કોરોનાને આવકારીને આજના આ લૉકડાઉનને કુદરતના સાક્ષાત્કાર તરીકે લેજો. કુદરતનું મહત્ત્વ સમજાશે અને સૃષ્ટિનું મૂલ્ય સમજાશે. હજાર હાથવાળાની હયાતી પણ ઓળખાશે તો ક્યાંક અને ક્યાંક આ બે હાથમાં રહેલી લાચારીનો પણ અનુભવ થશે. હાર જીવનમાં આવશ્યક છે. મળેલી હાર જ નવી જીતની દિશા નક્કી કરતી હોય છે. ભૂલતા નહીં, શક્તિ જીતમાંથી પ્રાપ્ત થાય પણ સહનશક્તિ હાર અને નિષ્ફળતા પાસેથી શીખવા મળતી હોય છે. આ સહનશક્તિ ડેવલપ કરવાનો તબક્કો છે. જો આ તબક્કાને હસ્તગત કરી ગયા તો જીવનમાં ક્યારેય નહીં અટકો અને ક્યાંય નહીં અટકો.
ખરેખર.

coronavirus covid19 columnists Rashmin Shah